- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- ભારતના પ્રતિભાશાળી યુવા બેટ્સમેન શુબમન ગીલે 18 વર્ષ અને 217મા દિવસે 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરીકે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું
અ રે ! આટલી નાની વયના ખેલાડીમાં ડાબા હાથે આટલી જોશિલી અને દમદાર બેટિંગ કરવાની તાકાત ક્યાંથી હોય ? બિહારના સમસ્તીપુરમાં જન્મેલા અને હાલ રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલમાં રમતા વૈભવ સંજીવ સૂર્યવંશીની શક્તિ અને વયની સાથે પાકિસ્તાનના ક્રિકેટર જુનૈદ ખાનને સહેજે મેળ બેઠો નહીં અને એને સવાલ જાગ્યો કે તેર વર્ષનો છોકરો આટલે દૂર સુધી જોરદાર સિક્સર કઈ રીતે લગાવી શકે ? એના કાંડામાં આટલું બળ ક્યાંથી આવ્યું ? કાં તો એની ઉંમર ખોટી હશે અથવા તો બેટમાં કોઈ ચિપ્સ લગાડેલી હશે !
પણ હકીકતમાં ૨૦૨૫માં રાષ્ટ્રીય બાળપુરસ્કાર મેળવનાર અને ૨૦૨૬માં આઈસીસી અંડર-૧૯ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર વૈભવ સૂર્યવંશીની તાકાતે સહુને તાજ્જુબ કરી દીધા છે. સચ્ચાઈ એ છે કે સમસ્તીપુર જિલ્લાના તેજપુર ગામમાં જન્મેલા વૈભવે માત્ર ચાર વર્ષની વયથી એના પિતાની પ્રેરણાને કારણે ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું.
આઠમા વર્ષે તો એ ક્રિકેટ એકેડેમીમાં દાખલ થયો અને એકાંતરે દિવસે મનિષ ઓઝાની પટણામાં આવેલી ઝેનનેક્સ્ટ ક્રિકેટ એકેડેમીમાં જવા માટે સમસ્તીપુરથી એકસો કિમી. દૂર પટણા આવતો હતો. વેસ્ટ ઇન્ડિઝના વિક્રમશાળી બેટર બ્રાયન લારાને બેટિંગનો આદર્શ માનતા વૈભવે માત્ર બાર વર્ષ અને બસો ચોર્યાસી દિવસની વયે બિહાર તરફથી મુંબઈ સામે પ્રથમ કક્ષાની મેચમાં ભાગ લીધો. તેર વર્ષ અને બસો એકતાલીસમાં દિવસે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમ્યો. તો વળી વિજય હજારે ટ્રોફીમાં ૩૬ દડામાં સદી કરીને નવો વિક્રમ સર્જ્યો અને ચૌદ વર્ષ અને ત્રેવીસમા દિવસે એ આઈપીએલની મેચમાં ખેલનારો સૌથી નાનો ખેલાડી બન્યો. ગયે વર્ષે આઈપીએલમાં ચૌદ વર્ષ અને બત્રીસ દિવસની વય ધરાવતા વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે ૩૮ દડામાં ૧૦૧ રન કર્યા હતા. વૈભવની ઉંમર વિશે વિવાદ જાગતા એની સાચી ઉંમર જાણવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે 'બોન ડેન્સિટી ટેસ્ટ' કરાવ્યો અને એમાં એની ઉંમર પ્રમાણિત થઈ.
આજે આ યશસ્વી જયસ્વાલ ૫૨ સહુની નજ૨ છે અને એથીયે વિશેષ તો મારે તમને ભારતીય ક્રિકેટમાં આવેલા પણ નજરે નહીં ચડેલા કેટલાંક પરિવર્તનોની વાત કરવી છે. એ દિવસને યાદ કરીએ કે જ્યારે ૧૯૮૯ની ૧૫મી નવેમ્બરે ભારતના સચિન તેંડુલકરે સોળ વર્ષ અને બસો પાંચ દિવસની વયે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. એ પૂર્વે તેંડુલકરનું નામ જાણીતું હતું અને સત્તરમા વર્ષે તો ટેસ્ટમાં સદી કરી અને વીસમા વર્ષે પહોંચે તે પહેલાં એ પ્રભાવશાળી બેટર બની ચૂક્યો હતો.
ભારત રત્નની આ રમતે દેશના જનમાનસ પર એવો પ્રભાવ પાડયો કે ટીનેજર ખેલાડીઓ ક્રિકેટમાં ઝડપથી આગળ આવવા લાગ્યા અને એ બધા એમની ઝંઝાવાતી બેટિંગથી મેદાન પર જ્વાળામુખીના વિસ્ફોટની જેમ ખેલવા લાગ્યા અને પ્રેક્ષકો એમને વધુ જુસ્સો જગાડવા લાગ્યા. બીજી બાજુ ૨૦૦૫ની બીજી ડિસેમ્બરે ઝારખંડમાંથી આવતો મહેન્દ્રસિંહ ધોની શ્રીલંકા સામે ચેન્નાઈમાં પોતાની પહેલી ટેસ્ટ રમ્યો અને એ જ સમયથી ભારતીય ક્રિકેટમાં એક એવું પરિવર્તન આવ્યું કે નાનાં નાનાં શહેરો, ગામડાંઓ અને કસબાઓમાંથી ક્રિકેટરો આગળ આવવા લાગ્યા અને રાષ્ટ્રીય ક્રિકેટ પર છવાઈ જવા લાગ્યા.
એક સમયે પહેલાં મુંબઈ અને એ પછી ચેન્નાઈનો ભારતીય ક્રિકેટમાં દબદબો હતો, પણ હવે એવું પરિવર્તન આવ્યું છે કે વીસ વર્ષથી નાના ખેલાડીઓનો વિચાર કરીએ તો આસામના ગૌહત્તીમાંથી રિયાન પરાગ દાસ મળે છે, પંજાબના ફિઝલકામાંથી શુબમન ગીલ, મહારાષ્ટ્રના વિરારમાંથી પૃથ્વી શો અને ઉત્તર પ્રદેશના નાનકડા ગામમાંથી યશસ્વી જયસ્વાલ મળે છે.
આમ ભારતીય ક્રિકેટમાં નાની વયના ખેલાડીઓની સાથોસાથ દૂર દરાજના ગામોમાંથી આવનારા ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ કામયાબી મેળવી રહ્યા છે. એમાં તેર દડામાં અડધી સદી કરનાર યશસ્વી જયસ્વાલ નજરે પડે છે. જ્યારે રનનો ઝંઝાવાત જગાવે છે, ત્યારે વિરોધી ટીમના ગોલંદાજોને વિમાસણમાં મૂકી દે છે. ટેસ્ટ, વન-ડે અને ટી-ટ્વેન્ટી આ ત્રણેયમાં ખેલનારો આ ખેલાડી પોતાના પ્રથમ ટેસ્ટ દાવમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સદી નોંધાવી ચૂક્યો હતો.
આ ડાબોડી ઓપનર ૨૦૨૪માં ઇંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી ચૂક્યો છે. હાર્ડવેરની દુકાન ધરાવતા ભૂપેન્દ્ર જયસ્વાલનો આ પુત્ર ક્રિકેટની તાલીમ લેવા માટે દસમા વર્ષે મુંબઈ આવ્યો અને આઝાદ મેદાન પર ક્રિકેટની તાલીમ લેવા માંડયો. એક ડેરી શોપમાં કામનાં બદલામાં એને રહેવાનું મળ્યું, પરંતુ એ પછી પ્રેક્ટીસ કરી શકે એ માટે એ આઝાદ મેદાનનાં ગ્રાઉન્ડમેનના ટેન્ટમાં રહેતો હતો અને પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ રીતે ક્રિકેટની પ્રેક્ટિસ કરનાર યશસ્વી પર શાંતાક્રૂઝમાં ક્રિકેટની એકેડમી ચલાવતા જ્વાલાસિંઘની નજર પડી. જ્વાલાસિંઘ એના કાયદેસરના ગાર્ડિયન બનીને એનો પાવર ઓફ એટર્ની મેળવ્યો અને યશસ્વી એના ત્યાં રહેવા લાગ્યો.
એ પછી યશસ્વી ઘણી યશોદાયી સિદ્ધિઓ મેળવતો ગયો. એક શ્રેણીમાં વીસ સિક્સર લગાવનારો એ પહેલો ખેલાડી બન્યો. બાવીસ વર્ષની વયે પાંચસો ૨ન નોંધાવનારો એ બીજો ખેલાડી બન્યો અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરિઝમાં સૌથી વધુ રન નોંધાવનારો ભારતીય ખેલાડી બન્યો. એ પછી એને નામે અનેક કામિયાબીઓ નોંધાતી ગઈ. ૩૦ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે એણે ૬૨ દડામાં ૧૨૪ ૨ન કર્યા હતા. તો એ જ વર્ષે ૧૩ દડામાં એણે અડધી સદી કરી હતી અને આમ યુવાન જયસ્વાલની મહેનત રંગ લાવી રહી છે. એણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ૧૩ બોલમાં ૫૦ રન કરીને આઈપીએલની સૌથી ઝડપી અડધી સદીનો વિક્રમ સ્થાપ્યો છે.
ભારતના પ્રતિભાશાળી યુવા બેટ્સમેન શુબમન ગીલે ૧૮ વર્ષ અને ૨૧૭મા દિવસે ૨૦૧૮માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરીકે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું. એનું આબાદ ટાઇમિંગ અને દડો ફટકારતી વખતનું બેલેન્સ એની આગવી વિશેષતા છે. એના ફ્રન્ટ ફૂટ કવર ડ્રાઈવ જોવા એ તો એક લ્હાવો છે અને એ જ્યારે શોર્ટપીચ દડાને સહેજ લેટ ૨મીને કટ કે પૂલ શોટ લગાવે તે જોઈને પ્રસન્ન થઈ જવાય છે.
આજે ગુજરાત ટાઇટન્સના સુકાની તરીકે ખેલી રહેલો પંજાબી ગીલ ચકજયમલસિંઘ વાલા નામના નાનકડા ગામમાંથી આવે છે. એના ખેડૂત પિતા લખવિંદરસિંઘને ક્રિકેટર થવાની ઇચ્છા હતી, પરંતુ એ ઇચ્છા એમણે પુત્રને તાલીમ આપીને પૂરી કરી. દિવસના પાંચસોથી સાતસો દડા ગીલ સામે ફેંકતા અને ગીલ એનો જવાબ વાળતો હતો. ગીલને આપણા સૌરાષ્ટ્રના કરસન ઘાવરીનો સાથ મળ્યો. એણે એની તાકાત જોઈ અને એને કારણે પંજાબની ચૌદ વર્ષથી નાની વયના ખેલાડીઓની ટીમમાં ગીલનો સમાવેશ થયો હતો.
ગીલને યાદ કરીએ, ત્યારે એનો બાળપણનો દોસ્ત એવા આજના ઝંઝાવાતી બેટ્સમેન અભિષેક શર્મા પણ યાદ આવે. જેમની ઓપનિંગ જોડી સમર્થ ગોલંદાજોને મૂંઝવી દેતી હતી. શુબમન ગીલ એક પછી એક વિક્રમ હાંસલ કરતો ગયો અને આજે ભારતીય ટીમનો અગ્રણી ખેલાડી જ નહીં, પણ નેતૃત્વની નાની મોટી જવાબદારી પણ સંભાળી રહ્યો છે.
આ ટીનેજર ખેલાડીઓમાં રિયાન પરાગ સદ્નસીબ અને કમનસીબ બંને છે. આસામના આ ઓલ રાઉન્ડરના પિતા પ્રથમ કક્ષાનું ક્રિકેટ ખેલતા હતા. મહેન્દ્રસિંહ ધોની સાથે પણ એમના ટીમના સાથી તરીકે પરાગ દાસ રમ્યા હતા અને રિયાનના માતા મિથુ બરુઆ એક સમયે સ્વિમીંગમાં રાષ્ટ્રીય વિક્રમધારક હતા. ચૌદ વર્ષનો રિયાન કદાચ રણજી ટ્રોફી ખેલનાર સૌથી નાનો ખેલાડી બની શક્યો હોત, પરંતુ રાજ્યના કોચ સાથે મેળ ન પડતા એની પસંદગી થઈ નહીં. એ પછી આસામ તરફથી રણજી ટ્રોફીમાં ખેલવાની તક મળી. બીજી સ્પર્ધાઓમાં રિયાન કામયાબી મેળવતો હતો અને સાથોસાથ પ્રત્યેક ટીમ સામે સિક્સર લગાવતો જતો હતો. ૨૦૨૩- ૨૪માં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન ખડકના૨ની સાથોસાથ એ સૌથી વધુ સિક્સર લગાવનારો બન્યો, ૫૧૦ રન કર્યા અને ૪૦ સિક્સર લગાવી.
૨૦૨૫ના જૂન મહિનામાં નામિબિયા જનારી આસામ ક્રિકેટ ટીમમાં એની કેપ્ટન તરીકે વરણી થઈ હતી, પરંતુ પોતાના અંગત કારણોસર એ જઈ શક્યો નહોતો અને તેથી જેમ અગાઉ તક ચૂકી ગયો હતો
એ રીતે ફરી તક ચૂકી ગયો. અંડર-૧૯ના કોચ રાહુલ દ્રવિડ પાસેથી રિયાનને ઘણું પ્રોત્સાહન મળ્યું અને ૨૦૨૪ની આઈપીએલમાં તો આ પ્રથમ કક્ષામાં ક્રિકેટ નહીં રમનારો બેટર આઈપીએલમાં સૌથી વધુ રન કરનારો ખેલાડી બન્યો. ઝિમ્બાબ્વે જનારી ટીમમાં જ્યારે રિયાનની પસંદગી થઈ, ત્યારે એ ભારતના ઉત્તર-પૂર્વ ભાગનો અને આસામનો આવી પસંદગી પામનારો પ્રથમ ખેલાડી બન્યો. રિયાન બેટરની સાથે જમણા હાથે લેગ બ્રેક અને ઓફ બ્રેક ગોલંદાજી કરી શકે છે અને તેથી ૨૦૨૨-૨૩માં એને ભારતની ડોમેસ્ટીક સિઝનમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે 'લાલા અમરનાથ બેસ્ટ ઓલરાઉન્ડર'નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
રિયાનની સાથે પૃથ્વી શોને પણ યાદ કરવો પડે, કારણ કે બંને સાથે ૨મ્યા છે અને પોતાના ક્રિકેટ જીવનમાં સતત ચડતી-પડતી અનુભવી છે. ઝંઝાવાતી બેટિંગથી એણે વીસ વર્ષની ઉંમર પહેલા જ આઈપીએલમાં પ્રવેશ કર્યો. ૨૦૨૦-૨૧માં વિજય હજારે ટ્રોફી અને ૨૦૨૧-૨૨માં રણજી ટ્રોફીમાં મુંબઈનું સુકાનીપદ સંભાળીને ટીમને છેક ફાઈનલ સુધી લાવ્યો હતો, પરંતુ ગયા વર્ષે આ સમર્થ ખેલાડી ઓછી પ્રેક્ટિસ કરવા લાગ્યો અને એની એકાગ્રતા ગુમાવી બેઠો. આનું પરિણામ એ આવ્યું કે ૨૦૨૫ની આઈપીએલના એક્શનમાં કોઈ એને ખરીદનાર ન મળ્યું.
૨૦૧૩ના નવેમ્બરમાં હેરિસ શિલ્ડમાં ૩૩૦ દડામાં ૫૪૬ રન કરનાર અને છ કલાક અને સાત મિનિટ સુધી ખેલનાર પૃથ્વી શોની કામયાબીએ સહુનું ધ્યાન ખેંચ્યું. આ જ હેરિસ શીલ્ડની ટૂર્નામેન્ટમાં ૧૯૮૮માં ૩૨૬ ૨ન ક૨ના૨ સચિન તેંડુલકરે માત્ર ચાર દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને એ સમયે સહુની નજ૨ પૃથ્વી શો પર ઠરી હતી, પણ એકાગ્રતાનો અભાવ અને ટેનિકની નબળાઈ દૂર કરવાની ઉદાસીનતાએ એને સફળતા અપાવી નહીં, પરંતુ નાની વયે આઈપીએલ દ્વારા સર્વત્ર છવાયેલા આ બેટ્સમેને એમની આક્રમકતાથી આજે સહુનું ધ્યાન ખેંચી રહ્યા છે.
મનઝરૂખો
સાપેક્ષતા સિદ્ધાંતના સ્થાપક આલ્બર્ટ આઇન્સ્ટાઇન(જ. ઈ. ૧૮૭૯-અ. ઈ. ૧૯૫૫)ને મળવા માટે એમના એક મિત્ર આવ્યા. ઘણા લાંબા સમય સુધી જુદા જુદા વિષય પર ચર્ચા કર્યા પછી એમના મિત્રએ કહ્યું, ''આજે વિજ્ઞાને એક એકથી ચડિયાતાં સુખ-સુવિધાનાં સાધનો બનાવવામાં અપૂર્વ સફળતા મેળવી છે. આંખના પલકારામાં ઘણું લાંબું અંતર પસાર થઈ શકે છે અને થોડી જ ક્ષણોમાં આપણી સઘળી જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે, તેમ છતાં કોણ જાણે કેમ સમાજમાં અશાંતિ, અસંતોષ, કલહ અને દુવૃત્તિઓ અગાઉ કરતાં અત્યારે વધુ ફેલાઈ ગયેલી જોવા મળે છે. અપાર સુખ-સુવિધા મળતાં માનવીએ પ્રસન્ન રહેવું જોઈએ અને છતાંય એના મનને કેમ ક્યાંય શાંતિ કે સંતોષ નથી ? આનું કારણ શું ?''
મિત્રની વાત અને વેદના સાંભળીને આઇન્સ્ટાઇને કહ્યું, ''મિત્ર ! આપણે શરીરને સુખ અને સુવિધા પહોંચાડનારાં અનેક પ્રકારનાં સાધનો શોધવામાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી છે; પરંતુ જીવનમાં સાચાં સુખ-શાંતિ તો આંતરિક આનંદથી પ્રાપ્ત થાય છે. શું આપણે માનવતાની એવી કોઈ ઇન્ડસ્ટ્રી કરી છે ખરી કે જ્યાં લોકોની અંદર મરી રહેલી સંવેદનાઓને જીવિત કરી શકીએ ? એમના હૃદયમાં ત્યાગ, મમતા, કરુણા, પ્રેમ આદિને ઉત્પન્ન કરી શકીએ ? શું આપણી પાસે માનવીના મન અને મસ્તિષ્કને આનંદ આપી શકે એવાં સાધનોનું નિર્માણ કરતું કારખાનું છે ખરું ?''
આઇન્સ્ટાઇનની વાત સાંભળીને એમના મિત્ર વિમાસણમાં ડૂબી ગયા. થોડો સમય વિચાર્યા બાદ એમણે આ મહાન વિજ્ઞાની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં કહ્યું, ''આપ એ તો કહો કે માનવતાના કારખાનાનું નિર્માણ કઈ રીતે સંભવિત થાય ? માનવીય ભાવનાઓ તો માનવમાં જીવતી હોય છે, મશીનની અંદર નહીં.''
આ સાંભળીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ''વાહ રે દોસ્ત ! તમે તદ્દન સાચી વાત કરી. અશાંતિ કે અસંતોષ દૂર કરવા માટે આપણે લોકોમાં માનવતાની ભાવના જાગૃત કરવા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ભૌતિક સાધનોથી ક્યારેય સુખ-શાંતિ મળી શકતી નથી.''


