Get The App

'મિસિંગ સાયન્ટિસ્ટ્સ' : અમેરિકા અને ચીન વચ્ચે 'મૌન યુદ્ધ' ચાલી રહ્યું છે?

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
'મિસિંગ સાયન્ટિસ્ટ્સ' : અમેરિકા અને ચીન વચ્ચે 'મૌન યુદ્ધ' ચાલી રહ્યું છે? 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ઇ ન્ટરનેટ ઉપર એક મજાક વર્ષોથી વાયરલ છે : 'કેન્સર સંશોધનમાં મોટી સફળતા મેળવનાર કોઈ પણ વિજ્ઞાની સાથે ક્યારેય એ જ ફ્લાઇટમાં બેસશો નહીં. તમારી ફ્લાઇટ 'કમનસીબે' ક્રેશ થઈ જશે.' આ મજાક એટલી જૂની છે કે જ્યારે પણ મોટી સંખ્યામાં વિજ્ઞાન જગત સાથે જોડાયેલા વ્યક્તિઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામે અથવા ગાયબ થાય, ત્યારે ઇન્ટરનેટના કલ્પનાશીલ દિમાગ આપોઆપ તપાસ શરૂ કરી દે છે. છેલ્લા કેટલાંક સમયથી અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધ ધરાવતા વિજ્ઞાનીઓના મૃત્યુ અને અદ્રશ્ય થવાની ઘટનાએ એક સંપૂર્ણ ઘટનાક્રમને જન્મ આપ્યો છે. ત્યારથી કોન્સ્પિરસી થિયરી ઊભી થઈ છે. આ વાતની ગંભીરતા એટલી છે કે 'અમેરિકન સ્થાનિક તપાસ એજન્સી, એફબીઆઈએ આવી ઘટનાઓની સમીક્ષા શરૂ કરી દીધી છે.' વ્હાઇટ હાઉસે લોકોના પ્રશ્નોના પૂછવા લાગ્યાં છે. અમેરિકન કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જવાબદાર વ્યક્તિઓ પાસે જવાબો માંગ્યા છે. સામે પક્ષે ઓનલાઈન મીડિયામાં વિવિધ થિયરીઓનો મહાજ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ચીઈનીઝ જાસૂસી, રશિયન હત્યારાઓ, UFO કવર-અપ, કોઈ શેડો પ્રોગ્રામ? અવનવા તુક્કાઓ ઓનલાઇન રજૂ થઇ રહ્યાં છે. આખરે  હકીકત શું છે?

રહસ્યમય રીતે ગાયબ વિજ્ઞાનીઓ

૨૭ ફેબુ્રઆરી, ૨૦૨૬. ન્યૂ મેક્સિકોનો બર્નાલિલો કાઉન્ટી.વિલિયમ 'નીલ' મેકકેસલેન્ડ, ૬૮ વર્ષ. રિટાયર્ડ એરફોર્સ મેજર જનરલ ચાલતા ફરવા નીકળ્યા પછી ક્યારેય ઘરે પાછા ફર્યા નથી. સુસાન મેકકેસલેન્ડ વિલ્કરસન પોતાના ઘરે પાછી આવી ત્યારે તેનો પતિ ગાયબ હતો.  ઘરમાંથી વસ્તુઓ મળી: ફોન, તેમના ચશ્મા, અને સોનેરી યાદો. તેમનાં ઘરેથી ગુમ થયેલી એક વસ્તુ એટલે : ૩૮-કેલિબર રિવોલ્વર. જનરલ મેકકેસલેન્ડ કોઈ સામાન્ય રિટાયર્ડ અધિકારી ન હતા. રાઈટ-પેટરસન એર ફોર્સ બેઝ પર એર ફોર્સ રિસર્ચ લેબોરેટરીના ભૂતપૂર્વ કમાન્ડર હતાં. તેઓ એક સમયે ઇં૨.૨ બિલિયનના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રોગ્રામનું સંચાલન કરતા હતા. તેમને શોધી કાઢવા માટે સિલ્વર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. 

જુલાઈ ૨૦૨૩ : માઈકલ હિક્સ, NASAના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના ગ્રહ સંરક્ષણ વિજ્ઞાની , જે ધૂમકેતુઓ અને એસ્ટરોઈડ્સમાં નિષ્ણાત હતા, તેમનું ૫૯ વર્ષની વયે મૃત્યુ થયું. તેમની પુત્રી જુલિયા અનુસાર, તેઓ તેમના મૃત્યુ પહેલાં તબીબી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.

મે અને જૂન ૨૦૨૫ : લોસ અલામોસ નેશનલ લેબોરેટરીના બે કર્મચારીઓ અઠવાડિયાના અંતરમાં ગાયબ થયા. જેમાંથી એક : મેલિસા કેસિયાસ, ૫૩, તાલ્પા, ન્યૂ મેક્સિકો નજીક હાઈવે પર ચાલતી જોવા મળી હતી, તેણે તેની અંગત વસ્તુઓ ઘરે છોડી દીધી હતી. તેનો ફોન મોબાઈલ ફેક્ટરી-રીસેટ કરેલો મળ્યો હતો. ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસ તેમને 'ગૂમ અને જોખમમાં' વ્યક્તિ તરીકે વર્ગીકૃત કર્યા છે. 

જૂન ૨૦૨૫ : મોનિકા રેઝા, ૬૦, એક એરોસ્પેસ ,જે JPLના મટિરિયલ્સ પ્રોસેસિંગ ગુ્રપનું નેતૃત્વ કરતા હતા, એન્જલસ નેશનલ ફોરેસ્ટમાં હાઈકિંગ દરમિયાન ગાયબ થયા. સાક્ષીઓએ કહ્યું કે 'છેલ્લી વાર તેઓ તેમના સાથીની માત્ર ૩૦ ફૂટ પાછળ હસતા અને હાથ હલાવતા જોવા મળ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૫ : પ્રોફેસર નુનો એફ જી લોરીરો, ૪૭, MITના પ્લાઝ્મા સાયન્સ એન્ડ ફ્યુઝન સેન્ટરના ડિરેક્ટર, બોસ્ટન નજીક હુમલાખોરે ગોળીઓ મારીને હત્યા કરી હતી. 

 વિજ્ઞાનીઓ સાથે સત્ય પણ ગાયબ!

કેટલાક નિષ્ણાતોના મત મુજબ વિજ્ઞાનીઓના હત્યારાઓ અને અમેરિકાના દુશ્મનો એક જ છે. ચાર વર્ષમાં  સંવેદનશીલ ક્ષેત્ર સાથે સંકળાયેલ  વ્યક્તિઓના મૃત્યુ અને ગુમ થવાની ઘટનાઓ ફેલાયેલી જોવા મળી છે. સાયન્ટિફિક અમેરિકન અનુસાર, ફેબુ્રઆરી મહિનામાં ગુમ થનાર, મેજર જનરલ વિલિયમ 'નીલ' મેકકેસલેન્ડ, મેકકેસલેન્ડ ટુ ધ સ્ટાર્સ ઇન્ક. નામની સંસ્થા સાથે સંકળાયેલા હતા. આ એક એવી સંસ્થા છે. 'જે એલિયન વિશેની થિયરીઓને પ્રમોટ કરે છે'. જેની સ્થાપના Blink-182 ફ્રન્ટમેન ટોમ ડેલોન્ગ દ્વારા કરવામાં આવી હતી. CNN અનુસાર મેકકેસલેન્ડે 'આકાશમાં રહસ્યમય વસ્તુઓની અમેરિકન લશ્કરની વાસ્તવિક તપાસમાં, કોલ્ડ વોર-યુગના સંશોધન કાર્યક્રમોથી લઈને UAPનો અભ્યાસ કરવાના પ્રયાસો સુધી,  ખૂબ જ મહત્વની અને કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.' તેમના અદ્રશ્ય થવાની અટકળો 'તેમના UFOs વિશેના ગુપ્ત જ્ઞાન સાથે સંબંધિત હતી.'

એડિટર-ઇન-ચીફ માઈકલ શેરમરે સમજાવ્યું કે કોન્સ્પિરસી થિયરિસ્ટ 'કોઈપણ કારણસર મૃત્યુ પામેલા, અથવા અદ્રશ્ય થયેલા કોઈપણ વ્યક્તિને શોધવા માટે ખોદકામ કરવાનું શરૂ કરે છે. પછી તેમના બાયોડેટામાંથી એ જાણવાની કોશિશ કરે છે કે 'શું તેમનો UFOs, મિલિટરી, ડિફેન્સ, સ્પેસ, એરોસ્પેસ, પ્રોપલ્શન વગેરે સાથે કોઈ સંબંધ છે?' આખરે 'રેન્ડમ નોઈઝમાં તેઓ પેટર્ન' શોધી કાઢે છે.  નિષ્ણાતો આ કોન્સ્પિરસી થિયરીને 'મિસ્ટ્રી-મોન્ગરિંગ ડેટા માઇનિંગ' તરીકે વર્ગીકૃત કરે છે. ઇન્ટરનેટના નિષ્ણાતો,  સૌપ્રથમ એ તપાસ  કરે છે કે 'કોણે ક્યાં કામ કર્યું હતું? કોણે કેટલા રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા? આ વિગતો ઉપરથી તેઓ એક એક ટાઈમ લાઈન, અને કનેક્ટ ડોટ જેવી રમતના અંતે  જે પરિણામ  મળે તેના ઉપરથી, તારણ કાઢીને આગળ વધે છે. આ પ્રકારના તારણોમાં નાસાની વઁન્ સંસ્થાની હાજરી ચાર વાર જોવા મળી છે. ન્યુક્લિયર રિસર્ચ સાથે સંકળાયેલ લોસ અલામોસ ત્રણ વખત દેખાયું છે. જેના કારણે શંકાસ્પદ વ્યક્તિઓના ગુમ થવા અથવા મૃત્યુ વિશે, સરકારી તપાસ એજન્સીઓનું મૌન લોકોને ખુંચી રહ્યું છે!

કોન્સ્પિરસી થિયરી

જોકે વિજ્ઞાન જગત સાથે જોડાયેલા લોકોના શંકાસ્પદ મૃત્યુ કે ગાયબ થવાની ઘટનાનો અહીં અંત આવતો નથી. તાજેતરમાં એક ઘટના ઉમેરાઈ : ફેબુ્રઆરી ૨૦૨૬ : કાર્લ ગ્રીલમાયર, ૬૭, કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી ખાતે એસ્ટ્રોફિઝિસિસ્ટ, જેઓ NASA સાથે સહયોગ કરતા હતા. સૌરમંડળની બહારના ગ્રહો પર પાણીની શોધ પરના તેમના અભ્યાસો માટે પ્રખ્યાત હતા. તેમને લોસ એન્જલસની બહાર તેમના ઘરે ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. અધિકારીઓએ બે દિવસ પછી એક  ૨૯-વર્ષીય સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી, જે ગ્રીલમાયરને ઓળખતો પણ ન હતો. 

જુલાઈ ૨૦૨૫ : જોશુઆ લેબ્લાન્ક, ૨૯, NASA  ન્યુક્લિયર એન્જિનિયર, હન્ટ્સવિલે, અલાબામામાં તેની ટેસ્લાના કાટમાળમાં ઓળખી ન શકાય તેવું બળી ગયેલું શરીર મળી આવ્યું હતું. કોંગ્રેસમેન એરિક બર્લિસનએ નિર્દેશ કર્યો કે 'લેબ્લાન્ક તેના મૃત્યુના દિવસે ગાયબ  થયા હતા' તેમની કાર ગાર્ડરેલ અને ઘણા વૃક્ષો સાથે અથડાઈ અને અગ્નિ જ્વાળામાં  લપેટાઈ ગઈ તે પહેલા, તેમની ચાર કલાકની મુસાફરી એક રહસ્યમય સફર જેવી હતી. 

આ બધી ઘટનાઓએ લોકોના દિમાગમાં પડદા પાછળ કંઈક રંધાઈ રહી હોવાના સંકેતો આપ્યા હતા. આ  ઘટનાઓ પાછળની 'મિસિંગ સાયન્ટિસ્ટ્સ' કોન્સ્પિરસી થિયરી તરીકે ઉત્તરહીન રહેવાની છે. મીડિયા આરોપ લગાવે છે કે 'દસ કે અગિયાર  એકબીજાથી અજાણ વ્યક્તિઓ, જેઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, હત્યા અથવા આત્મહત્યાના શિકાર બન્યા હતા, અથવા ગુમ થયા હતા. જેમાંથી કેટલાક 'વિજ્ઞાનીઓ'  હતા. જેઓ ટોપ સિક્રેટ અને ક્લાસીફાઇડ એટલે વર્ગીકૃત પ્રોગ્રામ પર કામ કરી રહ્યા હતા. તેઓ કથિત રીતે UFOs, ઊર્જા પ્રોજેક્ટ્સ, મટિરિયલ્સ સાયન્સ, અથવા તેવા સંવેદનશીલ ક્ષેત્રોના, કેટલાક રહસ્ય જાણી જવાથી અથવા બધા વધારે પડતા જ્ઞાન જ્ઞાન પ્રદર્શનને કારણે,  તેમને માર્ગમાંથી દૂર કર્યા હોવાની શક્યતા રહેલી છે. જાણકાર સૂત્રો જણાવે છે કે 'આ ઘટનાઓ પાછળ અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલું સાઇલન્ટ સાયન્ટિફિક વોર પણ જવાબદાર હોઈ શકે છે!'

ચીનમાં પણ વિજ્ઞાનીઓના મોત

વિજ્ઞાનીઓને સાંકળતા અસામાન્ય મૃત્યુ અને અદ્રશ્ય થવાની શ્રેણી ફક્ત યુએસ પૂરતી જ મર્યાદિત ન હતી. ચીનમાં પણ એક સમાન પેટર્ન ઉભરી આવી છે. ન્યૂઝવીક મેગેઝીને આવી ઘટનાઓ પાછળનો મકસદ જાણવા માટે એક સવાલ કર્યો છે કે 'શું (અમેરિકા ચીન વચ્ચે) એક મૌન 'વૈજ્ઞાનિક યુદ્ધ' ચાલી રહ્યું છે?' હવે ચીનની ઘટનાઓ વિશે વાત કરીએ તો, જુલાઈ ૨૦૨૩માં નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીના ૩૮-વર્ષીય પ્રોફેસર, ફેંગનું બેઇજિંગમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું. તેમના મૃત્યુ સમયે તાઈવાન પર આક્રમણના સિમ્યુલેશન પર તેઓ કામ કરી રહ્યા હોવાનો અહેવાલ હતો. ફેંગ ઉપરાંત, ચીને તાજેતરના વર્ષોમાં ઓછામાં ઓછા નવ વિજ્ઞાનીઓનાં મૃત્યુ જોયા છે. જેની ઉંમર ૨૬થી ૬૮ વર્ષ સુધીની છે. તેમાંના મોટાભાગના અત્યંત સંવેદનશીલ ક્ષેત્રો જેમ કે લશ્કરી AI, હાઇપરસોનિક હથિયારો અને અવકાશ સંરક્ષણમાં સંકળાયેલા હતા. દાખલા તરીકે, ઝોઉ ગુઆંગ્યુઆન, એક રસાયણશાસ્ત્રી, ડિસેમ્બર ૨૦૨૩માં અજ્ઞાત કારણોસર મૃત્યુ પામ્યા. ઝાંગ ઝિયાક્સિન, એક અવકાશ નિષ્ણાત, કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ઝાંગ ડાઇબિંગ, ૪૭, ચીનના ટોચના ડ્રોન નિષ્ણાતોમાંના એક, ચાંગશામાં મૃત્યુ પામ્યા. જેનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ફાંગ ડાઇનિંગ, ૬૮, હાઇપરસોનિક હથિયારોના નિષ્ણાત, ફેબુ્રઆરી ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકાની વર્ક ટ્રિપ દરમિયાન અનપેક્ષિત તબીબી ઘટનાનો ભોગ બન્યા. અન્ય હાઇપરસોનિક સંશોધક, યાન હોંગ, ૫૬, બીમારીને પગલે મૃત્યુ પામ્યા. આ બધાં મૃત્યુ વિશે પૂછતાં વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસે જણાવ્યું કે તે 'સંબંધિત પરિસ્થિતિથી વાકેફ નથી,' તેના બદલે ભાર મૂક્યો કે 'ચીન સહકાર અને સ્પર્ધા દ્વારા વૈજ્ઞાનિક પ્રગતિને ટેકો આપે છે.' બગડી રહેલી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો, આપણે જાણી ચુક્યા છીએ કે કોઈપણ દેશની સરકાર હોય, સરકારના વડા હોય કે અધિકારીઓ હોય, હાથીની જેમ તેમના બતાવવાના દાંત અને ચાવવા માટેના દાંત અલગ અલગ રાખે છે. પડદા પાછળ અલગ પ્રકારનું જીઓ પોલિટિક્સ ચાલી રહ્યું હોય છે.