Get The App

દેશમાં નવી વેસ્ટ મેનેજમેન્ટ પૉલિસી અમલી બની, પાલન કેટલું થશે?

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં નવી વેસ્ટ મેનેજમેન્ટ પૉલિસી અમલી બની, પાલન કેટલું થશે? 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- નાગરિકોમાં સાધારણ સમજના અભાવે અને સરકારી તંત્રની મેનેજમેન્ટની બેદરકારીના કારણે દેશનો વેસ્ટ રીસાઈક્લિંગ રેટ ગ્લોબલ રેટથી માંડ અડધો છે

એ થેન્સ જગતનું પ્રથમ એવું શહેર હતું જ્યાં કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ૨૫૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીકમાં ખાસ કાયદો બન્યો હતો. રાજવી પરિવાર, જમીનદારો, રાજાના રાજકીય સલાહકારો વગેરેના ઘરેથી જે કચરો નીકળતો એનો નિકાલ સેવકો શહેરમાં કરી શકતા નહીં. શહેરથી એક-દોઢ કિલોમીટર દૂર બનાવેલી જગ્યાએ કચરો ઠાલવવામાં આવતો.

સંશોધકોએ એવા પુરાવા પણ શોધી કાઢ્યા છે કે પ્રાચીનકાળમાં મેસોપોટેમિયા, ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અને ચીનના પ્રાચીન શહેરોમાં કચરાના નિકાલની વ્યવસ્થા હતી, પણ આજના જમાનામાં બ્રિટને કચરાના નિકાલની સૌપ્રથમ વ્યવસ્થા ગોઠવી હતી. ૧૪મી સદીમાં લંડનમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે શહેરમાં સ્વચ્છતાની જરૂર જણાઈ. તે વખતે બ્રિટને સફાઈ કર્મચારીઓને રાખ્યા હતા. સફાઈ કામદારો રાખવાની એ રીતે શરૂઆત થઈ, પરંતુ નિયમિત શહેરની સફાઈનો યુગ બહુ પછી શરૂ થયો.

મોડર્ન વેસ્ટ મેનેજમેન્ટની સિસ્ટમ અમેરિકામાં આકાર પામી હતી. બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે તેમણે શહેરોમાં સ્ટ્રીટ ક્લીનિંગ સર્વિસ શરૂ કરાવી હતી. એ વખતે દુનિયાના વિખ્યાત શહેરો લંડન-પેરિસના રસ્તાઓ પણ નિયમિત સ્વચ્છ થતા ન હતા. જરૂર પડયે એ કામ કરાવાતું હતું. ફ્રાન્સમાં ૧૯મી સદીના અંતે પહેલી વખત ઘરેથી કચરો એકઠો કરવાનું શરૂ થયું અને પછી દુનિયાના બધા જ શહેરોએ આ વ્યવસ્થા સ્વીકારી લીધી.

***

આજે જગતના નાના-મોટા બધા જ શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કામ કરે છે. ૯૫ ટકા અર્બન એરિયા સુધી કચરો એકઠો કરવાની સર્વિસ એક નહીં તો બીજી રીતે પહોંચી ગઈ છે. સરકારી તંત્રની કલેક્શન સિસ્ટમ ઘરે ઘરે ન પહોંચે તો એ કામ સોસાયટીના મેનેજમેન્ટથી થવા લાગ્યું છે. તે છતાં હજુય ૨૭૦ કરોડ લોકો સુધી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પહોંચી નથી. આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના ઘણાં દેશોના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત કચરો એકઠો કરવાની કે રીસાઈકલની વ્યવસ્થા નથી. 

ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આ કરોડો લોકો કચરાનો નિકાલ પોતાની રીતે કરે છે એને ન ગણીએ તો દુનિયામાં દર વર્ષે ૨૮૦ કરોડ ટન કચરો જનરેટ થાય છે. જે કચરો વર્ષે ભેગો થાય છે એમાંથી ૬૦ ટકા કચરો સરકારી તંત્ર નિયંત્રિત કરે છે. બાકીનો કચરો રઝળતો રહે છે. એનો અમુક હિસ્સો સમય આવ્યે ખાનગી સંસ્થાઓ કે સોસાયટીઓ મેનેજ કરે છે, પરંતુ ૨૩ ટકા કચરો તો સડે ત્યાં સુધી એમનો એમ પડયો રહે છે.

વેસ્ટ રીસાઈકલની પ્રોસેસ થાય છે તે છતાં એ ગ્લોબલી એટલી અસરકારક નથી. જેટલો કચરો પેદા થાય છે તેની સામે આટલા વર્ષોમાં, લેટેસ્ટ ટેકનોલોજી આવી હોવા છતાં રીસાઈક્લિંગની પ્રક્રિયા જે ઝડપે, જે અસરકારકતાથી થવી જોઈએ એવી થઈ નથી. દુનિયામાં કુલ કચરાના ૫૦ ટકા પર રીસાઈકલની પ્રોસેસ થાય છે, જે ખૂબ ઓછી છે. અડધો અડધ કચરાનો નિકાલ થઈ શકતો નથી.

ને વળી ભારત તો ગ્લોબલ રીસાઈકલ રેટથી પણ ઘણું પાછળ છે. આપણે ત્યાં વર્ષે ૬થી ૭ કરોડ ટન કચરો એકઠો થાય છે. એમાંથી માત્ર ૨૦થી ૩૦ ટકા કચરાનો જ યોગ્ય રીતે નિકાલ થાય છે કે રીસાઈકલ થાય છે. આ સમસ્યા એટલી વધવા માંડી છે કે આ જ વર્ષે સરકારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો નવો નિયમ બનાવ્યો છે. એપ્રિલથી લાગુ થયેલા આ નિયમને વધારે અસરકારક બનાવવા તો હવે સુપ્રીમ કોર્ટે પણ તાકીદ કરી છે.

***

દેશમાં હમણાં સુધી કચરાનું વર્ગીકરણ બે પ્રકારે થતું હતું - ભીનો અને સૂકો. ઈ-વેસ્ટ નામનો નવો પ્રકાર ઉમેરાયો પછીય એ સૂકા કચરાનો હિસ્સો ગણાતો હતો, પરંતુ પહેલેથી જ રીસાઈક્લિંગની પ્રોસેસનો સંઘર્ષ ચાલતો હતો ને એમાં વ્યવસ્થિત વર્ગીકરણ થતું ન હોવાથી વધારે મુશ્કેલી પડવા લાગી. કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે કેન્દ્ર સરકારે આ વર્ષે નવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પૉલિસી લાગુ પાડી. એમાં કચરાના વર્ગીકરણના ચાર પ્રકાર પાડવામાં આવ્યા - ભીનો, સૂકો, સ્વચ્છતા કચરો અને સ્પેશિયલ કચરો.

એના વર્ગીકરણને લઈને મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે ગત ફેબુ્રઆરી મહિનામાં જ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલે જો વ્યવસ્થા નહીં ગોઠવાય તો નવા નિયમો બેસઅર બની જશે. તુરંત યોગ્ય વ્યવસ્થા ગોઠવીને નવા નિયમોનું પાલન થવું જોઈએ. ફરીથી આ મહિને સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે ટૂરિસ્ટ પ્લેસ અને યાત્રાધામોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬નું પાલન કરાવો.

ટૂરિસ્ટ્સ જે રીતે કચરો વેરે છે તે ચલાવી લેવાય નહીં. જે તે જગ્યાએ ચાર પ્રકારે કચરાના વર્ગીકરણની વ્યવસ્થા ગોઠવો અને તેનું સખ્તાઈથી પાલન કરાવો એવો સુપ્રીમે નિર્દેશ કર્યો ને સાથે દેશભરમાં કલેક્ટરને એક વર્ષ સુધી આ નિયમ પાલન કરાવવાની સર્વ સત્તા આપવાનો પણ આદેશ કર્યો.

***

એકચ્યુલી, કચરાના વર્ગીકરણ અને નિકાલનો મુદ્દો માત્ર સરકારનો નથી. સરકાર નિયમ બનાવી નાખશે કે સરકારી તંત્ર એનું પાલન કરાવવાનું શરૂ કરશે એટલા માત્રથી વાત પૂરી નહીં થાય. આમેય આપણાં સરકારી તંત્રની તાસીર રહી છે - ઉપરથી આદેશ આવશે ત્યારે ને જ્યારે કામ કરવું હશે ત્યારે એના પર ૧૦૦ ટકા ફોકસ કરશે, પણ જેવો કોઈ નવી બાબતે નવો આદેશ આવશે કે જૂનો સાઈડમાં રહી જશે - આવી સ્થિતિમાં ફરિયાદો ઉઠશે ત્યારે ફરી કામ થશે ને એમ તંત્ર ચાલતું રહેશે.

એની અસરકારકતા માટે નાગરિકોની અવેરનેસ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે. દરેક ઘરમાં, દરેક ઓફિસમાં, દરેક કારખાનામાં લોકો આ પ્રકારનું વર્ગીકરણ નહીં કરે ત્યાં સુધી કચરાના રીસાઈક્લિંગમાં આપણો રેટ ઊંચો જાય એવી શક્યતા નહીંવત્ છે. આમેય આપણે ત્યાં ચૂંટણી કેમ્પેઈન, બિઝનેસ સમિટો, નેતાઓની વીઆઈપી સુવિધા પર જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું કચરાના નિકાલ પર આપવામાં આવતું નથી અને તંત્રનું ધ્યાન ન હોય એટલે કચરો ઓછો પેદા થાય એવું તો થવાનું નથી. લોકોની મૂળભૂત જરૂરિયાત જેટલો કચરો દરરોજ સર્જાતો રહેશે. બીજી તરફ નિકાલ-રીસાઈક્લિંગની પ્રોસેસ તો ઢીલીઢબ છે.

આપણા દેશમાં ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાતા બંધ કરવા હોય કે ઓછા કરવા હોય તો ઘરે ઘરે કચરાના પ્રકાર પ્રમાણે ચાર હિસ્સામાં કચરો એકઠો થાય એ બેહદ જરૂરી છે. કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ થાય એ નિકાલનું પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે. કચરો કલેક્ટ કરનારા કર્મચારીઓ પણ એ વર્ગીકરણની મેથડ ફોલો કરે ને એમ છેક સુધી સિસ્ટમ ચાલે તો રીસાઈકલની પ્રોસેસ ૩૦ ટકા સુધી ઝડપી બની શકે. 

***

જર્મની, જાપાન, સાઉથ કોરિયા, સ્વીડન જેવા દેશો વેસ્ટ મેનેજમેન્ટમાં ઉદાહરણ બન્યાં છે. જાપાન અને જર્મનીમાં કચરાના વર્ગીકરણની અને કલેક્શનની પ્રક્રિયા જ એટલી ઉત્તમ છે કે તેનો વેસ્ટ રીસાઈકલ રેટ ગ્લોબલ રેટ ૫૦ ટકાથી ક્યાંય વધારે છે. સ્વીડન અને સાઉથ કોરિયામાં કલેક્શનની સિસ્ટમ એવરેજ છે, પરંતુ આધુનિક ટેકનોલોજીથી પ્રોસેસિંગ અસરકારક છે એટલે રીસાઈકલ રેટ ઊંચો છે.

વસતિની રીતે જોઈએ તો જર્મની, જાપાન, સાઉથ કોરિયા કે સ્વીડન આપણાં માટે ઉદાહરણ બની શકે નહીં, પણ ચીન તો બની શકેને? ચીને નાગરિકોથી લઈને સરકારી તંત્ર સુધી તમામ સ્તરે ૨૦૧૮માં એવી કડક વેસ્ટ મેનેજમેન્ટ પૉલિસી લાગુ પાડી હતી કે તેનું પરિણામ પાંચ વર્ષમાં મળવા માંડયું હતું. ચીને રિસાઈક્લિંગ રેટ ૨૮થી ૬૦ ટકાએ પહોંચાડયો છે ને ૨૦૩૦ સુધીમાં ૮૦ ટકા કરવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે.

વેલ, કચરાનો ઢગલો નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો સર્જે તે પહેલાં શહેરોને સ્વચ્છતા રેટિંગ આપવાની સાથે સાથે રીસાઈક્લિંગ રેટિંગ આપીને અસરકારક પરિણામ લઈ આવવું જોઈએ. 

કચરો ચાર પ્રકારે અલગ પાડવો જરૂરી

સ્વચ્છતા કચરો 

અત્યાર સુધી આ પ્રકારના કચરાને લઈને લોકોમાં પણ મૂંઝવણ હતી. એનો હવે જુદો પ્રકાર પડયો છે. એમાં ડાઈપર, સેનેટરી પેડ્સ, મેડિકલની વેસ્ટ, કોન્ડોમ્સનો સમાવેશ થાય છે.

ભીનો કચરો 

વાસી ખોરાક, શાકભાજીનો કચરો, બગડી ગયેલા ફળો, આઈસક્રીમ, દહીં એવી ખાદ્યસામગ્રી કે જેને કિચન વેસ્ટ કહેવાય છે તે આ પ્રકારમાં આવે છે.

સૂકો કચરો 

પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિક કે કાગળના પેકિંગ, કાચ જેવી ધાતુ સૂકો કચરો છે.

સ્પેશિયલ કચરો 

ખાસ કાળજી રાખવી પડે એવા કચરાના પ્રકારમાં 

ઈ-વેસ્ટ, કેમિકલ, બલ્બ, સ્વિચ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓને જુદી રાખવી પડશે. તેને સૂકા કે ભીના કચરાનો હિસ્સો ઘણીને એમાં ભેળવી શકાશે નહીં.

AI  પાવર્ડ ટેકનોલોજી મદદે આવશે

કચરાના વર્ગીકરણમાં એઆઈ પાવર્ડ રોબોટ્સ મદદે આવી રહ્યા છે. ઘણી કંપનીઓએ એવા સફળ પ્રયોગો પણ કર્યા છે કે જેમાં એઆઈ ટેકનોલોજીથી સજ્જ રોબોટ્સ સોર્ટિંગનું કામ અસરકારક રીતે અને ઝડપથી કરે છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ પણ એમાં થઈ રહ્યો છે. કચરો એકઠો કરવાથી લઈને તેના પર પ્રોસેસિંગ કરવા સુધીની પ્રોસેસ જો ઓટોમેટેડ થઈ જાય તો કચરાના ઢગ ઓછા થઈ જાય. શહેરોના સરકારી તંત્રની આ ક્ષેત્રમાં કર્મચારીઓની અછતની કાયમી ફરિયાદ રહે છે. જો એઆઈ પાવર્ડ રોબોટની મદદ મળતી થાય તો કર્મચારીઓની અછતની સમસ્યા પણ ઉકેલાશે. એક-બે કંપનીઓ એવી કચરાપેટી બનાવી રહી છે કે જે વર્ગીકરણમાં બેહદ ઉપયોગી થશે. એમાં સૂકો અને ભીનો કચરો સાથે નાખી શકાશે નહીં. એલાર્મથી કચરો નાખનારને ચેતવણી આપશે.