- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- સરકારી કંપનીઓનું સંચાલન તાલીમ પામેલા અધિકારીઓને સોંપવામાં આવે છે, છતાં ઘનિષ્ઠ તાલીમના અભાવે જોઈએ એવું પરિણામ મળતું નથી
આ ઈએએસ એટલે ઈન્ડીયન એડમીની સ્ટ્રેશન સર્વીસ જેને બ્રીટીશ શાસનના જમાનામાં ઈન્ડીયન સીવીલ સર્વીસ (આઈસીએસ)ના નામે ઓળખવામાં આવતી હતી. ભારતની અને ગુજરાતની ઘણી સરકારી કંપનીઓનો વહીવટ આઈએએસ અધિકારીઓ ચલાવે છે. કંપનીનો વહીવટ કરવો અને કંપનીને મેનેજ કરવી એ બે જુદાજુદા વિચારો (કન્સેપ્ટસ) છે. ગુજરાત સરકારની ઘણી કંપનીઓનો વહીવટ ભોંયતળિયે બેસી ગયો છે. તેમાનું એક કારણ આ કંપનીઓનાં રાજકારણીઓનો હસ્તક્ષેપ જણાય છે કે સગાવહાલાવાદ જેને અંગ્રેજીમાં નેપોટીઝમ કહે છે તે પણ હોઈ શકે છે.
આઈએએસ અધિકારીઓને વહીવટ અંગેની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે પરંતુ જે તાલીમ ઉચ્ચ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને કે તાલીમાર્થીઓને આપવામાં આવે છે તેટલી ઘનિષ્ઠ તાલીમ આઈએએસના અધિકારીઓને આપવામાં આવતી નથી. વહીવટી કુશળતા અને મેનેજમેન્ટની કુશળતા બન્ને જુદી બાબતો છે.
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ : મેનેજમેન્ટના અભ્યાસ ક્ષેત્રમાં સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો વિષય તમામ કોર્સીઝના શીરમોર સમો કોર્સ ગણાય છે અને સ્ટ્રેટેજીક મેનેજમેન્ટનો કન્સેપ્ટસ, ટેકનીકલ અને મેથોડોલોજીની શોધ કરવાનો યશ અમેરીકાના પ્રોફેસર ઈગોર એન્સોફને જાય છે જેમણે ૧૯૬૫માં 'કોર્પોરેટ સ્ટ્રેટેજી' નામનું પુસ્તક લખ્યું અને મેનેજમેન્ટ વિષયમાં ધરખમ ફેરફારો કર્યા. સ્ટ્રેટેજી શબ્દ ખરેખર તો યુદ્ધમાં જીતવાની વ્યૂહરચનાના સ્વરૂપે થયો હતો.
મેનેજમેન્ટમાં સ્ટ્રેટેજીના કન્સેપ્ટનો સૌ પ્રથમ ઉપયોગ અમેરીકાના પ્રતિષ્ઠિત બીઝનેસ હીસ્ટોરીઅન પ્રો. ચેન્ડલરે ઈ.સ. ૧૯૬૨માં 'સ્ટ્રેટેજી એન્ડ સ્ટ્રકચર' નામનું પુસ્તક લખ્યું હતું. આ વિષયને 'ડેવલપ' થતાં ત્રણેક દાયકાઓ વીતી ગયા અને તે દરમિયાન બંને તે પછી અમેરીકાની પ્રતિષ્ઠિત કંપનીઓ જેમકે જનરલ મોટર્સ, જનરલ ઈલેકટ્રીક, ડયુપોન્ટ, સ્ટેર્ન્ડડ ઓઈલ રોલ, આઈબીએમ, ફોર્ડ મોટર કંપની, વગેરે કંપનીઓએ પોતાના વહીવટી માળખાઓમાં ધરમૂળથી ફેરફારો કર્યા. તેઓએ કંપનીઓના વીઝન અને મિશન સ્ટેટમેન્ટસની રચના કરી, લોંગટર્મ પ્લાનીંગનાં કન્સેપ્ટને વિદાય આપી. પોતાના માળખાઓમાં સ્ટ્રેટેજીક ફેરફારો કર્યા. બ્યુરોક્રેટીક માળખાઓ જે સરકારી વહીવટનું મુખ્ય અંગ ગણાય છે. અને જે ટોપ ડાઉનનું મેનેજમેન્ટ મોડેલ ગણાય છે તેને બદલે આ કંપનીઓએ 'બોટમ અપ' મેનેજમેન્ટના માળખાઓની રચના કરી. મેનેજમેન્ટમાં પ્રખ્યાત બની ગયેલા 'થીયરી એક્સ'ના વ્યવહારોને બદલીને થીયરીવાયના મોડેલ્સ વિકસાવ્યા. અહીં થીયરી એકસ અને થીયરી વાય આધારિત વર્ક મોટીવેશનની ચર્ચા કરી નથી. જ્યારે અમેરીકા અને યુરોપના ખાનગી સાહસો બ્યુરોક્રેટીક વ્યવસ્થાતંત્રોને વિદાય આપી રહ્યા હતા અને પોતાની વિરાટ કંપનીઓ માટે વીઝન અને મિશનની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેની અસર યુરોપ અને અમેરીકાના સરકારી સાહસો પર મોટા પ્રમાણમાં થઈ અને તેઓએ સરકારી સાહસો અને સરકારી ખાતાઓમાં ફેરફારો કરીને એડમીનીસ્ટ્રેશનના પુરાણા કન્સેપ્ટને ત્યજીને મેનેજમેન્ટના ડાયનેમીક કન્સેપ્ટને અપનાવવાનું શરૂ કરી દીધું. તેઓને નવું જ્ઞાન લાધ્યું કે મેનેજમેન્ટ અને એડમીનીસ્ટ્રેશન બે જુદા વિચારો છે.
અલબત્ત સરકાર દ્વારા સંચાલિત સાહસોનું 'સોશીયલ ઓડીટ' થાય તો ખબર પડે કે તેમની જંગી ખોટ તેઓની નિષ્ફળતાને કારણે છે કે લોકોને મળતી મફત કે તદ્દન ઓછા ભાવે મળતી સગવડો છે. દા.ત. દરેક ઘરમાં નળની યોજના ખર્ચ પ્રધાન હોય તેમાં નફો ના હોય. પશ્ચિમ જગતની સરકારોનાં વહીવટી માળખાઓ કે સરકારી કંપનીઓ તેના ખાનગી સાહસો જેવું ડાયમેનીઝમ બતાવી શકી નથી. અમેરીકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વહીવટી સંસ્થાઓ (જેમકે યુએસ ફોરેન એઈડ પ્રોગ્રામ) બંધ કરી દીધી છે.
માત્ર વહીવટી કુશળતા પર આધાર રાખતા ગુજરાતના અનેક સરકારી સાહસોએ રાક્ષસી ખોટ કરી છે. ભારત સરકારના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલનો ગુજરાતના સરકારી સાહસો પરનો રીપોર્ટ ગુજરાત સરકારના નિષ્ફળ બીઝનેસ મોડેલ, નબળુ મેનેજમેન્ટ અને ઓડિટમાં ગરબડને ખુલ્લો પાડે છે. ગુજરાત સરકારના ઘણા સાહસોની મૂડી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત સરકારના કુલ ૨૧ જાહેર સાહસોની સંચિત ખોટ ૮૬૯૩ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ગુજરાત સરકારના કુલ ૪૨ સાહસોની સંચિત ખોટ (એક્યુમ્યુલેટેડ લોસ) ૨૯,૨૭૯ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગુજરાત સરકારના કુલ ૨૧ જાહેર સાહસોની સંચિત ખોટ લગભગ ૯૩૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જેમાના કેટલાક એકમોની સંચિત ખોટ જાણીને વાંચક આંચકો અનુભવશે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશનની સંચિત ખોટ (એક્યુમ્યુલેટેડલોસ) ૩૧૮૦.૬૧ કરોડ રૂપિયા, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સંચિત ખોટ ૩૮૬૪.૫૩ કરોડ રૂપિયા, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડની સંચિત ખોટ ૭૪૨.૯૮ કરોડ રૂપિયા, અલકોક યેશડાઉન (ગુજરાત) લીમીટેડની સંચિત ખોટ ૬૬૧.૨૬ કરોડ રૂપિયા, ગુજરાત વોટર રીસોસીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડની સંચિત ખોટ ૧૭૯.૩૪ કરોડ રૂપિયા, ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડની સંચિત ખોટ ૧૨૪.૨૬ કરોડ રૂપિયા, ગુજરાત સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડની સંચિત ખોટ ૭૪.૯૩ કરોડ રૂપિયા વગેરેનો સમાવેશ થાય છે.
એડમીનીસ્ટ્રેશન અને મેનેજમેન્ટ વચ્ચે તફાવત :
ગુજરાતની સરકારના ઉપરના ખોટના આંકડાથી ગભરાઈ જવાની જરૂર નથી. ગુજરાત રાજ્યના ઉપર્યુક્ત સાહસોમાંથી મોટાભાગની કંપનીઓ ડેવલપમેન્ટને લગતી છે અને જે સરકારી સાહસો વિકાસ માટે કે લોકકલ્યાણ માટે કામ કરતા હોય તે નફો કરતી નથી. દા.ત. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની સંચિત ખોટ ૩૮૬૪.૫૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે તેનો અર્થ એ નથી કે આ નિગમ બીનકાર્યક્ષમ છે તે લાખો વિદ્યાર્થીઓને અને વૃદ્ધજનોને બહુ ઓછા ભાવે ટીકીટ આપે છે અને તદ્દન વૃદ્ધજનોને મફત ટીકીટ આપે છે જે એક આવકારદાયક પગલું છે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સીઅલ કોર્પોરેશન પણ અનેક નવા ઉદ્યોગ સાહસિકોને વ્યાજમાં અને હપ્તામાં કન્સેશન આપીને ગુજરાત રાજ્યના ઔદ્યોગીકરણને વેગ આપે છે. ગુજરાત વોટર રીર્સોસીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ કોઈ નફો કરવા માટે ઉભી કરેલી સંસ્થા નથી પરંતુ તે પાણીથી વંચિત ગામડાનાં લોકોને નળ વાટે પાણીની સગવડ પૂરી પાડે છે તેવું જ ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું છે. આ પ્રકારની કંપનીઓ નાગરીકોને ઈન્ફ્રાસ્ટ્રકચર સગવડો પૂરી પાડે છે. તેઓ ખાનગી કંપનીઓની માફક પ્રોફીટ એકસીમાઈઝેશન માટે ઊભી થઈ નથી. તેમ છતાં સરકાર ઉપરના સાહસો દ્વારા જે સગવડો પૂરી પાડે છે તેમાં સરકારની બીનકાર્યક્ષમતાનો કેટલો ફાળો છે તેની આપણને ખબર નથી. ફરીથી યાદ રહે કે ડેવલપમેન્ટલ સંસ્થાઓ નફો કરવા ઊભી કરવામાં આવતી નથી. ઉપરની સમગ્ર ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે હવે સરકારી બાબુઓ તેમના હેઠળ કામ કરતી કંપનીઓનો 'વહીવટ' કરે તેના બદલે તેનું સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ કરે તે જરૂરી છે. સરકારે કોઈપણ જાહેર સાહસોનું સંચાલન શા માટે આઈએએસ અધિકારીને સોંપવું જોઈએ ? તેના જવાબમાં એમ દલીલ કરવામાં આવે છે કે પ્રાઇવેટ મેનેજમેન્ટ અને પબ્લીક એડમીનીસ્ટ્રેશન બન્ને જુદી બાબતો છે અને તેમના ધ્યેયો જુદાજુદા છે. પ્રાઈવેટ મેનેજમેન્ટ નફાલક્ષી છે. જ્યારે પબ્લીક એડમીનીસ્ટ્રેશન સેવા લક્ષી છે. સેવાલક્ષી પ્રવૃત્તિઓ નફા માટે કરવામાં આવતી નથી. તેમ છતાં સેવાલક્ષી કંપનીઓ કે સંસ્થામાં પણ સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના કન્સેપ્ટસ અને ટેકનીકલને પૂરો અવકાશ છે. બન્નેએ એકબીજા પાસેથી ઘણું શીખવાનું છે. અહીં એક બાબત સ્પષ્ટ છે કે સરકારી સાહસોનું દર વર્ષે સોશીયલ ઓડીટ થવું જોઈએ અને આ સરકારી સાહસોએ પુરવાર કરવું જોઈએ કે તેમની ખોટનું કારણ તેમની બીનકાર્યક્ષમતા કે ભ્રષ્ટાચાર નથી પરંતુ તેમની લોકકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓને કારણે છે.


