- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'હું કહી કહીને થાકી ગઈ સ્તવન, તમે પ્રેક્ટીકલ બનો, પણ તમને તો આદર્શોનું ભૂત વળગ્યું છે !' સ્પૃહાનું જીવનદર્શન
ચ પરાસી પ્રતીક્ષા કરી રહ્યો હતો કે સ્તવનસર ચેમ્બરમાંથી બહાર નીકળે કે તરત જ પોતે પણ ઘર ભણી દોટ મૂકે. રાતના આઠ થવા આવ્યા, પણ સ્તવન હજી પોતાની ખુરશી પર જ બેઠેલો હતો. ચપરાસીએ બે-ત્રણ વખત સ્તવનસરની ચેમ્બરમાં નજર કરી જોઈ. દરરોજ ફાઈલોના ખડકલા વચ્ચે કામમાં મશગૂલ સ્તવનસરના ટેબલ પર એક પણ ફાઈલ દેખાતી નહોતી... સ્તવનસરના હાથમાં હતો એમની ટ્રાન્સફરનો ઓર્ડર...
'આ મોટાસાહેબો તો ફેશન ખાતર પણ પોતાની ચેમ્બરમાં બેસી રહે. એમને શું કામ ઘરે જવાની ઉતાવળ હોય ? એમનાં 'મેમ સાહેબ' ક્યાંક કોઈક ક્લબ કે પાર્ટીમાં ગયા હોય... એટલે ઘેર જવાની ઉતાવળ પણ એમને ક્યાંથી હોય ? આપણી જેમ શાકભાજી કે રેશન લઇને ઘેર પહોંચવાનું હોય તો ખબર પડે.' ચપરાસીની બીજા ચપરાસી જોડેના વાતચીતના શબ્દો સ્તવનને કાને પડયા હતા !
અને તરત જ સ્તવન ચેમ્બર છોડી બહાર આવ્યો હતો... કશું જ બોલ્યા વગર એ સડસડાટ પગથિયાં ઊતરી ગયો હતો. સામે દેખાતી સડક એને 'ગૃહપથ' અપનાવવાનું નોતરું આપી રહી હતી... પણ સ્તવનને આજે ઘેર પહોંચવાની જરાપણ ઉતાવળ નહોતી.
ઘેર વહેલા પહોંચવાના પરિણામની કલ્પના સ્તવનને હતી. પોતે ધીમા અવાજે કહેશે : 'સ્પૃહા, આજે વળી પાછો...'
'અરે જહન્નમમાં જાય તમારો વળી પાછો ટ્રાન્સફર ઓર્ડર. બદલીના સમાચાર સિવાય બીજી કશી સારી વાત કોઈ દહાડો તમે કરી છે મારી સાથે ? કહી કહીને થાકી ગઇ કે પ્રેક્ટીકલ બનો. આ જમાનામાં તમારા જેવા ઓલિયા માણસ ના ચાલે. થોડોક ખર્ચો કરો, મોટા સાહેબોને ખુશ રાખો તો સાહેબોની રહેમ નજર તમારી પર રહે. પણ તમને તો આદર્શોનું ભૂત વળગ્યું છે. તમારી ઉંમર હજી માંડ અઠયાવીસની થઇ છે. પણ તમારો ચહેરો એવો ધીરગંભીર છે કે લોકો તમે આડત્રીસનો માની બેસે. બાપરે ભારે આદર્શવાદી... મમ્મીએ પોતે એકલે હાથે તમને ઉછેર્યા, ભણાવી ગણાવીને મોટા આઈએસ અફસર બનાવ્યા. કેટકેટલી મુશ્કેલીઓ વેઠી મમ્મીએ... એમની એક જ આશાહતી કે તમે એમની પાછલી જિંદગી સુધારશો. પૈસાના અભાવો વચ્ચે મમ્મીએ આખી જિંદગી પોતાની જાત ઘસી નાખી. અને તમે શું કર્યું ? લોકો પાણીમાંથી પૈસા ઊભા કરે છે, અને તમે સેવાના નશામાં પૈસાનું પાણી કરો છો.
અરે... મમ્મીનો નહીં તો મારો તો ખ્યાલ કરો. તમારી સાદગી, નમ્રતા અને સેવાપરાયણતા જોઇને મારા પપ્પાજીએ તમને પસંદ કર્યા.... મેં માન્યું હતું કે આપણા લગ્ન પછી હું તમને લાઈન પર લાવી દઈશ. પણ પથ્થર પર પાણી. તમારા મમ્મીએ પણ મને કહ્યું હતું, : બેટા, જે કામ હું નથી કરી શકી, એ હવે તારે કરવાનું છે. મારી સ્તવનને સુધારીશ તો હું માનીશ કે તેં મારું પૂરું થતું આયખું સુધાર્યું.' અને સ્તવન, પ્રસન્ન દામ્પત્ય જીવનના ખ્વાબોમાં રાચતી મેં તમારી સાથે પ્રભુતામાં પગલાં માંડયા, ત્યારે મને એમ હતું કે મારી મોહક અદાઓને ઇશારે હું તમને બદલી નાખીશ. તમને પ્રેક્ટીકલ બનાવી દઈશ. પણ તમે તો મારી વાત એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખો. તમે આઈએએસ ઓફિસર છો, એટલે મારા ઘરમાં ધનદોલતની છોળો જોવા મળશે એવા ઇરાદે હું તમારી સાથે પરણીને આવી હતી.....'
નોનસ્ટોપ શબ્દોના તોપનો મારો ચલાવી રહેલી સ્પૃહા જોશે કે સ્તવન તો શાંતિથી બેસીને પેપર વાંચે છે એની વાત તો સાંભળતો જ નથી એટલે ગુસ્સામાં સ્પૃહા સ્તવનના હાથમાંથી પેપર ખૂંચવી લેશે અને ફરી ભાષણ શરૂ કરી દેશે. 'સ્તવન, પ્લીઝ સાંભળી લો મારી વાત નહીં તો હું મારા પિયર ચાલી જઈશ. સત્વાદી હરિશ્ચંદ્ર પણ આજના જમાનામાં કોઈ ઓફિસમાં નોકરી કરતો હોત, તો એ પણ પોતાની પત્ની તારામતીના આગ્રહથી સત્યનું પૂછડું પકડી રાખવાનું છોડી 'બોસ'ની ખુશામત કરતો થઈ જાત. પણ તમને જીવતાં જ ક્યાં આવડે છે. જીવવું હોય તો જમાનાની સાથે ચાલતાં શીખવું પડે... સમજ્યા ? જેની વારંવાર ટ્રાન્સફર થાય છે, એમની પત્નીઓને પૂછી જુઓ... કેટલી મુશ્કેલી પડે છે.' લગભગ આવી જ દલીલો સાથે સ્પૃહા તાડૂકશે. દામ્પત્યને માથે વાદળો ઘેરાશે, ધુ્રજાવી નાખે એવા શબ્દોના કડાકા થશે... આંધી...તોફાન ! માથું ફોડી નાખે તેવા શબ્દોરૂપી કરાની વર્ષા.
સ્પૃહાએ અનેકવાર એવું કહ્યું હતું કે 'તમારા જેવા ઓફિસરની પત્ની થઇ એના કરતાં કોઈક ખેડૂત કે વેપારીની પત્ની બની હોત તો સ્થિર જીવન મળત. વણજારા જેવી ભટકતી જિંદગીથી હું કંટાળી ગઈ છું. નવા ઠેકાણે બદલી થાય એટલે તમારો માન-પાન સાથે સત્કાર થાય પણ મારે લમણે તો લખાવાની ચાર દીવાલો.'
સ્તવને સ્પૃહાને વારંવાર એક વાત સમજાવવાની કોશિશ કરી હતી કે 'દરેક માણસ પૈસા પાછળ દોડશે તો દેશનું શું થશે ? પતિ-પત્ની એ વિલાસ માટે ભેગાં થયેલાં બે વ્યક્તિ નથી, પણ સમાજનાં ઉપકારક અંગો છે. નારી પુરુષની શક્તિ બનવાને બદલે અશક્તિ બનતી હોય એવા દામ્પત્યને હું દૂરથી નમસ્કાર કરું છું. ગરીબી ભોગવી ચૂકેલી મારી માતાના વિચારો પણ સ્પૃહા તારા જેવા છે, એનાથી મોટી કરુણતા બીજી શી હોઈ શકે ? સ્પૃહા એ જરૂરી નથી કે તું આખો દિવસ ઘરમાં બેસી રહે. તારે પણ તને રસ અને રુચિ અનુસારનાં ક્ષેત્રોમાં કામ કરવાની છૂટ છે.'
પણ સ્પૃહા એવું ભારપૂર્વક માનતી હતી કે પોતે કોઈ ઓર્ડિનરી 'હસબંડ'ની વાઇફ નથી કે ગમે ત્યાં ફર્યાં કરે. સ્તવને મિસિસ. ભટ્ટનો દાખલો આપીને સ્પૃહાને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું... પણ સ્પૃહાએ સાફ શબ્દોમાં જણાવી દીધું હતું 'હું સેવા કરવા નહીં સેવા લેવા જન્મી છું સમજ્યા ? મારા મમ્મીએ એક વાત મને ભારપૂર્વક સમજાવી છે કે માન મેળવવું હોય તો લોકો સાથે વધુ મિક્સ થવાનું ટાળો. અને એટલે જ આજ સુધી હું એક પણ ઠેકાણે મહિલા મંડળની સભ્ય નથી બની. પણ સ્તવન મને તો તમારી દયા આવે છે. તમે આટલા મોટા ઓફિસર થઈને ઉદ્દઘાટનો, ગોષ્ઠીઓ વગેરે પરત્વે કેમ ઉદાસીન રહો છો ? પણ તમને તો વળગ્યું છે ગાંધીજીનું ભૂત ! તમે કદિ નહીં સુધરો.'
અને અંતે રાત્રે દસ વાગે સ્તવન ઘેર પહોંચ્યો હતો. સ્પૃહા તેની રાહ જોઇને બેઠી હતી, ફિલ્મના નવ
વાગ્યાના શો માં જવા માટે સ્તવનને જોતાવેંત એણે ફિલ્મની ટિકિટોના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.
એ રાત્રે સ્પૃહાએ સ્તવનને જમવાનો પણ ભાવ પૂછ્યો નહોતો. બીજે દિવસે સવારે સ્તવને ખિસ્સામાંથી જેવો બદલીને ઓર્ડર કાઢ્યો કે તરત જ સ્પૃહાએ કહ્યું...
'એમ કરો. આપણી સ્વીટુને પાંજરા પોળમાં મૂકી આવો અને મને મારા પિયર. બેગ-બિસ્તર બાંધી- ખોલીને હું તંગ આવી ગઇ છું. મારાથી તમારી સાથે નહીં રહેવાય. શાંતિથી જીવવું હોય તો મૂકી દો આ બદલીના ત્રાસવાળી નોકરી.'
સ્તવને અત્યંત નમ્રતાપૂર્વક પોતાની મજબૂરી સ્પૃહાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સ્પૃહા એકની બે થઇ નહોતી. અને અંતે સ્પૃહાને તથા સ્વીટીને એકલાં મૂકીને સ્તવન બદલીના સ્થળે હાજર થયો હતો.
પણ નવા સ્થળે માત્ર ૩ જ મહિનામાં સ્તવન વિરદ્ધ અરજીઓ થવા માંડી હતી. એનો અપરાધ માત્ર એટલો જ હતો કે તે નિયમ અને સિધ્ધાંતોમાં બાંધછોડ નહોતો કરતો. એના હાથ નીચેના માણસો લાંચિયા અને બેઇમાન હતા. તેઓ બીજા કોઈ 'સારા' સાહેબને લાવીને 'જનસેવા'નો પોતાનો શિરસ્તો ચાલુ રાખવા ઇચ્છતા હતા. વર્ષોથી સ્થપાયેલી 'પરંપરાઓ' સ્તવને આવીને તોડી નાખી હતી એટલે ઓફિસના લાંચિયા ચમચાઓ તેનાથી બહુ નારાજ હતા.
પરિણામે સ્તવન જેવા પ્રામાણિક અને સમર્થ ઓફિસરની સેવાઓની અન્યત્ર અનિવાર્ય જરૂર હોવાના 'કારણસર' સ્તવનની ત્રણ જ મહિનામાં વળી પાછી બદલી કરવામાં આવી હતી.
સ્પૃહાને જણાવ્યા વગર જ સ્તવન વળી પાછો નવી જગાએ હાજર થયો હતો. નવી ઓફિસમાં પણ એના આગમનથી જાણે કે શોકનું વાતાવરણ સર્જાયું હતું. કારણ કે સ્તવનના ત્યાં હાજર થતાં પહેલાં જ એના ઇમાનદાર સ્વભાવનો રિપોર્ટ કર્મચારીઓને મળી ગયો હતો.
સ્તવન નવી ઓફિસમાં હાજર થયો હતો. નિસાસા સાથે ઓફિસની બારી બહાર એણે નજર કરી હતી. વૈશાખનો આકરો તાપ... પણ એની પરવા કર્યા સિવાય એ આગમાં ગુલમહોરનું વૃક્ષ પૂર બહારમાં ખીલ્યું હતું. પણ એના તરફ નજર કરવાની. કોઇને ફુરસદ નહોતી. ગુલમહોરે તો એકલા જ ખીલવું પડે છે... શીતળતાના લાલચુઓને ગુલમહોરના ખમીર કે ખુમારીની કિંમત પણ ક્યાંથી હોય ?
સ્તવનના ઘરે તેની મમ્મી દેવમંદિરમાં પ્રાર્થના કરી રહ્યાં હતાં 'હે, ભગવાન મારા પુત્રને સદ્બુધ્ધિ આપજે.'
અને લેડિઝ ક્લબમાં બેઠેલી સ્પૃહા એક સ્ત્રી વકીલ સાથે ચર્ચામાં મશગૂલ હતી : કયા કયા કારણોસર છૂટાછેડા મેળવી શકાય ? ઘોર કળિયુગની બોલબાલાના આ નાસ્તિકભર્યા યુગમાં આદર્શનો પાલવ પકડી જીવવાનું સ્તવનને કોણે શીખવ્યું હશે ?


