Get The App

કુદરતના કોપે અને માનવીના લોભે લીધો આફૂસ કેરીનો ભોગ

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
કુદરતના કોપે અને માનવીના લોભે લીધો આફૂસ કેરીનો ભોગ 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- પ્રકૃતિમાં આવેલા પરિવર્તન,રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકને કારણે ફળોનો રાજા બેસ્વાદ બન્યો

અ સલિયતનો તો જાણે જમાનો જ નથી રહ્યો. એક માનવીની નિયતમાં ભેળસેળ થઇ એટલે બધે ભેળસેળનું રાજ આવી ગયું. અનાજમાં મિલાવટ, દૂધમાં મિલાવટ અને ફળો તથા શાકભાજી પકવવામાં પણ ગોબાચારી. આ વર્ષે મુંબઈની ક્રાફર્ડ માર્કેટ ખાતેના કેરીના નિકાસકારો પરેશાન છે. છેલ્લાં ત્રણ વર્ષથી એમને વિદેશી આયાતકારો તરફથી હાફૂસ કેરી પાક્યા બાદ એક બાજુથી સડી જતી  હોવાની અસંખ્ય ફરિયાદો મળી રહી છે. આ વખતે તો ફરિયાદો હદ વટાવી ગઇ છે. નિકાસકારોના મતે જો કોંકણના હાફૂસ ઉત્પાદકો આ જ રીતે હાફૂસનો મબલક પાક લેવા કોલ્ટાર નામના સ્પેશિયલ કેમિકલનો ઉપયોગ કરતાં રહ્યા તો થોડા વખતમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી ફળોના રાજાનો એકડો જ નીકળી જશે. એવી પરિસ્થિતિમાં પાકિસ્તાન ફાવી જશે. કારણ કે એ પોતાની કેરીને આંતરરાષ્ટ્રીય બજારમાં લોકપ્રિય બનાવવા રાત-દિવસ એક કરી રહ્યું છે. 

કોલ્ટારના ઉપયોગને કારણે હાફૂસનો મબલક પાક ઉતરવા ઉપરાંત એનું કદ પણ મોટું રહે છે. પરંતુ આ ખતરનાક રસાયણ કેરી પાક્યા બાદ પોતાનો રંગ દેખાડે છે. કેરી પર એક બાજુએ કાળો ડાઘ ઉપસી આવે છે. રસાયણના ઉપયોગને કારણે  થોડા વખતમાં હાફૂસ પોતાનો અસ્સલ રંગ અને સુગંધ બંને ગુમાવે છે. આ વર્ષે મુંબઇની બજારોમાં આવી ડાઘાવાળી હાફૂસના ઢગલા ખડકાયા છે. રત્નાગિરી અને કોંકણમાં સાઠ ટકા ખેડૂતોનો જીવનાધાર હાફૂસ કેરી છે.  

કોંકણમાં  આશરે  ૧,૩૦,૦૦૦  હેક્ટર જમીન પર  આંબાવાડીઓ  છે.  જ્યાં આફૂસનું  જ પ્લાન્ટેશન  થાય છે.  દર વર્ષે  આશરે આ આંબાવાડીઓમાંથી પોણા ત્રણ લાખ ટન કેરી ઊતરતી હતી. પરંતુ આ વખતે  પાક ઘણો  ઓછો ઊતર્યો છે. 

ઉત્પાદકો જો હજુ નહીં ચેતે તો એમની અને દેશની બંનેની આબરૂ અને આવક એક દિવસ જતી રહેવાની છે. થોડાક વધુ નફા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાની શાખ કાયમ માટે બગાડી મોટું બધું નુકસાન વહોરી લેવાની ભારતીય વેપારીઓને બહુ જૂની આદત છે.

મુંબઈમાં  હાલમાં  આફૂસ કેરી એક ડઝનની પેટીના  રૃા.૮૦૦ થી ૨૦૦૦  બોલાય છે.  જ્યારે ગયા વર્ષે આ ભાવ ૬૦૦ થી  ૧૦૦૦  વચ્ચે હતો.  ભાવ વધારાના આ તફાવતનું  મુખ્ય કારણ એ  છે કે આ વર્ષે  કેરીની ઉપજ ખૂબ  ઘટી ગઈ છે. એક અંદાજ   પ્રમાણે આ ઘટાડો  ૮૦ ટકા જેટલો  છે.

રત્નાગીરી  જિલ્લાનો એક ખેડૂત કહે છે કે દર વર્ષે  ઉનાળામાં  મારી વાડીમાં  આંબાના એક ઝાડ પરથી  ૬૦ થી ૭૦  ખોખા ભરાય  તેટલી કેરી ઊતરતી હતી આ વખતે પૂરાં  ૧૫ બોક્સ પણ નથી ભરાયાં.

મુંબઇ વાળા હાફૂસ જેટલો પ્રેમ બીજા એકેય ફળને નથી કરતાં. હાફૂસ જાણે કે આ મહાનગરની એક ઉજ્જવળ સ્વાદપરંપરા છે. એટલે એની સાથે કોઇ ચેડાં કાઢે એ જાણીને દરેક મુંબઇવાસીનું મન જરૂર ખિન્ન થઇ જવાનું. પાયરી, રાજાપુરી, તોતા, લંગડા, અને કેસર કેરી પણ મુંબઇની બજારમાં સારી એવી વેંચાય છે. છતાં મુંબઇને જેણે પોતાનું વતન ગણ્યું છે એવી વ્યક્તિને મન હાફૂસ એની પહેલી પ્રેમિકા જેવી સ્પેશિયલ છે. 

મુંબઇમાં બારેમાસ અને ત્રીસેય દિવસ કેરી ખાનારા અને વેચનારા પડયા છે. એક જમાનામાં ચોપાટી વિસ્તારના એક જાણીતા સર્જનને વરસના ત્રણસો ને પાંસઠ દિવસ થાળીમાં હાફૂસની રસની વાટકી જોઇતી હતી. જે દિવસે થાળીમાં રસ ન હોય એ દિવસે ડોકટરસાહેબ  જમવાનું જતું કરતા. કહેવાનો અર્થ એ કે હાફૂસને આ ટાપુના શહેરે તુફાન પ્રેમ કર્યો છે. 

કેરી જલદીથી પકવવા માટે કેમિકલનો ઉપયોગ કોઇ નવી વાત નથી, પરંતુ હાફૂસની સાઇઝ અને પાક વધારવા માટે કોલ્ટારનો ઉપયોગ નવો ખતરનાક પ્રયોગ છે. એક મોટા નિકાસકારે કહ્યું છે તેમ, કોલ્ટારના ઉપયોગને કારણે હાફૂસ કેરી ૧૬-૧૭ વરસની કુમળી વયે ગર્ભવતી બનેલી છોકરીના પેટ જેવો કંઢંગો આકાર ધારણ કરે છે. જેમ નાની કાચી વયની માતાનું બાળક અપોષણનો ભોગ બને એમ હાફૂસમાં પણ કોલ્ટારના પાપે કશો રસકસ રહેતો નથી.

કોંકણમાં થતી આફૂસ કેરીને 'ફળોના રાજા' તરીકે ઓળખાય છે અને દેશ તથા વિદેશમાં તેની ભારે માગ હોય છે. જો કે છેલ્લા થોડા વર્ષોમાં પ્રકૃતિમાં આવેલા પરિવર્તનને કારણે આ રાજા વારંવાર બીમાર પડી જાય છે. વાસ્તવમાં તે 'રોકડપાક'નું વિશેષણ મેળવી શકયો નહિ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનની ખેડૂતોની ઇચ્છા પૂરી કરવામાં પણ આ રાજા નિષ્ફળ રહ્યો છે. આ સ્થિતિ માટે કુદરતનું મનસ્વીપણું અને હવામાનમાં આવેલા બદલાવને જવાબદાર ગણવામાં આવે છે. જો કે થોડા ઘણા અંશે આ વાત સાચી છે. મોડું શરૂ થતું ચોમાસુ,લંબાતો જતો શિયાળો અને કેરી આવવાના સમયે પડતા પ્રખર તાપને લીધે નાજુક પ્રકૃતિની કોંકણની આફૂસ પર જબરજસ્ત ફટકો પડયો છે. આ વર્ષે તો અહીં કેરીનું સોથી ઓછું ઉત્પાદન થયું છે .આના માટે નિસર્ગને દોષ આપીને કોંકણના આંબા ઉત્પાદકો સરકાર પાસેથી નુકસાન ભરપાઇ પેટે ઊંચા વળતરની માગણી કરે છે. 

માર્ચ  મહિનામાં  આંબા ઉગાડનારા  ઉત્પાદકોએ  નુકસાની ભરપાઈ કરવા  સરકાર  સામે  દેખાવો કર્યા  ત્યારે શાસન દ્વારા  પ્રતિ હેક્ટર  બાવીસ હજાર રૂપિયા વળતર  આપવાની જાહેરાત કરાઈ.  તેનો  મતલબ એ  કે એક  હેક્ટરમાં ૧૦૦  આંબા  હોય તો આ વળતર વૃક્ષ  દીઠ ફક્ત  ૨૨૦ રૂપિયા  થાય.  જેની સામે એક   હેક્ટરમાં  આંબાવાડી  માટેનો મજૂરી, ખાતર,  રાસાયણિક  દવાનો  છંટકાવ, પાણી વગેરે  પાછળનો  ખર્ચ  આશરે ત્રણ લાખ રૂપિયા થાય. 

પરંતુ આ તો આ સમસ્યાની એક બાજુ જ થઇ .પ્રકૃતિમાં આવેલા બદલાવની આંબા ઉત્પાદકોની વાત ખોટી નથી પણ આ વર્ષે જે સ્થિતિ સર્જાય તે માટે માત્ર આ જ કારણ જવાબદાર નથી. છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં આંબાના ઉત્પાદનની બદલાયેલી પધ્ધતિ ,વેપારીઓનું બદલાયેલું ગણિત ,ખેડૂતોનો લોભ જેવી બાબતો પણ આ માટે સમાન રીતે જવાબદાર છે. 

અતીતમાં ડોકિયું કરતાં જાણ થશે કે આશરે ૪૦-૫૦ વર્ષ અગાઉ આફૂસ કેરીનો પાક મુખ્યત્વે રાયવળ જાતિના આંબાના ઝાડ પર ખુંટી અથવા કલમ કરીને લેવામાં આવતો હતો. આમાં મૂળ ઝાડ એકદમ ઘટાદાર રહેતું અને તેના પર કરવામાં આવેલી કલમને કારણે થોડા વર્ષોમાં તેના પર મોટી રસાળ કેરી આવતી હતી. આ ઝાડ મોટા વૃક્ષ જેવું રહેતું અને  સેન્દ્રિય પધ્ધતિથી તેનો વિકાસ થયો હોવાથી આંબામાં પણ અદ્ભૂત મીઠાશ રહેતી હતી.૧૯૮૫ બાદ આમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. સૌથી પહેલાં તો ઝાડ પર કલમ બાંધવાને બદલે પતરાના ડબામાં કલમ કરવાનો આરંભ થયો. પતરાના ડબામાં એક થી ત્રણ વર્ષ સુધી કલમ તૈયાર કરીને તે ઝાડને જમીનમાં રોપવામાં આવે છે. હા, આ ઝાડની ખાસ કાળજી લેવી પડે છે તે ખરું પણ મર્યાદિત વિસ્તાર અને અલ્પકાળમાં શરૂ થતાં ઉત્પન્નને કારણેઆ 'ડબા કલમ' ઝડપથી લોકપ્રિય થવા લાગી અને ઝાડ પર કલમ કરવાને જુનવાણી પધ્ધતિ ઠરાવવામાં આવી. આની સાથે રાસાયણિક ખાતર અને કીટાણુનાશકોનો પણ અહીં પગપેસારો થયો. ૧૯૮૫થી લઇને ૨૦૦૦ સુધીના ૧૫ વર્ષમાં કૃત્રિમ પાયરોથ્રાઇટસ પ્રકારના સાયફરમેથ્રિન ,ડેલ્ટમેથ્રિન ,ઇમિડાકક્લોપ્રીડ અને પાક સંજીવક ગણાતા પેક્લોબ્યુટ્રેજોલનો મારો અહીંના કલમના આંબાવાડિયામાં થવા લાગ્યો હતો. આના બે દુષ્પરિણામ જોવા મળ્યા.એક તો ઝાડ પર ઉગતાં નવા પાનને આ સંજીવક મારી નાખતા અને બીજું ફળની સંખ્યા ભરપૂર દેખાતી તો પણ આકાર અને વજનમાં ઘટાડો થયાનું દેખાતું હતું. આ સદીના આરંભમાં શરૂ થયેલા ઓપિયમ કમ્પાઉન્ડના ભરપૂર વપરાશને કારણે અહીંની લાલ માટીના ગુણધર્મો જ બદલાઇ ગયા.થોડી સદી અગાઉ પોર્ટુગીઝોએ આલ્ફાન્સો નામના રોપેલા અને બાદમાં અહીંના જ બની ગયેલા આ ફળોના રાજા આફૂસનો મૂળ સ્વાદ જ જાણે ગુમાઇ ગયો.

ટૂંકમાં કેરીની તમામ જાતોમાં મુઠ્ઠી ઊંચેરી ગણાતી હાફૂસના હવે વળતા પાણી થયા છે. એક તરફ ખેડૂતો અને વેપારીઓ જલદ રસાયણોનો આડેધડ ઊપયોગ  કરી આ ફળના ગુણો ધોઈ નાંખે છે તો બીજી તરફ કુદરત પણ રૂઠી છે. કેટલાક લોકો તો  કહે છે કે  વિશ્વભરમાં વલસાડી હાફૂસ તરીકે પ્રખ્યાત વલસાડની હાફૂસ કેરી આગામી દિવસોમાં હવે મ્યુઝિયમમાં જ જોવાના દહાડા આવી રહ્યા છે. સમગ્ર વલસાડ જિલ્લામાં વાંઝિયાં દંપતીની જેમ નિસાસા નાખતાં કેરીનાં ઝાડો જે રીતે વેરાન નજર આવી રહ્યાં છે તે જોતાં દર વર્ષનો કેરીનો જે પાક અહીં ઊતરે છે તેનો ૫૦ ટકા  પણ ઉતરશે કે કેમ તે સવાલ છે. 

વલસાડ જિલ્લો વર્ષોથી કેરીઓના ગઢ તરીકે ઓળખાય છે. હાફૂસ, કેસર, રાજાપુરી, લંગડો વગેરે અનેક પ્રકારની કેરીઓ અહીંના ખેડૂતો મેળવે છે, પરંતુ સૌથી વધુ માગ હાફૂસ કેરીની રહે છે. સમગ્ર વિશ્વમાં લોકોને વલસાડી હાફૂસ કેરીનો સ્વાદ દાઢે લાગી ચૂક્યો હોઈ તેના મોં માગ્યા દામ આપીને ખેડૂતો પાસેથી ખરીદાય છે. પરિણામે આ હાફૂસ કેરીઓને દેશવિદેશ સુધી એક્સપોર્ટ કરવામાં આવે છે.  અહીંના ખેડૂતોમાં દેસાઈઓ, વાણિયાઓ, પટેલો વગેરે કેરીની વાડીઓ ધરાવતા લોકો વર્ષોવર્ષ તેમનાં સગંસંબંધીઓને ઉનાળામાં કેરી ખાવા માટે આમંત્રણ આપતા. ટોપલાં ભરીને કેરી 

સગેવહાલે મોકલવામાં આવતી. આજે આવો કેરી વહેવાર ઓછો થઈ ગયો છે.

કેરીની આ અછત માટે અહીંના ખેડૂતો સમગ્ર જિલ્લામાં પગદંડો જમાવનાર ઉદ્યોગો તરફથી ફેલાતા પ્રદૂષણ સામે આંગળી ચીંધી રહ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષથી અહીંનાં વૃક્ષોને પ્રદૂષણરૂપી ગ્રહણે ગ્રસી લીધા હોવાનું દેખાઈ રહ્યું છે. જે વલસાડ જિલ્લો લીલી વાડીઓ અને ફળોથી ઝૂલતાં વૃક્ષોનો પ્રદેશ હતો. તે હાલ ઉદ્યોગના વિકરાળ જડબામાં ફસાઈ ચૂક્યો છે. ગુંદલાવ, અતુલ, પારડી, વાપી, ઉંમરગામ, સરીગામ, મોટાપોંઢા વગેરે સ્થળોએ ફાલેલા ઉદ્યોગમાંથી ઠેર ઠેર હવા, જમીન અને પાણીનું પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે. કારખાનામાંથી નિરંતર છોડવામાં આવતા દૂષિત પાણી અને ઝેરી ગેસોથી જમીનની ફળદ્રુપતા ઘટી જવા પામી છે. પરિણામે કેરીનો પાક પણ એમાંથી બાકાત રહી શક્યો નથી.

ઔદ્યોગિક એકમોની આજુબાજુની વાડીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. દરિયા કિનારેની વાડીઓમાં થોડી હાફૂસ  કેરીઓ દેખાય છે ખરી. પરંતુ વાતાવરણ અને પ્રદૂષણ સામે એ કેટલો સમય ટક્કર ઝીલી શકશે તે સવાલ છે. પ્રદૂષણની દૂરગામી અસરો કેરીનાં વૃક્ષો પર થઈ છે. પરિણામે કેરીનો પાક સદંતર  નિષ્ફળ ગયો છે. જેને પરિણામે અહીંના ખેડૂતો કે જેમનો કોઈ સાઈડ બિઝનેસ નથી. જેઓ માત્ર કેરીની કમાણી પર જ આર્થિક વ્યવહાર ચલાવે છે તેમની હાલત કફોડી બની જવા પામી છે.

વાપી વિસ્તારમાં વાડી ધરાવતા એક ખેડૂત કેરીના પાકની નિષ્ફળતા માટે કારણો આપતાં કહ્યું હતું કે જ્યારે અહીં જીઆઈડીસી જેવા ઉદ્યોગો નહોતા ત્યારે કેરીનો ઉતાર વધુ રહેતો. પણ આ કારખાનાઓ આવ્યાં છે ત્યારથી કેરી માટે પનોતી બેઠી છે. નાજુક નારી સમાન હાફૂસ કેરીને પ્રદૂષણની તરત અસર થતી હોવાનું  તેમણે જણાવ્યું હતું.

સરકાર દ્વારા રચાયેલી પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ ચૂકી છે.

પ્રદૂષણને લીધે કેરીનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે એક ખેડૂતે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અમારો બધો જ નાણાકીય વ્યવહાર કેરીના પાક પર અવલંબતો હોઈ લગ્નસરા જેવા પ્રસંગો પણ હવે કેવી રીતે ઉજવવા તે મોટો પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. કેરી એ વલસાડ જિલ્લાના ખેડૂતો માટે સમગ્ર અર્થતંત્રના પાયા સમાન રહી છે. ત્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અહીં પ્રદૂષણનો ખુલ્લેઆમ ફેલાવો કરતા દૈત્ય સમાન  ઉદ્યોગોને નાથવા માટે પગલું ભરે તે તાકીદનું બન્યું છે.

આંબાની અન્ય તમામ જાતિ દર વર્ષે ફળ આપે છે પરંતુ આફૂસનું એક વૈશિષ્ટય એ છે કે તે દર આંતરે વર્ષે ફળ આપે છે. હવે વેપારીઓને આ મંજૂર ન હોય તે સમજવાની વાત છે. આથી આ ઝાડ પાસેથી દર વર્ષે ઉત્પન્ન મેળવવા માટે રસાયણોનો ડોઝ આપવાનું પ્રમાણ વધારવામાં આવ્યું. જો કે કેટલાક ખેડૂતોની આંખ હવે ઉઘડી છે. તેઓ કહે છે કે અમે નિસર્ગનો સાથ છોડીને પાશ્ચાત્ય પધ્ધતિનું આંધળું અનુકરણ કર્યું.આના માઠા ફળ હવે અમે ભોગવી રહ્યા છીએ.

ગુજરાતની   માફક  મહારાષ્ટ્રના  મુખ્ય  કેરી ઉત્પાદક  વિસ્તારમાં પણ પ્રદૂષણની  મહામારી  છે. અહીંના  કોલસા આધારીત થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા  ઉત્સર્જિત  ધુમાડો કેરીના પાકને નુકસાન પહોંચાડે છે.

ઘાટ પર રહેલા શેરડી અને દ્રાક્ષની વાડીઓમાં પણ જુદાજુદા પ્રકારના ખાતર તથા કિટાણુનાશકનો વપરાશ થતો જોવા મળે છે. કોંકણના આંબાવાડિયાના માલિકો તો પોતાની આર્થિક ક્ષમતા અનુસાર તથા ઉપલબ્ધ મનુષ્યબળ પ્રમાણે તેનો વપરાશ કરે છે પણ નાની આંબાવાડીમાં તેનો બેફામ વપરાશ થતો જોવા મળે છે. ત્યાં પેદા થતાં કિટાણુઓ નિયમીત ઔષધનો છંટકાવ થતો હોય તે વાડીમાં પ્રવેશે છે અને ત્યાંના આંબા પર હુંમલો કરે છે. આ ઉપરાંત કોંકણમાં વેપારી પોતે આંબાનું ઉત્પાદન લેવાને બદલે  દલાલને વાડી બેથી પાંચ વર્ષના કરાર પર આપે છે. આથી આ મુદત દરમિયાન ઝાડમાંથી વધુને વધુ ઉત્પન્ન મેળવવા માટે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો બેફામ વપરાશ કરવામાં આવે છે. આ કારણે ઝાડનું આયુષ્ય ઘટે છે અને ઉત્પાદન પર પણ પરિણામ થાય છે. 

છેલ્લા થોડા વર્ષમાં આંબા વાવવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તેની પાછળનું કારણ અલગ જ છે. હવે ઘણા ઉચ્ચ મધ્યમ વર્ગીયો અને શ્રીમંતો અહીં મોટા પ્રમાણમાં રોકાણ કરવા લાગ્યા છે. તેમને અહીંની પ્રકૃતિ ,આંબાના પાકની વિશિષ્ટતા અને ઉત્પાદન લેવા માટે જરૂરી કામગીરીની સમજ હોતી નથી. ડબા કલમને કારણે આંબા પર પાંચ -સાત વર્ષમાં ફળ આવે છે એવો પ્રચાર સર્વત્ર કરવામાં આવે છે. સામાન્ય રીતે આંબાના ઝાડમાંથી સારું એવું  ઉત્પન્ન મેળવવા માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષ સુધી રાહ જોવી જોઇએ. પણ રોકાણ કરવા ઇચ્છુકોને તેની ખબર હોતી નથી. આથી જલદી અને વધુ ઉત્પન્ન મળે તે માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે. અને તેનું દુષ્પરિણામ બધાને ભોગવવું પડે છે. ગેરકાયદે મેળવેલા કાળા નાણાને ધોળા કરવા આંબાની વાડીઓ ખરીદનારા 'ધનેશ્રીઓ'  જેવા અને ક અહીં જોવા મળે છે. 

આ બધુ ધ્યાનમાં લેતાં સમજાશે કે માત્ર કુદરત જ નહિ પણ માનવ નિર્મિત કારણોએ પણ કોંકણના આફૂસનો ભોગ લીધો છે. માનવીના  અર્ધ જ્ઞાન તથા  લાલચુપણાએ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો કે હજુ એટલું નુકસાન નથી થયું કે માથે હાથ દઇને રડયા સિવાય કોઇ વિકલ્પ જ ન હોય .જો સેન્દ્રિય ખાતર તરફ વળવામાં આવે તો ભૂલ સુધારી શકાશે. હા, આ ભૂલ એટલી ગંભીર છે કે તે સુધારવામાં ર્થોડા વષો અવશ્ય નીકળી જાય.અને આજના યુગમાં ઝડપથી પૈસા રળવા ઇચ્છુક કેટલા ખેડૂતો આ વાત માન્ય કરશે તે પણ યક્ષ પ્રશ્ન છે.