- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- કેડમાં ભરાવવા માટે ચાંદીનો ઝૂડો પણ લગ્ન વખતે દીકરી માટે આજેય ખાસ ખરીદવો પડતો હોય છે. ઘણી બધી ચીજોને એક સાથે જેમાં બાંધી દીધી હોય તે પદાર્થને 'ઝૂડા' તરીકે પણ ઓળખવાનો રિવાજ છે
એ કવાર અમદાવાદના રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ ઉપર સાંજના છ એકના સુમારે એક દંપતી ઝઘડતું હતું. યુવાન પત્નીના ખોળામાં બેએક વર્ષનું એક બાળક હતું. પુરુષ કપડાંની બેચાર ગાંસડીઓની વચ્ચે બેઠો બેઠો બીડી પીતો હતો. બાઈ દેખાવે મધ્યમ હતી. કપાળમાં ચાંલ્લો હતો, સાડી કળાત્મક પહેરેલી, છોકરાનું મોં પાલવથી વારેવારે સાફ કરતી હતી. છોકરાને મમરાનું પડીકું ન અપાવતાં, પત્ની વિફરેલી એવું કારણ હતું... બોલાચાલીમાંથી ઝઘડો વધેલો, પછી તો પેલા યુવાને પ્લેટફોર્મ ઉપર જ તેને લાતે લાતે મારી, પછી એક લાકડીના ટુકડાથી ઝૂડી નાખી. છોકરો રડયા કરે. સ્ત્રી માર સહન કર્યા કરે અને સામે બોલે પણ ખરી - 'નબળો ધણી બૈરી પર સૂરો' સ્વમાનભંગ થતાં પેલો પુરુષ વધારે પુરુષાત નથી ઝૂડે... ઝૂડિયું થાકે પણ પુરુષ નહિ. ત્યાં એટલામાં પોલિસ આવી. મારનાર યુવાનને પકડયો, અને એક સોટી ફટકારી પોતાની સાથે લઈ ચાલવા લાગી. પેલી સ્ત્રી છોકરાને લઈને પાછળ પાછળ ગઈ. પોલિસવાળાને કહે - 'એ સાયેબ, પૂછો તો ખરા!' 'ચ્યોં લઈ જાઓ છો?'
'પોલિસ સ્ટેશન, સીધો કરી દઉં' પોલિસવાળો બોલ્યો. પેલી બાઈ કહે - 'ના સાયેબ, ના લઈ જશો, મેલી દ્યો' પોલિસ - 'તને આટલી બધી ઝૂડી નાખી તો પણ..?' પેલી બાઈ કહે - 'એ મારો ધણી છે, છો ઝૂડી નાખી, પણ તમે એને ઝૂડો એ મારાથી ના ખમાય' એ તો ઘર છે ચાલ્યા કરે... સાયેબ હાથ જોડું છું - મી તમોને કોઈ રાવ લખાઈ નથી... મેલી દો, મારાં કરમ મું ભોગવીશ. પછી પેલા બાળક સામે જોઈ પોલિસવાળાને કહે - 'આ બચ્ચાનો તો વચાર કરો? ઘરવાળો છે ઝૂડેય ખરો, મેલી દો'.
એક નંબરના પ્લેટફોર્મ ઉપર એ એક નંબરના દંપતીને આમ જોઈ, એ પોલિસવાળાએ એ ભાઈને છોડી મૂક્યો. આ ઘટનાના સાક્ષી તરીકે પેલી બેનનો પતિપ્રેમ જેટલો ગમ્યો એનાથી વધારે સંવાદી બોલીમાં 'ઝૂડી નાખી' 'ઝૂડી નાખ્યો' જે પ્રયોગો થયા એ અંગે વિચાર કર્યો. આ 'ઝૂડી' શબ્દ ગુજરાતીમાં બીજે ક્યાં વપરાતો હશે!
ગુજરાતીમાં 'ઝૂડી નાખવું' એ પ્રયોગનો અર્થ ખૂબ માર મારવો તો થાય જ છે પણ એ અર્થ આપણા કોશમાં નથી 'ઝૂડી' શબ્દ ગુજરાતી ભાષામાં બીજે ક્યાં ક્યાં વપરાય છે તે અંગે સંશોધન આદર્યું. કપડાં ધોવા માટે પણ 'ઝૂડી નાખ્યાં' બોલાય છે. કોઈને માર માર્યો હોય ત્યાં 'ઝૂડી કાઢ્યો' એવો પ્રયોગ થાય છે. બોરડી ઉપરથી ધોકો મારી મારીને બોર ખંખેરો ત્યારે બોરડીને 'ઝૂંડી નાખી' એમ કહીએ છીએ. કેટલાંક છોકરાં ખેતરમાં જઈ નધણિયાતો આંબો 'ઝૂડી' કેરીઓ પાડી જતાં હોય છે. ખેડૂતવર્ગ કેટલુંક ધાન ઝૂડીને લેતો હોય છે. મગ, મઠ, ચોળાની સુકાઈ ગયેલી સિંગો 'ઝૂડવાની' હોય છે તેમાંથી કઠોળ (મગ, મઠ, ચોળા, અડદ) બહાર નીકળે પછી તેને ઊપણી ઊપણી ચોકખા કરી લેવાના થતા હોય છે. અહીં તો મારવાનો અર્થ બરાબર છે જેનાથી ઝૂડાય તેને 'ઝૂડિયું' કહે છે. 'ઝૂડિયો' ઝૂડવાના દંડા માટે વપરાયો શબ્દ છે.
શહેરના માણસોને ખબર નહિ હોય, બાવળના દાંતણની ઝૂડીઓ મળતી હતી. હમણાં સુધી 'ઝૂડી'ઓનું ચલણ હતું. આજેય મેથીની ઝૂડી, પાલકની ઝૂડી, બીડીની ઝૂડી, લીલા લસણની ઝૂડી, કોથમીરની ઝૂડી, સરગવાના પાનની ઝૂડી, અળવીનાં પાનની ઝૂડી આમ લગભગ બધી જ ભાજીઓ ઝૂડીમાં મળતી હોય છે. લીલી ચાની ઝૂડી પણ હોય છે. જેમાં થોડાક પાનસોતા છોડ ભેગા કરી એક સાથે બાંધી દીધા હોય તે ઝૂડી. અહીં મારવાનો ઝૂડવાનો અર્થ નથી. એક સાથે ભેગા કરી, નાખવાનો અર્થ છે જથ્થામાં એકત્ર કરવાનો અર્થ છે.
ઝૂડી અને ઝૂડો બંને શબ્દો આજે આપણા લોકજીવનમાંથી આથમી રહ્યા છે. મૂળ સંસ્કૃત 'જૂટ'માંથી પ્રાકૃત 'જૂડ' ગુજરાતીમાં ઝૂડો-ઝૂડી શબ્દો આવ્યા છે. ઝૂડો શબ્દનો કોશગત અર્થ એવો છે - 'ઘણી બધી ચીજોને સાથે બાંધેલો મોટો જથ્થો.' એ જથ્થો નાનો હોય તો ઝૂડી. પરંતુ ગુજરાતી ભાષક પાસે બંનેના અર્થો અને બંનેની ઓળખ નોખી છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષક ચાવી-કુંચીનો 'ઝૂડો' કહે છે અને દાતણની 'ઝૂડી' (નાની) કહે છે. સાવરણીને પણ 'ઝુડી' કહે છે. (સાર્થ જોડણીકોશ) અહીં ઝુડો (પુલિંગ) અને ઝૂડી (સ્ત્રીલિંગ) નોખા અર્થો આપે છે.
'ઝૂમ' શબ્દના બે અર્થ છે 'ઝૂમખા'ની માફક એકઠું થયેલું. અને ઘણું, ધૂમ. ક્યારેક (નશો કરીને) રમેશભાઈ 'ઝૂમ' થઈ ગયા છે એવું પણ બોલાય છે. 'ઝૂમખો' અને ઝૂડો શબ્દમાં અંતર છે. કુદરતી રીતે એક પ્રકારના ગુચ્છાદાર ભાગને ઝૂમખું કહે છે. કેળાંની લૂમ, વરિયાળીના છોગાને ઝૂમખું કહેવાય. ટોળામાં ભેગા થયેલા લોકોને પણ ઝૂમખું કહે છે. અનેક વસ્તુઓના જથ્થાને 'ઝૂમખું' કે 'લૂમખું' કહે છે 'તારા'ઓનું ઝૂમખું હોય છે. જ્યારે 'ઝૂડો'નો ચાવી ભરાવવા માટેનો જ હોય. કેડમાં ભરાવવા માટે ચાંદીનો ઝૂડો પણ લગ્ન વખતે દીકરી માટે આજેય ખાસ ખરીદવો પડતો હોય છે. ઘણી બધી ચીજોને એક સાથે જેમાં બાંધી દીધી હોય તે પદાર્થને 'ઝૂડા' તરીકે પણ ઓળખવાનો રિવાજ છે. નવી પરણેલી વહુને ઘરનો કારભાર સોંપવાનો, તિજોરીની ચાવી આપવાનો જે રિવાજ છે તે ચાવી સાચવવા માટે જે જોઈએ તે ઝૂડો. 'ઝૂડો' પુલિંગ સંજ્ઞા છે પણ એને સાચવતી સ્ત્રી હોય છે. ઝૂડો-ઝૂડી શબ્દમાં નાના-મોટાનો ભેદ નથી, અલગ અર્થો છે બંનેના એ બંને શબ્દો વચ્ચે જાતિભેદ કે વિરોધનો અર્થ પણ નથી ઉભય શબ્દનું નોખું અર્થ વિશ્વ છે. આપણો અભણ ભાષક તે બરાબર જાણે છે - ભૂલો તો ભણેલાને જ પડે છે.


