- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- બાઈક પર બેસીને ઘરે પાછા જતાં આખે રસ્તે જેક કશું બોલી નહિ. 'ખાડો આવ્યો. જેક મારી સાથે અથડાઈ. એની નરમ છાતી મને અનુભવાઈ. -સાલીને કશું નહિ થતું હોય- મારાથી મનમાં બોલાઈ ગયું....
તમારે માટે પસંદ કરેલી આજની વાર્તાનો આરંભ આમ થાય છે:
'પશુઓનાં ટોળાં જે નાગી તલવારો લઈને... ફરતાં હતાં એ થોડી વાર માટે ગાયબ થઈ ગયાં હતાં... મેં રસ્તો જોયો, જાણે સગાની લાશ જોતો હોઉં એમ. અજવાળું થતું ત્યારે માણસો માણસ જેવા લાગતા. કૂતરાના રડવાના અવાજ અને રબર બળવાની વાસથી થાકીને રાત વહેલી સવારે સૂઈ ગઈ હતી.'
રાતે આઠથી સવારે આઠ સુધી કરફ્યુ લદાયો હતો. વાર્તાનાયકનો ફોન રણક્યો. એના મિત્ર જીતુએ તેને ઘરે બોલાવ્યો. જીતુની બહેન અને બૈરા વચ્ચે કંકાસ ચાલતો હતો. કેવી હતી જીતુની બહેન?
'સત્યાવીસ અઠયાવીસની આસપાસ હતી એ. જીતુ કરતાં ત્રણેક વર્ષ મોટી. એનું નામ જવનિકા પણ બધાં એને જેક જ કહેતાં. વાળ છોકરા જેવા જ રાખે. હંમેશા પેન્ટ-શર્ટ જ પહેરે અને ચાંદીની વીંટીઓની કારીગર. રોજ જીતુ સાથે સવારથી દુકાને આવી જાય અને રાત્રે દુકાન વધાવીને જ ઘરે જવાનું. કામ એટલું બધું ખેંચે કે જીતુ એની પાસે ઢીલો પડે. હું જેકના ગળચટ્ટા વિચારમાં ખોવાઈ ગયો. એના ગુલાબી હોઠ મારી સામે તરવરવા લાગ્યા... જેક રસોડામાં કશુંક કરતી હતી.. એના વાળ વિખરાયેલા હતા... સફેદ શર્ટનું બટન ખૂલી ગયું હતું કે ખુલ્લું રહી ગયું હતું એ ખબર ન પડી...
જીતુએ વાર્તાનાયકને વિનંતી કરી કે રમખાણ હોવાથી, જેક સાથે દુકાને જઈને ચાંદીનો માલ ('જોખમ') લઈ આવે. જેકે જીતુની બૈરી તરફ જોઈને કહ્યું, 'આ તો જો, પાડાની જેમ પડી છે.' બૈરી તાડૂકી, 'તે શોખથી પડી રહી છું? આ તારા ભાઈનો વસ્તાર જણવાનો છે, એટલે. તને શું ખબર પડે વસ્તાર જણવાની? છોકરીના કોઈ લખણ છે તારામાં? તને થયું કોઈ દિ બૈરાં જેવું?... હાળી પૈણતીય નથી અને અહીં અમારી છાતી પર મગ દળ્યા કરે છે!...
જીતુ બબડયો, 'આ બધી મારા બાપાએ પત્તર રગડી નાખી છે. મારો મોટો છોકરો- મોટો છોકરો કહીને ફટવી મારી અને અધૂરામાં પૂરું કામ શિખવાડી દીધું. એનેય થોડી કારીગર થઈ ગઈ તો હવા ભરાઈ ગઈ કે હું બજારની કિંગ છું..
વાર્તાનાયક અને જેક ચાંદીનો માલ લાવવા નીકળ્યાં. વાર્તાનાયકે બાઈકને કિક મારી. રસ્તામાં જોરથી બ્રેક મારવી પડી ત્યારે જેકનું શરીર ઢળી પડયું, તેણે વાર્તાનાયકની કમરે હાથ મૂકવા પડયા. 'બજાર અરધું પરધું ખૂલ્યું હતું, સૌ ઝપાટાબંધ ઘરે જવાની ફિરાકમાં હતા.. બંગાળી કારીગરોનાં ટોળાં ચાની કીટલીએ કિ-હોબે, કિ-હોબે કરતાં બીકના માર્યા બધાને પૂછયા કરતા હતા.' જેક દુકાનેથી જોખમનો થેલો લઈને વાર્તાનાયકની દુકાને પહોંચી. 'એના હોઠ પર પસીનાની ભીનાશ પ્રસરી ગઈ હતી. એના સફેદ મુલાયમ હાથ ભઠ્ઠીની રાખથી કાળામેશ થઈ ગયા હતા. એની છાતી ધમણની જેમ ઊંચી નીચી થતી હતી.' વાર્તાનાયકને ચાંદીની ભઠ્ઠી સામે ગુંગળામણ થતી જોઈને જેક સહાયરૂપ થવા આવી. ભઠ્ઠીના તાપથી તેનંર મોં પણ લાલ થઈ ગયું, છાતીએ પસીનાના રેલા ચાલ્યા.
'એના શ્વાસ મને સંભળાતા હતા. એના આગળ આવી ગયેલા વાળ ભઠ્ઠીમાં ન અડી જાય એટલે મેં એને પાછળ લીધા. એ બહાને એના ગાલને અડી લીધું. એણે સાણસી પકડી રાખી હતી. એ સહેજ પણ હલી નહિ. મારી હિંમત વધી... હું એના શર્ટનું ત્રીજું બટન ખોલવા મથ્યો... જેકે મારી સામે જોયું અને ગરમ સાણસી મારા હાથ પર મૂકી દીધી. મારી રાડ ફાટી ગઈ. ચામડી બળવાની વાસ આવી... એણે મને જોરથી ખેંચીને લાત મારી... હું ઢગલો થઈ ગયો...
બાઈક પર બેસીને ઘરે પાછા જતાં આખે રસ્તે જેક કશું બોલી નહિ. 'ખાડો આવ્યો. જેક મારી સાથે અથડાઈ. એની નરમ છાતી મને અનુભવાઈ. -સાલીને કશું નહિ થતું હોય- મારાથી મનમાં બોલાઈ ગયું.... એકાએક જેક બોલી, મને અહીં ઉતારી દે. વાર્તાનાયકે સમજાવી, વચ્ચે ડેંજર એરિયા આવે છે, હું તને ઘરે મૂકી દઉં. પણ માને તો જેક શાની?
અહીં સુધી કથા વાર્તાનાયકને મુખે (પ્રથમ પુરુષ એકવચનમાં) કહેવાતી હતી. છેલ્લો ખંડ તૃતીય પુરુષમાં લખાયો છે. 'ચીકણું રગડા જેવું અંધારું ચારેકોરથી ભીંસતું હતું. ઘર પાછળ છૂટી ગયું હતું. ઝુંપડાંઓમાં ટમટમિયાં જલતાં હતાં... લોક દોડતું હતું... ધુમાડાના ગોટેગોટા ઊઠતા હતા.. એને બીક લાગી. એ મોટા મોટા લાંઘા ભરતી અવાજની દિશામાં દોડવા લાગી.. એ સરહદી વિસ્તાર હતો.. ખુલ્લી તલવારો અને ધારિયાં લઈને ટોળું દૂર ઊભું હતું.. સોસાયટી ભડ ભડ બળતી હતી....
'-એય છોકરી, ત્યાં કેમ ઊભી છે? જતી રહે, જોતી નથી ત્યાં..?- કોઈકે રાડ પાડી... કોઈએ ગેસનો સિલિન્ડર મકાનમાં ફેંક્યો.. એ દીવાલ કૂદીને અંદર ગઈ.. એક છોકરું ઘોડિયામાં સૂતું હતું. તેની પાંપણ બળી ગઈ હતી... એણે છોકરાને બે હાથે પકડી લીધો અને શર્ટનાં બટન ખોલીને તેનું માથું છાતીમાં દબાવી દીધું.. છોકરાના ગરમ શ્વાસ એની છાતીમાં અથડાતા હતા.. બહારની જ્વાળાઓ અંદર પ્રવેશવા મથતી હતી. એ છોકરાને ભેટીને બેસી રહી તે બેસી જ રહી...'
'ત્રીજું બટન... નામની આ વાર્તાના લેખક છે વિજય સોની. સંવાદોમાં ખરેખાત બોલાતી ભાષા છે; કૃત્રિમ, સાહિત્યિક કે પાઠયપુસ્તકની ભાષા નથી. કારીગર વર્ગની વાતચીતના આરોહ-અવરોહ, લહેકા, કાકુ અહીં ઝિલાયા છે. વિવિધ ભાષાના શબ્દો સહજપણે આવે છે. (કિંગ, ફિતરત, કિ-હોબે.) લેખકની શૈલીમાં ઔચિત્યનો ગુણ છેઃ રમખાણનું વાતાવરણ હોવાથી રસ્તાને 'સગાની લાશ' સાથે સરખાવ્યો છે. શિયાળામાં અજવાળું મોડું થાય એટલે લખે છે કે રાત વહેલી સવારે સૂઈ ગઈ હતી. અજવાળામાં માણસો માણસ જેવા લાગતા લખીને સુચવાયું છે કે અંધકારમાં તેઓ હિંસક પશુ થઈ જતા. ક્યાંક અપશબ્દો વપરાયા છે, જે નીચલા મધ્યમ વર્ગના પરિસરમાં અને મારાકાપીના સમયમાં સાહજિક લાગે.
યુદ્ધ અને પ્રેમ સાહિત્યના સનાતન વિષયો છે, અહીં બેયનો સમન્વય કરાયો છે. હુલ્લડો પ્રત્યેનો અણગમો સીધાં વિધાનોથી નહિ પણ સંકેતોથી વ્યક્ત થયો છેઃ હુલ્લડખોરોને પશુઓનાં ટોળાં કહ્યાં છે, નાના દુકાનદારોને પણ લુંટાઈ જવાનો ભય સતાવે છે, બંગાળી કારીગરોને ગભરાયેલા દર્શાવ્યા છે, ઘોડિયામાં સૂતેલા શિશુને જીવતું બાળી મુકાય છે. પ્રકટપણે ન કહેવાયું હોવા છતાં કળી શકાય કે હુલ્લડ કોમી પ્રકારનું છે. 'સરહદનો વિસ્તાર'- કેવો વિપર્યાસ કે એક જ નગરમાં 'સરહદ હોય! વાર્તાનાયકને જેક માટે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે કારણ કે તેની સુંદરતાનાં વર્ણનો સાદ્યંત કરાયાં છે. સત્યાવીસ- અઠયાવીસ વર્ષની દેખાવડી, કુંવારી અને સમાન વ્યવસાયની કાર્યકુશળ યુવતી પ્રત્યે આકર્ષણ થાય તેમાં કોઈ પાપ નથી.
જેકને પહેલાં તો કઠોર અને પૌરુષેય સ્વભાવની દર્શાવાઈ છે: ટૂંકા વાળ, શર્ટ-પેન્ટ, પુરુષથી ય વધુ કામ કરવું, કશો જાતીય આવેગ ન હોવો, અચકાયા વગર ધધખતી સાણસી ચાંપી દેવી, લાત ઠોકી દેવી. મગદૂર છે કોઈની કે તેનાં શર્ટનાં બટન સાથે અટકચાળું કરે? બીજા ખંડમાં જેકનું માર્દવભર્યું, માતૃત્વથી છલકાતું, માનવ્યથી ઉભરાતું રૂપ જોવા મળે છે. ટોળાનો માણસ તેને ચુપચાપ જતી રહેવાનું કહે છે, અર્થાત્ ટોળું વિધર્મીઓનાં ઘર સળગાવી રહ્યું છે. શિશુ સળગી જાય એ જેકને મંજૂર નથી. શૃંગારિક અડપલાંથી જે ત્રીજું બટન નહોતું ખૂલ્યું તે વાત્સલ્ય અને કરુણાથી ખૂલી જાય છે, જેક શિશુને છાતીસરસું ચાંપે છે. લેખક સંદિગ્ધતા રાખે છે પરંતુ બહાર તલવાર તાણીને ઊભેલાઓ શિશુને જીવતું ન છોડે, માટે કદાચ જેક અગ્નિસ્નાન કરે છે.


