- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- ઊછળી ઊછળીને એકમેકને રક્તરંજિત કરતા મરઘાઓએ જોયું કે તેમની પ્રિય મરઘી તો કપાઈને કાળનો કોળિયો બની ચૂકી છે
મોહન રાકેશ (૧૯૨૫-૧૯૭૨) એટલે હિંદીના સમર્થ વાર્તાકાર, નવલકથાકાર અને નાટયકાર, જેમને સંગીત નાટય અકાદમીનું સન્માન મળ્યું હતું. તેમની વાર્તા 'દો મુર્ગે'નો સંક્ષેપ જોઈએ :
વાર્તા :
એક ગલી હતી. ગલીમાં મકાનો અને ઉકરડા વચ્ચે બે બલિષ્ઠ મરઘા રહેતા હતા. લાલચટક કલગી અને દાણાને ભાંગીને ભૂકો કરે તેવી ચાંચ. બન્ને પોતાના ઇલાકાના રાજા હતા અને રોજ સવારે પોતાની દમદાર બાંગોથી ગલીને ગૂંજાયમાન કરતા હતા. પણ એમની શાન-શૌકત અને શક્તિનો અસલી ઇમ્તહાન તો ત્યારે શરૂ થયો, જ્યારે એક ખૂબસૂરત મરઘી તેમની નજરે ચડી. શું મરઘી હતી! સોનેરી પાંખો અને નજાકતભરી ચાલ. બેયને આ મરઘી મેળવવી હતી. મરઘી તેમની મર્દાનગી અને ગરિમાનું પ્રતીક બની ગઈ. તેમની લડાઈ સવારના પહેલા પ્રહરમાં શરૂ થતી અને બપોર પર્યંત ચાલતી. તેઓ એકમેક પર ઝાપટ મારતા, પાંખો ફફડાવતા, ધૂળ ઉડાવતા અને કર્કશ અવાજો કાઢતા. તેમની ચાંચો એકબીજાના જિસ્મ પર ગહરા ઘા કરતી. કદી એક ઉપર તો કદી બીજો. જોનારાને લાગતું કે આ લડાઈ ત્યાં સુધી નહિ રોકાય, જ્યાં સુધી એક મરઘાનું મડદું નહિ પડે. મરઘી એક તરફ ઊભી રહી શાંતિથી લડાઈ જોતી રહેતી, જાણે સમજતી જ ન હોય કે આ ઉપદ્રવ એને સારુ થઈ રહ્યો છે.
લડાઈ ચાલી રહી હતી ત્યાં હાથમાં ચમકદાર ટ્રે લઈને હોટલનો વેઇટર પસાર થયો. મરઘા પળભર રોકાઈને એને તાકી રહ્યા. ટ્રેમાં કશું હતું, જે નિહાળીને બેય થીજી ગયા. ટ્રેમાં કપાયેલી મરઘી પડી હતી, જેને માટે આ બન્ને જીવ પર આવીને લડતા હતા. મરઘીની આંખો બંધ હતી, તેની સુંદર પાંખો રસોઈની આગથી ભૂરી પડી ગઈ હતી. બે મરઘાઓએ એકમેક તરફ જોયું. તેમની આંખો ખાલી હતી. તેમની પાંખો ઢીલી પડી ગઈ. ન રહી બહાદુરી, ન રહ્યો અહંકાર. ગલીમાં ફરી સન્નાટો છવાઈ ગયો. બસ, હવાનો સૂસવાટો અને દૂર કૂતરાના ભસવાનો અવાજ.
વાર્તા વિશે :
અતિશયોક્તિ કરીને કહી શકાય કે આ વાર્તા હિંદીમાં નહિ પણ હિંદુસ્તાનીમાં લખાઈ છે. અહીં ઉર્દૂ અને સંસ્કૃત શબ્દો જોડાજોડ ચાલે છે. એક બાજુ 'બલિષ્ઠ, ગૂંજાયમાન, શક્તિ, ગરિમા, પ્રહર, ઉપદ્રવ' ઇત્યાદિ, તો દૂસરી ઓર 'ઇલાકો, શાન-શૌકત, નજાકત, મર્દાનગી, જિસ્મ, ગહરા' વગૈરહ વાર્તા મરઘાની છે, પણ મરઘા વિશે નથી. લેખક માનવમૂલ્યોને તાકે છે. આને 'ફેબલ'- પ્રાણીકથા કે બોધકથા સાથે સરખાવી શકાય. શરૂઆત જ જુઓને, બાળવાર્તા જેવી ન લાગે? 'એક ગલી હતી. ગલીમાં... બે મરઘા રહેતા હતા.' સંકેત ભલે માનવી પ્રત્યે હોય, પણ લેખકે મરઘાના દેખાવ અને વર્તાવનું હૂબહૂ ચિત્રણ કર્યું છે, જે સ્વભાવોક્તિ અલંકાર છે. લેખકે મરઘા વિશે એવી પદાવલિ પ્રયોજી છે કે સહેજે માનવીય ગુણોનું આરોપણ થાય. જેમ કે તેમણે મરઘાને જોરુકા નહિ પણ 'બલિષ્ઠ' કહ્યા છે, તેમનામાં 'મર્દાનગી, ગરિમા'નાં દર્શન કર્યાં છે, તેમને 'રાજા' કહ્યા છે.
એકાએક વાર્તા વીરરસ અને શૃંગારરસમાંથી બિભત્સ રસમાં સરે છે. ઊછળી ઊછળીને એકમેકને રક્તરંજિત કરતા મરઘાઓએ જોયું કે તેમની પ્રિય મરઘી તો કપાઈને કાળનો કોળિયો બની ચૂકી છે. તેમની જિંદગીનું જાણે પ્રયોજન જતું રહ્યું. માણસ આખી જિંદગી જેની પાછળ ખરચી નાખે તેની કિંમત આખરે ફૂટી કોડી નીકળે. દીવાનબહાદુર અને રાવબહાદુરનાં બાવલાં બને, પણ પાંચ-દસ વરસે તેમના માથે કબૂતર ને કાગડા ચરકતાં હોય. નિયતિ સામે માનવીની મહત્ત્વાકાંક્ષા નાની પડે. મરઘીનાં સોનેરી પંખ કાલાગ્નિમાં શેકાઈને થઈ જાય ભૂરાં. શૂન્ય પાલનપુરી ચેતવે છે:
'નાહક થાઓ છો રાતાપીળા
રંગ અસલ તો છે રાખોડી'
અંતે પવનનો સૂસવાટો અને કૂતરાનું ભસવું- કાળનું ખપ્પર એ છેવટનું સત્ય છે.


