Get The App

વલ્લભભાઈની ગોધરામાં અભયની વકીલાત

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈની ગોધરામાં અભયની વકીલાત 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- ગોધરામાં વલ્લભભાઈની વકીલાત સમયની કોર્ટ ગોધરાના બે-અઢી વર્ષના વકીલાતકાળે વલ્લભભાઈએ આરંભથી જ ધાક જમાવી દીધી હતી. ફોજદારી વકીલ તરીકે પોતાની નામના કરી લીધી હતી. અંગ્રેજ અમલદારો, પોલીસવાળાઓ કે મેજીસ્ટ્રેટ સુદ્ધાંને ખોટી વાતમાં ઉઘડો લેવાની હિંમત કેળવી હતી

વ લ્લભભાઈનું શાળાજીવન શરૂ થયેલું કરમસદે ઈ.સ.૧૮૮૨માં, અને પૂરું થયું નડિયાદે ઈ.સ.૧૯૦૦માં. વિતેલાં આ ૧૮ વર્ષમાં તેઓ ગુજરાતી સાતમી સુધી ભણ્યાં. અંગ્રેેજી સાતમી, એટલે કે મેટ્રિક પૂરું કર્યું. નડિયાદમાં ઘરબેઠે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરી.

હવે, વકીલાતનો વ્યવસાય શરૂ કરવાનો સમય હતો. એ માટે તેમણે ચરોતરનો ખેડા જિલ્લો છોડીને પંચમહાલના પ્રવેશે આવેલા ગોધરા નગરની પસંદગી કરી લીધી હતી. કારણ કે ત્યાં પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા વિઠ્ઠલભાઈએ ગોધરા છોડીને બોરસદ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.માટે વલ્લભભાઈએ નક્કી કર્યું કે પોતે ગોધરા જશે, ત્યાંથી કમાઈને ઈંગ્લેન્ડના બૅરિસ્ટર થવાનો પાયો નાંખશે. પત્ની ઝવેરબાને પિયરથી ગોધરા બોલાવીને લગ્નજીવનનો આરંભ કરશે. આ બધા નિર્ણયોને દ્રઢ કરીને વલ્લભભાઈ વીસમી સદીના પ્રથમ ચરણે ગોધરા નિવાસી બનવા દ્રઢનિશ્ચયી થયા.

તેઓ ધૂળિયા માર્ગે ગોધરા પહોંચ્યા, ત્યારે વિઠ્ઠલભાઈએ કંડારેલી વકીલાતની કેડી તૈયાર હતી, પરંતુ એ પૂરતી નહોતી. ત્યાં ભાડાનું ઘર શોધવું, ઘર વસાવવું, ગૃહસંસારની સગવડો ઉભી કરવી, અસીલોમાં નામ કમાવવું અને વ્યવસાયની કેડીને રાજમાર્ગમાં ફેરવવા જેવા અનેક પડકારો તેમની સામે ઉભા હતા. ગોધરાક્ષેત્ર વલ્લભભાઈ માટે તકદીર અને તજબીજનો સુયોગ હતો. કર્મની નિષ્ઠા અને નસીબની બલિહારીના સહારે તેમણે પોતાનો આ નિર્ણય કર્યો હતો. એમની પાસે ગોધરામાં સ્વતંત્રતા હતી, કોઈની શેહશરમ નહોતી અને ઉપકારવશ રહેવાનો ભાર પણ નહોતો. તો સામા છેડે અજાણ્યા શહેરમાં ઓળખાણો કરવી, અમલદારોમાં સારી છાપ પાડવી, અટપટા કેસોમાં અસીલને જીતાડવો અને કુટુંબને નાણાંની મદદ મોકલવાનો ભાર પણ હતો.

તેમણે નડિયાદ છોડયું ત્યારે ગોધરામાં ઘર વસાવવાના પૈસા નહોતા એમની પાસે. એ માટે મિત્રો પાસેથી હાથઉછીનું ભંડોળ એકઠું કર્યું. નડિયાદ અને ગોધરાના હરાજી માર્કેટમાંથી એક ટેબલ, થોડી ખુરશીઓ, થોડી શેતરંજી જેવો ઘર-ઓફિસનો જરૂરિયાતવાળો સામાન ખરીદ્યો. ત્યાં સુધી કે વાસણકૂસણ અને બીજું રાચરચીલું નડિયાદના બજારમાંથી લીધું તો ખરું, પણ સેકન્ડહેન્ડ. આ રીતે દેવું કરીને ટાચાં સાધનોની મદદથી વલ્લભભાઈએ ગોધરાના સાથરીયા બજારના પટેલવાડામાં મકાન ભાડે રાખીને લગ્નજીવનના અને વકીલાત વ્યવસાયના નવજીવનનો આરંભ કર્યો.

ગોધરાના બે-અઢી વર્ષના વકીલાતકાળે વલ્લભભાઈએ આરંભથી જ ધાક જમાવી દીધી હતી. ફોજદારી વકીલ તરીકે પોતાની નામના કરી લીધી હતી. અંગ્રેજ અમલદારો, પોલીસવાળાઓ કે મેજીસ્ટ્રેટ સુદ્ધાંને ખોટી વાતમાં ઉઘડો લેવાની હિંમત કેળવી હતી. તેમના એક સમયના સાથી અને જીવનનાં નજીકના સાક્ષી રાવજીભાઈ મણિભાઈ પટેલ 'હિંદના સરદાર' નામના જીવનચરિત્રમાં નોંધે છે કે '(વલ્લભભાઈની) વિચક્ષણ બુદ્ધિ, સામા માણસનો તાગ લેવાની શક્તિ અને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ કરવાની કાર્યક્ષમતા વકીલાતના ધંધામાં સફળ થવા માટે તેમની મુખ્ય સાધનસામગ્રી હતી. આ ધંધો તેમણે ધનપ્રાપ્તિની દ્રષ્ટિએ સ્વીકાર્યો હતો, એટલે તેમાં એક જ નેમ રહેતી કે પોતાના અસીલને શી રીતે જિતાડવો. અસીલ જીતે કે હારે, તો પણ તેમની વકીલાતની ફી તો મળે જ, પણ અસીલ જીતે તો બીજા નવા અસીલો તેમને મળે અને ગ્રાહક વધે, એવું તેઓ બરાબર જાણતા હતા.'

વલ્લભભાઈ મોટેભાગે ફોજદારી કેસોમાં તોહમતદારના વકીલ થતા.તેના કેસની બધી વિગતને જાણી લીધા પછી પોતાનો વ્યૂહ ગોઠવતા. તેમનામાં માણસ પારખવાની ભારે શક્તિ હતી. પોતાના અસીલ વિરુદ્ધના સાક્ષીની નબળાઈ સમજીને તેને ઉલટ તપાસમાં એવો ગભરાવે અને કાંઈ એવું આડુંઅવળું બોલાવે કે તેની સાચી વાત વિશે પણ મૅજિસ્ટ્રેટ અવળો અભિપ્રાય બાંધે. વળી તેઓ એક કુશળ વકીલ ને નાતે મજિસ્ટ્રેટના ગમા અણગમાના ભોમિયા રહેતાં, તેના સ્વભાવની નબળાઈને પિછાણી લેતાં. પહેલે જ દિવસથી ગોધરાના અસીલો અને મૅજિસ્ટ્રેટ્સને પોતાના આવા ગુણોનો અનુભવ કરાવી દીધો હતો. એટલું જ નહીં, પણ વિચિત્ર આદતવાળા કે ગુમાની મૅજિસ્ટ્રેટનું ગુમાન શી રીતે ઉતારવું, તેની કળા પણ બતાવી દીધી હતી. 

નડિયાદમાં રહેતાં અને ભણતાં ત્યાં સુધી વલ્લભભાઈ સાદો પોશાક પહેરતાં. પરંતુ વકીલ થયા પછી ધોતિયા-ખમીસ પર કાળો કોટ કે ખેસ અને પાટીદારી પાઘડી પહેરવી શરૂ કરી હતી. તેમના દીકરી મણીબેને પોતાના સ્મરણમાં લખ્યું છે કે તેઓ આરંભથી જ વકીલાત કરવા જતા ત્યારે પાટીદારિયા પાઘડી પહેરતાં, એવી કોઈ મૅજિસ્ટ્રેટ સાથેની સામૂહિક છબી પણ છે.જે આજે ક્યાંય ઉપલબ્ધ નથી. (શતાબ્દી સ્મારક ગ્રંથ :પૃ.૯૦)

નીડરતા, બુદ્ધિકૌશલ્ય અને સમયસૂચક્તાના ગુણવિશેષો સાથે શરૂ થયેલી વલ્લભભાઈની ગોધરા વકીલાત કાંઈ કેટકેટલાં રમૂજભર્યા અને નિડરતા બતાવતાં પ્રસંગોથી ભરી ભરી છે.

Tags :