- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'નથી જોઈતું મારે કશું. તને ખબર છે ને મારી જિંદગીમાં તમે લોકો જ છો. મને મારી નાખો પછી આવું બધું કરજો.'
'દિ વ્યા દીદી તમારા માટે કોઈ કુરિયર આવ્યું છે. તમારા ટેબલ ઉપર મૂકી દીધું છે. રસોઈ થઈ ગઈ છે, કચરા-પોતા બધું જ કામ પતી ગયું છે. કદાચ સાંજે હું મોડી આવીશ. બે દિવસ પછી રજા રાખવાની છું. મારા ભાઈનો જન્મ દિવસ છે અને રક્ષાબંધન પણ છે.' -સરલાએ બાલ્કનીમાં બેઠેલી દિવ્યાના વિચારોની માળા વિખેરતા કહ્યું.
'સારું, સાંજે ડિનર મારી સાથે જ કરજે.' - દિવ્યા બોલી.
'ભલે દીદી. હું દહીં લેતી આવીશ અને ડિનર પણ સાથે જ કરીશું.' -સરલા જવાબ આપીને ઘરના મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગઈ. સરલાએ જતા જતા તેને ભાઈનો જન્મ દિવસ અને રક્ષાબંધન બંને યાદ કરાવી દીધા હતા અને દિવ્યા ભુતકાળમાં સરી પડી. આ બંને બાબતો એવી હતી જેની સાથે દિવ્યા પણ ખૂબ જ કનેક્ટ થયેલી હતી. તેની લાગણીઓ અને સ્મૃતિઓનો ખજાનો જ આ બે બાબતો સાથે જોડાયેલો હતો.
પાંચ વર્ષ પહેલાં જ મમ્મી સ્વર્ગ સિધાવ્યા હતા. દિવ્યાને એક વાતનો આનંદ હતો કે, તેની મમ્મીએ તેને પોતાનું પેશન ફોલો કરવાનો અવસર આપ્યો હતો. અખબારોમાં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરનારા સોમદેવ જોબનપુત્રાની દીકરી દિવ્યા જોબનપુત્રા પણ ખૂબ જ સારી આર્ટિસ્ટ હતી. તેની પાસે સ્કેચ બનાવવાનું તો જ્ઞાન હતું જ સાથે સાથે નવી ટેક્નોલોજી થકી તે સુંદર ચિત્રો અને ડિઝાઈનનું સર્જન કરી શકતી હતી. તેના કારણે જ તેને જાતભાતના ગિફ્ટ આર્ટિકલ બનાવવાના ઓર્ડર મળતા હતા. તેની પાસે બે આસિસ્ટન્ટ પણ હતા જે માત્ર કર્મચારી નહીં પણ પરિવારનો એક ભાગ હતા. એકનું નામ નિલિમા અને બીજાનું નામ ચેતન. આ બંને જણા ઘણા વખતથી દિવ્યા સાથે કામ કરતા હતા.
'દિવ્યા દી, મારે આજે એક કેલેન્ડર બનાવવાનું છે. ક્લાયન્ટની ઈચ્છા છે કે, તેમના જીવનની દરેક તસવીરો જોઈને હું બેસ્ટ તસવીરો ભેગી કરીને અલગ અલગ મહિનાના સ્કેચ તૈયાર કરું. તેમને ૧૨ મહિનાના ૧૨ સ્પેશિયલ ફોટો સ્કેચ બનાવવાના છે. તમે પ્લીઝ તેમાં મદદ કરજો ને.' - એક સાંજે ચા-નાસ્તાની મજા માણી રહેલી દિવ્યાને ચેતને કહ્યું.
'યાર તને આવા વિચિત્ર માણસો મળી કેવી રીતે જાય છે. તેમાંય તું આ લોકોને દરેક કામની હા કેમ પાડી દેતો હોય છે. અમને આવી કોઈ ટેકનિક તો શીખવાડ ક્યારેક.' - દિવ્યાએ હસતા હસતા કહ્યું.
'દિવ્યા દીદી, જો તમને બધું શિખવાડી દઈશ તો પછી મારે શું કરવાનું. તમે મને પછી કામ જ નહીં આપો. હું બિચારો ક્યાં જઈશ.' - ચેતને દયામણા ચહેરે કહ્યું.
'નાટક બંધ કર. એકબાજુ મોટી બહેન કહે છે અને બીજી બાજુ આવી વાતો કરે છે. તને શરમ નથી આવતી.' - દિવ્યાએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું.
'સારું દીદી, હવે કાલે વઢજો પણ અત્યારે મારું એક કામ કરી આપો. મારે તમારા ફોટોગ્રાફ જોઈએ છે. તમારા જૂના ફોટોગ્રાફ છે એ. આન્ટી સાથેના, આન્ટીના લગ્નના અને બીજા જે પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય તેવા ફોટોગ્રાફ જોઈએ છે.' - ચેતને કહ્યું.
'તારે કેમ મારી તસવીરો જોઈએ. તારા ક્લાયન્ટે તને તસવીરો આપી નથી. મારી તસવીરોનું તું શું કરીશ.' - દિવ્યાએ દલીલ કરી.
'દીદી, ક્લાયન્ટના ફોટો તો છે મારી પાસે પણ મારે વિન્ટેજ લૂક આપવો છે. તમારા જૂના આલ્બમની ડિઝાઈન અને પેટર્ન ખૂબ જ સરસ છે. મેં તેની પાસેથી વિન્ટેજ સ્ટાઈલ માટે બમણી રકમ માગી છે અને તે તૈયાર પણ છે. તમારી આલ્બમથી મારા જેવા નાના માણસનું કામ થતું હોય અને આપણી ફર્મને સારી આવક થતી હોય તો તમારે મદદ કરવાની હોય કે સવાલો.' - ચેતને કહ્યું અને બનાવટી ગુસ્સો કર્યો.
'એ ભઈ, થોડું સાચવીને. તારી દીદી હાથ પણ ઉપાડી શકે છે. આ બનાવટો બધી ક્લાયન્ટ જોડે કરવાની.' - દિવ્યાએ પણ તેવો જ જવાબ આપ્યો.
'દીદી સાચુ કહું છું. તમે આલબમ આપો. પરમદિવસે સાંજે તો તમને પાછા આપી દઈશ.' - ચેતને કહ્યું અને દિવ્યાએ ઈશારો કરતા નિલિમા ત્રણેય આલબમ લઈને આવી. ચેતન મલકાઈ ગયો.
ચેતન ત્રણેય આલબમ લઈને જતો રહ્યો. બે દિવસ સુધી સ્ટુડિયોમાં દેખાયો પણ નહીં. દિવ્યાને ચિંતા થઈ. તેણ ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો. તેના ઘરે તપાસ કરી તો ઘરે પણ તાળું લટકતું હતું. એક અઠવાડિયા પછી ચેતન પાછો આવ્યો.
'દીદી, જોરદાર કામ કરીને આવ્યો છું. ક્લાયન્ટ ખૂબ જ ખુશ છે. તમને ખબર છે તેઓ મને તેમના ફાર્મ હાઉસ લઈ ગયા હતા. ત્યાં જ મેં તેમની સામે બધું કામ કર્યું. મારો ફોન તેમના સ્વિમિંગપુલમાં પડી ગયો હતો. તેમણે મને આજે નવો મોબાઈલ પણ અપાવ્યો.' - ચેતને આવીને ઉત્સાહ સાથે કહ્યું.
'તને ભાન પડે છે. એક અઠવાડિયાથી હું ઉંઘી નથી, મેં ખાધું નથી, આ નિલિમા ચિંતા કરે છે
અને તને ક્લાયન્ટની મજા પડે છે. તારાથી એક ફોન નથી થતો મને.' - દિવ્યા અકળાઈ ગઈ.
'સોરી દીદી. હું અહીંયાથી ગયો તેના બીજા જ દિવસે મારો મોબાઈલ પાણીમાં પડીને ખરાબ થઈ ગયો હતો. મેં તેમના જ ફોનથી કામ ચલાવ્યું હતું. હવે નવો ફોન આવી ગયો છે. હવે એવું નહીં થાય. હું તમારા માટે પણ કંઈક લઈને આવ્યો છું.' - ચેતને લાડ કરતા કહ્યું.
'નથી જોઈતું મારે કશું. તને ખબર છે ને મારી જિંદગીમાં તમે લોકો જ છો. મને મારી નાખો પછી આવું બધું કરજો.' - દિવ્યાએ કહ્યું અને તેની આંખો ભરાઈ ગઈ.
'સોરી દીદી, હવે આવું નહીં થાય. પ્લીઝ છેલ્લી વખત માફ કરી દો. પોતાના નાના ભાઈને માફ પણ નહીં કરો.' - ચેતને ફરી લાડ કરતા કહ્યું અને દિવ્યા રડતા રડતા
હસી પડી.
'દીદી, આવતા અઠવાડિયે રક્ષાબંધન છે અને ખાસ વાત એ છે કે, મારો જન્મદિવસ પણ છે. આ વખતે હું મોટી બહેનને કંઈક આપું તો સ્વીકારવું પડશે.' - ચેતને કહ્યું.
'જો તું રક્ષાબંધન માટે થઈને કંઈક આપીશ તો જોઈશું. બીજી વાત મોટી બહેન પાસે વધારે અધિકાર હોય છે. તારી ભેટ જોઈને નક્કી થશે કે તેનો સ્વીકાર કરવો કે નહીં. હા તારા માટે પણ એક ખાસ ભેટ હશે જે તારે તો સ્વીકારવી જ પડશે.' - દિવ્યાએ કહ્યું અને ચેતન મલકાઈ ગયો.
દિવ્યાએ ચેતનનું કામ જોયું અને ક્લાયન્ટ સાથે વાત કરી. પેમેન્ટની ચર્ચા કરી અને ચેતનને ફોન ગિફ્ટ અપાવ્યો તે બદલ આભાર પણ માન્યો.
બરાબર રક્ષાબંધનના આગલા દિવસે સાંજે ત્રણેય જણાએ સાથે ડિનર કર્યું. દિવ્યાએ ચેતનને ગિફ્ટ આપી અને સ્પષ્ટ સુચના આપી કે આવતીકાલે તારા જન્મદિવસે જ ખોલજે. ત્યારબાદ બધા છૂટા પડયા. દિવ્યા ઘરે આવી અને આરામ કરવા હોલમાં સોફા ઉપર જ લંબાવ્યું. તેણે જોયું તો ટીવી પાસે એક ગિફ્ટ બોક્સ પડયું હતું. તેના ઉપર લખ્યું હતું હેપ્પી રક્ષાબંધન મોટી બેન.
દિવ્યાએ બોક્સ હાથમાં લીધું અને નીચે મુક્યું ત્યાં જ મોબાઈલ રણક્યો.
'હેલ્લો, દિવ્યાબેન બોલો છો. ચેતન ભાઈને અકસ્માત થયો છે. તમે તાત્કાલિક હોસ્પિટલ આવી જાઓ...' - ફોન કરનારી વ્યક્તિએ કહ્યું અને દિવ્યા હાંફળીફાંફળી ઘર બંધ કરીને ભાગી.
ફોન કરનાર વ્યક્તિએ જણાવેલી હોસ્પિટલ તે પહોંચી ત્યારે મોડું થઈ ગયું હતું. ચેતનના શ્વાસ બંધ થઈ ગયા હતા. દિવ્યા અને નિલિમા તેને જોઈને ડઘાઈ ગયા. ચેતન સાવ નિસ્તેજ પડયો હતો. ચેતનના પરિવારને ગામડેથી બોલાવી લેવાયો. બીજા દિવસે તમામ લૌકિક ક્રિયાઓ પૂરી કરીને દિવ્યા અને નિલિમા દિવ્યાના ઘરે આવ્યા.
દિવ્યાએ પેલું ગિફ્ટ બોક્સ ખોલ્યું. અંદર સરસ ફોટાવાળું કેલેન્ડર હતું. ચેતને દિવ્યાના અને પોતાના બાળપણના ચિત્રોને એઆઈની મદદથી જોડીને અનોખી તસવીરો બનાવી હતી. તમામ તસવીરો સાથે એક કેલેન્ડર બનાવ્યું હતું. આ યુનિવર્સલ કેલેન્ડર હતું. જેમાં જાતે જ તારીખ, દિવસ અને વાર બદલાતા જાય અને ઉપરની તરફ તસવીરો પણ ફરતી જાય.
દિવ્યાએ કેલેન્ડર ટીવી પાસે ગોઠવ્યું અને પાછી સોફા ઉપર આવીને બેઠી. ત્યાં જ તેનો ફોન રણક્યો.
'દિવ્યા બેન તમારા સ્કેચમાં ચેતન જીવંત છે પણ...' - ફોન ઉપર ચેતનની મમ્મી આટલું બોલી અને બંને ધુ્રુસકે ને ધુ્રસકે રડી પડયા.
દિવ્યાની આંખમાં ફરી આંસુ ધસી આવ્યા પણ ત્યાં જ ડોરબેલ વાગ્યો. દિવ્યાએ દરવાજો ખોલ્યો તો સામે સરલા ઊભી હતી. તેના અવાજમાં ઉત્સાહ હતો. તેણે દિવ્યાને પોતાનો ફોન કાઢીને કંઈ બતાવ્યું,
'દીદી જુઓ મારા નાના ભાઈએ અમારું ફોટાવાળું કેલેન્ડર બનાવ્યું. તમારી પાસે છે એવું જ પણ ઓટોમેટિક નથી. મેં ના પાડી તો પણ બનાવી લાવ્યો. બહુ જિદ્દી છે. મારું સાંભળતો જ નથી.' -સરલા બોલી અને દિવ્યાની નજર કેલેન્ડર ઉપર ગઈ. તેના રડમસ ચહેરા ઉપર એકાએક આછકલું સ્મિત આવી ગયું.


