- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- કેરળના સાધારણ પરિવારના પુત્રના કૌશલ્યને અમેરિકામાં વધુ નિખાર મળ્યો : ભારતીય ટીમ સાથે માત્ર પ્રેક્ટિસ માટે જોડાયેલા પ્રણવની અસાધારણ કુશળતાને કોચે ઓળખી અને તેને ટીમમાં સમાવી લીધો
જ બ સે ચલા હૂં મેરી મંઝિલ પર નજર હૈં, કભી મેંને મીલ કે પત્થર કો નહીં દેખા - અવિરત પ્રયાસો સિવાય સફળતાને પામવાનો અન્ય કોઈ માર્ગ છે જ નહીં. જ્યાં સુધી નક્કી કરેલા લક્ષ્યની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અન્ય કોઈ પણ વિચાર પર, વિચાર કરવાનો સમય પણ ન વેડફાય તેની તકેદારી રાખવી જરુરી છે. ઘણી વખત જરા સરખી પણ બેેદરકારી વરસોની મહેનત પર પાણી ફેરવી દેનારી બની રહે છે અને આ જ કારણે સ્વાધ્યાયમાં સાતત્યની જરુરી છે અને તેના થકી જ અદ્વિતિય સફળતાના શિખરોને સર કરી શકાય છે. કેરળના એક સાધારણ પરિવારમાં જન્મેલા પ્રણવે પણ કુદરત તરફથી બક્ષિસમાં મળેલી ઊંચાઈનો ભરપૂર લાભ ઉઠાવતા સખત મહેનત થકી ભારતીય બાસ્કેટબોલમાં આગવી આશાનો સંચાર કર્યો છે. તેની ઉપસ્થિતિ થકી ભારતની બાસ્કેટબોલ ટીમે નોંધપાત્ર સફળતા મેળવતા આગેકૂચ કરવાનો જુસ્સો દેખાડયો છે અને તેનું પ્રતિબિંબ પણ પરિણામોમાં જોવા મળી રહ્યું છે.
૨૨ વર્ષના પ્રિન્સ પ્રણવની ઊંચાઈ છ ફૂટ અને સાત ઈંચ છે અને તેેની સફળતાના પાયામાં તેની ઊંચાઈની સાથે સાથ વિશિષ્ટ કૌશલ્યોનો પણ ફાળો મહત્વનો રહ્યો છે.
કેરળના ક્રાંેક્રિટના બાસ્કેટબોલ કોર્ટ પર રમતના પ્રારંભિક પાઠ શીખનારા પ્રણવની વિશેષતા હરિફની ખેલાડીનેેે ચોંકાવીને સ્કોર કરવામાં છે. બાસ્કેટબોલ એ ઊંચાઈની સાથે સાથે કસાયેેલા શરીર અને ચતુરાઈની રમત છે. જેમાં ખેલાડીએ હરિફ ખેલાડીની સાથે સાથે બોલના મુવમેન્ટનો આગળથી અંદાજ માંડીને આગળ વધવાનું હોય છે. જો અંદાજમાં સ્હેજ પણ ગફલત થાય તો બીજી તક મળતી નથી. આ જ કારણે સાથીઓ સાથે તાલમેલ મિલાવવો પણ અત્યંત જરુરી છે. પ્રણવની રમતમાં આ બધી કુશળતાઓ જોવા મળે છે. વળી, ભારતીય બાસ્કેટબોલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી વિશિષ્ટ પ્રતિભા તરીકે તેણે આગવી નામના મેળવી છે.
બાસ્કેટબોલમાં જરુરી શૂટિંગ, ડ્રિબલીંગ અને પાસિંગ એમ ત્રણય પાયાના કૌશલ્યોમાં તે અસરકારક હથોટી ધરાવે છે. આ જ કારણે દેશના એલિટ ખેલાડીઓમાં ઓલરાઉન્ડર તરીકેની વિશેષતાના કારણે પ્રણવે પોતાના સાથી ખેલાડીઓમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે અને તેના જ કારણે ભારતીય બાસ્કેટબોલને પણ તેની પાસેથી ઘણી મોટી આશાઓ છે. ભારતની રાષ્ટ્રીય ટીમ સુધીની પ્રણવની સફર ભારે સંઘર્ષ અને અનિશ્ચિતતાની વચ્ચેથી પસાર થઈ ચૂકી છે.
કેરળના એલાપુઝા ખાતે વસતા પ્રિન્સ અને એલિઝાબેેથના પુત્ર પ્રણવની ઊંચાઈ તેના સમયવયસ્કોમાં વિશેષ હતી. પ્રિન્સ ગુજરાન માટે ટેક્ષી ચલાવતા અને તેમની પત્ની એલિઝાબેથ કેરળ પોલીસમાં હેડકોન્સ્ટેબલ તરીકે કાર્યરત હતી. સ્થાનિક સીબીએસઈ શાળામાં અભ્યાસ કરતાં પ્રણવે ૧૦ વર્ષની ઉંમરે બાસ્કેટબોલ રમવાનું શરુ કર્યું. તેના પિતા પ્રિન્સના એક મિત્રએ તેમને સલાહ આપી કે, પ્રણવની ઊંચાઈ સારી છે. તેને તારે બાસ્કેટબોલમાં મુકવો જોઈએ. આ પછી પ્રણવની બાસ્કેટબોલ ખેલાડી તરીકેની સફર શરુ થઈ.
પ્રણવને વધુ સારું કોચિંગ અને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રિન્સે તેને તિરુવનંતપુરમમાં આવેલી સેંટ. જોસેફ સ્કૂલમાં દાખલ કર્યો, ત્યાં કોચ મનોજ ઝેવિયરના માર્ગદર્શનમાં તેની રમતમાં વધુ નિખાર આવ્યો. ત્યાર બાદ તેણે કેરળની સ્થાનિક ટુર્નામેન્ટસની સાથે સાથે જુનિયર સ્તરની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આગવો પ્રભાવ પાડયો. આ સાથે તેની યુવા પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. અલબત્ત, આ દરમિયાનમાં ભારતમાં અમેરિકાની લોકપ્રિય લીગ - એનબીએ દ્વારા એકેડેમી અને ટેલેન્ટ હંટની શરુઆત થઈ અને પ્રથમ વખત નિષ્ફળ રહ્યા બાદ આખરે તેની પસંદગી એનબીએ એકેડમીના કોચિસે કરી લીધી. આખા દેશમાંથી પસંદ થયેલા આઠ ખેલાડીઓમાં પ્રણવને સ્થાન મળ્યું હતુ. એનબીએ કોચિસ દ્વારા મળેલી સખત તાલીમને કારણે પ્રણવની રમતમાં સુધારો થયો, તેની સાથે સાથે તેની ફિટનેસ વધુ સારી થઈ.
ભારતમાં એનબીએ એકેડમી ખાતેની તાલીમની સાથે સાથે વિશ્વસ્તરના માર્ગદર્શન અને બાસ્કેટબોલની વિવિધ પ્રકારની અદ્યતન સવલતો જોઈને પ્રણવે હવે રમતને જ પોતાનો વ્યવસાય બનાવવા વિશે વિચાર્યું. તે શરુઆતમાં બાસ્કેટબોલ માત્ર એટલે જ રમતો કે જેના થકી તેને સારી નોકરી મળી શકે, પણ હવે તેનું લક્ષ્ય અલગ હતુ. ભારતની જુનિયર ટીમ તરફથી નોંધપાત્ર દેખાવ કરનારા પ્રણવને વધુ અભ્યાસ માટે અમેરિકાની પેનસેેલ્વેનિયા ખાતેની એક એકેડમીની સ્કોલરશિપ મળી ગઈ. તેણે અમેરિકામાં જઈને તેની બાસ્કેટબોલ રમતના ખેલાડી તરીકેની કુશળતાને વધુ નિખાર આપવા માટે કમર કસી.
અમેરિકાના અત્યંત સ્પર્ધાત્મક અને આધુનિક ઢબના પ્રશિક્ષણને કારણે તેની રમતમાં વધુ સુધારો થયોે. ત્યાં અભ્યાસની સાથે તે તાલીમ પણ મેળવતો. જોકે, એક વર્ષ પુરુ થયા બાદ ઉનાળાના વેકેશનમાં તે થોડા સમય માટે ભારત પાછો ફર્યો. ભારતમાં તેને બાસ્કેટબોલની પ્રેક્ટિસ જારી રાખવી હતી, પણ તેને સ્થાનિક સ્તરે તો તેની બરોબરીના ખેલાડી તો મળે તેમ નહતા. ત્યાં વિશ્વસ્તરની સુવિધાઓ નહતી. આ દરમિયાન તેણે ભારતીય ટીમના કેમ્પની વિગતો શોધી કાઢી અને ભારતીય ટીમના કોચનો સંપર્ક સાધ્યો. શરુઆતમાં તો તેઓ પ્રણવને રાષ્ટ્રીય ટીમના કોચિંગમાં સામેલ કરવા માટે તૈયાર ન થયા. જોકે, પ્રણવના આગ્રહ અને તેની પાશ્ચાદ્-ભૂને જોતા તેને બે સપ્તાહ માટે તેને તાલીમમાં જોડાવાની છુટ આપી.
અમેરિકામાં પરત ફરતાં પહેલા પ્રણવ તેની રમતને ફરી ટોચના સ્તરે લઈ જવા માટે ઉત્સાહિત હતો. જોકે આ બે સપ્તાહમાં જ તેની જિંદગીની રાહ બદલાઈ હતી. ભારતીય ટીમની સાથેની પ્રેક્ટિસ દરમિયાન ટીમના હેડ કોચ પ્રણવના કૌશલ્યોની મહારત જોઈને દંગ રહી ગયા. તેમણે જ સામે ચાલીને પ્રણવને ટીમની સાથે જોડાવાનો પ્રસ્તાવ મુક્યો અને તેને ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું.
ભારતની અંડર-૧૭ ટીમની સાથે પ્રણવ દુબઈમાં યોજાયેલી એશિયા કપ ક્વોલિફાયર્સમાં રમવા માટે પહોંચ્યો. જ્યાં તેની શરુઆત સારી નહતી. પહેલી જ વાર ભારતીય ટીમ તરફથી બાસ્કેટબોલ કોર્ટમાં ઉતરવાની સાથે એક જ મિનિટમાં તે પડી ગયો અને હાથ પર વધુ વજન આવતા તેને કાંડાંમાં ફ્રેક્ચર થઈ ગયું. રાષ્ટ્રીય ટીમ તરફથી નિરાશાજનક શરુઆત બાદ તેણે ફરી ફિટનેસ મેળવીને પુનરાગમન કર્યું અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આગવી ઓળખ ઉભી કરતાં પોતાનો પ્રભાવ પાડયો. આખરે ગત વર્ષે એશિયા કપ ક્વોલિફાયર્સની ચેન્નાઈમાં રમાયેલી મેચમાં ભારતે તેના કરતાં મજબુત ગણાતી કઝાકિસ્તાનની ટીમને હરાવી, તેમાં પ્રણવે ૧૭ પોઈન્ટ્સ સાથે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારતનો તે ફિબા લેવલમાં છેેલ્લા ત્રણ વર્ષમાં સૌપ્રથમ વિજય હતો. આ પછી તેણે ભારતને ફિબા એશિયા કપમાં ક્વોલિફાય થવામાં મદદ કરી અને હાલમાં તે સાઉદી અરેબિયામાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
વિશ્વમાં સૌથી લોકપ્રિય રમતોમાં બાસ્કેટબોલ બીજા ક્રમે છે, પણ ભારતમાં તેની ઓળખ હજુ વિશેષ જોવા મળતી નથી. જોકે પ્રણવને વિશ્વાસ છે કે, વૈશ્વિક સ્તરની સફળતાના પગલે ભારતમાં પણ આ રમત લોકપ્રિયતામાં નવી ઊંચાઈને પ્રાપ્ત કરશે.


