જળકુંભીને નવું જીવન .
- આજકાલ-પ્રીતિ શાહ
- સુસ્મિતા જર્મનીથી ભારત પાછી આવી, ત્યારે તેના મનમાં લક્ષ્યાંક નક્કી હતો કે જળકુંભીમાંથી કાગળ બનાવીને તેને મુખ્યધારાના વપરાશમાં લાવવો
ત મિલનાડુના ત્રિચીમાં એક દિવસ બપોરે વિદ્યાર્થીઓ એક નાના તળાવ પાસે એકઠાં થઈને એમાં ઊગેલી જળકુંભી જોવાનો આનંદ માણતા હતા. પાણી પર ગાલીચાની જેમ પથરાયેલી જળકુંભીના પાંદડાં સૂર્યકિરણો પડવાની સાથે ચળકતા હતા અને એની વચ્ચે જાંબલી રંગના સુંદર પુષ્પો ખીલ્યા હતા. આ દ્રશ્ય અત્યંત મનોહર લાગતું હતું, પરંતુ પર્યાવરણનાં વિષયમાં પારંગત સુસ્મિતા ક્રિશ્નનને એમાં સૌંદર્ય દ્રષ્ટિગોચર થવા કરતાં ચેતવણીનો સૂર સંભળાતો હતો. એનું કારણ એ છે કે જળકુંભી એક વાર ઊગવાની શરૂ થાય પછી પંદર દિવસમાં તો તે બહુ ઝડપથી પાણી પર ચોતરફ છવાઈ જાય છે. સૂર્યપ્રકાશ પાણી સુધી પહોંચતો નથી, ઑક્સિજન પણ પહોંચતો નથી અને તેથી જૈવ વિવિધતા નાશ પામે છે. આમ જળકુંભીના બે ચહેરા છે, જે સંશોધનમાં પણ જોવા મળે છે. ટૅક્નૉલૉજિસ્ટ જળકુંભીને વરદાન માને છે, કારણ કે તેનું ફાઈટોરેમેડિએશન દૂષિત પદાર્થોને સાફ કરે છે. પાણી, માટી કે અન્ય ધાતુના દૂષિત તત્ત્વોને તે શોષી લે છે, પરંતુ ઈકોલોજિસ્ટ માટે તે પારાવાર ચિંતાનો વિષય છે.
સુસ્મિતા ક્રિશ્નનને નાનપણથી જ ઈકોલોજીમાં રસ હતો. પ્રજાતિઓ અને ઈકોસિસ્ટમ વચ્ચેનાં સંબંધમાં રસ હોવાથી ૨૦૨૧માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સમાં ઈન્ટર્નશિપ વખતે સૌપ્રથમ તેણે આક્રમક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કર્ણાટકમાં તો જળકુંભીને પાણીને શુદ્ધ કરનાર પ્રજાતિ તરીકે જ ઓળખવામાં આવી, પરંતુ તેના ઝડપથી થતાં ફેલાવાને રોકવો મુશ્કેલ હતો. એ સમયે તેના ધ્યાનમાં આવ્યું કે આસામ અને તમિલનાડુમાં કેટલાક લોકો તેમાંથી બાસ્કેટ અને બેગ્સ બનાવે છે, પરંતુ એ બનાવવામાં ઘણો સમય થાય છે અને તેની સામે તેનું જોઈએ તેટલા મોટા પ્રમાણમાં વેચાણ થતું નહોતું. સુસ્મિતા સતત વિચારતી કે આનો ઉપાય કઈ રીતે કરી શકાય, કારણ કે તે આને માત્ર ઉપદ્રવ તરીકે જોતી નહોતી, પરંતુ ઈકોલોજિકલ આપત્તિ તરીકે જોતી હતી. માત્ર ત્રિચીમાં જ જળકુંભી એકવીસ કિમી. સુધી પાણી પર પથરાયેલી જોવા મળી. જળકુંભીનો એક પ્લાન્ટ એના જીવનકાળ દરમિયાન ત્રણ હજાર બી ઉત્પન્ન કરે છે. આ બીને અનુકૂળ પરિસ્થિતિ ન મળે તો વીસ વર્ષ સુધી સુષુપ્તાવસ્થામાં રહે છે, પણ જો એને અનુકૂળ પરિસ્થિતિ મળે તો તે સાતથી ચૌદ દિવસમાં ઝડપથી ઊગી જાય છે.
ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી ઍકેડેમી વૈશ્વિક પર્યાવરણના પડકારો સામે કામ કરનારાઓને ફેલોશિપ આપે છે. તેમાં વિશ્વની એકસો વ્યક્તિમાંથી બાર વ્યક્તિને પસંદ કરવામાં આવે છે, ૨૦૨૪માં ભારતની એક માત્ર સુસ્મિતા ક્રિશ્નન પસંદગી પામી. તેણે જર્મનીની યુનિવર્સિટી ઑફ હમ્બર્ગમાં વુડ કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં પ્રો. બોડોસેક સાથે કામ કર્યું. તેઓ પલ્પ બનાવવાના નિષ્ણાત છે. ત્યાં તેઓએ જળકુંભીના પલ્પમાંથી કાગળ કેવી રીતે બને તેનું સંશોધન કર્યું. સંશોધકો તેનું પરિણામ જોઈને આશ્ચર્ય પામ્યા, કારણ કે લાકડાના પલ્પમાંથી કાગળ બનાવવો હોય તો સાઠ ટકા સોડા વાપરવો પડે છે, જ્યારે જળકુંભીમાંથી કાગળ બનાવવા માટે માત્ર છ ટકા સોડાની જ જરૂર પડી તેમજ તેની ગુણવત્તા પણ સારી જોવા મળી. વળી એ કાગળ મજબૂત અને ચોખ્ખો બન્યો.
સુસ્મિતા જર્મનીથી ભારત પાછી આવી, ત્યારે તેના મનમાં લક્ષ્યાંક નક્કી હતો કે જળકુંભીમાંથી કાગળ બનાવીને તેને મુખ્યધારાના વપરાશમાં લાવવો. તેથી તેણે પેપર ઇન્ડસ્ટ્રીઝનો સંપર્ક સાધ્યો અને જળકુંભીનો પલ્પ તેમને આપવામાં આવે અને તેમાંથી તેઓ કાગળ બનાવે, પરંતુ કાગળ બનાવનારાઓને આ વાત મનમાં બેઠી નહીં. સુસ્મિતા કાગળ બનાવવાની પ્રક્રિયા જાણતી હોવાથી તેણે જ કાગળ બનાવવાનું વિચાર્યું. તેણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સ્ત્રીઓ માટે એક વર્કશોપનું આયોજન કર્યું અને તે લોકોને જળકુંભીના પલ્પમાંથી કાગળ બનાવતા શીખવ્યું. ઘણી કાલેજોએ રસ દાખવ્યો જેથી તેઓ પોતાની સંસ્થામાં તે કાગળનો ઉપયોગ કરી શકે. કૉલેજો ઉપરાંત સુસ્મિતાએ ચેન્નાઈની વેલાચેરીની પ્રૌઢવયની સ્ત્રીઓના ગ્રૂપને પણ તાલીમ આપી.
પર્યાવરણ મંત્રાલયની મદદથી દોઢસો સ્ત્રીઓ કાગળ બનાવતા શીખી. આ પ્રક્રિયા ઘણી સરળ છે. જળકુંભીની ડાળીઓને એકત્ર કરી તેને તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને અલ્કાલાઈન સોલ્યુશનમાં ઉકાળવામાં આવે છે. તેમાંથી જે પલ્પ નીકળે તેને પાણી સાથે મસળીને સ્લરી બનાવવામાં આવે છે. આ મિશ્રણને ફ્રેમ પર નાખવામાં આવે છે, જેથી પાણી નીકળી જાય છે અને પાતળું પડ રહે છે તે સૂકાતા કાગળ બને છે. તેઓ બ્લીચ વાપરતા નથી, તેથી તેનો કુદરતી રીતે સહેજ લીલી ઝાંયવાળો કાગળ બને છે. એક કિલો પલ્પમાંથી એ-૪ની ત્રીસ શીટ બને છે અને એક શીટ બે રૂપિયાથી વધુ આવતો નથી. એક હેક્ટરમાં વર્ષે સાતસો ટન જળકુંભી થાય છે, તેથી મોટી ઇન્ડસ્ટ્રી તેનું આયોજન કરી શકે. પચીસ વર્ષની સુસ્મિતા પીએચ.ડી.માં આ અંગે વધુ સંશોધન કરવા માગે છે. નેપાલની એન.જી.ઓ. સાથે મળીને સેનેટરી પેડ અંગે તથા પેપર પ્લેટ અને કપ માટે પ્રયોગ કરીને સામાજિક, આર્થિક અને પર્યાવરણના આયામોથી ટકાઉ વિકાસ કેમ થાય તેવો તેનો પ્રયત્ન છે.
પશુઓની પૂરી સંભાળ
મનીષનું લક્ષ્ય આ વર્ષે એકસો કરોડ રેવન્યૂનું છે, પરંતુ તેની સાથે સાથે ગામડાંઓમાં રહેતી મહિલાઓ અને ખેડૂતોને તે આર્થિક રૂપે મજબૂત બનાવવા માગે છે
જ યપુરમાં રહેતા મનીષ પ્રહલાદે દર્શનશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને ભૂગોળ સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. એ પછી પબ્લિક એડમીનીસ્ટ્રેશન ઈન પબ્લિક પોલિસી જેવા વિષયમાં માસ્ટર્સ કરીને પીએચ.ડી.માં પ્રવેશ મેળવ્યો, મૂળ બાંસવાડાના આ પરિવાર પાસે નવ ભેંસો હતી. અભ્યાસની સાથે સાથે તે આ ભેંસોનું ધ્યાન રાખતો, પરંતુ ૨૦૧૯માં એક દિવસ ભેંસોની દેખરેખનું બધું કામ પૂરું કરીને સૂઈ ગયો. બીજે દિવસે સવારે એ જ્યારે ઊઠયો, ત્યારે બધી ભેંસ જમીન પર સૂઈ ગઈ હતી અને છેલ્લાં શ્વાસ લેતી હતી. તે ભેંસો એક પછી એક મૃત્યુ પામી. એ સ્થાનિક પશુચિકિત્સક પાસે ગયો, પરંતુ તેને સંતોષકારક ઉત્તર ન મળ્યો.
નવ ભેંસના મૃત્યુથી મનીષ વ્યાકુળ બની ગયો. તેના નાનાએ મનીષના માતા-પિતાના લગ્ન વખતે મુર્રા નસ્લની ભેંસ ભેટમાં આપી હતી. મુર્રા ભેંસ 'બ્લેક ગાલ્ડ' તરીકે પણ ઓળખાય છે અને ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. મૃત્યુના કારણની ખબર ન હોવાથી તેના વીમા માટે દાવો થઈ શકે તેમ નહોતો. આ બધી બાબત ઉપરાંત મુખ્યત્વે તો આ ભેંસો એના પરિવારનો જ ભાગ હતી. મનીષ કહે છે કે તેને કારણે જ માતા મનીષની સ્કૂલ ફી ભરી શકી હતી. તે કહે છે કે, 'અમારા જેવા કુટુંબોમાં તો પશુઓનું પાલનપોષણ અમે નથી કરતા, તેઓ અમારી સંભાળ રાખતા હોય છે.' મનીષે વિચાર્યું કે જયપુરમાં આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તો અંતરિયાળ ગામોમાં ખેડૂતોને પોતાના પશુઓને સાચવવામાં કેટલી તકલીફ પડતી હશે ?
વિશ્વમાં સૌથી વધારે પશુઓ ભારતમાં છે. તેમાંય પંચાણું ટકા ગામડાંઓમાં છે. આશરે સાડા ત્રેપન કરોડ પશુધનની સામે સાડા બાર હજાર ક્લિનિક છે. પશુઓને સમગ્ર રીતે સારવાર મળે તે હેતુથી એણે ૨૦૨૦માં 'વર્ડેંટ ઇમ્પેક્ટ' નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેણે પોતાનો પીએચ.ડી.નો અભ્યાસ છોડીને આ સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. એ કહે છે કે કૂતરા કે બિલાડીની જેમ આવા પશુઓને ક્લિનિક કે હોસ્પિટલ સુધી લઈ જવા મુશ્કેલ હોય છે. એક તો તેને લઈ જવામાં મુશ્કેલી અને બીજું તેનો વાહનવ્યવહાર ખર્ચ ઘણો વધુ આવે, જે ખેડૂતોને પોષાય નહીં. વર્ડેંટ ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપમાં ટેલિમેડિસિન, એનિમલ આઈ.સી.યુ, દૂરનાં સ્થળે મોનિટરીંગ અને વર્ચ્યુઅલ પશુચિકિત્સકોનું કન્સલ્ટેશન મળી રહે છે. ટેલિમેડિસીનમાં ખેડૂત ગમે ત્યાં અને ગમે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરી શકે છે. ડૉક્ટરની વિઝિટ ફી પાંચસો રૂપિયા થાય છે. પશુઓમાં મોટાભાગે ફૂટ ઍન્ડ માઉથ, તાવ, પાચન સંબંધી સમસ્યા, ચામડી પર ગાંઠો થઈ જવી અને ઓછું પોષણ મળવું - જેવી સમસ્યાઓ હોય છે.
મનીષ પ્રહ્લાદે આને માટે મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જેના પર ખેડૂતો પશુઓના ફોટા, વીડિયો અને તેની સમસ્યાનું વર્ણન કરી શકે. તેના પરથી પશુચિકિત્સક દવા લખી આપે છે. જો નજીકમાં પશુચિકિત્સક હોય તો તે ફિલ્ડ વિઝિટ પર કરાવી શકે છે. તેના માટે એસ.ઓ.એસ. બટન રાખ્યું છે, જેથી તે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે. ચાળીસ કિમી. સુધીમાં સ્થળ આવેલું હોય તો ડાક્ટર વિઝિટ કરે છે અને તેની જાણકારી એક કલાકમાં આપે છે. અત્યારે મનીષ પ્રહલાદે દસ હજાર ટેલિમેડિસીન સેન્ટર્સ ઊભા કર્યા છે. એના સત્તરસો પશુચિકિત્સક અને સહાયક પશુચિકિત્સક ભારતના સોળ રાજ્યોમાં કાર્યરત છે. અત્યારે તેઓ રોજના અઢી હજાર કોલ પર ટેલિમેડિસીનની કન્સલ્ટન્સી કરે છે. જેનો ચાર્જ નેવું રૂપિયા છે. આ ઉપરાંત તેણે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન ડિઝાઈન કર્યું છે. જે પશુઓનું સ્વાસ્થ્ય, તે કઈ જગ્યાએ છે તેની જાણકારી અને તેની મુવમેન્ટ પર ધ્યાન રાખે છે. તેમના રોગની બધી વિગતો અને દવાના પ્રિસ્ક્રીપ્શન પણ તેમાં જળવાઈ રહે છે. આજે વર્ડેંટ ઇમ્પેક્ટ સાથે છ લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને તેમાંથી આશરે એક લાખ સિત્તેર હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં ટેલિકન્સલ્ટેશનથી લાભ થયો છે. પશુઓમાં તે જ્યારે ગર્ભ ધારણ કરે છે, ત્યારે અપૂરતા પોષણની સમસ્યા વધુ જોવા મળે છે. આને માટે તેઓ સપ્લીમેન્ટ, કમિશન અને કો-બ્રાન્ડીંગ દ્વારા આવક મેળવે છે. આજે તેના પચીસ હજારથી વધારે સક્રિય વપરાશકર્તા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ સ્ટાર્ટઅપે વધુ લોકપ્રિયતા હાંસલ કરી છે. ભારતના જીડીપીમાં છ ટકા જેટલો મહત્ત્વનો ફાળો ધરાવનાર પશુઓના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં ચાળીસ ટકા વધારો થયો છે. આજે ડૉક્ટરો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પશુઓના મૃત્યુનું કારણ આપે છે અને તેથી વીમાની રકમ પણ મળતી થઈ છે. મનીષનું લક્ષ્ય આ વર્ષે એકસો કરોડ રેવન્યૂનું છે, પરંતુ તેની સાથે સાથે ગામડાંઓમાં રહેતી મહિલાઓ અને ખેડૂતોને તે આર્થિક રૂપે મજબૂત બનાવવા માગે છે. પીએચ.ડી.નો અભ્યાસ છોડવો પડયો, પરંતુ લાખો અબોલ પ્રાણીઓ અને ખેડૂતના કુટુંબોએ તેમને સંતોષ અને પરિપૂર્ણતા બક્ષી છે તેમ તેઓ માને છે.