1444 લોકોની હત્યાને બદલે 1444 ગ્રંથની રચના કરી!
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- યેય તરફનો વિકાસ. પ્રમાદ છોડીને અપ્રમાદ સેવવો. પોતાના ધ્યેયનો વિકાસ કરીને આત્મકલ્યાણ અને સામાજિક ભાવના માટે નિરંતર શ્રમ કરતા રહો
પ ર્વાધિરાજ પર્યુષણની જુદી જુદી વ્યાખ્યાઓ વિશે વિચારીએ છીએ, ત્યારે એક મહત્ત્વની વ્યાખ્યા છે 'પરિ સમન્તાત્ ઉપાસના' એનો અર્થ છે 'આત્માની ઉપાસના' અને જ્યારે આત્માની ઉપાસનાની વાત આવે, ત્યારે અનાથીમુનિનું અત્યંત હૃદયસ્પર્શી ચરિત્ર યાદ આવે છે. સંસારના દુ:ખદર્દ ભોગવતો માનવી ભલે અનેક સ્નેહીઓ અને સમૃદ્ધિ ધરાવતો હોય છતાં વાસ્તવમાં તે અનાથ છે. પોતાની અનાથ સ્થિતિને ટાળવા માટે આત્માની આરાધના કરવી જોઈએ અને શાસ્ત્રો કહે છે કે અનાથીમુનિએ અનુભવ્યું કે પોતાની વ્યાધિને દૂર કરવા માટે સહુ કોઈ નિષ્ફળ ગયા છે, ત્યારે તેઓ આત્મસંધાનની અંતિમ સીમાએ પહોંચી સદાય સનાથ એવા સિદ્ધિ પદને વર્યા હતા.
સમ્રાટ સંપ્રતિએ અનેક વિજયો મેળવ્યા પછી એમની માતાએ કહ્યું કે સામ્રાજ્ય વિસ્તારના લોભમાં આવો મહાસંહાર કરવાને બદલે ચિત્તને પાવન કરતા જિનમંદિરો રચ્યા હોત કે એના જિર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવેત. માતા આ ટકોરે અનેક દેશો જીતનારા આ રાજવીના આત્માને એવો તો જગાડયો કે એમણે એમના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યા અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી. ચોથું અષ્ટમંગલ છે વર્ધમાનક. કોઈ પણ વસ્તુને નિયંત્રિત અને અનુશાસિત કરતું સંપુટક છે વર્ધમાનક. જે સતત ભમતા રહેતા મનને પરમાત્માના આલંબને ધ્યાન વગેરે સાધના દ્વારા સ્થિર કરવાનો સંદેશ આપે છે.
હવે આગળ વધીએ પાંચમા સોપાન તરફ. જ્યારે પર્વાધિરાજ પર્યુષણ 'પરિશ્રમણા' શબ્દ રૂપાંતરથી બને છે -ધ્યેય તરફનો વિકાસ. પ્રમાદ છોડીને અપ્રમાદ સેવવો. પોતાના ધ્યેયનો વિકાસ કરીને આત્મકલ્યાણ અને સામાજિક ભાવના માટે નિરંતર શ્રમ કરતા રહો. શ્રમણ સંસ્કૃતિ એ શ્રમની સંસ્કૃતિ છે અને એની આ વાત. ભગવાને કહ્યું, શ્રમણ હોવાનો અર્થ છે શાંત, શ્રમણ હોવાનો મર્મ છે મૈત્રી. જે મૈત્રીભાવને જગાડે તે શ્રમણ.
આવો અપ્રમાદ પ્રસન્નચંદ્ર રાજર્ષિના ભીતરને જગાડે છે. દુશ્મનને શિરસ્ત્રાણથી મારી નાખવાનો વિચાર કરતા મુનિ પ્રસન્નચંદ્રએ માથે હાથ મૂક્યો અને માથે લોચ કરેલો જાણી પોતાની સાધુતાનું સ્મરણ થયું. પ્રમાદથી થયેલા પોતાના હિંસક વિચારો માટે પશ્ચાત્તાપ જાગ્યો અને સાચા જાગૃત આત્માનો પશ્ચાત્તાપ હોવાથી તેઓ ક્ષપક શ્રેણીએ ચઢીને કેવળજ્ઞાન પામ્યા. તો મુનિ કપિલ કેવલી જીર્ણ પાંદડાને જોઈને જીવન અને જગતની ક્ષણભંગુરતાનો સંકેત પામે છે અને એક સમયે પ્રમાદથી રાજા પાસે માગણી કરવા નીકળેલા એમને જીર્ણ પાંદડાએ જીવનની ક્ષણભંગુરતાનો ઉપદેશ આપ્યો. પરિણામે મુનિવેશ ધારણ કરનારા કપિલ કેવલી રાજાના પ્રલોભનો સમયે અડગ રહે છે. નિર્વાણ પ્રાપ્ત કરનારા કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર તીર્થની આદ્યપ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ સાંપડે છે. સાધ્વી મહત્તરા પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિને એક હજાર ચારસો ચુમ્માળીસ લોકોની હિંસા કરતા રોકે છે. પોતાના એ પ્રમાદનું પ્રાયશ્ચિત્ત કરતા હરિભદ્રસૂરિએ ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે એવા એક હજાર ચારસો ચુમ્માળીસ ગ્રંથોની રચના કરી.
પૂણિયા શ્રાવકની જાગૃતિ તો આપણે જાણીએ છીએ અને અહીં એ પ્રમાદ અને અપ્રમાદ વિશે જ્યંતિએ એક વાર પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો કે, 'જીવ સૂતેલો સારો કે જાગેલો.' ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, 'કેટલાક જીવોનું સૂવાનું સારું અને કેટલાકનું જાગવાનું સારું. અધમ આચરણ કરનાર ઊંઘે તો હિંસાથી બચી જાય અને દયાળુ, સત્યવાદી અને સુશીલ જીવ જાગે તો એની જાતનું અને જગતનું કલ્યાણ કરે.' આ જ છે અપ્રમાદની વાત.
આથી જ સર્વપ્રથમ આગમ 'આચારાંગ સૂત્ર' કહે છે,
'અજ્ઞાની સદા ઊંઘતો રહે છે અને જ્ઞાની સદા જાગતો રહે છે.' આચારરાંગ સૂત્ર ૧, ૩, ૧
પાંચમુ અષ્ટમંગલ છે ભદ્રાસન. ઉત્તમ પુરૂષોને ઉત્તમ આસન એટલે કે પદ પર બિરાજમાન થવા છતાં એ પોતાના પદનો દુરૂપયોગ કરતા નથી અથવા તો મનમાં અહંકાર આદિ ભાવ લાવતા નથી. એમ વ્યક્તિએ પૂર્ણ સંયોગે પદપ્રતિષ્ઠા પ્રાપ્ત થવા છતાં એનો દુરૂપયોગ ન કરવો અને અહંકાર પણ ન કરવો એવો સંદેશ ભદ્રાસન આપે છે.
પર્યુષણનો છઠ્ઠો અર્થ તે એનો અર્થ એ કે સર્વ પ્રાણીઓને આત્મૌપમ્ય માનીએ, પરંતુ એની સાથોસાથ સર્વ વ્યક્તિઓને ચાહીએ.
આવા પ્રાણી પ્રત્યેના આત્મૌપમ્યની ઘટના તીર્થંકર શ્રી નેમિનાથજી, આચાર્યશ્રી હીરવિજયસૂરિજી, મહારાજા કુમારપાળ અને જગડુશાના જીવનમાં જોવા મળે છે.
આચાર્ય હીરવિજયસૂરિજી એ વિ.સં. ૧૬૩૮ના માગસર સુદ સાતમના દિવસે ગુજરાતના ગાંધારથી વિહાર કરીને ધર્મપ્રભાવના અને ધર્મોપદેશ અર્થે શહેનશાહ અકબર પાસે ફતેહપુર આવ્યા. આ સમયે શહેનશાહ અકબરે ઉપકારનો ભાર હળવો કરવા માટે ભેટ રૂપે આચાર્યશ્રી હીરવિજયસૂરિને સોના-ચાંદી ધર્યા, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, 'તેઓ કશું સ્વીકારી શકે નહીં. એમ છતાં જો આપવું જ હોય તો પાંજરામાં પૂરેલાં પશુ-પંખીને મુક્ત કરો. ડાબર નામના બાર કોશના વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને થતી માછીમારી બંધ કરાવો. પર્યુષણ પર્વના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે તેવું ફરમાન કરો. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કરો. શહેનશાહ અકબરે સૂરિજીની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ ચાર દિવસો ઉમેરીને બાર દિવસ માટે જીવવધ બંધ કરવાનો હુકમ આપ્યો. વળી ગુજરાત, માળવા, અજમેર, દિલ્લી-ફતેહપુર, લાહોર અને મુલતાન સુધીના પોતાના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યાં. એ જ રીતે ગિરનાર, તારંગા, શત્રુંજય, કેસરિયાજી, આબુ, રાજગૃહી અને સમેતશિખરજી જેવાં તીર્થોમાં આસપાસ કોઈએ જીવહિંસા કરવી નહિ એવું ફરમાન કર્યું. વિ.સં. ૧૬૪૦માં શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરૂની પદવી આપી.'
આ છઠ્ઠુ અષ્ટમંગલ છે મહામંગલકારી અને પૂર્ણતાનો સૂચક એવો મંગળકળશ. એ દર્શાવે છે કે લીધેલા ધાર્મિક કાર્યો પૂર્ણ રીતે કરવા, આવા મંગલકારી ધર્મની આરાધના દ્વારા જ પૂર્ણાનંદ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આમ જીવદયા એ મહત્ત્વની બાબત છે અને એન્ટવર્પમાં સ્ટેલા મારિયા સાથે થયેલા મારા (કુમારપાળ દેસાઈ) સંવાદો દ્વારા એ સિદ્ધ થયું છે કે માનવીને અને વિશ્વને વિનાશમાંથી ઉગારવા માટે શાકાહાર અનિવાર્ય છે.
હવે આગળ વધીએ સાતમા સોપાન તરફ એટલે કે વ્યાપકરૂપી સર્વત્ર નિવાસ કરવો. છ-છ મહિના સુધી દ્રઢના પેઢાલ ગામના પોલાશ ચૈત્યમાં વીસ ઉપસર્ગો કરનાર સંગમ તરફ પણ ભગવાન મહાવીર કરૂણા દાખવે છે. આઠમા વર્ષે શાક સમારતી વખતે શ્રીમદ્ રાજચંદ્રની આંખમાં આંસુ આવે છે. પ્રાણીમાત્રમાં ઓતપ્રોત એવું જીવન છે. બધા પ્રાણીમાં હું અને બધા મારામાં છે એવો અહિંસાનો ખ્યાલ છે અને આથી જ શેઠ જગડુશાએ પાડાનો વધ કરવાને બદલે પોતાનો વધ કરવાનું કહ્યું હતું. આવી સંવેદનાની જાગૃતિમાંથી જ વિશ્વવાત્સલ્યનો પ્રાદુર્ભાવ થાય છે અને વસુધા એ જ મારું કુટુંબ છે એની ભાવના જાગે છે. 'વિષ્ણુપુરાણ'માં પણ કહ્યું છે કે બધા જીવો ઇશ્વરની અભિવ્યક્તિ છે.
અહીં સાતમું અષ્ટમંગલ મીનયુગલનું સ્મરણ થાય.જેમાં માછલી એ પ્રેમનું પ્રતીક છે. જે હૃદયને નિશ્ચલ અને નિષ્કપટ બનવાની પ્રેરણા આપે છે. આમ હૃદયમાં સતત મૈત્રીભાવનું ઝરણું વહેતું રહેવું જોઈએ તેવો ભાવ અહીં પ્રગટ થાય છે. પર્યુષણની વ્યાખ્યાઓનાં સાત રહસ્યો જોયા હવે પછી આઠમું રહસ્ય જોઈશું.