- મયૂર પટેલ
- દિવ્યા એ વાતે ખુશ થઈ કે સંજયે કાર પણ એના મનપસંદ રંગની જ ખરીદી હતી, પણ એની ખુશી ઝાઝી ન ટકી. કાર નજીક આવતાં જ એનું સ્મિત વિલાઈ ગયું
અ ચાનક જ એ અપરિચિત ભીડમાં એક પરિચિત ચહેરો દેખાઈ ગયો અને દિવ્યાની ચાલ ધીમી પડી ગઈ. દર્દીઓથી ફાટફાટ થતી હોસ્પિટલના પેસેજમાં જાણે કે મેળો જામ્યો હોય એટલી આવ-જા હતી. ધસમસતા ભૂરા યુનિફોર્મ, હવામાં તરતી ફાઇલો, દવાઓ-ઇન્જેક્શનોની થેલીઓ, કંઈક ઉતાવળા, કંઈક ચિંતિત ચહેરા વચ્ચે એ અલપઝપલ દેખાયો-ન દેખાયો ને ઓઝલ!
એ જ હતો કે?
વિચારતાં એ અટકી. પાછળ ફરીને જોયું. મસ્તક-મહેરામણ વચ્ચે દિવ્યાની આંખો એને અલગ તારવી ન શકી.
ફરી એ જ પ્રશ્ન - એ જ હતો કે? - થયો અને એના વિચારમાત્રથી એકાએક બેઠી થઈ ગયેલી કંઈ કેટલીય સારી-નરસી ભૂતાવળો દિવ્યાને ઘેરી વળી. કાલેજનું પહેલું વર્ષ, પહેલી મુલાકાત, પહેલો એકરાર, પહેલો સ્પર્શ, પહેલો હકાર અને પછી....
ચાલતા માણસનો આછેરો હડસેલો લાગ્યો અને દિવ્યાની વિચારતંત્રા તૂટી. ભાન પડયું કે એણે લેબોરેટરીમાં જવાનું હતું. એણે પગ ઉપાડયા. લેબમાંથી રિપોર્ટ્સ લઈને પરત ફરતી હતી ત્યાં તો વળી પાછો એ જ ચહેરો....
આ વખતે એ બરાબર દેખાયો. પોણા છ ફીટ ઊંચો દેહ દિવ્યાને સ્તબ્ધ કરતો એની આંખો સામેથી પસાર થઈ ગયો. એ જ ઘઉંવર્ણો ચહેરો, એ જ ટૂંકા વાળ, એ જ.... મન પોકારી ઊઠયું- એ જ.... એ જ....
એ ઝડપભેર આગળ વધી. એ જે દિશામાં જતો દેખાયેલો ત્યાં જઈને નજર નાંખી, પણ ફરી પાછો એ ભીડમાં ઓગળી ગયો.
ઓપીડી તરફ ગયો હશે કે ઇમરજન્સી બાજુ? ઓટી તો પેલી તરફ છે. કોઈ સગું દાખલ હશે?
કે પછી..?
મનમાં ફરી પોકાર ઊઠયો- આગળ જઈને એને શોધું. બહુ દૂર તો નહીં ગયો હોય. આટલામાં જ ક્યાંક....
પણ એણે પપ્પાને દાખલ કરવાના હતા, પેપરવર્કની ફોર્માલિટી પતાવવાની હતી. એટલે ફરજે એના પગ પાછા વાળ્યા. અડધોક કલાકમાં બધું પત્યું. રૂમ ફાળવાયો. પપ્પાને સ્ટ્રેચર પર સેમી-સ્પેશિયલમાં લઈ જવાયા.
રૂમમાં બાજુના બેડ પર સિત્તેરેક વર્ષના મહિલા હતાં. સેમી-સ્પેશિયલમાં મહિલા અને પુરુષ દર્દીને ભેગા જોઈને દિવ્યાને અચરજ થયું. એ વિશે નર્સને પૂછયું તો કહેવાયું, 'આખી હાસ્પિટલ ફૂલ છે. એક આ રૂમમાં જ જગ્યા હતી એટલે.... વ્યવસ્થા થતાં જ તમને અલગ રૂમ ફાળવી આપીશું.'
અને દિવ્યાએ મન મનાવ્યું. એ અને એના પપ્પા ગોઠવાયા એટલે એ મહિલાએ આછીપાતળી પૂછપરછ આદરી: ક્યાંના છો? શું તફલીફ છે? સર્જરી ક્યારે છે?
દિવ્યાએ જવાબ આપ્યા. શક્ય એટલા ટૂંકાણમાં. મહિલાએ પોતાની વિગતો માગ્યા વગર પધરાવી. રેવા. મણિનગર. ઘૂંટણની સર્જરી ગઈકાલે જ પતી.
દિવ્યા 'હં.... હા....' કરતી રહી.
'તમે આવ્યાં એ ગમ્યું.' રેવાબેન બોલ્યાં, 'કોઈ કંપની હોય તો સારું લાગે.'
દિવ્યા સ્ટૂલ પર બેઠી. હવે રાહ જ જોવાની હતી કાલ સુધી. એ વિચારે ચઢી. મનમાં એ ચહેરો ફરી ઊગ્યો.
એ જતો દેખાયેલો એ દિશામાં જાઉં..? પણ આટલી મોટી, સાત માળની હોસ્પિટલમાં એને ક્યાં શોધવો..?
સવાલનો જવાબ મળતાંય વાર ન લાગી- કાઉન્ટર પર જઈને તપાસ કરું. રજિસ્ટરમાં નામ તો હશે જ.
વળી પાછું મન ઝોલે ચડયું- પણ નામ તો પેશન્ટનું હશે, એનું નહીં! હા, એની સરનેમ હશે. પણ એની સરનેમ પંડયા તો અમદાવાદમાં બહુ કોમન.... સંજય પંડયા નામના તો અગણિત પુરુષો હશે આ શહેરમાં.... કઈ રીતે ધારી શકાય કે એ જ હશે..? જે હોય તે, જઈને જોઉં તો ખરી કદાચ ક્યાંક ભટકાઈ જાય....
અને એ ઉપડી. આમથી તેમ આંટાફેરા કરતી રહી. એ બે વાર જ્યાં દેખાયો હતો ત્યાં ચાર વાર જઈ આવી. એક માળ ઉપર ને એક માળ નીચેય ફરી લીધા. એ ન જ દેખાયો, ત્યારે ઉત્સાહ શમી ગયો- એ જ હોય તોય શું? આટલા વર્ષે મળ્યાં-ન મળ્યાંથી શું ફરક પડવાનો? એમ પણ બની શકે કે એ ફક્ત કોઈની ખબર કાઢવા આવ્યો હોય ને ઘેર જતો રહ્યો હોય.
અને એ પાછી ફરી. રૂમમાં જઈને જોયું તો....
સંજય !
રેવાબેનના બેડ પાસે સ્ટૂલ પર બેઠેલો હતો સંજય પંડયા!
બંનેની નજર મળી અને ચારે આંખો સ્તબ્ધ! દિવ્યાનું શરીર, એનું મન, એનું સમગ્ર અસ્તિત્વ જડવત થઈ ગયું.
'દિવ્યા, આ મારો દીકરો સંજય,' કહીને રેવાબેને નવા પડોશી સાથે ઓળખાણ કરાવી. 'ને આ દિવ્યા. પ્રતાપભાઈની દીકરી.'
બંનેના કાનમાં રેવાબેનના શબ્દો પડયાં તો હતાં, પણ સમજાતાં નહોતાં. બંનેની સમજણ તો ક્યાંય દૂર....
દિવ્યાના અણુઅણુમાં સંજય ફરી વળ્યો. એની સાથે વિતાવેલી સાંજ, ભેગા જોયેલી ફિલ્મો, મેળામાં કરેલી મસ્તી, ઉધાર લીધેલા યામાહા પર કરેલું અમદાવાદ ભ્રમણ.... કાલેજના ત્રણ વર્ષની યાદો.... પ્રેમ-પટારામાંથી કંઈ કેટલુંય નીકળ્યું ને એક જગ્યે જઈને અટક્યું. લેન્ડલાઇન પર થયેલો છેલ્લો કાલ....
એય દિવ્યાએ પોતે નહોતો કર્યો, બહેનપણી પાસે કરાવેલો. એ તો બાજુમાં ઊભી રહીને ફક્ત સાંભળતી રહેલી.
લખપતિ વ્યાપારીનું માગું....
સરકારી સ્કૂલમાં ગુજરાતી શીખવતા સંજયને જે વાતનો ડર હતો એ સાચો પડયો હતો. એણે ખૂબ વિનવણી કરેલી- એને કહે કે એકવાર મને મળી લે, હું એને નહીં રોકું, ફક્ત એકવાર, પ્લીઝ.... હું એના વગર નહીં જીવી શકું....
બિચારાએ પોક મૂકીને રડવાનું જ બાકી રાખેલું, પણ પ્રેમ સામે પૈસાનું પલ્લું એટલું બધું નમી ગયેલું કે એની કોઈ આજીજી કાને નહોતી ધરાઈ.
દિવ્યાને આંતરવાની કોશિશ પણ સંજયે કરેલી. એ જ્યાંજ્યાં જતી-આવતી, ત્યાંત્યાં જઈને કલાકો સુધી રાહ જોયેલી, પણ ગણતરીઓ માંડવામાં દિવ્યા ફરી એકવાર સંજય કરતાં આગળ રહેલી. લગ્નની શાપિંગ, બ્યુટિપાર્લર, બધું દિવ્યાએ બહુ યોજનાપૂર્વક કરેલું. સંજય સામે એનો પડછાયો પણ ન પડે એ રીતે.
આખરે એ પરણી ગયેલી. બરોડા. ખમતીધર સાસરે સુખસાગરમાં લહેર કરતી દિવ્યા સંસારમાં પરોવાઈ ગયેલી. દિલદરિયામાંથી સંજયને સદંતર ભૂંસી શકાય એમ તો હતું નહીં, પણ સમય જતાં જૂની યાદો ક્યાંય ઊંડે ધરબાઈ ગયેલી. હવે આટલા વર્ષે એ બધું એકાએક જ ફરી....
સ્તબ્ધતાની એ ક્ષણ સંજય માટે લાંબી ચાલી. દિવ્યાએ ઝડપથી ખંખેરી નાંખી. એ જ રીતે જે રીતે એક દિવસ એણે એના જીવનમાંથી સંજયને ખંખેરી નાંખેલો.
દિવ્યા એના પિતાના બેડ પાસે બેઠી. રેવાબેન સંજય તરફ જોઈને બોલ્યાં, 'બધી દોડધામ આ બિચારીએ એકલી જ કરવી પડે છે.'
દિવ્યાએ રેવાબેન તરફ અધકચરું સ્મિત રેલાવ્યું. સંજય તરફ જોવાની તો હિંમત જ ક્યાં હતી !
સંજય તરફ પીઠ કરીને એ સ્ટૂલ પર બેઠી અને વિચારે ચઢી: શું કરતો હશે? હજુ પણ એ જ નોકરી હશે કે પછી..? લગન કર્યા હશે? બાળકો હશે? હું અમદાવાદ પાછી આવી ગઈ એની એને ખબર નહીં હોય? ક્યારેય મારો સંપર્ક કરવાની કોશિશ પણ ન કરી.... લોકો તો કહે છે કે પહેલો પ્રેમ કદી ભુલાતો નથી, ને હુંય ક્યાં એને કદી.... શું એ મને..?
વિચારો તળે દબાઈ જવાશે, એવું લાગતાં એ રૂમની બહાર નીકળી ગઈ. સહેજ ફરી આવી. પાછી રૂમમાં જઈને બેઠી. તોય પેલી અસહજતા ઓછી ન થઈ. આખરે નર્સ નિમિત્ત બની.
'આ દવા લઈ આવો.' કહીને એ દિવ્યાને કાગળ પકડાવી ગઈ. દિવ્યા ઊભી થાય એ પહેલાં સંજય પૂછી બેઠો, 'હું' હું લઈ આવું. તમે બેસો.'
'અ' અરે... નહીં! હું...' દિવ્યાએ આનાકાની કરી તો ખરી, પણ સંજયનો એના તરફ લંબાયેલો હાથ એ આ વખતે નકારી ન શકી.
સંજય ગયો અને દવાઓ ભેગો એના માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછો આવ્યો. દિવ્યાએ બિલના રૂપિયા આપવાની કોશિશ કરી તો સંજયે કહ્યું, 'રહેવા દો.'
'એમ ન ચાલે.'
'પછી આપજો, હમણાં ને હમણાં શું...'
'ના... ના...'
'પછી આપજો... હજુ તો બે-ત્રણ દિવસ ભેગા જ...' એ બોલતો અટકી ગયો.
આખરે દિવ્યા પાછી પડી. રેવાબેન પણ બોલ્યા, 'અત્યારે રહેવા દે. છેલ્લા દિવસે આપી દેજે.'
બંને ફરી બેઠાં. છેટાં. સૂનમૂન. પણ હવે અસહજતાનું મીણ થોડુંથોડું પીગળવા લાગ્યું હોવાથી વચ્ચેવચ્ચે એકમેક તરફ નજર નાંખી લેવાનું સાહસ બંને પક્ષે કરી લેવાતું હતું.
અલપઝલપ નજરમાંય દિવ્યાએ ઘણુંબધું નોંધી લીધું. કાન પાછળની સફેદી. સહેજ ઊંડી ઉતરી ગયેલી આંખો. આંખ નીચે કાળા કુંડાળા. હડપચી નીચે ચરબીનો ભરાવો. કાલેજમાં તો કેવો સૂકલકડી હતો, હવે શરીર ભરાયું હતું. હજુ પણ દાઢી-મૂછ વિનાનો ક્લિન શવ્ડ ચહેરો. અદ્દલ દિવ્યાને ગમતો એવો જ...
દિવ્યાએ પૂછવું હતું - આટલા વર્ષ કઈ રીતે વિત્યાં? શું કર્યું ? - પણ એ સાહસ ન કરી શકી. કયા મોઢે પૂછે? પ્રેમીને દગો દીધાનો અપરાધભાવ એને અજગરની જેમ ભીંસતો રહ્યો.
બપોર પડી ને રેવાબેનનો ચટાકો નિમિત્ત બન્યો.
'આ દવાખાનાનું ખાવાનું સાવ ફિક્કુંફચ..! મારે તો ગળે ન ઉતરે. સંજય, જા-ને. કંઈ ભાવે એવું લઈ આવ-ને આપણા બધાં માટે.'
સંજયને તો જાણે બહાનુ મળી ગયું. એણે પ્રતાપભાઈને પૂછયું, 'શું લાવું તમારા માટે?'
જવાબ મળ્યો, 'કંઈ પણ ચાલશે. પણ થોડું. બહુ નહીં ખવાય.'
નજર દિવ્યા તરફ વળી. 'અને તમારા માટે?'
દિવ્યા બોલી, 'ક' કંઈ નહીં. મને ખાસ ભૂખ નથી.'
સંજય ગયો ને જમવાનું લઈ આવ્યો. મંચુરિયન, ફ્રેન્કી ને ફાલુદા.
દિવ્યાને અતિપ્રિય ફાલુદા. સંજયે આગ્રહ કરીને દિવ્યાના હાથમાં ફાલુદા આપ્યો. ખાતાં-ખાતાં દિવ્યા વિચારે ચઢી: એને હજુય યાદ છે...
એ ભૂતકાળના સાયુજ્યમાં ખરડાતી રહી. સાથે વિતાવેલો રુમાની સમય એને વળગી પડયો.
સાંજ સુધી એને થયા કર્યું કે સંજય સાથે દિલ ખોલીને વાત કરવી જોઈએ, પણ હિંમત ન થઈ તે ન જ થઈ. એક-બે વાર મન મક્કમ કરી જોયું, મનમાં શબ્દો ગોઠવી લીધા, પણ છેલ્લી ઘડીએ ફસકી પડાયું.
આખરે બીજે દિવસે તક મળી. સવારે પ્રતાપભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયાં એ પછી બંને ઓ.ટી.ની બહાર બેઠાં. થોડી આડીઅવળી વાતો કર્યા બાદ સંજયે પૂછયું, 'કેવું છે સાસરે? ઓલ વેલ?'
અને દિવ્યાએ મન મોકળું કર્યું.
લાખોપતિને ત્યાં પરણેલી તો ખરી, પણ વર્ષો સુધી ખૂબ બધાં પ્રયત્નો પછી પણ બાળક ન થયું તે પેલાએ છૂટું કરી નાખેલું. છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં જ હતી.
એના જીવનની કઠણાઈ વિશે જાણીને સંજયને દુખ થયું.
દિવ્યાએ 'આ'મ સારી' કહીને માફી માગી. એનો અફસોસ અને અપરાધભાવ એની આંખોમાંથી બે બિંદુ સ્વરૂપે વરસી પડયા.
એને દિલાસો દેતાં સંજયે કહ્યું, 'ગઈગુજરી ભૂલી જા. મને કોઈ ફરિયાદ નથી. નવેસરથી લાઇફ શરૂ કર.'
એના શબ્દોએ મલમનું કામ કર્યું. દિવ્યાને સારું લાગ્યું. એ સંજયને કંઈક પૂછવા જતી જ હતી ત્યાં તો સંજયનો મોબાઇલ રણક્યો અને એ વાત કરવા દૂર જતો રહ્યો. ફોન કાલ ખાસ્સો લાંબો ચાલ્યો. એ આવ્યો ત્યાં સુધીમાં પ્રતાપભાઈની સર્જરી પણ પતી ગઈ. એમને લઈને બંને ફરી રૂમમાં આવ્યાં.
એ પછી તો પ્રતાપભાઈનો કેસ જાણે કે સંજયે પોતાના હાથમાં લઈ લીધો. રિપોર્ટ કઢાવવાનો હોય, દવા લાવવાની હોય, કે ખાવાનું, બધે એ જ દોડવા લાગ્યો. દિવ્યાના ભાગનું કામ એ ધરાર લઈ લેતો. દિવ્યા સાથે એ સ્વાભાવિક વાતો કરતો રહ્યો. દિવ્યા હળવીફૂલ થઈ ગઈ. એણે સંજય સાથે એકાંતમાં વાતો કરવી હતી, પણ એવી તક જ ન મળી.
એ વારેવારે વિચારે ચઢી જતી: લગન કર્યા હશે..? એની પત્ની હોત તો સાસુની ખબર કાઢવા આવત... લગન નહીં કર્યા હશે, તો જ... એણે મારા લીધે..?
પોતાને ખાતર સંજયે લગ્ન નથી કર્યા, એની ખુશી ભેગો એ બાબતનો અફસોસ પણ દિવ્યાને ઘેરી વળ્યો.
બે દિવસ વિતી ગયા. રેવાબેનને રજા મળી. જતાં-જતાં સંજય દિવ્યાને કહેતો ગયો, 'જરૂર પડયે કાલ કરજે.'
આભારવશ દિવ્યા એને જતો જોઈ રહી.
સંજયની ગેરહાજરીમાં પણ દિવ્યા એની હાજરી અનુભવતી રહી. એણે લીધેલી પ્રતાપભાઈની કાળજી, દિવ્યા માટે લાવેલો ફાલુદો, અને એના શબ્દો...
મને કોઈ ફરિયાદ નથી... ગઈગુજરી ભૂલી જા... નવેસરથી લાઇફ શરૂ કર...
અને વર્ષો અગાઉ બોલાયેલું એ વાક્ય- હું એના વગર નહીં જીવી શકું...
દિવ્યા વિચારે ચઢી- એના મનમાં હજુય મારા પ્રત્યે... હું જ મૂર્ખી તે આવા માણસને મૂકીને...
અફસોસ ભેગી કૂણી લાગણીઓ પાંગરતી ગઈ. એકથી વધુ વાર એને થયું કે સંજયને કાલ કરું, પણ...
ત્રીજા દિવસે સંજય વગર બોલાવ્યે આવ્યો. ફ્રૂટ્સ અને ફાલુદા લઈને. પ્રતાપભાઈ હરખાઈ ઊઠયાં, બોલ્યાં, 'આટલું તો કોઈ સ્વજન પણ ન કરે, દીકરા.'
સંજયે સ્મિત રેલાવીને પતાવ્યું. ખાસ્સી વાર બેઠો. જતી વેળા પૂછયું, 'રજા ક્યારે આપવાના?'
'કાલે.'
'કાલ કરજે. મારી ગાડીમાં ઘરે મૂકવા આવીશ.'
બાપ-દીકરી ગદગદ થઈ ગયાં.
એ રાતે દિવ્યા મુશ્કેલીથી ઊંઘી શકી. એના ચિત્તમાં બસ સંજય જ સંજય...
બીજા દિવસે સવારથી દિવ્યા સંજયની રાહ જોવા લાગી. રજા માટેની ફોર્માલિટી પતાવતાં બપોર થઈ. એણે કાલ કરીને સંજયને જણાવ્યું. સામેથી કહેવાયું, 'આવું છું.'
દિવ્યા ખુશ થઈ ગઈ. પ્રતાપભાઈ સહર્ષ બોલ્યા, 'આવો દીકરો ભગવાન નસીબદારને જ આપે.' અને દિવ્યાની ખુશી બમણી થઈ ગઈ.
એ વિચારે ચઢી- આજે ઘરે જઈએ પછી સંજયને મનની વાત કહી જ દેવી છે. ફરી એકવાર માફી માંગી લઈશ. સત્તર વર્ષ અગાઉ કરેલી ભૂલને સુધારવાની તક કુદરતે આપી છે તો એને એળે નથી જવા દેવી. એને હજુય મારા પ્રત્યે લાગણી છે, તો જ પપ્પાનું આટલું બધું કર્યું-ને... આજે એને પૂછી જ લઈશ... શક્ય હોય તો બધું ભૂલીને નવેસરથી લાઇફ...
એ મનોમન હરખાઈ ઊઠી.
સંજય આવ્યો. બાપ-દીકરી બંને એને જોઈને ખુશ. બધો સામાન ઊંચકીને સંજય આગળ ચાલ્યો. વ્હીલચેરમાં પ્રતાપભાઈ એની પાછળ અને છેલ્લે જાતભાતના વિચારોમાં ગરકાવ દિવ્યા.
હાસ્પિટલની બહાર નીકળ્યા કે તરત સંજયે ગેટ તરફ હાથ ઊંચો કર્યો. કમ્પાઉન્ડની બહાર ઊભેલી મરુન સિડાન એમના તરફ આવી. સંજયે કહ્યું, 'હાસ્પિટલનું પાકગ ફૂલ છે અને વાચમેન અહીં ગાડી ઊભી નથી રાખવા દેતો એટલે ગેટની બહાર જ રાખવી પડી.'
દિવ્યા એ વાતે ખુશ થઈ કે સંજયે કાર પણ એના મનપસંદ રંગની જ ખરીદી હતી, પણ એની ખુશી ઝાઝી ન ટકી. કાર નજીક આવતાં જ એનું સ્મિત વિલાઈ ગયું. ડ્રાઇવિંગ સીટ પર એક મહિલા...
સંજયે સામાન કારની ડિકીમાં મૂક્યો. પ્રતાપભાઈ અને દિવ્યાને કારમાં બેસાડયાં. એ આગળ બેઠો. દિવ્યાના મનમાં ઘમાસાણ મચેલું હતું.
કાર ઉપડી કે તરત સંજય બોલ્યો, 'અંકલ, દિવ્યા... આ મારી વાઇફ પન્ના.'
પન્નાને મળીને પ્રતાપભાઈ ખુશ થયા. દિવ્યા મૂંગીમંતર.
'કેમ છો?' પન્ના ડ્રાઇવ કરતાં-કરતાં બોલી, 'સંજયે મને તમારા વિશે ફોન પર કહ્યું હતું, પણ હું તમને મળવા ન આવી શકી, કેમ કે હું છેલ્લા દસ દિવસથી મારા પિયર પોરબંદર હતી. મારા મધર પણ બિમાર છે એટલે.'
સંજયના વખાણ કરતાં પ્રતાપભાઈ બોલ્યા, 'સંજયે મારી બહુ સેવા કરી.'
પન્નાએ કહ્યું, 'સંજય છે જ એવા. બધાંની મદદ કરે.'
'તું નસીબદાર છે બેટા કે તને આવો પતિ મળ્યો. ગયા જનમમાં કંઈ વિશેષ પુણ્ય કર્યાં હશે તેં.'
પન્નાએ સ્મિત રેલાવ્યું અને બોલી, 'બસ કરો, અંકલ. નહીં તો સંજય ટોકશે. એને તો એના વખાણ પણ નથી ગમતા.'
મોબાઇલમાં લોકેશન જોતાં સંજયે પન્નાને કહ્યું, 'આગળથી રાઇટ લેજે. એ તરફથી નજીક પડશે.'
સંજયે શોર્ટકટ લેવડાવ્યો, પણ એ રસ્તે અનેકવાર પસાર થઈ ચૂકી હોવા છતાં દિવ્યાને આજે એ રસ્તો વધારે પડતો લાંબો લાગી રહ્યો હતો.


