Get The App

જીવન એક પ્રયોગશાળા .

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
જીવન એક પ્રયોગશાળા                                    . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

મા ણસના જીવનમાં બે દિવસો સૌથી વધુ મૂલ્યવાન હોય છે : એક તેનો જન્મદિન અને બીજો તેના જન્મનું કારણ મળે તે દિવસ. 

માર્ક ટ્વેન

આ જન્મનું કારણ કે જીવવાનો અર્થ કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી તે તો ક્રમશ: થતો ઉઘાડ છે. કમનસીબે, માનવ મનની કેટલીક સમસ્યાઓને લીધે તે અવરોધાય છે, અટવાય છે.

સંશોધનો કહે છે કે માણસને દિવસ દરમિયાન પચાસ હજાર  જેટલા વિચારો આવે છે. આપણે અનેક વિચારો અને વિશ્વોમાં પ્લગ્ડ રહીએ  છીએ- જોડાયેલા કે ફસાયેલા રહીએ છીએ. આપણે સત્તા કે સંપત્તિ, અહં  કે ઓળખ વગેરે માટે દોડીએ છીએ. આપણે ક્યાંક પહોંચવું છે, કશુંક જીતવું છે. આપણું ટુ ડુ લીસ્ટ અને બકેટ લિસ્ટ અંતહીન છે. આપણને વધુ પૈસા, નામ, અનુભવો જોઈએ છે  વધુ નાટકીય-રોમાંચક જીવન જોઈએ છે. આ દોડની કોઈ ફીનીશીંગ  લાઈન હોતી નથી. આપણને વધુ અને વધુ તીવ્રતાથી જીવન અનુભવવા માટે જીવન-સત્વને દાવ પર લગાવવાની ટેવ પડી ગઈ છે. આપણે સ્વસ્થતા ચૂકવીને વ્યસ્તતા ખરીદીએ છીએ. આપણને ઝળહળાટ અને ગડગડાટ વચ્ચે ઊભા રહેવાની ટેવ પડી ગઈ છે.

આપણે રોલર કોસ્ટર કે કન્વેયર બેલ્ટની ગતિથી રાજી છીએ, ભલે ક્યાંયે પહોંચીએ નહી. જો તેના પરથી ઉતરીને શાંત બેસીએ-નિરખીએ તો વિચારને પણ ઝરણાં  જેમ વહેતા, વાદળ જેમ વિખરાતા જોઈ શકીએ. આ સામે આવેલી પળ જ  મૈત્રી, આનંદ, શાંતિનો પાસવર્ડ છે તે પ્રતીત થશે. 'આ જ આહ.... પળ' છે. આ માટે આપણે ગઈકાલ અને આવતીકાલમાંથી અનપ્લગ કે અનહુક થવાની જરૂર છે. જે એક પડકાર છે-સાહસ છે. આપણું જગત સાથેનું ઓટોમેટિક વાયરીંગ ફોલ્ટી છે. ત્યાંથી છૂટી જાત સાથે જોડાવાનું છે. જે પળે, અસ્થિર, અરાજક, આક્રમક જગતના જોડાણો છુટી જાય છે તે પળે આપણે સ્વ-સ્થ કેન્દ્ર બની જઈએ છીએ. 

કમનસીબે, આપણી સાધનને જ સાધ્ય બનાવી નાખવાની લાભવાદી કે ઉપયોગિતાવાદી મનોવૃત્તિએ ધ્યાન-મૌન-એકાંતને પણ વેડફી નાખ્યા છે. આપણે હવે ધ્યાનના ફાયદાઓની પણ યાદી બનાવીએ છીએ. આપણે ધ્યાનને  પણ વસ્તુ બનાવી નાખી. જીવનને બે રીતે વ્યતીત કરી શકાય; સ્વયંની ઓળખ બદલ્યા કરવામાં અને સમગ્ર અંતરંગ બદલી નાખવામાં. જીવન તો એક અલૌકિક રાસાયણિક પ્રક્રિયા છે-પ્રયોગશાળા છે. જ્યાં ડેટા જ ડાહપણમાં બદલાઈ જાય છે. હિન્દી ભાષાના જાજરમાન કવિ વિનોદ કુમાર શુક્લ  એક જીવન યુક્તિ આપે છે :

હમ અબ કુછ દેર ચૂપ રહેં

ઔર સુને હમ કયા નહી કહતે,

આંખે ભી બંધ કર લે

ઔર દેખે હમ ક્યાં નહિ દેખતે,

ક્યા હમ કુછ દેખ ઔર સુન સકેંગે ?