Get The App

એમર્સન, મેક્સમૂલર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા!

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
એમર્સન, મેક્સમૂલર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા! 1 - image

- પારિજાતનો રિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એ મારા જીવનનું મોટું સંભારણું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પહેલું પ્રકરણ આજે પણ એમને અદ્ભુત લાગે છે. 

મ હાન કવિ, ચિંતક અને નિબંધકાર રાલ્ફ વાલ્ડો એમર્સન ઇંગ્લેન્ડ આવ્યા. ઇંગ્લેન્ડના સમર્થ ઇતિહાસકાર, નિબંધ લેખક અને ફિલોસોફર ટોમસ કાર્લાઇલને મળ્યા. કાર્લાઇલના લખાણોએ વિક્ટોરિયા યુગના કલાપ્રવાહો પર ઘણો પ્રભાવ પાડયો હતો. આ ટોમસ કાર્લાઇલે ચાર્લ્સ વિલ્કિન્સે અંગ્રેજીમાં અનુવાદિત કરેલી ગીતા એમર્સનને આપી. એણે માત્ર અમેરિકાના આ વિદ્વાનને એક જ ગ્રંથ આપ્યો અને તે ભગવદ્ ગીતા. ઇતિહાસકાર અને તત્ત્વચિંતક ટોમસ કાર્લાઇલના ગ્રંથ 'ધ હિસ્ટ્રી ઓફ ફ્રેન્ચ રિવોલ્યુશને' યુરોપમાં ક્રાંતિ સર્જી હતી. કાર્લાઇલ ૧૯મી સદીના સર્જકોમાં આગવી પ્રતિભા ધરાવનારા અને મૌલિક વિચારક હતા અને એમના વિચારોથી સમગ્ર યુગનો આત્મા આંદોલિત થતો હતો.

અમેરિકાના મહાન કવિ રાલ્ફ વાલ્ડો એમર્સન ધર્મોપદેશક તરીકેની નોકરીમાંથી ફારેગ થઇને ૧૮૩૨માં ઇંગ્લેન્ડ આવ્યા. એમનાથી વયમાં આઠ વર્ષ મોટા ટોમસ કાર્લાઇલે એમર્સનને 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' આપતા કહ્યું કે આ એક અત્યંત પ્રેરણાદાયી પુસ્તક છે. મારા જીવનમાં એની પાસેથી હું ઘણી શાંતિ અને સાંત્વના પામ્યો છું. આશા રાખું છું કે આ ગીતાના વાંચન દ્વારા તમે પણ તમારા જીવનમાં એ સઘળું પામી શકશો.

એમર્સન સ્વયં ૧૮૨૯માં પાદરી બન્યા હતા, પરંતુ મનથી તેઓ જૂનવાણી પ્રથાઓનો સ્વીકાર કરી શક્યા નહીં અને એ પછી એમની પત્નીનું ૧૮૩૨માં અવસાન થતાં એમણે પાદરીપદેથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી હતી. આમ છતાં પાદરી તરીકે એમણે જે વ્યાખ્યાનો આપ્યા હતા તે પછીનાં વર્ષોમાં એમના વક્તવ્ય અને લખાણો પાયારૂપ બની રહ્યા. વિપુલ સાહિત્યનું સર્જન કરનાર એમર્સનનું સમગ્ર લખાણ દસ ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આજે અમેરિકાના બોસ્ટન શહેરમાં મહાન કવિ એમર્સનની સ્મૃતિઓના સંગ્રહાલયમાં આ ગીતા છે. એમર્સન ૧૮૦૩ની ૨૫મી મેએ અમેરિકાના બોસ્ટન શહેરમાં જન્મ્યો હતો. આજે આ શહેરનું સંગ્રહાલય મહાન કવિની જીવન સ્મૃતિઓને જાળવીને બેઠું છે. એ સઘળા સ્મૃતિ ચિહ્નોમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' એનો આગવો ઇતિહાસ ધરાવે છે. આમ તો અમેરિકાની પ્રસિદ્ધ હાવર્ડ યુનિવર્સિટીના ગ્રંથાલયમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'નું પસ્તક હતું. પરંતુ એમર્સનની ગીતા જેટલા લોકોએ વાંચી છે એટલા લોકોએ હાવર્ડનું એ પુસ્તક વાંચ્યું નથી. કારણ એટલું જ કે એમર્સન પોતાના વિચારક મિત્રોને આગ્રહપૂર્વક આ ગ્રંથ વાંચવાનું કહેતા અને સ્વયં એ ગ્રંથ એમને વાંચવા માટે આપતા. આથી જ બોસ્ટનના એ મ્યુઝિયમમાં ઘણી ફાટેલી હાલતમાં 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' મળે છે.

સ્વામી વિવેકાનંદે નોંધ્યું છે કે, 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' એ કવિ એમર્સનનું પ્રેરણાબળ હતી. અમેરિકામાં જાગેલા વેદાંત આંદોલનનો પ્રારંભ થયો શ્રીમદ્ ભગવદ્ ગીતાથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રકાશનું પહેલું કિરણ અમેરિકા ક્યારે પામ્યું હશે ? આનું પગેરું શોધીએ તો એકસો અઠ્ઠાવન વર્ષ પહેલા ઇ.સ. ૧૮૪૫માં અમેરિકાના હાવર્ડ કોલેજમાં અભ્યાસ કરતા મહાન કવિ રાલ્ફ વાલ્ડો એમર્સનની અંગત નોંધમાં મળે છે. અમેરિકાના આ મહાન કવિએ 'કોન્કર્ડ પાર્ટી'ના નામે એક વૈચારિક વિરાટ આંદોલન શરૂ કર્યું. આ કોન્કર્ડ (ટ્રાન્સેલડેન્ટલ) આંદોલન એ અનેક આંદોલનોની આધારભૂમિ બની રહ્યું. આ આંદોલનની પ્રેરણા અને અગ્રણી અને ચિંતક એમર્સનને ભગવદ્ ગીતામાંથી સાંપડી.

અમેરિકાના એમર્સન અને ઇંગ્લેન્ડના કાર્લાઇલમાં એક સામ્ય પણ હતું. એમર્સને ધર્મોપદેશક તરીકે કામ કર્યું હતું. જ્યારે કાર્લાઇલને દીકરો ચર્ચનો પાદરી બને તેવી ઇચ્છાથી પિતાએ એને યુનિવર્સિટીમાં ભણવા મૂક્યો હતો. આમ બંનેને ગળથૂથીમાં ધર્મચિંતન મળ્યું હતું. પરંતુ એમર્સન કવિ, ચિંતક અને નિબંધકાર થયા અને કાર્લાઇલ ઇતિહાસકાર બન્યા પણ બંને શ્રીમદ્ ભગવદ્ ગીતાથી અત્યંત પ્રભાવિત થયા.

ગુલામીના આ સમયમાં હિન્દુસ્તાન એનો વિપુલ વિદ્યાવારસો ભૂલી ચૂક્યું હતું. વેદ અને ઉપનિષદની ગહનતા અને મહત્તાથી લોકો સ્વયં અજ્ઞાત હતા. આવે સમયે ભારતના પ્રાચીન ગ્રંથોની મહત્તા દર્શાવવાનું કાર્ય પશ્ચિમના વિદ્વાનોએ કર્યું. આ વિદ્વાનોમાં એક મહાન સમર્થ વિદ્વાન તે જર્મનીમાં જન્મેલા મેક્સમૂલર. મેક્સમૂલરે ઋષિકાર્ય કર્યું. ભારતમાં સૌથી પ્રાચીન વેદ એવા ઋગ્વેદની સમીક્ષા ધરાવતી આવૃત્તિનું સંપાદન કર્યું. ઋગ્વેદનું આ સંપાદન પચીસ વર્ષના અથાગ પુરુષાર્થ બાદ પૂર્ણ કર્યું. એનો પ્રથમ ખંડ ૧૮૪૯માં પ્રગટ થયો અને એનો છઠ્ઠો ખંડ ૧૮૭૪માં પ્રગટ થયો. મેક્સમૂલરે સંપાદિત કરેલા ઋગ્વેદના પ્રથમ ખંડના દ્વિતીય પૃષ્ઠ પર એણે પોતાના નામનું સંસ્કૃત 'ભટ્ટં મોક્ષમૂલર' કર્યું. જેનો પછીના વિદ્વાનોએ આ મોક્ષમૂલરનો અર્થ 'મોક્ષનું મૂળ આપનાર' એવો કર્યો.

ભારતના શાસ્ત્રીય ગ્રંથોમાં આ અજોડ અભ્યાસીએ એ સમયે યુરોપના લોકોને લક્ષમાં રાખીને સંસ્કૃત વ્યાકરણની રચના કરી હતી. ઓરિએન્ટલ કોન્ફરન્સમાં છેક ૧૮૯૦માં વેદના રચનાકાર વિશે જર્મનીમાં જન્મેલા આ મહાન પ્રાચ્ય વિદ્યાવિદે સૌ પ્રથમ મૌલિક વિચારણા કરતો સંશોધન લેખ લખ્યો હતો.

બર્લિનમાં ફ્રેડરિક શૂબ્રિંગ પાસે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. ઉપનિષદોનું ભાષાંતર કર્યા પછી આ ક્ષેત્રમાં એમણે વધુ સંશોધન કાર્ય કર્યું અને ભારતીય - યુરોપિય ભાષાઓનાં એક વિદ્વાન તરીકે માન્યતા પામ્યા. આ શૂબ્રિંગે મેક્સમૂલરને ધર્મનાં ઇતિહાસ સાથે ભાષાના ઇતિહાસને જોડવાનું કહ્યું અને એ સમયે મેક્સમૂલરે જર્મન ભાષામાં હિતોપનિષદનો અનુવાદ પ્રગટ કર્યો હતો. એ પછી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવા માટે ફ્રાંસમાં ગયા, ઋગ્વેદનું પ્રકાશન કરવાની સાથોસાથ ઇંગ્લેન્ડમાં આવેલી હસ્તપ્રતોનો એમણે ઉપયોગ કર્યો. ભારત પર અધિકાર ભોગવતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંગ્રહમાંથી એમણે સંસ્કૃત ગ્રંથો મેળવ્યા અને સમય જતાં ભારતીય સંસ્કૃતિનાં ઊંડા અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. બીજી બાજુ ભાષાના અભ્યાસની સાથોસાથ સંસ્કૃતિના વિકાસને જોવાનો પ્રયત્ન થયો અને એક પ્રાચીન ભાષા તરીકે એમણે સંસ્કૃતને મહત્ત્વ અપાવ્યું.

પ્રકાંડ વિદ્વાન મેક્સમૂલરે અમેરિકન કવિ એમર્સને ૧૮૭૩ની ચોથી ઓગસ્ટે, પોતાના અવસાનના નવ વર્ષ પૂર્વે એક પત્ર લખ્યો. એમર્સને લખ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એ મારા જીવનનું મોટું સંભારણું છે. વધુમાં એમ પણ જણાવ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પહેલું પ્રકરણ આજે પણ એમને અદ્ભુત લાગે છે. આમ પશ્ચિમના જગતમાં ઇંગ્લેન્ડના ટોમસ કાર્લાઇલ પાસેથી અમેરિકાના એમર્સનને અને એની પાસેથી જર્મનીના મેક્સમૂલરને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંસ્પર્શ થાય છે. એમર્સને ૧૮૫૬માં ઉપનિષદો વાંચ્યા. 'કઠોપનિષદ' એને ખૂબ ગમી ગયું અને એનો આ કવિ વિચારકના ચિત્ત પર સ્થાયી પ્રભાવ પડયો.

અમેરિકાના આ કવિએ 'બ્રહ્મા' નામની કવિતા લખી. આ કવિતા અમેરિકાના પ્રસરેલા વેદાંતની સર્વોચ્ચ ભૂમિકા પ્રગટ કરે છે.

આ સમયે ભારતમાં વાઇસરોય તરીકે વોરન હેસ્ટિંગ્સ હતા. આ વોરન હેસ્ટિંગ્સે વિલ્કિમ્સ અનુવાદિત શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રિટનવાસીમાં વિતરણ કરવાનો વિચાર કર્યો.

 આની સામે બ્રિટનમાં વિરોધ જાગ્યો. અરે ! ગુલામ દેશના સાહિત્યનો અર્થ શો ? આવા વિચારોના પ્રભાવનો અર્થ શો ? ત્યારે એમર્સને એમના નિબંધોમાં આને વિશે નોંધ લખી. એમર્સને કહ્યું કે બ્રિટનવાસીઓએ પૂર્વની તાત્વિક પરંપરાઓનો આસ્વાદ લેવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિનો તાગ કાઢતાં એમર્સને કહ્યું કે આપણે જીવનની સ્થૂળ બાબતોની વાતો કરીને આત્મવાંચના કરી રહ્યા છીએ. બીજાના વિચારોને ધિક્કારવાના પેંતરાઓ કરીએ છીએ. આની સાથોસાથ શારીરિક, દૈહિક, ભૌતિક જીવનથી આપણે ઘેરાયેલા છીએ. એમર્સન કહે છે કે આવી પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો પૂર્વની વ્યાપક વિચારધારાનું અનુકરણ કરવું પડે. ભારતીય  તત્ત્વવિચારથી જુલ્મી વાઇસરોય વોરન હેસ્ટિંગ્સ પણ આકર્ષાયો હતો. આથી જ એણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનુવાદ બ્રિટનમાં વહેંચવાની ઇચ્છા રાખી હતી. આને માટે મેક્સમૂલરે સબળ દલીલો પણ કરી.

એમર્સન એના જીવન પર સૌથી પ્રભાવક પરિબળ એવા શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથને વારસારૂપે પોતાના જેવી જ સમર્થ વ્યક્તિને આપે છે.

ક્ષણનો સાક્ષાત્કાર

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઇને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઇ જતી. વળી દુશ્મનો પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઇને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી.

અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ''હે માતા ! તમે જીવનમાં અપાર દુ:ખો વેઠયાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.''

આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુ:ખી અને દારિદ્રમય દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઇ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ''આજે મારો  દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુ:ખ આવી પડે એની કોઇને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.''