Get The App

કંચન અને કામિની : ત્યાગીઓનો ટીકામોહ છુટતો નથી!

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
કંચન અને કામિની : ત્યાગીઓનો ટીકામોહ છુટતો નથી! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- જેન ઝીને જનરેશન આલ્ફા મહાત્માઓ માને છે એટલી મૂર્ખ નથી, પણ દંભ કરવાને બદલે ભોગવિલાસને જીવનનો હિસ્સો માને છે એને લીધે યૌવનથી વન વાળા અકળાય છે!

એ ક મોંક યાને સાધુ આકરી તપસ્યા કરતા હતા. એમની સેવા કરનારા એક ડોશીમાને થયું કે ચાલો સંતત્વ વાતોથી આગળ ભીતર કેવું ઉતર્યું છે એની કસોટી કરીએ. એક દિવસે માજીએ શહેરની સૌથી સુંદર ગણિકાને કહ્યું કે એ સાધુ પાસેથી પસાર થઈને જજે. ગણિકા સરસ તૈયાર થઈને ગઈ. સાધુની નજર પડે એટલી નજીક માત્ર રહી ને તપસ્વીનો ક્રોધ ભભૂક્યો. એમણે એ સ્ત્રીને અપશબ્દો કહ્યા. માયાવિની મોહિની કહી. એનો તિરસ્કાર કર્યો. આવી તુચ્છ ચરિત્રહીન નારીઓ વચ્ચે પોતે કેવા મહાન છે કે પથ્થરની જેમ અડગ ઊભા છે, એનું મહિમાગાન કર્યું.

અંતે સુંદરીએ સાધુને સંભળાવ્યું :  મહાત્માજી, તમે જો તપ કરતા ધ્યાનમગ્ન હો તો તમને રસ જ કેમ પડે કે મેં કેવા વસ્ત્રો પહેર્યા છે ને હું શું કરું છું ? આટલો ક્રોધ કેમ આવે ? તમારે જે સમાજ ને સંસારમાં રહેવું નથી, કામ કરવું નથી, જવાબદારીઓ લેવી નથી એની આટલી પંચાત કરીને કર્મો શું કામ બાંધો છો ? મોટા ધ્યાની હો તો તમારું ધ્યાન બીજાઓએ શું પહેરવું કે કેમ જીવવું એમાં જાય છે શા માટે ? તમને ન ગમે એટલે વ્યભિચાર નથી થઇ જતું આકર્ષણ અને પાપ નથી થઈ જતો સૌંદર્ય કે દેહસંબંધનો આનંદ ! તમારા દંભ કરતા તો મારો વ્યવસાય વધુ પવિત્ર છે કે અમે તમે શું કરો છો ને એ સારું છે કે ખરાબ એના પ્રમાણપત્રો દેવા નથી આવતા ને દુનિયા બગડી ગઈ છે જેવી ફરિયાદો કરવા માટે ટોળા ભેગા નથી કરતા! શ્રમ કરીને પરસેવો પાડીને ધન મેળવીએ છીએ, મફતનું માન ને ધન ઝંખતા નથી એના મોહ છોડવાની ખોટી વાતો કરીને !'

તમને કાલ્પનિક લાગી હશે ને આ કથા ? પણ ચર્ચાતા સમાચારો જુઓ તો એકદમ વાસ્તવિક છે! થાઇલેન્ડમાં હમણાં મિસ ગોલ્ફના નામે ઓળખાતી એક ખૂબસુરત હાઈફાઈ કોલગર્લ એક બૌધ્ધ ભિક્ષુના બ્લેક મેઇલમાં પકડાઈ ને ખબર પડી કે કમસેકમ ૯ સાધુઓ સાથે એના સંબંધ હતા અને એના કોમ્યુટરમાં તો ૮૦૦૦૦ વીડિયો હતા ને ૧૦૦ કરોડ સુધી પહોંચે એવી તગડી રકમ એણે પડાવી હતી ! બોલો, અહીં ઘણા લગ્નોત્સુક યુવક યુવતીઓને લેજિટિમેટ શરીરસુખ નથી મળતું ને સંસાર છોડનારાઓને મોહપાશમાં બંધાવા માટે કોમલાંગીઓમાં બાહુપાશ પેલા ફરાર આરોપી એવા કૈલાસાવાળા નિત્ય આનંદો કે સજાપાત્ર થઈ જેલમાં જતા નિરાશારામો જેવા અઢળકને મળી જાય છે! એ તો ઠીક એમને ચૂકવવાના અઢળક રૂપિયા પણ હોય છે. સામાન્ય મિડલ ક્લાસના કોઈ સંસારી આજીવન મહેનત કરીને ભેગા ન કરી શકે એટલા બધા અધધધ! 

ને આ બધા પાછા સવાર બપોર સાંજ રાત કંચન અને કામિનીના ત્યાગનું પ્રિસ્ક્રિપ્શન ફાડે છે ! યંગ જનરેશનના નેચરલ સેક્સને ધાર્મિકતાના નિયમોને નામે વખોડે છે ! માંડ જેને મુક્તિ મળી છે એ સ્ત્રીઓને સંસ્કૃતિના નામે ફરી ઇરાની મુલ્લાઓ અને અફઘાની તાલિબાનો જેવી જડસુ માનસિકતાથી ઘેર બેસાડવી છે જેથી એ આજીવન પુરુષોની ચરણચંપી કર્યા કરે, રસોઈ બનાવે ને માથે સાડી ઓઢી લાજ કાઢીને નોકરાણીની જેમ રહે!

સ્ત્રીના વસ્ત્રો એટલા ટૂંકા ક્યારેય નથી થવાના જેટલી એને વખોડવા માટે જ જોતી નજર ટૂંકી હોય છે! 

***

યુવાઓમાં ખૂબ લોકપ્રિય અને વિદ્વાન ગણાતા વૃંદાવનના પ્રેમાનંદજી હોય કે વાઇરલ વીડિયોના સુપરસ્ટાર અનિરુદ્ધાચાર્યજી હોય ને દેવકીનંદનજી થી રામભદ્રાચાર્યજી કે સદગુરુ જેવા સેંકડો આદરપાત્ર કથાકારો સંતો હોય... આજકાલ તમામના એવા સ્ટેટમેન્ટસ ગાજે છે જેમાં લાજ મૂકતી આધુનિકાઓ સમાજને તારાજ કરશે એવા ડર બતાવી એવું કહેવાય છે કે આજકાલની મોડર્ન યુવતીઓમાં માંડ બે ચાર પવિત્ર હશે. બાકી બધી તો કેરેક્ટરલેસ છે. જ્યાં ત્યાં સંબંધો બાંધે છે વગેરે વગેરે. આ બધા ને બીજા પણ એ પૂજ્ય મહાત્માઓ છે, જેમનો પોતાનો વિડિયોગ્રાફીનો મોહ છૂટતો નથી ! કોઈ મળવા આવે કે તરત શૂટિંગ ચાલુ થઈ જાય ! એ અપલોડ પણ થઈ જાય. ટેક્નોલોજી , સાયન્સ અને યુવાનોની કાયમી ટીકા કરતા એક જૈન આચાર્યજીના વીડિયો ને ચેનલ ખાસ્સી પોપ્યુલર નવી પેઢીમાં છે!

વિડીયો બનાવવા કે મૂકવા કોઈ ગુનો નથી. પાપ પણ નથી. પણ આટલો ભલે સમાજના હિતના નામે પણ એમાં રસ પડતો હોય તો પછી યુવાનોને શણગાર કરવા કે તૈયાર થવાના મોહની ટીકા શા માટે ? સંસાર છોડયા પછી પણ જો આટલી પ્રસિધ્ધિ ને રેકગ્નિશનની ભૂખ કથિત રૂપથી અધ્યાત્મનો અર્ક પામી ગયેલાને હોય તો સેલિબ્રિટીઓ સાથે શૂટિંગથી કઈ માર્કેટને ઇમ્પ્રેસ કરવી છે ? ને સારા વિચારોના ફેલાવા માટે મજબૂરી સમજીને કે પછી મોજની મરજીથી કરો. પણ તમારે સારા દેખાવાનો કે બીજાને પ્રભાવિત કરવાનો આટલો ધખારો હોય તો કોઈ જીવન છોકરી શું કામ સજીધજીને ન નીકળે ? એને પણ ગમતું  હોય કે બધાન ધ્યાનનું કેન્દ્ર રહે એના તરફ. એ એટેન્શન ઝંખતા વિડીયો બનાવે તો તમને શું ટેન્શન ? જ્યાં સુધી કાયદાની મર્યાદા તૂટે નહી ત્યાં સુધી વ્યક્તિગત દુભાતી લાગણીની માગણી સમયનો બગાડ છે. આમાંના કોઈને કેમ ટેન્કર લટકી પડે એવા તૂટેલા બ્રિજ પર કે સરકારી પ્રોજેક્ટના નામે પાસ થતા ખોટા બિલ કે સડક પર થતા ખાડા કે રખડતા ઢોર વગેરે મુદ્દે કેમ સમાજની ચિંતા નહિ કરતા હોય ? બધા પાસે આખી દુનિયાને દેશના સાહિત્યના મોટીવેશનલ ક્વોટ્સ હોય, પણ પોતીકો એવો ઓશો જેવો બોલ્ડ અવાજ ઓરિજિનલ ન હોય ! 

એકદમ ફેન્સી બોલીને ભોળી ને વાચનવિહીન અને એટલે  તર્ક કે તથ્ય વગરની યંગ જનરેશનને ભરમાવીને ટોળા ભેગા કરતા આવા ઘણા સાધુજનો વાતોમાં વાચાળ હોઈ વિદ્વાન લાગે ને નવી પેઢી સાથે કનેક્ટ બનાવી જાણતા હોય. પણ ચાર બાબતો વિશે બોલે કે મોટી મોટી વાતોનું મોતી કેટલું ફટકિયું છે એ સાબિત થઈ જાય. એક તો ફિમેલ બ્યુટી, બીજું સેક્સ્યુઆલિટી, ત્રીજું લવ મેરેજ ને ચોથું સાયન્સ. ઘણા ઉપર ઉપરથી આધુનિક ને ઉદાર લાગતા સાધુજનો આ બાબતોમાં તદ્દન પછાત ને ઉધાર સાબિત થતા હોય છે. તરત એમની અંદરની મધ્યયુગીન માનસિકતા ઊછળીને બહાર આવી જાય છે. જે સંયમના નામે સ્વતંત્રતા છીનવી લેતી સેન્સરશિપ કે પ્રતિબંધોની ભલામણ કર્યા કરે છે. એ પણ લોકલુભાવન ગપ્પા ઠોકીને !

જી, ઘણી વાતો પબ્લિકને પસંદ પડે એનાથી જ સત્ય નથી થઈ જતી. નવરાત્રિ ઉપર પણ મર્યાદા વગરના કપડાં ને જ્યાં ત્યાં સૂઈ જતી યુવતીઓથી સંસ્કારનું અધ: પતન કે એબોર્શન એવા છાજિયાંને ટીઆરપી ચિક્કાર મળશે. ક્યા આધારે ? છે કોઈ સત્તાવાર અહેવાલ સાબિતી સાથે ? છે અધિકૃત આંકડા ? કોઈ સર્વે કે કોઈ રિસર્ચ છે ? કશું હોતું નથી. માન્યતાઓ હોય છે રૂઢિચુસ્ત. જે બીજાએ શું ખાવું, શું પહેરવું, શું જોવું... અરે ક્યારે રડવું ને ક્યારે હસવું બધા ઠેકેદારો નક્કી કરશે ધામકતાના. 

આ ખતરનાક ટ્રેન્ડ છે. આમાં મનુષ્યની સ્વનિર્ણયની પરિપક્વતાનો વિકાસ કે આત્મખોજ ન થાય. સામૂહિક ઘેટાંટોળી જ વિકસે. અને એવું થોડું છે કે આજનો જમાનો જ બગડી ગયો છે ? આપણા જ પૂર્વજો આ જ સંતના રાષ્ટ્રમાં બહુપત્નીત્વ રાખતા, અનેક સંતાનોની ફોજ પેદા કરતા અને છુપાવીને લફરાં પણ કંઇ ઓછા ન કરતા! મહાત્મા ફૂલે ને સાવિત્રીબાઈએ આડા સંબંધોને લીધે પેદા થઈ મરવા છોડી દેવાતા બાળકો માટે અમસ્તું આખું આયખું આપવું પડયું ? સ્ત્રીને એક વસ્તુ સમજવામાં આવી પરંપરાના નામે. જેણે ખરીદાયેલા ગુલામની જેમ પ્રેમ વિના પણ પુરુષને તાબે થઈ રહેવાનું. એની ફિલીંગની કોઈ વેલ્યુ નહીં. પુરુષ ગમે ત્યાં ગણે એટલી વાર જઈ આવે ચાલે, અહલ્યાઓ પથ્થર થઈ જીવતી મરેલી રહે ! 

૧૮૮૯માં બંગાળમાં દસેક વર્ષની ફૂલમણિ નામની બાળકીને બાળ લગ્ન થતા હોઈ એનાથી ઘણા મોટા આધેડ પતિએ લગ્ન કરી મેરિટલ રેપની જેમ ભોગવવાનો પ્રયાસ કર્યો ને બિચારી એ કન્યા રક્તસ્ત્ર૨ાવને લીધે મરી ગઈ. થોડી હો હા થઈને અંગ્રેજોએ એજ ઓફ કન્સેન્ટ યાને સહમતીથી સહશયનની ઉમર બાર વર્ષ કરતો કાયદો પસાર કર્યો. લગ્નની ઉંમર તો હજુ ઠરાવેલી પણ નહોતી. યાને બાળ લગ્નો કન્યા રજસ્વલા થાય એ પહેલાં થઈ જાય એ 'પવિત્ર' ગણાતા ! મર્યાદાના નામે કાયમ બાખડતા રહેતા હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા ! લોકમાન્ય તિલકની આગેવાની નીચે વિરોધ થયો. બાળદીક્ષા ને બાળલગ્ન માટે લડવાના મૂડમાં સંસ્કૃતિ ખાતર કહેવાતા મોટા પુરુષો આવી ગયા ! આવી છે આપણી પવિત્રતાને નામે ચાલતી અપવિત્રતા ! ભલું થજો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે ગાંધીજી જેવાઓનું જેમણે વિધવાના જીવનને પુરુષના રિમોટ કંટ્રોલથી નર્ક થતું અટકાવ્યું ! બાકી પોતાના મર્યા પછી પણ પોતાની સ્ત્રી મર્યાદાની રેખામાં કેદ રહે એવી વ્યવસ્થા પુરુષોએ રાખેલી ! 

જે સમયે વસ્ત્રોમાં ઢંકાયેલી સ્ત્રી હતી ને ઇન્ટરનેટ કે એજ્યુકેશન એના માટે હતું નહિ, ત્યારે પણ લગ્નબાહ્ય સંબંધો કે લગ્ન પહેલાના પ્રિ મેરિટલ સેક્સની ઘટનાઓ હતી જ. આપણા પ્રાચીન ગ્રંથોમાં ને પાત્રોમાં છોછ વિનાનું વર્ણન છે એનું. ગાંધર્વ વિવાહ પણ હતા ને આસક્ત થયેલા ઋષિઓ કે ઈશ્વરીય ચારિત્ર્યના શૃંગારરસ એટલે આલેખાતા કે એ કોઈ કુસંસ્કાર કે શરમની વાત નહોતી ગણાતી. લગ્ન  વિનાન નિયોગ જેવી રીતે પેદા થનાર અર્જુન ગીતા સાંભળવાનો અધિકારી ચાર પ્રેમલગ્નો પછી પણ રહ્યો ને યુધિરિ ધર્મરાજ કહેવાયા. પાંચ પતિ યાને પાંચ સંબંધ એકસાથે હોવા છતાં દ્રૌપદીના વસ્ત્રાહરણને કૃષ્ણે માન્યતા ન આપી ને સ્ત્રીની મરજીને આગળ રાખી રુક્મિણીના હરણ અને વરણમાં. 

ભારતમાં રસિકતાનો સ્વીકાર હતો, ધિક્કાર નહિ. સ્ત્રી કે પુરુષ કામાસક્ત થઈને એકમેકને તત્કાલ પ્રપોઝ કરી શકે એવી પ્રાચીન કથાઓથી સંસ્કૃતના ગ્રંથો છલકાય છે. વાલ્મિકી રામાયણ કે શ્રીમદ્ ભાગવત કે મહાભારત કે શિવપુરાણ કે દેવી ભાગવત જેવા ગ્રંથોની એઝ ઇટ ઈઝ કોઈ ઘરના અર્થઘટન ઉમેર્યા વિના કે એક પણ શ્લોક કાપ્યા વિના કથા સાંભળો તો કમસેકમ ભારતની સંસ્કૃતિના નામે બોલ્ડ થતી બ્યૂટીઝ પર કોમેન્ટ કકળાટના એટેક કરતા પહેલા ચિંતન કરવું પડશે ! 

એટલિસ્ટ, વર્જિન યાને કૌમાર્યની વિકટોરિયન યુગની માન્યતામાંથી આપણા જ વારસાના વૈદિક ગ્રંથો ગ્રંથિઓ છોડીને મુક્તિ અપાવી દેશે. સનાતન એવા નામજપ કરનારા વૈદિક સાહિત્ય  સરખું ને પૂરું વાંચતા જ નથી. મુક્તિ ભારત પાસે જેવી ત્યારે હતી, એવી જગત પાસે ન્હોતી. આજના સમયમાં ટેસ્ટ ડ્રાઇવ પહેલા વાહન લેતું નથી કોઈ કે એમેઝોનના પાર્સલમાં રિપ્લેસમેન્ટ ગેરંટી માંગે છે, કાયમ માટે ઘરમાં રહે એવી ખુરશી કે જીન્સ પણ ટ્રાયલ વગર કોઈ લેતુ નથી ને દસ જગ્યાએ પૂછીને જોઈને પછી એક ટીવી કે ફ્રિજ પણ લે છે ત્યારે કેવળ વડીલો કહે ત્યાં કાયમ માટે લગ્ન કરીને ગોઠવાઈ જાય એવું નવી પેઢી ક્યાં સુધી સહન કરશે ? 

આ ઉદાહરણોનો વિરોધ કરવાથી વિચાર કે વાસ્તવ કશું નહિ બદલાય. યૂથને કાયમ વગોવવાને બદલે એને સમજવું પડશે. આપણા જુનવાણી વળગણો છોડવા પડશે. પરાણે ગોઠવેલા એરેન્જ્ડ મેરેજમાં પણ કજોડાં કે મર્ડર થાય એ સત્ય કબૂલવું પડશે. લગ્ન એક કરાર જરૂર છે કમિટમેન્ટનો પણ સાત ભવનો દસ્તાવેજ નથી. એ દરેક વ્યક્તિની અંતિમ મંઝિલ નથી. પ્રેમના અનુભવને પવિત્ર ગણવાનો હોય, એકબીજાને છેતર્યા કે નુકસાન કર્યા વિના મળતા સુખની અનુભૂતિને દિવ્ય ગણવાની હોય. ચરિત્રની  વ્યાખ્યાને સેક્સની બહાર ભ્રષ્ટાચાર કે અનૈતિકતા કે શોષણ કે ખટપટ કે ટાંટિયાખેંચ માટે પણ લાગુ કરવાની હોય ! આવા મોટા પ્રભાવ ધરાવતા મહાનુભવો ભૂતકાળ ભૂપોને ભવિષ્યની ટીકાઓ કરે પછી સંસ્કૃતિના રક્ષણના નામે જંગલી જેવા થઈ ગયેલા સાઇબરઝોમ્બીઓ  રાક્ષસ જેવી ગંદકી મોડર્ન વિમેન માટે ઠાલવે છે એને એપ્રુવલ મળી જાય છે ને રાધિકા યાદવ જેવી દીકરીનું ઓનર કિલિંગ કરતા બાપ હીરો બની જાય છે. 

અભાવને લીધે આવતી સાધુતા આ બધું સમજી નહીં શકે, અને સ્વભાવને લીધે જે સાધુતા આવશે એ જ્જમેન્ટલ નહિ બને. પોતાને બ્રહ્મચર્યની કથિત વ્યાખ્યામાં સંકુચિત થઈને ભ્રમચર્ય પાળવું હોય 

તો લોકશાહી છે. પણ એ નિયમો બીજા સહજ સંસારીઓ પર ઠોકી બેસાડવા એ પણ મર્યાદાનો લોપ છે. યાદ રાખજો, છોડવામાં કોઈ મોટી ધાડ નથી. પણ છોડવાથી રસ છૂટે એવું જરૂરી નથી. સંસાર છોડી દીધા પછી પણ કઈ કન્યા કેવા કપડાં પહેરી નાચે છે કોણ કોની સાથે સુવે છે એમાં રસ લેવો એનથી કોઈ સમાજનું હિત નથી થતું. માત્ર પોતાનો પ્રભાવ વધારી શકાય છે. કુદરતની ઘડેલી બાબતો નકામી નથી. આકર્ષણ કોઈ બાહ્ય આક્રમણ નથી. આંતરિક વૃત્તિ છે. પણ કોઈ મોહિની જોઈને જે આકુળવ્યાકુળ થઈ જાય ને એના ચરિત્રને અપવિત્ર કહેવા લાગે એ તો એવી વાત છે કે ડાયાબિટીસનું અસ્તિત્વ હોવાને લીધે જગતમાં કોઈએ મીઠાઈ બનાવવી જ નહીં ! જરૂર છે સ્ત્રી માટેનો આપણો દકિયાનુસી અભિગમ ફેરવવાની. જે સમાજમાં નર નારીઓ એકમેકના સ્પર્શ, સંબંધ અને શરીર બાબતે સહજ છે, ત્યાં ક્રાઇમ થાય છે પણ સ્ત્રીઓને પોતાની મસ્તીમાં ફરવામાં અસલામતી વર્તાતી નથી. ત્યાં સંસારીઓ પણ સતત કોઈ બિકિની તરફ એટલું ધ્યાન નથી આપતા જેટલું આપણા બંધિયાર સમાજમાં ખોવાતા ત્યાગીઓ મિની સ્કર્ટ કે લો કટ બાબતે ચિંતન કરે છે ! 

ફાસ્ટ ફોરવર્ડ 

किमिह बहुभिऱुक्तैर्युत्किशून्यै : प्रलापेर्दूयमिहपुऱुषाणां सर्वदा सेवनीयम् ।

अभिनवमदलीलालालसं सुन्दरीणां स्तनभरपरिखिन्न यौवनं वा वनं वा ।।

'અહીં યુક્તિ વિનાના અનેક પ્રલાપો કરવાથી શું ? આ લોકમાં પુરુષોને બે જ વસ્તુઓ સેવન કરવા યોગ્ય છે. કાં તો સુંદરીઓનું, નવીન મદભરી લીલાઓથી મલપતું અને સ્તનોના ભારથી ખિન્ન થયેલું યૌવન અથવા તો વન.' 

(ભર્તૃહરિ, શૃંગારશતક)

Tags :