Get The App

વન ચાઈલ્ડનો ટ્રેન્ડ દુનિયામાં એકલતા લાવશે!

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
વન ચાઈલ્ડનો ટ્રેન્ડ દુનિયામાં એકલતા લાવશે! 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- રક્ષાબંધન હજુ ગઈકાલે જ ઉજવાઈ, ત્યારે સિબ્લિંગ અંગે બદલાયેલો ગ્લોબલ ટ્રેન્ડ જાણવા જેવો છે. જગતના ૨૦ ટકા કપલ્સ બીજું બાળક ઈચ્છતા નથી. મોટું સામાજિક પરિવર્તન આવી રહ્યું છે...

જ માનો કેટલો ઝડપથી બદલાય છે? ૧૯૭૦ના દશકામાં દુનિયાને સમજાયું કે વસતિ વિસ્ફોટ થયો છે ને તેના કારણે ગરીબી-બેરોજગારી-મોંઘવારી-ભૂખમરો હાહાકાર મચાવશે. આ સમજણ સાથે જગતમાં ફેમિલી પ્લાનિંગમાં માત્ર બે બાળકો જ હોય એવી પૉલિસી અમલી બની. ચીન અને ભારતમાં વસતિનો શબ્દશ: વિસ્ફોટ થયો હતો. ચીને બે બાળકોની પૉલિસી આક્રમકતાથી લાગુ પાડી. એ જમાનામાં જે દંપતીને બેથી બાળકો હોય તેમને ચીનની સરકાર દંડ ફટકારતી હતી. પેરેન્ટ્સ માટે નોકરીની તકો ઘટી જતી હતી.

ભારતમાં પણ 'અમે બે અમારા બે' - જેવા સૂત્રોથી કેમ્પેઈન શરૂ થયું. ઘણાં રાજ્યોમાં બે બાળકોની પૉલિસી લાગુ છે. ત્રણ બાળકો હોય એ વ્યક્તિ અમુક ચૂંટણીઓ લડી ન શકે એવી પણ પૉલિસી છે. સરકારી કર્મચારીઓમાં પણ એ પદ્ધતિ ખરી. બેથી વધુ બાળકો હોય તો એનો ખર્ચ સરકાર ઉઠાવે નહીં એવો વણલખ્યો નિયમ ઘણાં રાજ્યોમાં હોવાથી ઉચ્ચ અધિકારીઓમાં પણ બે બાળકોની પૉલિસી અમલી છે. વસતિને કાબૂમાં લાવવા માટે ભારતમાં કેટલાય વર્ષો સુધી ફેમિલી પ્લાનિંગમાં બે બાળકો માટેની ભલામણ થતી રહી.

એશિયા-આફ્રિકામાં વસતિ વિસ્ફોટની સમસ્યા વધુ હતી એટલે આ દેશોમાં જ વસતિ નિયંત્રણના પ્રયાસો વધુ જોવા મળતા હતા, છતાં યુરોપના અમુક દેશોમાં બેથી વધુ બાળકો ધરાવતા પેરેન્ટ્સને અમુક લાભ ન આપવાના નિયમો હતા. બ્રિટનમાં બેરોજગાર પેરેન્ટ્સ માટે વર્ષો સુધી બે જ બાળકોની પૉલિસી હતી. વસતિ વધારોને ટ્રેન્ડ જે ઝડપે વધતો હતો એ જોઈને ૧૯૭૦થી ૨૦૧૦ સુધીના ૪૦ વર્ષમાં 'વસતિ વિસ્ફોટ' સામે આક્રમક કેમ્પેઈનિંગ થતું હતું.

પરંતુ ટ્વિસ્ટ એ પછી આવ્યો. અચાનક ગ્લોબલી તદ્ન જુદો ટ્રેન્ડ જોવા મળ્યો. જાપાનમાં વૃદ્ધ વસતિનું ઉદાહરણ જોઈને દુનિયાને સમજાયું કે ભવિષ્યમાં સંતુલન જાળવવા માટે જન્મદરમાં પણ અત્યારથી સંતુલન રાખવું પડશે, પરંતુ ત્યાં સુધીમાં ઘણાં દેશોમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું.

***

વિકસિત દેશોમાં ૧૯૭૦ના દશકા પછી કોઈ જ સત્તાવાર પૉલિસી વગર અર્બન કપલ્સમાં બે સંતાનોની પૉલિસી અમલી બની ચૂકી હતી. ૧૯૯૦-૨૦૦૦ના દશકાઓ સુધીમાં સોશિયલ સ્ટ્રક્ચર ઝડપભેર બદલાયું. કરિઅર સેન્ટ્રિક અપ્રોચ, બાળકો મોટાં કરવાના પડકારો, એક જ બાળકના ભવિષ્ય પર વધુ ફોક્સ, મેરિટલ સેપ્રેશન જેવા કારણોથી અર્બન વસતિમાં સિંગલ ચાઈલ્ડનો ટ્રેન્ડ વધ્યો હતો. મધ્યમ કે ઓછી આવક ધરાવતા દેશોમાં મોંઘવારી, બેરોજગારી જેવા ફેક્ટર્સના કારણે વધુ સંતાનોને બદલે એક જ સંતાન હોય એ સ્થિતિ પરિવારે સ્વીકારવા માંડી.

ને ૧૯૯૦ પછી ગ્લોબલી 'હમ દો હમારા એક' - એવો સિંગલ ચાઈલ્ડનો અવળો ટ્રેન્ડ વિકસી ગયો. વસતિ નિયંત્રણની પૉલિસી અમલી ન હોવા છતાં કેટલાય દેશોના શહેરોમાં રહેતા દંપતીએ એક બાળકથી સંતોષ માનવાનું શરૂ કર્યું અને તેના પરિણામે કરોડો લોકો સિંગલ ચાઈલ્ડ છે. યુરોપની વસતિ ૭૫ કરોડ છે. દુનિયાની કુલ વસતિના નવ ટકા લોકો યુરોપમાં રહે છે. યુરોપના ૪૯ ટકા કપલ્સને એક જ સંતાન છે. પોર્ટુગલ, જર્મની, બ્રિટન જેવા દેશોમાં સતત આ ટ્રેન્ડ વધતો જાય છે. જર્મનીમાં જે પેરેન્ટ્સની વય ૪૦થી નીચે છે એવા ૨૨ ટકાને એક જ સંતાન છે. બ્રિટનમાં ૩૭ લાખ પરિવારો એવા છે જેમને સંતાનમાં એક જ બાળક છે. એમાંથી ૧૯ લાખ પેરેન્ટ્સની ઉંમર ૩૮-૪૦ વર્ષથી ઓછી છે.

અમેરિકામાં ૧૮ ટકા મહિલાઓ એક જ સંતાન ધરાવે છે. એનો અર્થ એ કે અમેરિકાની ૩૪ કરોડની વસતિમાંથી સાત કરોડ મહિલાઓ એક બાળકની મમ્મી છે. ચીન કે જે વસતિ વધારા માટે કુખ્યાત હતું ત્યાં આજે ૧૫ કરોડ દંપતી એક સંતાન સાથે ખુશ છે. એમાંથી વળી ૧૦ કરોડ તો બીજા બાળક માટે ફિટ છે એટલે સરકાર તેમને પ્રોત્સાહન આપે છે છતાં એમને બીજું બાળક જોઈતું નથી.

વેલ, તો અહીં સવાલ એ થાય કે ભારતમાં શું સ્થિતિ હશે? 

જવાબ છે : ભારતના કપલ્સ દુનિયાના સિંગલ ચાઈલ્ડ ટ્રેન્ડ સાથે કદમ મિલાવી રહ્યા છે.

અર્બન વિસ્તારમાં, ઉચ્ચ અભ્યાસ કરીને સેટલ થયેલા કરોડો કપલ્સને બીજું બાળક જોઈતું નથી. ભારતની કુલ વસતિના ૧૮-૧૯ ટકા એટલે અંદાજે ૧૮થી ૨૦ કરોડ કપલ્સને સંતાનમાં એક જ બાળક છે. તેમને એક જ સંતાનની કારકિર્દી પર ધ્યાન આપવું છે. સેકન્ડ ચાઈલ્ડનું કોઈ જ પ્લાનિંગ નથી.

સિંગલ ચાઈલ્ડના આ ટ્રેન્ડથી સોશિયલ નોર્મ્સ ઝડપભેર ચેન્જ થઈ રહ્યાં છે. એક સમય હતો જ્યારે ભારત જેવા દેશમાં દીકરાના જન્મની ઘેલછા હતી અને એ પાછળ આઠ-દસ દીકરીનો જન્મ થતો હતો. એમાં એટલું પોઝિટિવ પરિવર્તન આવ્યું છે ખરું કે નવા જમાનામાં, ભણેલા-ગણેલા પેરેન્ટ્સ દીકરા-દીકરીના તફાવતમાં પડયા વગર એક સંતાન કે વધીને બે સંતાનથી ખુશ છે.

પરંતુ આ ટ્રેન્ડથી જે પરિવર્તન આવી રહ્યું છે એ સામાજિક, ધાર્મિક કે રાજકીય નથી - ભાવનાત્મક છે.

***

આપણે ત્યાં વસતિ વધારવાના મુદ્દે કટ્ટર ધાર્મિક નેતાઓ આડેધડ નિવેદનો આપતા હોય છે. એ બાબતે રાજકારણ ખાસ્સું ગરમ રહે છે. અંડર કરન્ટ તો ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ વસતિના તફાવતની ચર્ચા થતી રહે છે અને તેની સામે ધાર્મિક રીતે સંતાનો પેદા કરવાના આહ્વવાનો આપનારા પણ વધ્યા છે. એ બેસલેસ મુદ્દાને બાદ કરીએ તો સિંગલ ચાઈલ્ડના ગ્લોબલ ટ્રેન્ડથી દુનિયામાં મોટું અને ભયાનક પરિવર્તન એ આવશે કે સિંગલ ચાઈલ્ડ સામે એકલતાની મહામારીનો પડકાર સર્જાશે.

એકથી વધુ સંશોધનો એ તરફ ઈશારો કરે છે કે એક ભાઈ-બહેન હોય એની સરખામણીએ એકેય ભાઈ-બહેન ન હોય એ વ્યક્તિ વધુ ખાલીપો અનુભવે છે. ભલે દરરોજ મળવાનું કે વાત કરવાનું ન થતું હોય, પરંતુ પેરેન્ટ્સનું કોમન ફેક્ટર તેમને હંમેશા માટે જોડી રાખે છે. ભાઈ-બહેન એકબીજાને વધુ સારી રીતે ઓળખે છે. ફ્રાન્સની પબ્લિક રીસર્ચ સોરબોન યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે ૧૭૮ સિબ્લિંગ્સને તેમની ફેવરિટ ડિશ, ફેવરિટ ફિલ્મ, પુસ્તક, એક્ટર જેવા કોમન સવાલો પૂછાયા હતા. એમાં વળી એ ૧૭૮ના બહુ જ નજીક ગણાતા હોય એવા એક એક સ્કૂલ-કોલેજ ફ્રેન્ડને પણ જોડવામાં આવ્યા હતા. ભાઈ-બહેનોની ૮૯ જોડીઓને એકબીજાની ફેવરિટ બાબતો વિશે પૂછવામાં આવ્યું હતું. એ જ સવાલો તેના ૧૭૮ ક્લોઝ ફ્રેન્ડ્સને પણ પૂછાયા હતા. સંશોધકોના આશ્વર્ય વચ્ચે દોસ્તોની સામે સિબ્લિંગ્સના જવાબો ભારે પડયા હતા. ૮૯ જોડીમાંથી ૬૭ જોડીએ સરેરાશ સાતથી નવ સાચા જવાબો આપીને મેદાન માર્યું!

જોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનનું તારણ હતું : સિબ્લિંગ્સ હોય એના આંતરિક વ્યક્તિત્વનો વિકાસ ઝડપી થાય છે. સ્ટડી સિવાયના ક્ષેત્રોમાં પણ તે વિકસે છે. જેમ કે રમત-ગમત, ક્રિએટિવ એક્ટિવિટી વગેરેમાં સિબ્લિંગ્સના સહિયારા પ્રયાસો થતાં હોવાથી તેનામાં નવી ક્ષમતાઓને ધાર મળે છે.

વેલ, આ બધા રિસર્ચ અને ફેક્ટ્સ વચ્ચે એ વાસ્તવિકતા તો ખરી જ કે સિંગલ ચાઈલ્ડનો ટ્રેન્ડ હજુય વધતો જવાનો છે. દુનિયાના ૨૦ ટકા દંપતી એક જ સંતાન ધરાવે છે અને ૨૦૩૨ સુધીમાં આ ટ્રેન્ડ વધીને ૨૯ ટકા થઈ જશે. 

દુનિયામાં અત્યારે 100 કરોડ બાળકો સિંગલ ચાઈલ્ડ

અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટના અહેવાલનું માનીએ તો દુનિયામાં આજની તારીખે ૧૮૦ કરોડ લોકો સિંગલ ચાઈલ્ડ છે. તેમને એકેય સગાં ભાઈ કે બહેન નથી. ભાઈ-બહેન ન ધરાવતા બાળકો અત્યારે દુનિયામાં ૧૦૦ કરોડથી વધુ છે. આ ૧૦૦ કરોડ બાળકોની વય ૦થી ૧૫ વર્ષ છે. ૮૦ કરોડ સિંગલ ચાઈલ્ડની વય ૧૫ વર્ષ કે એથી વધુ છે. યાદ રહે! આ સરકારી આંકડાં નથી. બધા દેશોમાં નિયમિત વસતિ ગણતરી થાય છે, પરંતુ એનું ફોર્મેટ જુદું જુદું હોય છે. અમુક દેશોમાં ઘરમાં સગાં કેટલા ભાઈ-બહેન છે એની માહિતી મેળવવામાં આવતી નથી. ધારો કે બધા દેશોની સરકારો પોતાની વસતિનું એનાલિસિસ કરીને આંકડાં જાહેર કરે તો ભાઈ-બહેન ન હોય એવા લોકોની સંખ્યા ૧૮૦ કરોડથી વધુ હોય એવી શક્યતા નકારી શકાય નહીં. માની લઈએ કે ૧૫૦ કરોડ બાળકો સિંગલ ચાઈલ્ડ છે તો ભવિષ્યમાં એમની એકલતાની કલ્પના જ કરવી રહી!

55 દેશોમાં જન્મદર વધારવાના પ્રયાસો પુરજોશમાં

૨૦૦ દેશોમાંથી ૫૫ દેશોને એ સમજાઈ ગયું છે કે જન્મદર તીવ્ર ગતિએ ડાઉન થઈ રહ્યો છે ને ભવિષ્યમાં વસતિ એકદમ ઘટી જશે. જન્મદર વધારવા માટે એ દેશોએ વિવિધ તરકીબો અજમાવવાનું શરૂ કર્યું છે. રશિયાએ કપલ્સને બાળકના જન્મ પછી મોટું વળતર આપવાની જાહેરાત કરી છે. એમાંય ૨૫ વર્ષથી નીચેની યુવતી જો બાળક માટે તૈયાર થાય તો રશિયન સરકાર તેનો બધો જ ખર્ચ ઉઠાવી લેશે. તુર્કીએ ત્રણ બાળકો માટે કેમ્પેઈન શરૂ કરી દીધું છે. આવા ૫૫ દેશોમાં જન્મદર ઘટયો હોવાથી કેમ્પેઈન ચાલે છે. દક્ષિણ કોરિયાએ ઓફિસમાં લાઈટ સાંજે બંધ કરવાની પૉલિસી અમલી બનાવી છે, જેથી લોકો સમયસર ઘરે પહોંચે અને ફેમિલી પ્લાનિંગ માટે સમય ફાળવે! ચીન સહિત ૨૦ દેશો એવા છે જે સંતુલન જાળવી રાખવા માટે જન્મદર વધારવાના પ્રયાસો કરે છે. બે દશકામાં જ જન્મદર બાબતે દુનિયાનો વિચાર બદલાઈ ગયો છે.

Tags :