Get The App

એક રહસ્યમય સરોવર! .

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
એક રહસ્યમય સરોવર!                              . 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- જગતમાં અનેક જગ્યાએ અત્યંત સૂક્ષ્મ બ્લેકહોલ્સ પણ ઉત્પન્ન થાય છે અને તે ગમે ત્યાં ભટકતાં હોય છે અને તેની સામે જે આવે તેને પોતાનામાં ગરકાવ કરી દેતા હોય છે

દુ નિયામાં અનેકવાર રહસ્યમય ઘટનાઓ બને છે. તે ઘટના કેવી રીતે બની તે સામાન્ય સમજની બહાર હોય છે. અમુક સ્થળો પર એવી ઘટના ખાસ બનતી હોય છે એટલે તે સ્થળ પર તેવા પ્રકારની ઘટના કેમ બને છે તેનું બેવડું વિસ્મય ઉદ્ભવે છે. તાઈ ભાષામાં નૌંગ યાંગ નામથી ઓળખાતું મ્યાંમારમાં આવેલું એક સરોવર છે જે 'એ લેક ઑફ નો રિટર્ન (A Lake of No Return) પણ કહેવાય છે. ભારત મ્યાંમાર સીમા પર પંગસૌ (પસૌંગ) ગામની દક્ષિણમાં પંગસૌ દર્રેના ક્ષેત્રમાં છે. તે લેડો રોડ જેને પહેલાં સ્ટિલવેલ રોડ કહેવાતો હતો એની દક્ષિણ-પશ્ચિમમાં ૨.૫ કિલોમીટર આવેલું છે. આ ક્ષેત્ર તાંગસા સમુદાયનું ઘર છે. ભારત અને મ્યાંમાર વચ્ચેના સંબંધોમાં સુધારો થયા બાદ આ સરોવર મ્યાંમારની સીમા સાથે સંલગ્ન ભારતના ચાંગલાંગ જિલ્લામાં જાણીતું સ્થળ બની રહ્યું છે.'

ભારતના અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાની વેબસાઇટ પર એના આવા આ નામનો ઉલ્લેખ છે અને અનેક પુસ્તકોમાં એને 'એ લેક ઑફ નો રિટર્ન' કેમ કહેવાય છે તેની રહસ્યમય ઘટનાઓનું વિવરણ પણ છે. બ્રેન્ડન આઈ.કોર્નરના ૨૦૦૮ના પુસ્તક 'નાઉ ધ હેલ વિલ સ્ટાર્ટ : વન સોલ્જર'સ ફ્લાઇટ ફ્રોમ ધ ગ્રેટેસ્ટ મેનહન્ટ ઑફ વર્લ્ડ વોર'માં હરમન પેરીના જીવન વિશે જે લેડો રોડ પર કામ કરનારા એક અમેરિકન સૈનિક હતા, તેમણે જંગલમાં ભાગી જઈને નાગા જનજાતિની છોકરી સાથે લગ્ન કરી લીધા એ બધી વિગતો આપેલી છે. એમાં આ સરોવરની રહસ્યમય બાબતો રજૂ કરાઈ છે. ત્યાંના લોકો એને આ નામથી એટલે ઓળખે છે કેમ કે તેમાં કે તેની આસપાસ જનારા અનેક લોકો સદાને માટે ગુમ થઇ ગયા છે. ત્યાં જનારા સેંકડો લોકો કદી પાછા ફર્યા નહીં અને દુનિયામાંથી ક્યાંય મળ્યા નહીં એટલે એને 'લેક ઑફ નો રિટર્ન કહેવાય છે. આ કારણથી ઘણા એને' ભારતનો બર્મ્યૂડા ટ્રાયન્ગલ' કહે છે.

આ સરોવર અને તેની આસપાસની જગ્યા ભેદી અને વિચિત્ર છે એવું માનવામાં આવતું હતું. પૂર્વે એની નજીક તો કોઈ વસ્તી હતી જ નહીં, ત્યાંથી દૂર જે ગામ હતા ત્યાંના લોકોય આ સ્થાન અંગે ખોફ અનુભવતા. રાતના સમયે એ ગામવાસીઓને એ વેરાન પ્રદેશમાંથી વિચિત્ર અવાજો સંભળાતા કોઈ વાર માણસોના રડવાના અવાજ તો કોઈવાર યુદ્ધ વખતના સૈનિકોના અને એમના શસ્ત્રોના અવાજ સંભળાતા.

એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે અહીં વિચિત્ર ઘટના બની હતી. અંગ્રેજો અને જાપાનીઓના યુદ્ધ સમયે જાપાનીઓ આખા આસામ પર કબજો મેળવી લેવા માંગતા હતા પણ એમના આ વ્યૂહને નિષ્ફળ બનાવી દેવા અંગ્રેજોએ સૈનિકોની અનેક ટુકડીઓ, તોપ અને બખ્તરબંધ ગાડીઓ એ રસ્તા પરથી બર્મા તરફ મોકલી હતી પરંતુ જ્યારે તે કાફલો નૌંગ યાંગ (નાવાંગ યાંગ) સરોવરની પાસે પહોંચ્યો તે સાથે એકાએક, અચાનક ગાયબ થઇ ગયો. સૈનિકોની ટુકડીઓ, ટેન્કો, બખ્તર બંધ ગાડીઓ એમાનું કંઇ જ ક્યારેય મળ્યું નથી. એ પછી એ સિલસિલો ચાલુ રહ્યો. જાપાનીઓ  તરફથી જે લશ્કરી ફોજો આસામ પર કબ્જો મેળવવા ત્યાંથી મોકલવામાં આવી તે પણ નૌંગ યાંગ સરોવર પાસે પહોંચી ત્યારે તે પણ અંગ્રેજોના લાવ-લશ્કરની જેમ આંખનો પલકારો વાગે એટલા સમયમાં ગાયબ થઇ ગઈ ! અંગ્રેજોએ અને જાપાનીઓએ પોતાના લશ્કર અને એમનાં સાધન-સરંજામ વિશે તપાસ કરાવી પણ એમને એમાંની એક વ્યક્તિ કે વસ્તુ મળી આવી નહીં. એટલું જ નહીં એમને શોધવા ગયેલા પણ ખોવાઇ ગયા. સરોવરને નામ અપાયું છે તે પ્રમાણે તે તેમના માટે 'લેક ઑફ નો રિટર્ન' બની ગયું ! બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન વિમાનના પાયલોટોએ આ જગ્યા પાસે સમતલ જમીન છે એમ સમજીને ઇમરજન્સી ઉતરાણ કરાવ્યુ હતું પણ તે વિમાન પાયલોટો સાથે રહસ્યમય રીતે ગુમ થઇ ગયું હતુ. સ્થાનિક લોકો કહે છે કે એ સરોવર પરથી ઊડનાર પંખીઓ પણ એકાએક ગુમ થઇ જાય છે.

લેક ઑફ નો રિટર્ન અંગે ત્યાંના સ્થાનિકોમાં એક લોકવાર્તા પણ કહેવાતી હોય છે. તે જણાવે છે કે અનેક વર્ષો પહેલાં ગામની એક વ્યક્તિએ મોટી માછલી પકડી હતી અને મિજબાની કરી તેમાં બધાને તે ખવડાવી હતી જો કે એ ગામના એક દાદી અને તેની પૌત્રીને નિમંત્રણ આપ્યું નહોતું. તે સરોવરના રખેવાળે તે દાદી અને તેની પૌત્રીને એ ગામ છોડીને ત્યાંથી દૂર જતા રહેવાનું કહ્યું હતું. તેમની અનિચ્છાએ પણ તેમને તે જ દિવસે ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેના બીજા જ દિવસે તે આખું ગામ સરોવરમાં ગુમ થઇ ગયું હતું. ત્યાંના સ્થાનિક લોકો માને છે કે તે સરોવરમાં ખરાબ પ્રેતાત્માઓ કે આસુરી શક્તિો નિવાસ કરે છે જે લોકોને તેમના તરફ આકર્ષી ત્યાંથી પાછા જવા દેતી નથી.

બ્રિટિશ બાયોલોજિસ્ટ અને લેખક ઇવાન ટી. સેન્ડસરસન (Ivan T. Sanderson) એમના ઇન્વિઝિબલ રેસિડેન્ટસ (Invisible Residents) નામના પુસ્તકમાં કહે છે કે પૃથ્વી પર કેટલાક શૈતાનની સ્મશાન ભૂમિ (Vile Vortices) જેવા સ્થળો આવેલા છે જ્યાંથી લોકો અને વસ્તુઓ રહસ્યમય રીતે અચાનક ગુમ થઇ જાય છે.  બીજા વિશ્વયુદ્ધના આરંભ કાળે ચીનના દક્ષિણ તરફના નાનકિંગ પ્રદેશમાં એક ઘટના બની હતી તેમાં પણ આવું જ બન્યું હતું. ૧૯૩૯ની ૧૦ ડિસેમ્બરના રોજ સાંજના સમયે ૩૦૦૦ જેટલા સૈનિકો એમની છાવણીઓમાં પોતાનું કામ કરી રહ્યા હતા ત્યાં એકાએક તે બધાં જ એક સામટા ગુમ થઇ ગયા હતા. હિસ્ટ્રી ઑફ વન્ડરફુલ ઇવેન્ટસ નામના પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે અઢારમી સદીમાં જ્યારે સ્પેન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે કમાન્ડર બી જોન બોબના નેતૃત્વ હેઠળની ૫૦૦૦ સૈનિકોમાંની ત્રણ ટુકડીઓમાંની ૧૫૦૦ સૈનિકોની એક ટુકડી માર્ચ કરતાં કરતાં અચાનક અદ્રશ્ય થઇ ગઇ હતી. આસપાસના તમામ સ્થળોએ સઘન તપાસ કરવા છતાં તેમાંનો એક પણ સૈનિકની ભાળ મળી નહોતી.

બ્રિટિશ ખગોળવિજ્ઞાની સ્ટિફન હોકિંગ કહે છે કે જગતમાં અનેક જગ્યાએ અત્યંત સૂક્ષ્મ બ્લેકહોલ્સ (Mini Blackholes) પણ ઉત્પન્ન થાય છે અને તે ગમે ત્યાં ભટકતાં હોય છે અને તેની સામે જે આવે તેને પોતાનામાં ગરકાવ કરી દેતા હોય છે. જેક સરફાત્તી અને જ્હોન વ્હીલર નામના ક્વૉન્ટસ ભૌતિક વિજ્ઞાનીઓ દર્શાવે છે કે ક્વૉન્ટમ ફોમ  (Quantum Foam) માં આવેલા મીની બ્લેકહોલ્સ 'ટેન રેઇઝડ ટુ થર્ટી થ્રી' સે.મી. વ્યાસ અને ટેન રેઇઝડ ટુ ફાઈવ દ્રવ્યરાશિ (mass) ધરાવતા હોય છે. લેક ઑફ નો રિર્ટન પાસે આવા જ મીની બ્લેક હોલ્સ ભટકતા હશે એવું બની શકે.

Tags :