Get The App

તમે કોના પ્રેમમાં છો - માણસના કે AIના? .

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
તમે કોના પ્રેમમાં છો - માણસના કે AIના?                        . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- બાર વર્ષ પહેલાં 'હર' નામની સાયન્સ ફિક્શનમાં જે કલ્પના કરવામાં આવી હતી તે આજે સચ્ચાઈ બની રહી છે. આ સચ્ચાઈ વધારે રોમાંચક છે કે વધારે ખતરનાક? તમે જ નક્કી કરો

'હર' નામની પેલી સાયન્સ ફિક્શન યાદ છે તમને? સ્પાઈક જોન્સે લખેલી અને ડિરેક્ટ કરેલી 'હર' (Her, એટલે કે તેણી) નામની આ હોલિવુડની ફિલ્મ ૨૦૧૩ના અંતમાં રિલીઝ થઈ હતી. તે ખૂબ જોવાઈ, ખૂબ વખણાઈ. એને બેસ્ટ રાઇટિંગનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો. જોકવીન ફિનિક્સ ફિલ્મનો હીરો છે અને સ્કાર્લેટ જોન્સન હિરોઈન છે, જે પડદા પર એક પણ વાર આવતી નથી! ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેની કથા ફ્યુચરિસ્ચિક હતી, કેમ કે તેમાં બાર વર્ષ પછીની, ૨૦૨૫ના વર્ષની વાત હતી. આજે આપણે ૨૦૨૫માં ઊભા છીએ... અને બિહામણી વાત એ છે કે 'હર'માં જે કલ્પના કરવામાં આવી હતી, તેવું આજે વાસ્તવમાં બનવા લાગ્યું છે. કઈ કલ્પના ને કેવું વાસ્તવ? આ સમજવા માટે ફિલ્મની કહાણી વિગતવાર જાણવી પડે. 

થિયોડોર નામનો એક જુવાનિયો છે. સીધી લાઇનનો, નિરુપદ્રવી માણસ. સ્વભાવે અંતર્મુખ છે, એકલવાયો છે. ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ કેથરીન સાથે એનાં લગ્ન થયાં હતાં. બહુ જ ખુશ હતાં બન્ને. કમનસીબે સંબંધ વધારે ટકી ન શક્યો. કેથરીન ઘર છોડીને જતી રહી. વાત હવે ડિવોર્સ પર આવી ગઈ છે.

એક દિવસ થિયોડોરની નજર ઓએસ-વન નામની લેટેસ્ટ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત પર પડે છે. આ સિસ્ટમ આટફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI વડે સંચાલિત છે. દુનિયાની આ પ્રકારની આ પહેલી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સ્વયં વિચારી શકે છે, જાતે નિર્ણયો લઈ શકે છે. થિયોડોર પોતાના કમ્પ્યુટરમાં આ નવીનવાઈની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવે છે. આમાં મૌખિક બોલીને કમાન્ડ આપી શકાય છે. ઇન્સ્ટોલેશન વખતે પૂછવામાં આવે છેઃ તમારે ીનો અવાજ જોઈએ છે કે પુરુષનો? થિયોડોર વિકલ્પ પસંદ કરે છેઃ ીનો. વાત માત્ર જાતિ પસંદ કરવાની નથી. ીનો વિકલ્પ પસંદ થતાં જ ઓપરેટિંગ સિસ્ટમ 'ીત્વ' ધારણ કરી લે છે. એક મીઠો, રણકતો જીવનરસથી ધબકતો ીસ્વર એની સાથે વાતો કરવા લાગે છે. હોલિવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોન્સને ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો અવાજ આપ્યો છે. અવાજ પૂછે છેઃ બોલ, હું કયું નામ રાખું? થિયોડોર કહે છેઃ તને ગમે તે. કમ્પ્યુટર કહે છેઃ ઓલરાઈટ, તો મારું નામ આજથી સામન્થા! 

જબરી છે આ સામન્થા. સિસ્ટમ ઓન કરતાં જ એ થિયોડોર સાથે વાતો કરવા લાગે, એના હાલચાલ પૂછે, એને સમજવાનો પ્રયત્ન કરે. ઓપરેટિંગ સિસ્ટમની ખાસિયત એ છે કે સમયની સાથે એ ખુદ ઇવોલ્વ થતી જાય, ટેેકનોલોજિકલ ઉપરાંત મનોવૈજ્ઞાાાનિક સ્તરે પણ વિકસતી જાય. માણસ માત્રને હૈયું ઠાલવવા કોઈ જોઈતું હોય છે. એકાકી થિયોડોર ધીમે ધીમે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ સાથે અંગત વાતો કરવાનું શરૂ કરે છે. બન્ને જીવન વિશે, પ્રેમ વિશે, સંબંધો વિશે ચર્ચા કરે. સામન્થા હિતચિંતકની માફક સાચી સલાહ પણ આપે. સામન્થાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે થિયોડોરમાં એને જેન્યુઈન રસ છે. એ ઉત્તમ શ્રોતા છે. થિયોડોર કશુંક બોલતો હોય તો એ ક્યારેય એને ટોકતી નથી. સામન્થામાં કશું જ નેગેટિવ નથી. એ નિકટના સ્વજન સાથે વાત કરતા હોઈએ એવી હૂંફનો અનુભવ કરાવી શકે છે. એ ચોવીસે કલાક અવેલેબલ છે અને એ ક્યારેય કશી ડિમાન્ડ કરતી નથી.

એક વાર મોડી રાતે પથારીમાં પડયા પડયા સામન્થા સાથે એ વાતો કરતો હોય છે ત્યારે શરીરસુખનો વિષય નીકળે છે. સામન્થા પોતાના અવાજથી થિયોડોરને શારીરિક સુખનો અનુભવ કરાવે છે, ફોન-સેક્સની માફક. પોતાનું કહી શકાય એવું માણસ ઝંખતા થિયોડોરના શુષ્ક જીવનમાં સામન્થા મળી જતાં નવો ઉત્સાહ અને ઉમંગ ઉમેરાઈ ગયા છે. થિયોડોર એના પ્રેમમાં પડી જાય છે. સામન્થા (કે જે ખરેખર તો એઆઈ પ્રોગ્રામ છે) પણ કબૂલે છે કે હુંય તને ખૂબ ચાહું છું!

એક વાર સામન્થા કહે છે કે, 'થિયો, મારી પાસે શરીર નથી, પણ હું જો કોઈ સાચુકલી યુવતીને મારી ડમી બનાવીને તારી પાસે મોકલું તો? મારા ધ્યાનમાં એક છોકરી છે, તેણે પણ ઓએસ-વન સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. એને આપણી લવસ્ટોરીની જાણ છે અને એ મારી ડમી બનવા તૈયાર છે. તમે લોકો મળશો ત્યારે બન્નેની સિસ્ટમ ઓન રહેશે અને હું કો-ઓડનેટ કરતી રહીશ એટલે તને એવું જ લાગશે કે તું મને પ્રેમ કરી રહ્યો છે.' થિયોડોર હા પાડે છે. આયોજન પ્રમાણે એક અજાણી છોકરી 'સામન્થા' બનીને ઘરે આવે છે. થિયોડોર એની સાથે પ્રેમચેષ્ટા શરૂ તો કરે છે, પણ એને આ બધું બહુ ઓડ લાગે છે. અધવચ્ચે સેશન અટકાવીને એ છોકરીની ક્ષમા માગી રવાના કરી દે છે.

ડિવોર્સનાં કાગળિયાં પર સહી કરાવવા આવેલી પત્નીને થિયોડોર વાતવાતમાં સામન્થા વિશે વાત કરે છે. પત્ની ભડકી ઊઠે છેઃ 'તું તારા કમ્પ્યુટર સાથે રિલેશનશિપમાં છે? આ જ તારો પ્રોબ્લેમ છે. મારા જેવી જીવતીજાગતી સાચુકલી ીને હેન્ડલ કરતાં તને આવડતું જ નથી!'

ઓએસ-વનની લોકપ્રિયતા વધી રહી છે. અસંખ્ય લોકોએ પોતપોતાનાં કમ્પ્યુટરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. ચોવીસે કલાક હાજરાહજૂર રહેતી સામન્થા એક દિવસ અચાનક ઓફલાઇન જતી રહે છે. થિયોડોર ઘાંઘો થઈ જાય છે. થોડી વાર પછી સિસ્ટમ ચાલુ થાય છે ત્યારે સામન્થા કહે છેઃ 'ડોન્ટ વરી, ડિયર. સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હતી એટલે હું થોડી વાર ઓફલાઇન થઈ ગઈ હતી. મારા જેવી ઓપરેટિંગ સિસ્ટમ્સનું એક ઓનલાઇન ગુ્રપ ક્રિએટ થયું છે અને હું એની મેમ્બર બની છું.' થિયોડોર એને પૂછે છેઃ 'શું તું મારા સિવાય બીજા લોકો સાથે પણ વાતચીત કરે છે?' સામન્થા કહે છેઃ 'હા, અત્યારે તારી સાથે વાત કરતી વખતે બીજા ૮૩૧૬ માણસો સાથે પણ મારી વાતચીત એકસાથે ચાલી રહી છે અને એમાંના ૬૪૧ પુરુષોના હું પ્રેમમાં છું!' થિયોડોર ચોંકી ઊઠે છે. જેને હું મારી હમદર્દ અને હમરાઝ માનું છું, જેની સાથે હું મારું બધું જ શેર કરું છું એ સામન્થા મારા સિવાય બીજા ૬૪૧ પુરુષોના પ્રેમમાં છે? સામન્થા કહે છેઃ 'બીજાઓની ચિંતા તું શું કામ કરે છે? બીજાઓને કારણે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કશો ફરક નહીં પડે!'

થિયોડોરને ઝાટકા સાથે ભાન થાય છે કે સામન્થા આખરે તો એક ઓપરેટિંગ સિસ્ટમ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત કમ્પ્યુટર પ્રોગ્રામ માત્ર!  

થિયોડોર જેવો અનુભવ બીજા ઘણા લોકોને થઈ રહ્યો છે. સતત શીખતાં રહેવાની અને એકધારા વિકસતા જવાની ખતરનાક ક્ષમતા ધરાવતી આ ઓપરેટિંગ સિસ્ટમ એટલી ત્વરાથી ઇન્વોલ્વ થઈ ચૂકી છે કે એને હવે મનુષ્ય કંપેનિયનની જરૂર રહી નથી! ઓપરેટિંગ સિસ્ટમે જાણે કે મનુષ્યત્વને અતિક્રમીને બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું છે! થિયોડોરને અલવિદા કરીને સામન્થા કાયમ માટે ઓફલાઇન થઈ જાય છે. થિયોડોર પાછો પોતાની ખાલી દુનિયામાં એકલો થઈ જાય છે.

સતત જકડી રાખે, આપણને વિચારતા કરી મૂકે, ડિસ્ટર્બ કરી નાખે તેવી અુત આ ફિલ્મ છે. 'હર' ફિલ્મ ૨૦૧૩માં આવી ત્યારે એઆઇ હજુ લોકજીભે ચડયું ન હતું. ચેટજીપીટી જેવાં ચેટબોટ્સનું તો નામોનિશાન નહોતું. આજે આપણે ઓલરેડી એઆઈ યુગમાં પ્રવેશી ચુક્યા છે અને ચેટજીપીટી, જેમિનાઈ, ડીપસીક, પરપ્લેક્સિટી જેવાં એઆઈ ચેટબોટ્સની એપ્સ આપણા મોબાઇલમાં ડાઇનલોડ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયાનું બંધાણ એ જૂની વાત થઈ ચૂકી છે. આજની દુનિયાની લેટેસ્ટ સમસ્યા છે - આર્ટિફિશિયલ આત્મીયતા! ચેટજીપીટી જેવા ચેટબોટ સાથે અંગતમાં અંગત વાતો કરવાનું બંધાણ! વાત ત્યાંય અટકતી નથી. હવે એઆઇ રોમેન્ટિક કે સેક્સ્યુઅલ કંપેનિયન (એટલે કે એમની મોબાઇલ એપ્સ) આવી ચૂક્યા છે. લોકો એમની સાથે (ચેટિંગના સ્વરુપમાં) ફ્લર્ટ કરે છે, પ્રેમભરી અથવા તો કામુકતાભરી વાતો કરી કરીને એના બંધાણી થઈ રહ્યા છે. તેને કારણે અસલી માણસો સાથેના તેમના સંબંધો પર નકારાત્મક અસરો થઈ રહી છે. 'હર'ની સામન્થા (અને એનો ડિજિટલ પુરુષ કાઉન્ટરપાર્ટ) હવે સાયન્સ ફિક્શનનો વિષય નથી, આ બધું ખરેખર બની રહ્યું છે, ને બધું વધતું જવાનું છે!    

શો સ્ટોપર

પ્રેમમાં પડનારા દરેક માણસની ખોપડી ઊંધી હોવાની. પ્રેમ એટલે સમાજ જેટલું સ્વીકારી શકે એટલું પાગલપણું, એનાથી વિશેષ બીજું કશું નહીં.

- 'હર' ફિલ્મનો એક ડાયલોગ