ખેલાડીઓની સફળતા માટે 'દર્દ કા રિશ્તા' .
- મોહમ્મદ સિરાજ 2020ના કોરોના કાળ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો ત્યારે અચાનક મૃત્યુ પામેલા તેના પિતાની અંતિમ ક્રિયા માટે નહોતો જઈ શક્યો
- હોરાઈઝન-ભવેન કચ્છી
- કોર્પોરેટ હસ્તીઓ કે ફિલ્મ સ્ટાર્સના સંઘર્ષને પ્રેરણા લેવા માટે મહત્વ અપાય છે પણ ક્રિકેટરોની ગાથા પણ કંઇ કમ નથી
ભા રતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે જે મિજાજ સાથે આખરી ટેસ્ટ છ રનથી જીતીને શ્રેણી ૨- ૨થી ડ્રો કરી તેની મહત્તા એ રીતે વધી છે કે વર્ષો પછી પહેલી વખત ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્મા, કોહલી, અશ્વિન, પૂજારા જેવા ક્રિકેટરો વિદેશ પ્રવાસમાં નહોતા. અગાઉ લેખમાં જણાવી ચૂક્યા છીએ કે જયસ્વાલ મુંબઈના આઝાદ મેદાનના ટેન્ટમાં રહીને અને પાણી પુરી વેચીને સંઘર્ષ કરતો આગળ આવ્યો છે. ગીલને તો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કરશન ઘાવરીએ તે ૧૨ વર્ષનો હતો ત્યારે આકસ્મિક રીતે શોધી કાઢયો હતો. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ચમકેલા સિરાજ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપની હચમચાવી નાંખતી છતાં પ્રેરણા આપતી વાત જરૂર ચાહકોને ગમશે અને આ ક્રિકેટરો માટે માન પણ વધી જશે.
સિરાજ પર વજ્રઘાત
સિરાજ ખુદાએ કરેલી કસોટીમાંથી બહાર આવીને આ મુકામ પર પહોંચ્યો છે. તેઓ હૈદરાબાદમાં બે રૂમના ઘરમાં રહેતા. તેના પિતા મોહમ્મદ ઘાઉસ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા. ક્રિકેટર બનવાના તેમના સપના તો ગરીબીને કારણે ચકનાચૂર થઈ ગયા હતા. ન વધુ અભ્યાસ કરી શક્યા ન ક્રિકેટર બની શક્યા.તેમની ઇચ્છા હતી કે તેના બે પુત્રોમાંથી એક પુત્ર ક્રિકેટર બને. રીક્ષાની કમાણીમાંથી પુત્રો મોટા થતા ગયા તેમ ઘરનું ગુજરાન ચલાવવું અઘરું પડતું જતું હતું.મોટાભાઈએ તો નોકરી લઈ લીધી હવે સિરાજ પર પણ માતા શબાના બેગમ અને કાકા, મામાના પરિવાર તરફથી અભ્યાસમાં ધ્યાન આપવાનું અને આગળ જતા નોકરી લઈ લેવાનું દબાણ વધતું ગયું.એક માત્ર તેના પિતા એવા હતા જે સિરાજની તરફેણ કરીને કહેતા કે ભલે પુત્ર સિરાજ ક્રિકેટર બનવા પ્રયત્ન કરે તેનામાં પ્રતિભા છુપાયેલી છે. જો કે એક મેદાનથી બીજા મેદાનમાં રમવા તેને ટુ વ્હીલરની જરૂર હતી જે પિતાએ ગાંઠની બચત અને થોડી લોન સાથે લઈ આપ્યું.પિતા તેને રોજ રૂ.૧૦૦ આપતા જેથી સિરાજ ટુર્નામેન્ટ રમવા જઈ શકે. શરૂમાં ટેનિસ અને તે પછી લેધર બોલથી ક્રિકેટ રમી સિરાજ બોલિંગમાં તરખાટ મચાવતો. તેના એક કાકાએ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ટીમ બનાવી હતી જેમાંથી પણ સિરાજ રમતો. ટુર્નામેન્ટ અમુક ઇનામી રકમની રહેતી જેમાં મેન ઓફ ધ મેચ બનીને તે રૂ.૫૦૦ નું ઇનામ મેળવતો રહેતો.તેની પ્રતિભા જોઈને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને તેને કોચિંગ કેમ્પમાં સામેલ કર્યો અને બી.સી.સી.આઈ.ની ટૂર્નામેન્ટમાં તેને સ્થાન મળ્યું.આઇ.પી.એલ.ની ફ્રેન્ચાઇઝીની ટેલેન્ટ હન્ટમાં પણ સૌ પ્રથમ સનરાઇઝર્સ ટીમના વી.વી.એસ.લક્ષ્મણની નજરે ચઢયો.રૂ ૨.૬ કરોડમાં તેની ખરીદી થઈ ત્યારે તો સિરાજ અને તેના પરિવાર માટે આ રકમ જાણે જેકપોટ જેવી હતી.
વર્ષ ૨૦૨૦માં ઓસ્ટ્રેેલિયાના પ્રવાસે ભારતની ટીમ ગઈ ત્યારે કોરોનાનો કપરો કાળ હતો.ખેલાડીઓ તેમના રૂમમાં ક્વોરન્ટાઇનનો કડક અમલ કરીને રહેતા હતા. પ્રથમ ટેસ્ટની શરૂઆત થાય તે પહેલાં જ નેટ પ્રેક્ટિસ દરમ્યાન ભારતના ટીમ મેનેજમેન્ટને સમાચાર મળ્યા કે મોહમ્મદ સિરાજના પિતાનું ફેફસાની બીમારીમાં ૫૪ વર્ષની વયે જ નિધન થયું છે. તત્કાલીન હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીએ દિલ પર પથ્થર રાખીને મોહમ્મદ સિરાજને પિતાના મૃત્યુના સમાચાર આપ્યા. સિરાજે ભારે આઘાત અનુભવ્યો. ટીમ મેનેજમેન્ટે તેને ભારત પરત જવું હોય તો પરવાનગી આપી પણ સિરાજે વિચાર્યું કે ક્વોરન્ટાઇનની સાંકળ તોડીને તે ભારત જશે અને ફરી પાછો ટીમ જોડે જોડાય તે કોઈના હિતમાં નથી. સિરાજને થયું કે જે પિતાએ સ્વપ્ન સેવેલ તે સાકાર થવા જઈ રહ્યું છે અને પિતાએ તેમની જિંદગી અને કમાણી પણ આ માટે રેડી દીધી હતી ત્યારે તેમના આત્માની ખુશી માટે આ તક જવા ન દેવી જોઈએ. હેડ કોચ રવિ શાસ્ત્રીએ સિરાજને આશ્વાસન આપતા કહ્યું હતું કે 'ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને તું અંજલિ આપ.' અને સિરાજે સાચે જ બ્રિસ્બેન ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી બતાવી.
સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની તે શ્રેણીમાં ૧૩ વિકેટ ઝડપી હતી. ભારત ૨ - ૧થી શ્રેણી જીત્યું હતું. ઈંગ્લેન્ડની જેમ ઓસ્ટ્રેેલિયામાં પણ બુમરાહની ખોટ તેણે વર્તાવા નહોતી દીધી. ઓસ્ટ્રેલિયાનો તે સફળ પ્રવાસ પૂરો કરીને સિરાજ હૈદરાબાદના એરપોર્ટથી સીધો જ તેના પિતાની કબર પર ફૂલ મૂકીને હળવો થવા ગયો. તેના ભાઈએ પણ તેને ત્યાં સાથ આપ્યો હતો. સિરાજ ધુ્રસકે ધુ્રસકે રડી પડયો. વિધિની કેવી વિચિત્રતા જે પિતાએ સિરાજને ક્રિકેટર બનાવ્યો તે પુત્ર ભારત તરફથી રમીને પરત આવ્યો ત્યારે હર્ષના આંસુ સાથે ભેટવા માટે તેઓ નહોતા. ઓસ્ટ્રેેલિયામાં સિરાજ માટે સ્વસ્થતા જાળવવી કેટલી અઘરી હશે. ઇંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટ કે જેમાં સિરાજ હીરો બન્યો તેમાં પણ તેનો જુસ્સો બોલિંગ દરમ્યાન જળવાય રહે તેથી જાડેજા તેને નજીક આવીને પ્રેરણા આપતો કે તારા સ્વર્ગસ્થ પિતાજી તને રમતા જુએ છે તેમ માનીને બોલિંગ નાંખ અને આખરી વિકેટો ઝડપી બતાવ. સિરાજે તેમ કરી બતાવ્યું. સિરાજ દેશ માટે થાક્યા વગર બોલિંગ નાંખવા તૈયાર છે. હવે તો તે ભારતનો સ્ટ્રાઈક બોલર બની ગયો છે. સિરાજ આઈ.પી.એલ.નો કરોડોપતિ ક્રિકેટર પણ છે.ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણી પછી તો તેનો સિતારો વધુ બુલંદ બનશે.
સુંદરનું નામ વોશિંગ્ટન કેમ
વોશિંગ્ટન સુંદર આમ તો તમિલ છે ત્યારે ક્રિકેટ ચાહકોને એવું કુતૂહલ થતું હશે કે તેનું નામ વોશિંગ્ટન કેમ છે.તેની પાછળ પણ રસપ્રદ કહાની છે.
બન્યું એવું કે વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદરને ક્રિકેટર બનવાની બહુ ઈચ્છા હતી પણ તેમની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી.કોચિંગ કે પ્રેક્ટિસ માટે કપડા, બુટ બેટ અને કીટ તેઓ ખરીદી શકે તેમ નહોતા. તેમના ઘરની નજીક જ નિવૃત્ત આર્મી ઓફિસર પી.ડી.વોશિંગ્ટન રહેતા હતા. તેઓ એમ. સુંદરની ક્રિેકેટ માટેની લગન જોઈ તેમને ક્રિેકેટ કોચિંગ અને સાધનો લઈ શકે તે માટે આર્થિક સહાય કરતા.અભ્યાસ માટે ફી કે પુસ્તકો માટે પણ તેઓ ખૂટતી રકમ આપતા હતા.પી.ડી.વોશિંગ્ટન તેમની સાયકલ પર બેસાડીને ઘણી વખત કોચિંગના મેદાન પર મૂકવા પણ જતા હતા.
એમ.સુંદર નિવૃત ભારતીય સેનાની પી.ડી.વોશિંગ્ટનનું ઋણ ક્યારેય ભૂલી ન શક્યા. ૧૯૯૯માં એમ. સુંદરને ત્યાં પુત્ર થયો તેના કેટલાક વર્ષો પહેલા ડી.પી. વોશિંગ્ટનનું મૃત્યુ થયું હતું. પિતા એમ.સુંદરે તમિલ પરંપરા પ્રમાણે જન્મેલ પુત્રનું નામ કાનમાં હળવેકથી બોલીને શ્રીનિવાસન રાખ્યું પણ જાહેર જીવન માટે જેમણે એક જમાનામાં આર્થિક મદદ કરીને પુત્ર જેવો પ્રેમ આપ્યો હતો તેવા પી.ડી.વોશિંગ્ટનનને યાદ કરીને પિતા એમ. સુંદરે પુત્રનું નામ વોશિંગ્ટન પાડયું. તે વખતે જ પિતાએ સંકલ્પ કર્યો હતો કે 'હું તો ભારતની ટીમ તરફથી ક્રિકેટ નહોતો રમી શક્યો પણ વોશિંગ્ટનને ક્રિેકેટર બનાવીશ એટલું જ નહીં સ્વર્ગસ્થ પી.ડી.વોશિંગ્ટનનો આત્મા પણ ખુશી અને સંતોષ અનુભવશે કે તેમનું નામ રોશન કર્યું.
વોશિંગ્ટન સુંદરના પિતાને પણ સલામ કે જેમણે ઉદાહરણીય રીતે તેમને સહાય કરનારનું નામ તેમના આંખના તારા સમાન પુત્રની સાથે જોડી દીધું.
પરિવાર માટે આકાશ 'દીપ'
ફાસ્ટ બોલર આકાશ દીપને નામ પણ ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિજયનું યોગદાન છે. ૧૯૯૬માં બિહારના સાસારામમાં જન્મેલ આકાશ દીપનો સંઘર્ષ તો ખૂબ જ પ્રેરક છે. આકાશ દીપનું કુટુંબ ખૂબ જ સામાન્ય. આકાશ દીપ અભ્યાસમાં તો સાવ જ નબળો હતો તેથી તેના પિતા તેને કોન્સ્ટેબલ કે પટાવાળાની નોકરી લેવાનું દબાણ કરતા હતા. એક તો કંગાળ આર્થિક સ્થિતિ તેમાં પણ પિતાને માંદગી રહેતી. બિહાર ક્રિેકેટ એસોસિયેશન અવારનવાર સસ્પેન્ડ થતું રહેતું તેથી આકાશ દીપ પરિવારની ઇચ્છા નહીં હોવા છતાં ૨૦૧૫માં નોકરી શોધવાના બહાને પશ્ચિમ બંગાળના દુર્ગાપૂર પહોંચી ગયો જેથી બંગાળની ટીમ તરફથી રમવાનું સ્વપ્ન સેવી શકે. શરૂમાં સેકન્ડ ડિવિઝનની મેચ યુનાઈટેડ ક્લબ તરફથી રમતો હતો. હજુ છ મહિના જ થયા હશે તે ગાળામાં જ તેના પિતાનું સ્ટ્રોકને લીધે અને મોટાભાઈનું હોસ્પિટલની બેદરકારીને લીધે ટૂંકી માંદગી બાદ નિધન થયું. માતા તથા બે બહેનોની સાર સંભાળ લેવાની જવાબદારી સાથે અને ક્રિકેટર બનવાનું સ્વપ્ન સંકેલીને આકાશ દીપ ફરી તેના ઘેર બિહાર આવ્યો.ત્રણ વર્ષ તે તેના પરિવાર સાથે જ રહીને મહેનત મજૂરી કરીને જે કમાણી થાય તેમાંથી ગુજરાન ચલાવતો.આ સમય દરમ્યાન સ્પર્ધાત્મક ક્રિકેટ તો રમ્યો જ નહીં.પરિવાર થોડું સ્થિર થયું ત્યારે બહેનોએ જ તેને ક્રિેકેટર બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું.
કોલકાતામાં મોહમ્મદ શમીના માર્ગદર્શન હેઠળ તેણે ફાસ્ટ બોલર તરીકેની તાલીમ લીધી. ૨૦૧૯માં બંગાળની અંડર - ૨૩ની ટીમમાંથી અને તે પછી તરત રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન મળ્યુ. પ્રથમ સીઝનમાં ૩૫ વિકેટ ઝડપીને બંગાળને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો અને ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિનું ધ્યાન ખેંચ્યું.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે તેનું નામ પસંદ થયું તેના બે મહિના પહેલા જ તેની મોટી બહેનને કેન્સરનું નિદાન થયું હતું. તેણે આ વાત કોઈને બતાવી નહોતી.
આકાશ દીપ આઇ.પી.એલ.ની ૨૦૨૫ની સિઝન લખનઉ સુપર જાયન્ટ તરફથી રમતો હતો તે દરમ્યાન તેની બહેન આશાનું કેન્સરનું નિદાન થયું હતું. તક મળતા જ તે આઇ.પી.એલ.ની મેચ વચ્ચે ટૂંકી મુલાકાતે ઘેર જતો. રોજ બે વખત મેચ પહેલા અને પછી બેન જોડે વીડિયોમાં વાત કરીને સાંત્વના આપતો. ઈંગ્લેન્ડના પ્રવાસે જતી વખતે એરપોર્ટ પર આશા તેને મૂકવા આવી ત્યારે તેને ત્રીજા સ્ટેજના કેન્સરનું નિદાન થયું હતું છતાં આકાશ દીપને મળેલી તક પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કર્યો હતો. અને હા, પાંચમી ટેસ્ટમાં નાઇટ વોચમેન તરીકે આવેલ આકાશ દીપે ત્રીજા દિવસે ૬૬ રનની ઈનિંગ રમીને ઈંગ્લેન્ડની વ્યૂહરચના વેરણ છેરણ કરી મૂકી હતી.તેની ઈનિંગનું પણ વિજયમાં યોગદાન ભૂલાશે નહીં.
આકાશ દીપ હવે ભારતીય ક્રિકેટ ટીમનો પણ દીપ છે.
ભારતીય ક્રિકેટ હવે નવી પેઢીના હાથમાં આવી ગયું છે તેમ કહી શકાય.
જ્ઞાન પોસ્ટ
'You are never really playing an opponent. You are playing yourself, your own highest standards, and when you reach your limits, that is real joy.' – Arthur Ashe