Get The App

સ્કોટલેન્ડમાં દર સેકન્ડે વ્હિસ્કીની 100 બોટલનું ઉત્પાદન

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
સ્કોટલેન્ડમાં દર સેકન્ડે વ્હિસ્કીની 100 બોટલનું ઉત્પાદન 1 - image


- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- અગાઉ વિશ્વમાં સૌથી વધુ સ્કોચ વ્હિસ્કી ફ્રાન્સમાં પીવાતી હતી હવે ભારતે ગયા વર્ષે આશરે 20 કરોડ બોટલ આયાત કરીને ફ્રાન્સને પાછળ મૂકી દીધું છે

ભા રત અને બ્રિટન વચ્ચે તાજેતરમાં મુક્ત વેપાર કરાર (એફટીએ) થયો. તેના પગલે સ્કોચ વ્હિસ્કી પીવાના શોખીનો ખૂબ ખુશ થયા છે. કારણ કે આપણા દેશમાં જગવિખ્યાત સ્કોચ  વ્હિસ્કીની આયાત પર ૧૫૦ ટકા ડયુટી હતી તે ઘટીને ૭૫ ટકા થઇ ગઇ છે. જેને લીધે ભારતમાં જ્હોની વોકર અને બ્લેક લેબલ જેવી વ્હિસ્કીની પ્રત્યેક બોટલની કિંમતમાં ૨૦૦થી ૩૦૦ રૂપિયા ઘટાડો થશે.

ભારતમાં સ્કોચ વ્હિસ્કી વર્ષોથી વખણાય છે,  પીવાય છે, અને રોયલ ફેમિલીથી લઇને ફિલ્મ કલાકારો, સેલિબ્રિટીઓમાં આ વ્હિસ્કી લોકપ્રિય ડ્રિન્ક બની ગયું છે. તેની પોપ્યુલારીટી કેટલી વધી છે તે જાણવું હોય તો સમજી લો કે અગાઉ વિશ્વમાં સૌથી વધુ સ્કોચ વ્હિસ્કી ફ્રાન્સમાં પીવાતી હ તી હવે ભારતે ગયા વર્ષે આશરે ૨૦ કરોડ બોટલ આયાત કરીને ફ્રાન્સને પાછળ મૂકી દીધું છે.

ભારતમાં જ્હોની વોકર અને બ્લેક લેબલ ઉપરાંત શિવાસ રિગલ પણ ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય બ્લેક ડોગ, ૧૦૦ પાઇપર્સ, પાસપોર્ટ, વેટ ૬૯, તથા બ્લેક એન્ડ વ્હાઇટ બ્રાન્ડની વ્હિસ્કી પણ ભારતમાં આયાત થાય છે.

નવા ટેરિફ લાગુ થયા પછી આપણા દેશમાં જ્હોની વોકર, શિવાસ રિગલ અને ગ્લેનલિવેટ જેવી વ્હિસ્કી બોટલ દીઠ રૃા. ૩૧૦૦માં વેંચાતી મળશે. જ્યારે તેનાથી સહેજ ઉતરતી કક્ષાની બ્રાન્ડ આશરે રૃા. ૨૫૦૦/- (બોટલ દીઠ)માં મળશે.

ભારતમાં રાજા- રજવાડાના સમયથી સ્કોચ વ્હિસ્કીનો માદક ઇતિહાસ ચાલ્યો આવે છે. આજે દેશના તમામ મિલિટરી કેન્ટોન્મેન્ટ, વિવિધ ક્લબો, ફાઇવસ્ટાર હોટલો અને મોંઘી રેસ્ટોરાંમા આ વ્હિસ્કી ભારોભાર વેંચાય છે. 

સ્કોટલેન્ડનું માદક પીણું સ્કોચ વ્હિસ્કી આ વર્ષે ૫૨૦મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. સ્કોટલેન્ડમાં અત્યારે દર સેકંડે સ્કોચની ૧૦૦ બાટલીઓ બને છે. દેશના નેવું હજાર લોકોને વ્હિસ્કી સીધી યા આડકતરી રીતે રોજી આપે છે અને સરકારી તિજોરીને કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક રળી આપે છે.

વ્હિસ્કીનું નામ લેવાય ત્યારે જો એની સાથે સ્કૉચ શબ્દ જોડાય તો એ એક પ્રતિષ્ઠાની વાત બની જાય છે. છેલ્લા કેટલાય સમયથી ઇન્ડિયન સ્કૉચ વ્હિસ્કી બજારમાં મળતી હતી, પરંતુ હવે ભારતમાં બનેલી કોઈ વ્હિસ્કીના લેબલ પર સ્કૉચ શબ્દ લખી નહીં શકાય.

ભારતમાં બનેલી કેટલીક વ્હિસ્કીની બૉટલ પર સ્કૉચ શબ્દ લખાતો હતો એ સામે બ્રિટનના સ્કૉચ વ્હિસ્કી મેર્ક્સ અસોસિએશને ખટલો દાખલ કર્યો હતો અને એના સંદર્ભમાં દિલ્હી હાઈ કોર્ટ એવો ચુકાદો આપ્યો છે કે સ્કૉચ વ્હિસ્કી એટલે ફક્ત સ્કૉટલૅન્ડમાં બનેલી વ્હિસ્કી. એટલે ભારતમાં વ્હિસ્કી બનાવનાર કોઈ કંપની પોતાની પ્રોડક્ટ પર સ્કૉચ શબ્દ લખી ન શકે.

ખરેખર આ સ્કૉચ વ્હિસ્કી શી ચીજ છે? અને શા માટે આખી દુનિયામાં એનું નામ આટલા માનથી લેવાય છે?

સ્કોચ વ્હિસ્કી એટલે ખરેખર સ્કોટલૅન્ડમાં બનેલી વ્હિસ્કી. ઉત્તર અમેરિકાના લોકો આ વ્હિસ્કીને ફક્ત સ્કૉચ કહે છે. બ્રિટનમાં જ્યારે પણ વ્હિસ્કી શબ્દ બોલાય ત્યારે એનો અર્થ સ્કૉચ વ્હિસ્કી જ હોય છે.

સ્કોટલેન્ડમાં સેંકડો વર્ષોથી સ્કોચ વ્હિસ્કી બને છે. સૌથી જૂની સ્કૉચ વ્હિસ્કી પહેલી જૂન ૧૪૯૪ની સાલની હોવાનું નોંધાયું છે. ૧૬૪૪માં સૌપ્રથમ વાર વ્હિસ્કીના ઉત્પાદન પર કરવેરા લાદવામાં આવ્યા હતા અને એના કારણે ગેરકાયદે વ્હિસ્કીની બનાવટ ૧૮૨૩માં વધી પડી હતી. બ્રિટનની સંસદે ડિસ્ટિલરીઓ (ભઠ્ઠીઓ અને દારૂ બનાવતી કંપનીઓ)ના પરવાના હળવા બનાવ્યા અને એની સાથે જ ગેરકાયદે દારૂ બનાવતી ભઠ્ઠીઓ સામે કડક પગલાં લીધાં. એને લીધે વ્હિસ્કીની ગુણવત્તા સુધરી અને આધુનિક સ્કૉચનો યુગ ત્યારથી શરૂ થયો.

છેલ્લાં બે વર્ષમાં વ્હિસ્કી તથા રમના ઉત્પાદનમાં આશ્ચર્યજનક વધારો થયો છે. એક અંદાજ મુજબ જગતભરમાં વર્ષે ૮ અબજ ગેલન્સ વાઇન વેચાય છે. અથવા વ્યક્તિદીઠ લગભગ આઠ બોટલ, બિઝનેસ પાર્ટી હોય કે ફિલ્મી પાર્ટી, સ્કોચની વ્હિસ્કી રેલમછેલ રહેવાની જ.

સ્કોટલેન્ડ તેના રાષ્ટ્રીય પીણા સ્કોચ વ્હિસ્કીની ૫૨૦મી વર્ષગાંઠ આ વર્ષે ઊજવી હતી. ૨૮ મે,  તેમણે 'સ્કોચ વ્હિસ્કી ડે' તરીકે ઊજવ્યો. પંદરમી સદીના અંતમાં અહીં દારૂ ગાળવાનો ધંધો નાને પાયે શરૂ થયો હતો. આજે સ્કોટલેન્ડના આ જગવિખ્યાત ઉત્પાદનની દુનિયાના ૨૦૦ દેશોમાં નિકાસ થાય છે. યુનાઇટેડ કિંગડમના ટોચના પાંચ નિકાસ આવક ધરાવતા ઉદ્યોગોમાં સ્કોચ વ્હિસ્કીનો સમાવેશ છે. ૨૦૦૦માં સ્કોચ વ્હિસ્કીની નિકાસ દ્વારા દેશને ૫ અબજ પાઉન્ડ ની કમાણી થઇ હતી. મગજના તાર ઝણઝણાવી નાખતું આ પીણું ડયુટી દ્વારા સરકારી તિજોરીને વર્ષે બે અબજ પાઉન્ડની આવક રળી આપે છે. 

કેનેડા અને સ્કોટલેન્ડમાં વ્હિસ્કીનો ઉચ્ચાર વ્હિસ્કાય થાય છે. સ્કોચ-મેકિંગ અથવા તો વ્હિસ્કીનું ઉત્પાદન એ એક સંકુલ પ્રક્રિયા છે. સ્કોચના ઉત્પાદકો સ્કોચના ઉત્પાદનને એટલી જ ગંભીરતાથી લે છે જેટલી ગંભીરતા આઇબીએમના કોમ્પ્યુટરનિષ્ણાતો કોમ્પ્યુટર બનાવવામાં દાખવે છે. વ્હિસ્કી એ એક એવા પ્રકારનું સ્પિરિટ છે, જે અનાજના માવામાં આથો લાવીને બનાવવામાં આવે છે. આ માટે સ્ટાર્ચનું સાકરમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવવા માટે તેમાં માલ્ટ ઉમેરવામાં આવે છે. આમાં મુખ્યત્વે ફણગાવેલા જવનો વપરાશ થાય છે. અંતે આ દ્રાવણમાં યિસ્ટ ઉમેરી વધુ આથો લાવવામાં આવે છે. છેલ્લે એને ડિસ્ટિલ્ડ કરીને તૈયાર કરીને પીપમાં ભરીને ઠરવા માટે મૂકી દેવાય છે.

જોકે આ જટિલ પ્રક્રિયાને વિસ્તારથી સમજાવવાની જરૂર છે. જવના ફણગાવીને સૂકવેલા દાણા પાણી નાખવામાં આવે છે. આમ કરવાથી એમાંની ખાંડ છૂટી પડે છે અને જવનો રસ (વૉર્ટ) બને છે. ત્યાર બાદ એમાં આથો નાખવામાં આવે છે અને સમૂળા પ્રવાહીમાં આથો આવવા દેવાય છે. આ પ્રવાહીમાં પાંચ ટકા આલ્કોહોલ હોય છે અને એને વૉશ અથવા તો લો બિયર કહેવાય છે.

ત્યાર પછી આ વૉશમાં આલ્કોહોલનું પ્રમાણ વધારવા એને ડિસ્ટિલ કરવામાં આવે છે. આ પ્રવાહીને બે રીતે ડિસ્ટિલ કરવામાં આવે છે. પહેલી રીતમાં માટીની ભઠ્ઠી (પૉટ સ્ટિલ)માં ડિસ્ટિલ કરાય છે અને બીજી રીતમાં કૉફી સ્ટિલમાં. શ્રેષ્ઠ ગુણવત્તા મેળવવા માટે પૉટ સ્ટિલ વાપરવામાં આવે છે, જ્યારે કૉફી સ્ટિલ ખર્ચ બચાવવા માટે વપરાય છે. આમાં ડિસ્ટિલેશનની પ્રક્રિયા ઝડપથી પણ થાય છે.

મૉલ્ટ વ્હિસ્કી માટે વૉશને એક મોટી માટીની ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. ત્યાર બાદ જે પ્રવાહી તૈયાર થાય છે એમાં ૨૧ ટકા આલ્કોહોલ હોય છે અને એને લો વાઇન કહેવાય છે. લો વાઇનને ત્યાર પછી સ્પિરિટ સ્ટિલ તરીકે ઓળખાતી સહેજ નાની ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. આ ભઠ્ઠીમાં તૈયાર થનારું પહેલું પ્રવાહી અમુક હોય છે અને એને ફોરશૉટ્સ કહેવામાં આવે છે. આ પ્રવાહીને ફરી ભઠ્ઠીમાં નાખવામાં આવે છે અને છેવટે ન્યુ મેક નામનું પ્રવાહી તૈયાર થાય છે, જેમાં આલ્કોહોલનું પ્રમાણ શરૂઆતમાં ૭પ ટક હોય છે, જોકે ધીમે-ધીમે એ ઘટીને ૬૦ ટકા થઈ જાય છે. આ પ્રવાહીને આફ્ટરફ્લો અથવા તો ફેઇન્ટ્સ કહે છે. આ પ્રવાહીને ફરી ડિસ્ટિલ કરવા માટે બાજુ પર રાખી દેવામાં આવે છે.

 પ્રવાહી ડિસ્ટિલ થઈ જાય એ પછી એને કાસ્ક તરીકે ઓળખાતા ખાસ પ્રકારના પીપડામાં ભરીને એને જૂનું થવા દેવાય છે, પ્રવાહી જેમ જૂનું થાય એમ એ ઓછું થતું જાય છે, કારણ કે એનો અમુક ભાગ વરાળ થઈને ઊડી જાય છે, એટલે જ જૂનો દારૂ વધુ મોંઘો હોય છે. દર વર્ષે કાસ્કમાંથી જે ૦.૫થી ૨,૦ ટકા પ્રવાહી ઊડી જાય એને એન્જલ્સ શેર એટલે કે ભગવાનનો ભાગ કહે છે. ઘણા લોકો વ્હિસ્કીને દરિયાકિનારે આવેલાં ખુલ્લાં ગોદામોમાં રાખે છે. એ રીતે એમાં દરિયાઈ હવાની ખારી વાસ ભળે છે અને એની સોડમ એમાં ઉમેરાય છે. જે પ્રવાહી કમસે કમ ત્રણ વર્ષ સુધી કાસ્કમાં જૂનું થયું હોય એને જ સ્કોચ વ્હિસ્કી કહી શકાય. જોકે બજારમાં મળતી મોટા ભાગની સિંગલ મૉલ્ટ વ્હિસ્કી કમસે કમ આઠ વર્ષ જૂની હોય છે. અમુક એવું માને છે કે  વ્હીસ્કીને જેટલી જૂની થવા દેવાય એટલી એ વધુ સારી હોય, જ્યારે બીજા કેટલાક એવું માને છે કે સારામાં સારા સ્વાદનો આધાર ડિસ્ટિલરી તથા કાસ્કના પ્રકાર પર છે. જૂની વ્હિસ્કી પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ હોય છે એટલે એના ભાવ સામાન્ય રીતે વધુ હોય છે. વ્હિસ્કીની ગુણવત્તા તેના રંગને આધારે થઇ શકતી નથી. આછો રંગ ધરાવતી વ્હિસ્કીમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હશે એ માન્યતા ગલત છે. વ્હિસ્કીનો રંગ તો બાળેલી ખાંડના પ્રમાણના આધારે અથવા તો લાકડાના પીપમાં એને કેટલો સમય રખાઇ છે તેના આધારે નક્કી થાય છે.

વ્હિસ્કી કઇ રીતે પીરસવી એ પણ એક કળા છે. પાણી, સોડા કે બીજું કશુંય ભેળવ્યા વગર જેવ્હિસ્કી પીરસાય તેને 'નીટ' કહેવાય છે. આવી નીટ વ્હિસ્કીને હંમેશાં નાના, 'શોર્ટ' ગ્લાસમાં પીરસાય છે, જ્યારે વ્હિસ્કી ઓન રોક્સ' એટલે બરફનાં ચોસલાં ભરેલો ગ્લાસ. આમાંય પાછું એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે સૌપ્રથમ જામમાં બરફનાં ચોસલાં નાખીને તેની ઉપર વ્હિસ્કી રેડાવી જોઇએ. પાણી અથવા સોડા સાથે વ્હિસ્કી પીનાર શોખીનોને 'હાઇબોલ' (લાંબા કદના) ગ્લાસમાં ડ્રિન્ક પીરસવું જોઇએ. જીન, વોડકા, રમ, વ્હિસ્કી, વાઇન અને બ્રાન્ડીમાંથી કોકટેલ ડ્રિન્ક બનાવાય છે. આ કોકટેલનો ઇતિહાસ પણ રસપ્રદ છે: ૧૯૨૦માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં કોકટેલનો આવિષ્કાર થયો હતો. જેમ પેરિસને છેલછોગાળાઓનો દેશ અથવા ફેશનનું મક્કા કહેવાય છે તેમ ન્યુ યોર્ક અવનવાં ડ્રિન્ક્સ માટે પ્રખ્યાત છે.

આપણે ત્યાં અત્યારે ડાયરેક્ટર સ્પેશિયલ, એરિસ્ટોક્રેટ, રોયલ ચેલેન્જ, બેગ પાઇપર, પીટર સ્કોચ, રોયલ ગાર્ડ, બ્લેક નાઇટ, ડિપ્લોમેટ, બટલર, ઓફિસર્સ ચોઇસ, ગોલ્ડન ટાઇકૂન ઇત્યાદિ બ્રાન્ડની વ્હિસ્કી મળે છે. કેટલાક શોખીનો એવો મત ધરાવે છે કે વ્હિસ્કીની સોડમ કરતાં તેનો સ્વાદ વધુ મહત્ત્વ ધરાવે છે. શોખીનો વ્હિસ્કીના દેખાવ (રંગ)ને પણ ઝાઝું મહત્ત્વ આપતા નથી. મોટા ભાગના શોખીનો નીટને બદલે બરફ, પાણી અથવા સોડા ભેળવીને શીંગ કે કાજુ ચાવતાં ચાવતાં વ્હિસ્કીની ચૂસકી ભરે છે. વિદેશી બ્રાન્ડમાં બ્લેક લેબલ વધુ મશહૂર છે. હવે જોવાનું એ રહે છે કે સ્કોચ વ્હિસ્કી સસ્તી થતાં ભારતમાં તેનો ઉપાડ કેટલો વધે છે. તેમજ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સ્કોચના રસિયાઓ તેમનો શોખ કઇ રીતે પૂરો કરે છે!

Tags :