- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- સૃષ્ટિને નવજીવન અષાઢ આપે પણ સોળે શણગાર સજાવવાનું કામ તો શ્રાવણ કરે છે. શ્રાવણમાં જ વસુધાની કૂખે વનરાજી ફળવતી બને છે...
અં ગ્રેજી મહિના મુજબ ઓગસ્ટ ચાલે છે, પણ હિંદુ ધર્મના પરિવારોમાં શ્રાવણી પર્વોની ઓળખ પ્રવેશ પામે છે ! શ્રાવણના સોમવારના ઉપવાસથી શરૂ કરી મંદિરનાં દર્શન, ભજન, ભક્તિમય વાતાવરણ, નદીમાં સ્નાન, નાની યાત્રા, ફરાળી વાનગી આવો વિશિષ્ટ પ્રકારનો માહોલ લઈને શ્રાવણ આવે છે. આજે અંગ્રેજી મહિના જેટલા ચલણમાં છે એટલા હિંદુ-પંચાગ જાણીતાં નથી, તેમ છતાં શ્રાવણ પોતાની આગવી ઓળખ લઈને આવે છે. વિક્રમ સંવતના મહિનાઓમાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખતા બે જ મહિના છે. એક શ્રાવણ અને બીજો આસો. એમાંય શ્રાવણ માસ બ્રાહ્મણોથી શરૂ કરી સામાન્યજનને પણ કોઈને કોઈ રીતે સ્પર્શે છે.
શ્રાવણ નાળિયેરી પૂર્ણિમાને લાવે છે એટલે કે બળેવ ઉર્ફે રક્ષાબંધનને લાવે છે, જન્માષ્ટમીને લાવે છે. મંદિરો અને હવેલીઓમાં હિંડોળા રચાય છે એવા હિંડોળા હિંદુ માનસમાં પણ રચાય છે. ભક્તિની એક અગરબત્તી જલતી રહે છે, શ્રાવણમાં શ્રદ્ધાનો એક દીવો ટમટમે છે. શ્રાવણ કોનો ? શિવજીનો, શ્રીકૃષ્ણનો કે મેઘરાજાનો? શિવનો મહિમા આ જ મહિનામાં મોટો. શિવમંદિરોમાં ભક્તોની ભીડ જમા થાય છે. હવેલીઓ પણ છલકાય છે. ભક્તિની ધારા મેઘની જલધારાની જેમ જનપદના હૈયે વહ્યા કરે છે. કૃષ્ણજન્મનો દિવસ પણ આજ મહિનામાં, જન્માષ્ટમી જેવો શબ્દ શ્રાવણ મહિનાએ પોતીકો બનાવી દીધો છે, બાકી એ શબ્દમાં ક્યાંય કૃષ્ણ કે શ્રાવણનો સંકેત નથી. તેમ છતાં આખો શબ્દ કેવો કૃષ્ણજન્મનો, શ્રાવણ વદ આઠમનો પર્યાય બની ગયો છે ! ભાઈબહેનના પ્રેમનું પાવન પર્વ અને દરિયાઈ ખેપ કરનારાનુંય મહત્ત્વનું પર્વ બની રહે છે. આખો મહિનો બીલીપત્ર, તુલસીપત્ર અને પુષ્પોની પૂજાનો મહિનો છે. મંદિરે મંદિરે ઓમ નમ:શિવાયના જાપ કાનને ધન્ય કરતા હોય છે !
શ્રાવણની પ્રકૃતિમાં છાલક છે. વરસાદની અને ભક્તિની ! શ્રાવણ ભીંજવે છે વરસાદથી અને ભક્તિભાવથી ! આભની વાદળીઓમાં શ્રાવણ ઘેરાય છે અને પૃથ્વી ઉપર તેની પછેડી છૂટી થઈ વેરાય છે ! સૂર્યનો સોનેરી રંગ વસુધાના લીલા રંગ સાથે સંયોજાઈ જે પ્રતિબિંબો ઉભાં કરે છે તેવાં જ બિંબ માનવીના આત્મામાં ઝબકે છે! શ્રાવણ વાદળની વેલમાં બેસીને આવે છે. શ્રાવણના સદ્ભાગ્યમાં જે ભક્તિનો સાગર લ્હેરાય છે એવો ભાગ્યશાળી બીજો એક પણ મહિનો નથી, મંદિરો, પૂજારીઓ, ભિખારીઓ પ્રમાણમાં શ્રાવણમાં સમૃદ્ધ બને છે.
શ્રાવણ પોતાની કેડયમાં પર્વો લઈને મ્હાલે છે. રક્ષાબંધનની એક ધારા, કૃષ્ણપ્રેમની બીજી ધારા, શિવજીની પૂજાની ત્રીજી ધારા.. એ ધારા પ્રગટાવવા લોકો મંદિરોમાં મહોત્સવો કરે ! ભજનમંડળીઓ થાય, મેળા યોજાય. મનોરંજન ભળે. ભક્તિભાવ પણ શ્રદ્ધાપૂર્વક ભળેલો હોય. શ્રાવણનું પોત જ વરસાદ અને પ્રણયોર્મિથી ભીનુંભીનું બનેલું હોય છે ! ભીનાશ જ શ્રાવણની નિયતી છે. કૃષ્ણના જન્મકાળથી આ મહિનો પવિત્ર છે. એ પૂર્વે શિવજીની પૂજાથી એમાં પવિત્રપણું સચવાયેલું. કૃષ્ણનો જન્મોત્સવ મોટાભાગે શિવજીનાં મંદિરોમાં ઉજવાય છે- કેવો સંવાદ ! દેવો વચ્ચે ?
સૃષ્ટિને નવજીવન અષાઢ આપે પણ સોળે શણગાર સજાવવાનું કામ તો શ્રાવણ કરે છે. શ્રાવણમાં જ વસુધાની કૂખે વનરાજી ફળવતી બને છે. જન્મે છે એ અંકુરમાં રસ વહે છે. એ રસ માનવજગતમાં ભક્તિના રસ જેવો જ હોય છે.
શ્રાવણ ધરતીની અભીપ્સા અને આકાશી તત્ત્વની કૃપાના મિલનનો મહિનો છે. એ કૃષ્ણ ભગવાનને પ્રિય હોઈ પૃથ્વી ઉપર અવતરણ કરવા માટે મુનાસિફ રાખ્યું હશે ? પૂજા-અર્ચના અને તપનો માહોલ ઠેરઠેર સર્જાય છે. દાન-પુણ્યનું પર્વ છે. તપનું પર્વ છે. શ્રાવણમાં અપ્સરા જેવી વાદળીઓ ઇન્દ્રધનું રચે છે ત્યારે તડકામાં પણ નૃત્ય કરતો મેઘ પૃથ્વી ઉપર આવી ચઢે છે ! તડકા ઉપર જળ પડે કે જળ ઉપર તડકો ! કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર આ રીતે અજવાળાં ઉતાર્યા છે. મથુરાની જેલનાં અંધારાં આ રીતે હટાવ્યાં છે. શ્રાવણ ગુરુ છે. શ્રાવણના સ્વભાવમાં નમ્રતા છે. ધૂળની પ્રકૃતિ પલટી નાખવાની રીત એ જાણે છે. શ્રાવણનું કામ સર્વત્ર શાંતિની સ્થાપના કરી શ્રેયસ્કર બનવાનું છે. તમોગુણ કે રજોગુણમાં વકરી ગયેલા સજીવપિંડને સાત્ત્વિકતાનો પરિચય કરાવવાનું કામ શ્રાવણનું છે ! અષાઢ મહિનો આક્રોશ, આકર્ષણ અને રાગીયતાનું ગાન ગાય છે, જ્યારે શ્રાવણ નમ્રતા અને ભક્તિભાવથી ભરેલો છે. ડુંગરાઓ પણ શ્રાવણમાં રૂપાળા લાગે છે. નૂતનશ્રી પહેરાવવાનું કામ શ્રાવણનું છે.
શ્રાવણ સૌંદર્યનો પર્યાય છે. ભક્તિનો સાગર છે. શ્રાવણમાં જે મેઘધનુ રચાય તે ઇશ્વરનો મુગટ છે. પંખીના ટહુકાર લગ્નગીતો છે. ઇશ્વરનો ખરો સાક્ષાત્કાર શ્રાવણ જ કરાવે છે. શ્રાવણ એટલે ભક્તિ, ભાવના અને ભગવાનનો પર્યાય!


