- સોના વાટકડી રે-નીલેશ પંડયા
લંબે લંબે ઘૂંઘટે મૈયારણ કેર અચી રે,
એંજો ચોટલો કાળો નાગ મોકે મોયની લગી રે.
એંજે હથ જેડા ચૂડા મોકે હથકે ખપે રે,
માથે મોતીજો શણગાર મોકે મોયની લગી રે.
લંબે લંબે ઘૂંઘટે...
એંજે પગ જેડા ઝાંઝર મોકે પગકે ખપે રે,
માથે ઘૂઘરીજો શણગાર મોકે મોયની લગી રે.
લંબે લંબે ઘૂંઘટે...
એંજે કન જેડા એરિંગ મોકે કનકે ખપે રે,
માથે સોનેજો શણગાર મોકે મોયની લગી રે.
લંબે લંબે ઘૂંઘટે...
એંજે નક જેડી નથણી મોકે નકકે ખપે રે,
એંજે નકમેં ઝોલાં ખાય મોકે મોયની લગી રે.
લંબે લંબે ઘૂંઘટે...
ક ચ્છની કેરી ને ખારેક જેવી જ મધુરી કચ્છીબોલી ને એનાં લોકગીતો છે. કચ્છી બોલી સમજી શકતા હોય એને જ કચ્છી લોકગીતો સમજાય. જો કે અમુક લોકગીતોમાં કચ્છી બોલીના કેટલાક શબ્દો જ પ્રયોજાયા હોય છે એટલે એવાં લોકગીતો કોઈપણ ગુજરાતી સમજી શકે છે પણ મોટાભાગનાં કચ્છી લોકગીતો કચ્છી ન જાણનારા માટે સમજવાં અઘરાં છે. કચ્છી બોલી બહુ અઘરી નથી, શીખવા ધારીએ, થોડું ધ્યાન દઈએ તો સરળતાથી શીખી શકીએ છીએ. કચ્છી બોલીનો શબ્દકોષ પણ મળે છે.
'લંબે લંબે ઘૂંઘટે મૈયારણ...' કચ્છી લોકોને હૈયે વસેલું લોકગીત છે. લાંબો ઘૂંઘટો તાણીને આવતી આ મૈયારણ કોણ છે ? એનો ચોટલો કાળોતરા નાગ જેવો છે. એને જાણે કે મારા પર મોહિની કરી છે. એ મૈયારણે પોતાના હાથમાં જેવી ચૂડલી પેહરી છે એવી જ મારે મારા હાથમાં પહેરવી છે, એની ચૂડલી પર કરેલા મોતીના શણગારથી હું મોહિત થઈ છું. એનાં ઝાંઝર જેવાં જ ઝાંઝર માટે જોઈએ ને એ ઝાંઝર પરની ઘૂઘરીના શણગારથી હું ખૂબ જ પ્રભાવિત થઈ છું.
એણે કાનનાં એરિંગ પહેર્યાં છે એવાં જ મને ખપે ને એના પર કરાયેલા સોનાનો શણગાર મને ખૂબ ગમ્યો છે. એ મૈયારણની નથણી જેવી જ મારે ઘડાવવી છે ને એની નથણી જે રીતે નાકે ઝોલાં ખાય છે એ મને મોહ ઉપજાવે છે- આવો કાંઈક અર્થ થાય છે આ કચ્છી લોકગીતનો.
લોકગીતની નાયિકા અન્ય સ્ત્રીનાં આભૂષણોથી પ્રભાવિત થઈ પોતે પણ એવાં જ ઘરેણાં ઘડાવવા ઉત્સુક થઈ છે. એક મહિલા બીજી મહિલાથી પ્રેરિત થાય એ જ મોટી વાત છે ને સૌથી સારી બાબત એ છે કે નાયિકા સામેવાળી સ્ત્રીની ઈર્ષ્યા કરતી નથી એનું કારણ સ્પષ્ટ છે કે કચ્છી લોકો ખૂબ જ માયાળુ, ભોળા, દિલના સાફ, આતિથ્યભાવથી ભરપુર હોય છે એટલે એનાં લોકગીતોમાં એ ભાવ ભળ્યા વગર કેમ રહે? કારણ કે સ્ત્રીમનના બહુવિધ રંગો થકી જ લોકગીતો નીપજે છે.
કચ્છી પ્રજા પાસે પોતાનાં અનેક ભાતીગળ લોકગીતો છે પણ આ લોકગીતો બહુધા કચ્છીમાં હોવાથી ગુજરાતના અન્ય પ્રાંતના લોકો સમજી નથી શકતા એટલે એ કચ્છ સિવાય ઓછા સંભળાય છે અર્થાત્ એની લોકપ્રિયતા મૂળ કચ્છી લોકો અને કચ્છી સમજનારા ભાવકો પુરતી જ સીમિત રહી જાય છે. જેમ ઉત્તર ગુજરાતનાં લોકગીતો હવે ગુજરાતભરમાં સંભળાવા લાગ્યાં છે એમ કચ્છી લોકગીતો પણ ગુજરાત ઘૂમી વળે તો સારું...


