Get The App

શરીરને વાઈરસ સામે લડવાની ક્ષમતા આપતા ગરમ વસ્ત્રો

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
શરીરને વાઈરસ સામે લડવાની ક્ષમતા આપતા ગરમ વસ્ત્રો 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- જો તમે ટેઇલર પાસે સીવડાવેલા બોડી ફિટિંગ પેન્ટ, જેકેટ કે ડ્રેસ પહેરશો તો તેનાથી ઈન્સ્યુલેશન પણ સારૂ રહેશે

વ સ્ત્રો પહેરવાની મઝા શિયાળામાં તો ખૂબ જ આવે છે. ઉત્તર ભારતમાં તાપમાન માયનસ થઈ જાય છે. ઠંડીને કારણે શર્દી તો થાય જ છે પરંતુ લોહીના ગંઠાવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. એટલે શરીરને બેત્રણ આવરણથી હુંફાળુ રાખવું જરૂરી છે.

શિયાળામાં ઘણાં લોકોમાં સોર થ્રોટ એટલે કે ગળાની ખારાશ ઉત્પન્ન થાય છે એટલે સ્કાર્ફ કે મફલર પહેરવા જરૂરી છે.

પુરૂષો મફલર જુદી જુદી સ્ટાઇલથી પહેરી શકે છે. કાનમાં ઠંડો પવન જવાથી પણ શર્દી થઈ શકે છે એટલે કાન ઢંકાય એવા ''બન્દાના'' પહેરવા અથવા કાનીઆ ટોપી પહેરવી હેડફોન પણ પહેરી શકાય. વધુ ઠંડી હોય તો તમે શરીરની અંદરના ભાગે પ્રથમ થર્મલ પહેરો. તેની ઉપર સિલ્ક પહેરો પછી સ્વેટર પહેરી લ્યો. તમે આ સાથે લોંગ કોટ, શોર્ટ કોટ કે જેકેટનો ઉપયોગ કરી શકો છો. તમે ઠંડા પ્રદેશમાંથી ગરમ પ્રદેશમાં ઉડ્ડયન કરતાં હો તો ઉપરના આવરણ ખસેડી શકો છો. એજ રીતે ઓફિસમાં દાખલ થાવ ત્યારે પણ બહારના ગરમ આવરણ કાઢી ઓફિસના તાપમાને પૂરી ક્ષમતાથી કામ કરી શકો છો.

તમારી ઓફિસ કોર્પોરેટ ટાઇપની હોય તો જેકેટને બદલે બ્લેઝર પહેરી શકો છો. શિયાળામાં ઊન, કોર્ટરાઇઝ, કેશ્મીઅર જેવા કાપડના વસ્ત્રો બનાવવા અને પોતાના શરીરને સારી રીતે ફિટ થાય એ જોવું. તમે સૂએડ પણ વાપરી શકો.

જો તમે ટેઇલર પાસે સીવડાવેલા બોડી ફિટિંગ પેન્ટ, જેકેટ કે ડ્રેસ પહેરશો તો તેનાથી ઈન્સ્યુલેશન પણ સારૂ રહેશે.

શિયાળામાં સેન્ડલને બદલે સારી ગુણવત્તાવાળા શૂઝ પહેરવા ખાસ કરીને મોર્નિંગ વોક માટે જરૂરી છે. વસ્ત્રોના રંગ ઘેરા પસંદ કરવા જેથી કુમળા તડકાને પણ તે શોષી લઈ ગરમી આપશે. તમારા કોટ માટે પણ કેમલ ગ્રે અથવા કાળા રંગને પસંદ કરી શકો છો. શિયાળામાં ઠંડા પવનની અસર ઘટાડવા તમે થોડા દિવસ માટે સિવડાવેલો ગરમ કોટ પણ પહેરી શકો છો. ડબલ બ્રેસ્ટ કોટ પણ પ્રાસંગિક પહેરી શકાય.

તમે હિલ સ્ટેશન પર શિયાળો માણવા ઉપડો ત્યારે સ્કાર્ફની સાથે હેટ અને હેન્ડ ગ્લોવ્ઝ પણ પહેરી શકો છો. હેટ તમને પવનથી બચાવશે અને માથુ ગરમ રાખશે. માથા પર જેમને વાળ ઓછા હોય કે ટાલ હોય તેમણે યોગ્ય હેટ પહેરી આત્મવિશ્વાસ વધારવો જોઈએ. વુલન ગોલ્ફ કેપ આકર્ષક લાગશે.

શરીરને ગરમ રાખવાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થશે. શર્દીનો વિષાણુ દાખલ થાય તો પણ શરીર તેની સાથે ફાઈટ આપી શકશે. તમે જલ્દી સારા થઈ જશો. ગરમ વસ્ત્રો તમારા શરીરમાં પ્રવેશતા કોલ્ડ વાઇરસને અટકાવી નહિ શકે પણ તમને શરીરની ગરમી આપી વાઈરસ સામે લડવાની ક્ષમતા વધારી શકશે... !