- સરદાર @150-હસિત મહેતા
- સરકારના અમલદારો વેરા સામે મિલકત જપ્તી માટે આવે તો આખેઆખું ગામ ખાલી થઈ જાય, ખેતરોમાં જતું રહે, કોતરોમાં સંતાઈ રહે, ઝાડ ઉપર બેસી રહે, પરંતુ મક્કમ મનના બોરસદીયાઓ સરકારને મચક આપે જ નહીં
વ લ્લભભાઈએ બોરસદ જઈને જોયું કે ત્યાંની ગરીબ, કચડાયેલી અને વ્યસની પ્રજા ઉપર ગોરી સરકારે ક્રિમીનલ ટ્રાઈબ્સ એક્ટ (ગુનાખોર કોમને લગતો કાયદો) નાંખ્યો, એ પછી ત્યાંના સામાન્ય અને નિર્દોષ પ્રજાજનો નછૂટકે ગુનાઓ તરફ, ખાસ તો ચોરી-લૂંટફાટ તરફ વળ્યાં હતા. તેથી આખા તાલુકામાં સ્પેશ્યલ પોલીસ ફોર્સ મૂકવો પડયો છે-તેવા બ્હાના હેઠળ ત્યાં હૈડિયાવેરો ઝીંકવામાં આવ્યો.
સિંગલાવના ગુલાબરાજા, ગોળેલ ગામનો બાબર દેવા કે બોરસદના અલી બહારવટીયા જેવા ગુનાખોરોથી પ્રજાને બચાવવા તાલુકા ઉપર સજાની (Punitive) વધારાની પોલીસ મૂકવાનો નિર્ણય થયો હતો. જેમાં બોરસદના ૮૮ અને આણંદ તાલુકાના ૧૪ ગામડાઓ ઉપર ૧૯૨૩ના સપ્ટેમ્બરથી કુલ રૂ. ૨,૪૦,૦૭૪નો આકરો વેરો ફટકાર્યો. સોળ વરસની ઉપરના દરેક સ્ત્રી-પુરુષને માથે ૨.૭૦ રૂપિયાનો ફરજ્યાત કર ઠોકી બેસાડયો. એક તો ખાવાના ફાંફા, એમાં લૂંટફાટીયું વાતાવરણ, એમાં પોલીસના દમનો, એમાં આકરો કર.... જાણે કે પ્રજાનો હૈડીયો જ દબાઈ ગયો. આ અસહ્ય દમન વચ્ચે વલ્લભભાઈએ બોરસદમાં ગોરીસરકારે લાદેલાં હૈડિયાવેરા સામે સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા.
આ પ્રજા ઉપર મરણતોલ કર નાંખતા પહેલાં અંગ્રેજ સરકારે પોતાના બચાવની પાળ બાંધવા એક ચતુરાઈ કરી હતી. તેમણે મુંબઈના માહિતીખાતાના વડાને બોરસદ અને આણંદની મુલાકાતે મોકલ્યા. આ સાહેબ બોરસદ આવીને બહારવટીયાઓની લૂંટફાટની સ્થિતિનો ચિતાર મેળવવાનું નાટક કરવા લાગ્યાં, અહીં તેઓ સરકાર તરફેના અમલદારોને મળીને, પ્રજાના પ્રતિનિધિઓને અવગણીને પાછા મુંબઈ ઉપડી ગયા. ત્યાં જઈને ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં, દસમી ઑક્ટોબર, ૧૯૨૩થી બોરસદ પંથકની બગડેલી કાયદો-વ્યવસ્થા માટે લેખો લખવા માંડયા. જેમાં તેમણે બોરસદ પંથકના બહારવટીયોના ત્રાસ માટે સ્થાનિક પ્રજાને જ વાંકમાં દેખાડી. તેની સાથે ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ જોડી દઈને એવું સાબિત કરવા લાગ્યાં કે ખેડાની પ્રજા ગાંધીજીની સત્યાગ્રહ ચળવળને કારણે બાઘડી, કંટ્રોલ વગરની, કાયદો-કાનુન તોડતી ગુનાખોર બની ગઈ છે.
આવા તરકટ હેઠળ આ પંથકની પ્રજા ઉપર હૈડિયાવેરો ફટકાર્યો હતો. તેના વિરોધરૂપે શરૂ થયો બોરસદ સત્યાગ્રહ, અને તેના સુકાની બન્યાં વલ્લભભાઈ પટેલ. બોરસદથી વકીલાત છોડીને નીકળ્યા પછીના બાર વર્ષે વલ્લભભાઈએ ફરીથી બોરસદમાં ધામા નાંખ્યા અને જગજાગૃતિ માટે સભાઓ ગજવવા માંડી.
૨-૧૨-૧૯૨૩ના દિવસે બોરસદ તાલુકા પરિષદ બોલાવી. તેની આગલી સાંજે, પહેલી ડિસેમ્બરે વલ્લભભાઈએ બોરસદની પ્રજાને બેઠી કરી મૂકે તેવું જલદ ભાષણ આપ્યું, તેમાં તેમણે ટાઈમ્સમાં આવેલાં પેલા એકતરફી અહેવાલનો હવાલો ટાંકીને સિંગલાવ ગામે થઈ ગયેલાં ગુલાબરાજા બહારવટીયાની વાતનું અનુસંધાન જોડયું, અને કહ્યું કે.....
'ટાઈમ્સ (ટાઈમ્સ આફ ઈન્ડિયા દૈનિક) એક લેખમાં કહે છે કે મહાત્માજીએ (ખેડા સત્યાગ્રહ) ચળવળ ચલાવી તેનાથી સત્તાનું તેજ રહ્યું નહીં, અને તેથી બહારવટિયા પેદા થયા છે. પણ પેલો ગુલાબરાજા બહારવટે નીકળ્યો ત્યારે તો ગાંધીજી હિંદુસ્તાનમાં પણ આવ્યા નહોતા. તે વખતના કલેક્ટર વૂડને તે મારવા ફરતો હતો, કારણ તેને ગુલાબરાજાને સજા કરાવવી હતી. કલેક્ટરનો મુકામ સિંગલાવ ગામમાં હતો. ત્યાં તેણે સાંભળ્યું કે ગુલાબરાજા ગાયકવાડી હદમાં લૂંટો કરે છે. અંગ્રેજી પોલીસની તેને મદદ છે એવો રિપોર્ટ હતો. તેણે એની તપાસ કરવા માંડી. તે વખતે તે કસબી ફેંટો અને ભેંટ બાંધીને પાસે જ ઊભો હતો.
તેણે કહ્યું કે, 'હું ગુલાબરાજા.' વૂડે કહ્યું, 'તારા હાથ છૂટા તે હોય? તને તો બેડીઓ પહેરાવવી જોઈએ.' ગુલાબરાજા કહે, 'પકડાઉં તો તારી સત્તા ચાલે તેમ કરજે, આજે તો હું રાજા છું.' કલેક્ટરના કહેવાથી પછી તેના ઉપર કેસ ઊભો કરવામાં આવ્યો. ચોરા ઉપર મામલતદારની શિખવણીથી એક વાણિયાએ ગુલાબરાજાને ગાળો દીધી, તેથી ગુસ્સે થઈ તેણે તેને કપાળમાં એક કાંકરી મારી. આ બાબતનો કેસ ચાલ્યો.
ગુલાબરાજાએ મને વકીલ કર્યો. કેસમાં કંઈ થઈ શકે તેમ નહોતું, પણ કલેકટરે મોટા જજને મળીને તેને નવ મહિનાની સજા કરાવી. પેલાને તેની ગંધ આવેલી, એટલે તે કોર્ટમાં હાજર થયો જ નહીં, અને તે દહાડાથી બહારવટું શરૂ કર્યું. ત્યાર પછી તેણે બાવન લૂંટો કરી છે અને પચીસ-ત્રીસ ખૂન કર્યા છે. જેૃ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેને સતાવેલો તે તો લાંબી રજા લઈને ચાલ્યા ગયા.'
સત્યાગ્રહ નિમિત્તે વલ્લભભાઈને ફરીથી બોરસદ સાથે જોડાતાં વાર લાગી નહીં. આવા અનેક ભાષણોથી તેમણે ત્યાંની પ્રજાને બેઠી કરી, અને હૈડિયાવેરો નહીં ભરવા માટે તૈયાર કરી. સરકારના અમલદારો વેરા સામે મિલકત જપ્તી માટે આવે તો આખેઆખું ગામ ખાલી થઈ જાય, ખેતરોમાં જતું રહે, કોતરોમાં સંતાઈ રહે, ઝાડ ઉપર બેસી રહે, પરંતુ મક્કમ મનના બોરસદીયાઓ સરકારને મચક આપે જ નહીં.
વલ્લભભાઈની આગેવાનીની આ જ તો કમાલ હતી. તેમણે એકતરફ પંથકની પ્રજાને ગાંધીમાર્ગ અન્યાય સામે લડવા તૈયાર કરી, બીજીતરફ બાહોશ વકીલને નાતે અંગ્રેજ સરકારને વેધક દલીલો થકી સાચી સ્થિતિથી વાકેફ કરીને ઢંઢોળી અને ત્રીજીતરફ છાપાઓમાં ભાષણો-લેખો થકી દેશમાં વધુ એક સત્યાગ્રહનું રણશીંગુ ફૂંકીને ગાંધીમાર્ગના સત્યાગ્રહમાં જોમ પૂર્યું.


