Get The App

શ્રીદામા અસુરનો હાહાકાર અને શ્રીવિષ્ણુની તપસ્યા

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
શ્રીદામા અસુરનો હાહાકાર અને શ્રીવિષ્ણુની તપસ્યા 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- લાંબા સમય સુધી મહાદેવની કઠિન આરાધના કર્યા પછી ભગવાન વિષ્ણુ હજુ પણ નિરંતર એમનું સ્મરણ કરી રહ્યા હતા. મહાદેવ આખરે પ્રગટ થયા...

આ દિકાળમાં શ્રીદામા નામે અસુર થઈ ગયો. ત્રિલોકમાં હાહાકાર મચાવ્યા બાદ તેણે સ્વર્ગલોક પર પૂર્ણ આધિપત્ય સ્થાપિત કરી દીધું અને સમસ્ત પ્રજાગણ ત્રાહિમામ પોકારી ઊઠયાં. અંતત: રાબેતા મુજબ, દેવતાગણ પોતાની ફરિયાદ લઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યાં. દેવતાઓના પિતરાઈ હોવાને નાતે ભગવાન શ્રીહરિ મોટેભાગે એમનો જ પક્ષ લેતાં. બીજી બાજુ, મહાદેવ તદ્દન નિરપેક્ષ થઈને નિર્ણય લેતાં. સ્મશાનવૈરાગી હોવાને કારણે એમને સંસારથી કોઈ લેવાદેવા નહોતાં. આથી, બ્રહ્માંડના ભવિષ્ય કે પછી જીવસૃષ્ટિની ભલાઈ જોવાને બદલે વર્તમાન ક્ષણમાં એમને જે યોગ્ય જણાય, એને આધારે તેઓ અસુરોને પણ વરદાનો આપી દેતાં. અલબત્ત, એમના દરેક નિર્ણયો આખરે તો દિવ્યલીલા જ સાબિત થતાં અને મૃત્યુલોકને તેનાથી લાભ જ થતો.

દેવતાગણની ફરિયાદ સાંભળ્યા પછી શ્રીદામા દૈત્યના વધ માટે જરૂરી શસ્ત્રની શોધખોળ આરંભાઈ. ભગવાન વિષ્ણુ પાસે એવું એકપણ શસ્ત્ર નહોતું, જે શ્રીદામાનો વધ કરી શકે. છેવટે એમણે મહાદેવની સાધના કરવાનો નિર્ણય કર્યો. આ સમગ્ર ઘટનાનું સુંદર વર્ણન વામનપુરાણમાં મળી આવે છે. દેવાધિદેવ શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરી વરદાનરૂપે એમની પાસેથી એક અમોઘ શસ્ત્ર મેળવવું એ નિર્ધાર સાથે મહાવિષ્ણુએ પોતાના ઈષ્ટની સાધના શરૂ કરી દીધી.

શાસ્ત્રો જણાવે છે કે મહાદેવના ઈષ્ટ મહાવિષ્ણુ છે અને શ્રીહરિ સ્વયં શિવને આરાધ્ય માને છે. આમ, હરિ હરને પૂજે અને હર હરિને! વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય વચ્ચે સદીઓથી ચાલ્યો આવતો નિરર્થક વિવાદ શાસ્ત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ ન કરવાને લીધે અને માર્મિક બાબતોને ન સમજી શકવાની લાચારીને કારણે છે. આશ્ચર્ય તો ત્યારે થાય, જ્યારે મોટા મોટા મઠાધિપતિઓ આ પ્રકારની વ્યર્થ ચર્ચાનો ભાગ બને! ભગવાન શિવના મુખેથી જ્યારે મા પાર્વતીને એવું કહેવાયું હોય કે, 'રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તત્તુલ્યં રામનામ વરાનને!' (ભગવાન વિષ્ણુના એક હજાર નામ બરાબર શ્રીરામનું એક નામ છે); અને છતાં આંખ આડે કાન થતાં હોય, ત્યારે સમજવું જોઈએ કે એવા ધર્મસ્થાનોએ ધાર્મિક નહીં, પરંતુ રાજનૈતિક હેતુ પૂર્ણ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

લાંબા સમય સુધી મહાદેવની કઠિન આરાધના કર્યા પછી ભગવાન વિષ્ણુ હજુ પણ નિરંતર એમનું સ્મરણ કરી રહ્યાં હતાં. મહાદેવ આખરે પ્રગટ થયા. માર્મિક અને રમતિયાળ સ્મિત સાથે એમણે ભગવાન વિષ્ણુને વરદાન માગવા કહ્યું. એ દ્રશ્ય જોઈને એવું લાગે જાણે ઈશ્વર સ્વયં જ પોતાની પાસેથી વરદાન માગી રહ્યા હોય!

ભગવાન વિષ્ણુએ સાધનાનો હેતુ જણાવીને કહ્યું કે શ્રીદામાના વધ માટે શસ્ત્રની જરૂર છે. મહાદેવે એ સમયે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુને પ્રદાન કર્યું. આ એ કથા છે, જેમાં ભગવાન વિષ્ણુ પહેલીવહેલી વખત સુદર્શન ચક્ર પોતાના હાથમાં ધારણ કરે છે. આની પહેલાં સુધી એમની પાસે ચક્રરૂપી શસ્ત્ર નહોતું.

પરંતુ આટલી સીધી રીતે કથા પૂર્ણ કેવી રીતે થાય? એમાં પણ વાત જો ભગવાન વિષ્ણુની હોય, તો પછી લીલા કર્યા વિના એમને કેમ પાલવે? લીલાધરે પોતાની લીલા આરંભી. એમણે ભગવાન શિવને કહ્યું કે, 'હું કેવી રીતે માની લઉં કે સુદર્શન ચક્ર એક અમોઘ શસ્ત્ર છે અને એના થકી શ્રીદામાનો વધ શક્ય છે? મારે તો પરીક્ષણ કરવું છે.'

મહાદેવ રહ્યા ભોળાનાથ! એમણે કહ્યું, 'તથાસ્તુ.'

'પ્રભુ, ચક્રનું પરીક્ષણ આપના પર કરવાની ઈચ્છા છે.'

'તથાસ્તુ' મહાદેવે ફરી કહ્યું.

સામાન્ય સંજોગોમાં તો આવો વિચાર પણ શી રીતે આવે? એક સાધક જેણે આકરી તપસ્યા કરીને ઈશ્વરને પ્રસન્ન કર્યા હોય, સાક્ષાત્કાર કર્યો હોય, એમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હોય અને ત્યારબાદ એમના જ વધ માટે અગ્રેસર થવાની ઘટના?

એટલે જ યોગયોગેશ્વરને લીલાધર કહેવાયા છે. હતપ્રભ કરી દેનારી આ વાત તેઓ જ કરી શકે. સામે પક્ષે, મહાદેવ પણ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા. ભગવાન વિષ્ણુ એક નવી લીલા આરંભી ચૂક્યા છે, એ વાતથી તેઓ બિલ્કુલ અજાણ નહોતાં.

ભગવાન વિષ્ણુએ એક ઝાટકે મહાદેવ પર સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો અને પછી જે બન્યું, એના માટે સમસ્ત બ્રહ્માંડ કદાપિ તૈયાર નહોતું; જેના વિશે વાત કરીશું આવતાં અઠવાડિયે.