- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી'- સૌમ્ય બોલ્યો અને પ્રિયા થોડી શરમાઈ ગઈ
'સૌ મ્ય તને પહેલાં જ કહી દઉં છું, સાંજે રિસેપ્શનમાં આવવું તો પડશે જ. કાયમ તું લોકોના ઘરે આવવાની ના પાડે છે અને પછી તારા પપ્પા સાથે માથાકુટ થાય છે. મહેરબાની કરીને ઘરમાં ઝઘડા ના કરાવતો.' - કૌમુદીબેને પોતાના દીકરાને આજીજીભર્યા અવાજે કહ્યું.
'યુ આર લેટ મિસિસ પંડયા. મને ગઈકાલે રાત્રે જ આદેશ મળી ગયો હતો કે રિસેપ્શન રિંગરોડ ઉપર છે અને તારે અમને ગાડી લઈને લઈ જવાના છે.' - સૌમ્યએ કટાક્ષભર્યા અવાજે કહ્યું અને કૌમુદીબેન હસી પડયા.
સાંજે ત્રિપુટી નીકળી પડી પપ્પાના મિત્રના દીકરાના રિસેપ્શનમાં. સૌમ્યને એક ટકા પણ રસ નહોતો છતાં જવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો. પાર્ટીપ્લોટમાં ભવ્યાતિભવ્ય આયોજન હતું. સુંદર સ્ટેજ અને અદ્વિતીય ભોજન વ્યવસ્થા કરેલી હતી. લોકોને બેસવા માટે સરસ ટેબલ ખુરશીઓ ગોઠવેલા હતા. ચાર-ચારના ટેબલ-ખુરશીના સેટ બનાવીને વચ્ચે મોટી ઈલેક્ટ્રિક સગડીઓ ગોઠવી હતી જેમાંથી નીકળતી ગરમી લોકોને શિયાળાની રાતની ઠંડીમાં રાહત આપતી હતી.
કોઈ પરિચિત દેખાય કે પપ્પાના જૂના મિત્રોનો કોઈ દીકરો અથવા તો કોઈ પરિચિત ચહેરો દેખાય તે માટે વલખાં મારતો હતો. મગજ આમતેમ જોઈને ચકરાવે ચડેલું હતું ત્યાં જ પપ્પાએ આદેશ કર્યો, 'બેટા જરાક ચક્કર મારી આવ અને સૂપ કે સ્ટાર્ટર કંઈક સારું હોય તો લેતો આવ.' સૌમ્ય માટે તો ભાવતું હતું ને વૈદ્યે કીધા જેવી સ્થિતિ હતી. તે તરત જ ઊભો થયો અને જમવાના કાઉન્ટર લગાવેલા હતા તે તરફ ઝડપથી ચાલવા લાગ્યો.
સૌમ્ય હજી તો ભોજનના કાઉન્ટર અને સત્કાર સમારંભના પ્લોટ વચ્ચે પાડેલા પાર્ટિશન સુધી પહોંચ્યો હશે ત્યાં જ તેના પગ અટકી ગયા. તેની સામે એક સુંદર ચહેરો ઉપસી આવ્યો.
વાદળોથી ઘેરાયેલા આકાશ વચ્ચે એકાએક ચંદ્ર નજર આવે તેવો સુંદર, સૌમ્ય અને શાંત ચહેરો તેની નજર સામે આવી ગયો હતો. સૌમ્ય દ્વારા પોતાની વાર્તામાં, કવિતાઓમાં જે દેહલાલિત્ય અને સુંદરતાનું વર્ણન કરવામાં આવતું હતું તે આજે સદેહે સામે હતું.
'તમે, પેલા પટેલકાકા લોકો બેઠા છે ત્યાંથી જ આવ્યા ને. મારી થોડી હેલ્પ કરશો. ત્યાં બધાને સુપ પીવું છે અને કંઈક કટકબટક શરૂ કરવું છે. હું એકલી બધા માટે બધું જ લઈ જઈ શકું તેમ નથી. તમને વાંધો ન હોય તો બે-ત્રણ પ્લેટ તમે પકડી લેશો.' - સુંદર રણકા સાથેનો અવાજ સૌમ્યના કાનમાં રેડાતો જતો હતો અને સૌમ્ય કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશતો જતો હતો.
'ઓ હલ્લો... હું તમને કહું છું.' - પેલી છોકરીએ સૌમ્યને હાથ પકડીને તેને હચમચાવ્યો. તેના સ્પર્શના સ્પંદનોથી તો સૌમ્ય લગભગ શરમાઈ ગયો કે ગભરાઈ ગયો કંઈ સમજાયું જ નહીં પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો.
'હ.. હા... હા... હા, એટલે કે હું ત્યાંથી જ આવ્યો. પટેલ કાકા પાસેથી જ. ચાલો બધું લઈ જઈએ.' સૌમ્ય એકદમ ઉત્સાહ સાથે પેલી યુવતીની પાછળ દોરાયો. સૌમ્ય તો જાણે કે પોતાની કવિતાને શબ્દદેહે નિહાળતો હોય તેમ પાછળ પાછળ ચાલ્યો જતો હતો.
પીળા રંગનો સુંદર ઝરી કામ કરેલો કુર્તો અને પાયજામો તેણે પહેરેલા હતા. વાળ ખુલ્લા અને સ્ટ્રેટનિંગ કરાવેલા હતા. લગ્નમાં આવવા જ આ રીતે તૈયાર થઈ હોય તેમ સ્પષ્ટ દેખાતું હતું. છતાં નાજુક નમણો ચહેરો, સરસ મોટી આંખો અને આંખોનું પણ અલગ જ કામણ હતું. તેના લેન્સ કદાચ કથ્થઇ રંગના હતા જે પાર્ટી પ્લોટની સફેદ હેલોજનમાં રંગ બદલતા હતા. સપ્રમાણ કપાળ અને કપાળમાં વચ્ચેવચ મરૂન રંગનો ચાંદલો અને ચાંદલાના સેન્ટરમાં પણ ઘાટ્ટા લીલા રંગની નાનકડી ટિલડી લગાવી હતી. એક હાથમાં બંગડીઓની કતાર હતી તો બીજા હાથમાં માત્ર એક ઘડિયાળ. આંગળીઓમાં ત્રણ-ચાર વીંટીઓ પણ હતી.
સૌમ્ય લગભગ પહેલી નજરના પ્રેમમાં પડી ગયો હતો. તેને હવે લગ્નમાં આવવાનો કંટાળો અચાનક જ જતો રહ્યો હતો. અસહ્ય ઠંડીમાં જેમ સગડીની પાસે બેસીને રાહત મળે તેમ અજાણ્યાઓની વચ્ચે એક ગમતો ચહેરો જોઈને તેને મનોમન હરખ આવતો હતો. તે લાગણી વ્યક્ત કરી શકતો નહોતો અને સંપૂર્ણ અનુભવી પણ શકતો નહોતો.
'તમારું નામ શું છે..'- સૌમ્ય જે રૂપ જોવામાં વ્યસ્ત હતો તે એકાએક રણક્યું.
'સૌમ્ય..'-બસ ટુંકો જવાબ નીકળ્યો.
'સૌમ્ય, તમે આ ખાલી પ્લેટમાં સુપના ચાર ગ્લાસ મુકી દો એટલે બીજો હાથ ખાલી રહે તેમાં પનીરની એક પ્લેટ પકડી લેવાય. આલુ ટિક્કીની બે પ્લેટ હું લઈ લઉં છું અને તેમાં બધાય લોકો માટે ભરી લઉં છું. આપણે એક જ ફેરામાં બધું આપીને શાંતિથી સુપ પીવા આવીએ.' -પેલી યુવતીએ કહ્યું અને સૌમ્યએ માથું હલાવ્યું.
'અમારા લોકોનું આમા થઈ જશે. જમવાનું અમે જાતે કરી લઈશું. તમે લોકો ખાઈ-પી લો.'-કૌમુદીબેન બોલ્યા અને પેલા બંને ખુશ થઈ ગયા.
બંને જણા ખાવા-પીવાની વસ્તુઓ આપી આવ્યા અને સુપ પીવા માટે આવ્યા. પ્લેટ લઈને ત્યાં ગોઠવેલી ખુરશીમાં બંને જણા ગોઠવાયા.
'મારું નામ પ્રિયદર્શિની છે. મેં તમારું નામ પુછી લીધું પણ મારું કહેવાનું જ ભુલી ગઈ હતી. તમે શોર્ટફોર્મમાં પ્રિયા કહી શકો છો.' - પ્રિયદર્શીની બોલી.
'મારે તો પ્રિય કહેવું છે...'-સૌમ્ય કંઈક બબડયો.
'તમે કંઈ કહ્યું.'-પ્રિયા બોલી.
'ના. નાઈસ ટુ મીટ યુ. તમને ક્યારેય જોયા કે મળ્યો નથી. તમે પટેલ કાકાને કેવી રીતે ઓળખો.'-સૌમ્ય બોલ્યો.
'મારા પપ્પા, પટેલ કાકા, પંડયા કાકા અને આ જેમનો પ્રસંગ છે તે દેસાઈ કાકા બધા કલીગ છે. તમે પટેલ કાકાને કેવી રીતે ઓળખો.'-પ્રિયા બોલી.
'તમે જે પંડયા કાકાની વાત કરી, તે મારા પપ્પા છે. તો તમે દવે કાકાની દીકરી છો.'-સૌમ્ય બોલ્યો.
'હા. તો પપ્પા વારંવાર તમારા ઘરે આવતા હોય છે. અઠવાડિયે એકાદ વખત તો પટેલ કાકા લેવા અને બંને પંડયાના ઘરે જવાનું કહીને નીકળી પડે.'-પ્રિયા બોલી અને સૌમ્ય હસી પડયો.
'તમે શું કરો છો, પ્રિયા.' સૌમ્યેએ થોડા શરમાતા સ્વરે કહ્યું.
'મેં સોફ્ટવેરમાં માસ્ટર્સ કર્યું છે અને અમેરિકી કંપની માટે વર્ક ફ્રોમ હોમ કરું છું.' -સૌમ્યા બોલી. 'તમે શું કરો છો.'
'હું તો ગુજરાતીનો સામાન્ય પ્રોફેસર છું અને મરીઝ ઉપર હાલમાં પીએચડી કરી રહ્યો છું.' - સૌમ્યએ કહ્યું.
'અરે વાહ. તમે ગુજરાતના ગાલિબ ઉપર પીએચડી કરો છો એમ ને. તો જિંદગીના રસને પીવામાં જલદી કરજો... ક્યાંક જામ ગળવા ન લાગે.'- પ્રિયા બોલી અને હસી પડી.
'વાહ. કમ્પ્યુટરની ભાષા સમજનારા લોકોને ગુજરાતી ભાષા અને ગુજરાતના ગાલીબની પણ ખબર છે એમ.'-સૌમ્ય બોલ્યો.
'જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ, બધે કહેવું પડે છે કે, કહાની લઈને આવ્યો છું.' -પ્રિયાએ શેર કહ્યો અને સૌમ્ય આશ્ચર્યમાં મુકાઈ ગયો.
'કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી'- સૌમ્ય બોલ્યો અને પ્રિયા થોડી શરમાઈ ગઈ. સૌમ્યના ચહેરા ઉપર પણ ગુલાબી આવી ગઈ.
ત્યારબાદ બંને વચ્ચે પછી ઘણી વાતો થઈ, શેર-શાયરીની આપ લે થઈ અને લગભગ બે કલાક નીકળી ગયા. બંનેને કદાચ એકબીજામાં રસ પડયો હતો પણ કોઈ બોલવા માટે તૈયાર નહોતું કદાચ. આખરે બંને ભોજન કરીને તેમના પરિવાર પાસે આવ્યા.
'ચાલ સૌમ્ય બહું મોડું થઈ ગયું છે. કાલે સવારે પપ્પાને દિલ્હી જવાનું છે. તારે પણ કોલેજ જવાનું છે. આવજો બધા. સુરેશભાઈ તમે પણ એકાદ દિવસ દીકરી અને જમાઈ સાથે ઘરે આવો. દીકરી હવે બે-ચાર મહિનાની મહેમાન છે. પરણીને લંડન જતી રહેશે પછી
અમારી જોડે જ જિંદગી કાઢવાની છે.' - કૌમુદીબેન બોલ્યા અને સૌમ્ય અને પ્રિયા બંને ચમક્યા. બંનેએ એકબીજા સામે જોયું અને બંનેના ચહેરા ઉપર અજાણી ઉદાસી આવી ગઈ.
પાર્ટીપ્લોટની બહાર બધા આવ્યા અને પાર્કિંગ તરફ જતા જતા સૌમ્ય અને પ્રિયાએ છેલ્લી વખત એકબીજા સાથે વાત કરી.
'મળીએ ફરી ક્યારેક મરીઝની મહેફિલમાં.'- પ્રિયાએ ભારે અવાજે કહ્યું.
'કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ, પોતે ન દે, બીજા કને માગવા ન દે.' - સૌમ્યએ સાવ ફિક્કા સ્વરે જવાબ આપ્યો અને પ્રિયા તેની સામે જોઈ રહી.
'શું વિચારો છો...' સૌમ્યએ કંપતા સ્વરે કહ્યું.
'એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા, સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.' - પ્રિયાએ કહ્યું અને ગાડીમાં બેસી ગઈ. સૌમ્ય નિરાશ વદને પોતાની ગાડી લેવા જતો રહ્યો.


