- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- પિતાએ પહેલવાની શીખવવાની કોશીશ કરી પણ આત્મરુચીને સહારે નિશાનેબાજીમાં પ્રવેશનારી સુરુચી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત અને વર્લ્ડ કપ ફાઈનલ સહિતની ર્ટુ્નામેન્ટમાં સ્વર્ણિમ સફળતા મેળવી ચૂકી છે
ર સ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઈને મનમાં મરી જવાના.... જિંદગીના ઉચ્ચ ધ્યેેયની પ્રાપ્તિની સાથે સાથે પોતાની પ્રતિભાનો વિસ્તાર કરવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. અનેક પ્રકારના પડકારોની વચ્ચે પણ સતત પ્રયાસ કરતાં રહેવાને પરણામે એક નવો રસ્તો શોધી કાઢી શકાય છે. તે જ વ્યક્તિત્વના વિકાસના પાયાની ભૂમિકા ભજવે છે અને તેના થકી જ એક ચેમ્પિયન તરીકેનું વ્યક્તિત્વ ઘડાય છે. તેમાં ય જો યોગ્ય પ્રતિભાને સમયસર અસરકારક માર્ગદર્શનનો સાથ મળે તો ખુબ જ યુવા વયથી જ ઉજ્જવળ પરિણામોનો ચમકારો જોવા મળે છે અને તેના થકી નવી આશાનું અજવાળું ચારેકોર ફેલાય છે.
ભારતીય નિશાનેબાજીનો ઈતિહાસ તો જગવિખ્યાત છે. તેનું જ પ્રતિબિંબ આધુનિક સમયમાં ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતના રમતોત્સવોના ચંદ્રકોની યાદીમાં સ્પષ્ટ દેખાય છે. રાજ્યવર્ધન સિંહ રાઠૌરે એથેન્સ ઓલિમ્પિક ૨૦૦૪માં ડબલ ટ્રેપ શૂટિંગમાં મેળવેલા રજત ચંદ્રકની સાથે ઓલિમ્પિકની નિશાનેબાજીની રમતમાં શરુ થયેલી ભારતની સફર સતત આગળ વધતી રહી છે. ભારતના ઓલિમ્પિક ચંદ્રકોના ઈતિહાસ પર નજર કરીએ તો સૌથી વધુ ચંદ્રકો હોકી અને કુસ્તી પછી ત્રીજા ક્રમેે નિશાનેબાજીની રમતમાં રમતવીરોએ હાંસલ કર્યા છે.
૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાના સુવર્ણ ચંદ્રકથી લઈને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરના બેવડાં કાંસ્યચંદ્રક સીમાચિહ્નરુપ રહ્યા છે. આ ઉપરાંત ગગન નારંગ, વિજય કુમાર તેમજ સ્વપ્નિલ કુસાલેેની સફળતાએ પણ યુવા પેેઢીને એકાગ્રતાની સાથે સાથે નિયંત્રણની આ રમતમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે. ઓલિમ્પિયનોની સફળતાને પગલે જ ભારતમાં નિશાનેબાજીની રમતમાં નવી પ્રતિભાઓનું આગમન જારી રહ્યું છે અને યુવા પ્રતિભાશાળી નિશાનેબાજોમાં ૧૯ વર્ષની સુરુચી સિંઘનો પણ સમાવેશ થાય છે.
હજુ તો યૌવનના ઉંમરે ડગ માંડી રહેલી હરિયાણાની નિશાનેબાજ સુરુચી સિંઘે વિશ્વ સ્તરની મેજર ચેમ્પિયનશિપ્સમાં પાંચ સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્યની સાથે કુલ મળીને ૧૦ ચંદ્રકો જીતી લીધા છે. સુરુચી પણ મનુ ભાકરની જેમ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટની નિશાનેબાજ છે. આ ઈવેન્ટમાં અત્યંત તીવ્ર સ્પર્ધા હોવા છતાં સુરુચીએ જે પ્રકારની સફળતા મેળવી બતાવી છે, તે જ તેની પ્રતિભાને ભાવિ આશાસ્પદોની હરોળમાં સ્થાન અપાવવા માટે પુરતી છે.
આર્જેન્ટીનાના બ્યૂનોસ એયર્સ ખાતેના શૂટિંગ વર્લ્ડ કપમાં પહેલી જ વખત ૧૯ વર્ષની સુરુચીએ ભાગ લીધો અને ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો. આ પછી તેે લીમા અને મ્યુનિચમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ સુરુચીની સ્વર્ણિમ કમાલ કરી દેખાડી હતી. તેણે લિમામાં યોજાયેલા વર્લ્ડ કપમાં તો ઓલિમ્પિકમાં બેવડાં ચંદ્રક જીતનારી નિશાનેબાજ મનુ ભાકરને મહાત આપી હતી. તેણે દોહામાં યોજાયેલી વર્લ્ડ કપ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં પણ સુવર્ણ ચંદ્રક હાંસલ કરવાની વિરલ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ કપની ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં માત્ર એ જ શૂટરો ભાગ લેતા હોય છે કે, જેઓ વર્ષ દરમિયાન યોજાતી ચાર વર્લ્ડ કપની ઈવેન્ટમાં મેડલ જીત્યા હોય અથવા તો સાતત્યભર્યા દેખાવની સાથે ટોચના ચાર ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે ટીમ ઈવેન્ટમાં રજત ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. જેમાં તેની સાથે મનુ ભાકર અને એશા સિંઘ પણ હતા. જોકે, તે વ્યક્તિગત ઈવેન્ટમાં ૧૪મા અને મિક્સ ટીમ ઈવેન્ટમાં આઠમા ક્રમે રહી હતી. અલબત્ત, કારકિર્ર્દીના શરુઆતના જ વર્ષોમાં તેણે જીતેલા ચંદ્રકોની સંખ્યાને જોતા સુરુચી આગામી સમયમાં ભારતીય રમત ઈતિહાસમાં પોતાનું સ્થાન વધુ ઊંચાઈ પર પહોંચાડશે તે નક્કી લાગી રહ્યું છે. સુરુચીની આંતરરાષ્ટ્રીય સ્તરની ચંદ્રક વિજેતા નિશાનેબાજ તરીકેની સફરમાં તેના પિતા ઈન્દેર સિંઘનો ફાળો મહત્વનો બની રહ્યો છે. બોક્સરો અને પહેલવાનોની ભૂમિ તરીકે ઓળખાતા હરિયાણાના જઝ્ઝરમાં આવેલા સરસોલીમાં વસતા ફોગાટ પરિવારમાં પ્રથમ સંતાન તરીકે જન્મેલી સુરુચીનું બાળપણ ઘર કરતાં ખેતરમાં વધુ પસાર થયું. તેના પિતા ઈન્દેર સિંઘ ભારતીય સૈન્યમાં હવાલદાર તરીકે ફરજ બજાવી ચૂ્ક્યા છે. તેઓની ઈચ્છા હતી કેે, સુરુચી કોઈ ને કોઈ રમતમાં આગળ વધે. જેના કારણે તેનું જીવન શિસ્તબદ્ધ બને. ઈન્દેર એક ખરા ફૌજી પિતાની જેમ તે પણ સંતાનોને બાળપણથી જ અનુશાસન અને નિયમપાલનના પાઠ ભણાવવા માંગતા હતા.
ઈન્દેર ખુદ એક જમાનામાં અચ્છા પહેલવાન રહી ચૂક્યા હતા અને તેઓ ક્રોસ કન્ટ્રી રેસર પણ હતા. વધુમાં તેમના ઘરની નજીક રહેતા તેમના પરિવારના દૂરના સંબંધી એવા વિજેન્દર સિંઘે ૨૦૦૫માં ડેફિલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. મૂક-બધિરો માટેના મહા રમતોત્સવ ડેફિલિમ્પિક્સમાં વિજેન્દરની સફળતાએ ભારતીય રમતજગતમાં ઈતિહાસ રચ્યો હતો અને તેની સફળતાથી પ્રેરાઈને જ 'ગૂંગા પહેલવાન' નામની એક દસ્તાવેજી ફિલ્મ બની હતી. તેનાથી પ્રભાવિત થયેલા ઈન્દેરની ઈચ્છા પણ સુરુચીને પહેલવાન બનાવવાની હતી.
હરિયાણામાં અખાડાની કોઈ કમી નહતી અને ઈન્દેરે નાનકડી સુરુચીને પહેલેથી જ ખડતલ બનાવવાનું નક્કી કર્યું. જોકે, નાનકડી સુરુચીને અખાડો ન ફળ્યો. થોડા જ દિવસની તાલીમ દરમિયાન સુરુચીને ખભાના હાડકામાં ફ્રેક્ચર થઈ ગયુ અને આ પછી તેમણે સુરુચીને કુસ્તીના અખાડામાં મોકલવાનું માંડી વાળ્યું. આ દરમિયાન તેમણે સુરુચીને ભિવાનીમાં આવેલી સુરેશ સિંઘની ગુરુ દ્રોણાચાર્ય એકેડમીમાં મૂકવાનો નિર્ણય લીધો. ઘરથી એકેડમી સુધીનું અંતર લગભગ ૩૦ કિલોમીટરનું હતુ, પણ ઈન્દેર પુત્રીને આંતરરાષ્ટ્રીય સ્તરની ખેલાડી બનાવવા માટે મક્કમ હતા અને આ જ કારણે તેઓએ સૈન્યમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી.
સુરેશ સિંઘ પણ ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે અને તેમના માર્ગદર્શન નીચે સુરુચીની સાથે સાથે મનુ ભાકર પણ તૈયાર થઈ. આ દરમિયાન કોરોનાની મહામારીએ બધુ ઠપ કરી દીધું, ત્યારે સુરુચીની પ્રેક્ટિસનો પ્રશ્ન સર્જાયો જોકે, સુરુચીના ઘરની પાસે જ એક કારગીલ યુદ્ધ લડી ચૂકેલા જવાન અનિલ જાખરની શૂટિંગ રેન્જ આવેલી હતી. તેમણે કોરોના દરમિયાન સુરુચીની પ્રેક્ટિસને અસર થવા ન દીધી. તેના પિતાએ પણ કોરોના દરમિયાન સુરુચીની રમત પર કોઈ પ્રભાવ ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું.
કોરોનાના સમયમાં કરેલી પ્રેક્ટિસનો ફાયદો સુરુચીને ત્યાર બાદ મળ્યો. તેણે જુુનિયર લેવલની સ્પર્ધામાં શાનદાર દેખાવ કરતાં ભારતની જુનિયર શૂટિંગ ટીમમાં સ્થાન મેળવી લીધું. વર્ષ ૨૦૨૩માં જર્મનીના સુહલમાં યોજાયેલા જુનિયર વર્લ્ડ કપમાં સુરુચીએ મહિલા ટીમ ઈવેન્ટમાં રજત અને મિક્સ ટીમ ઈવેન્ટમાંં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. આ પછી તેનો ઉત્સાહ બેવડાયો અને તેણે ત્યાર બાદ સિનિયર લેવલની સ્પર્ધામાં ભાગ લેેવાનું શરુ કર્યું. કોચ સુરેશ સિંઘના માર્ગદર્શનની સાથે સુરુચીની મહેનત રંગ લાવવા લાગી. ભારતીય ટીમની ટ્રાયલ્સમાં તેણે શાનદાર દેખાવ કર્યો. આ પછી વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેણે ચંદ્રકો જીતવા માંડયા અને પોતાનું સ્થાન ભારતીય ટીમમાં વધુ મજબુત કરી લીધું.
સુરુચીએ ગત એક જ વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયશિપમાં સિલ્વર, વર્લ્ડ કપ ફાઈનલમાં ગોલ્ડ, એશિયન ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ, વર્લ્ડ કપમાં ચાર ગોલ્ડ અને એક કાંસ્ય ચંદ્રક જીતી લીધા હતા. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં તેના આગમનનો ડંકો વગાડી દીધો છે. હવે બધાની નજર ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિક પર મંડાયેલી છે, ત્યારે સુરુચી સિંઘ ભારતને માટે ચંદ્રક જીતવાના સંભવિત દાવેદારોમાં અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે.


