Get The App

આફતે આપ્યું અનેરું લક્ષ્ય .

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
આફતે આપ્યું અનેરું લક્ષ્ય                            . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

હ રિયાણાના જિંદ જિલ્લાના ખાંડા ગામમાં સેન્ડી ખાંડાનો જન્મ થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે એનો પરિવાર દિલ્હીમાં સ્થાયી થયો. અહીં સેન્ડીએ એન્જિનીયરની ડિગ્રી મેળવી. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી શરૂ કરી, પરંતુ ૨૦૧૬માં તેને થયેલા એક માર્ગ અકસ્માતે તેના જીવનની દિશા બદલી. એ અકસ્માત એટલો ભયાનક હતો કે એના શરીર પર અનેક ફ્રેક્ચર થયા, કેટલાક અંગો પર ઊંડી અને ગંભીર ઈજા થઈ અને એક મહિનો કોમામાં રહ્યા. ડૉક્ટરે તેના જીવનની આશા છોડી દીધી હતી અને પરિવારને પણ માનસિક રીતે એ અંગે તૈયાર કરી દીધો હતો, પરંતુ ધીમે ધીમે એના શરીરમાં ચેતન આવતું ગયું. એક દિવસ સૂતા સૂતા રૂમની છત સામે જોઈને વિચાર કર્યો કે ઈશ્વરે બીજું જીવન આપ્યું છે, તો તેનો સમાજ માટે ઉપયોગ કરવો જોઈએ. તેઓ કહે છે કે આ એક વર્ષમાં બાળકથી વૃદ્ધના જીવનની અનુભૂતિ થઈ, કારણ કે તેઓ ચાલતા શીખ્યા, વ્હીલચૅરમાં ફર્યા અને લાકડીના ટેકે ટેકે પણ ચાલ્યા.

નોકરી છોડીને ૨૦૧૯માં એમણે ગ્રીન પેન્સિલ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેમણે અત્યાર સુધી સમાજમાં જે જોયું હતું, અનુભવ્યું હતું તેવાં ક્ષેત્રોમાં કામ કરવાનું નક્કી કર્યું. તેઓ નાના હતા, ત્યારે પોતાના કુટુંબમાં, સ્કૂલમાં અને ગામમાં લૈંગિક ભેદભાવનો અનુભવ કર્યો હતો. સાતમા ધોરણમાં હતા, ત્યારે એક વિદ્યાર્થિનીને બ્લીડિંગ થવા લાગ્યું ત્યારે ઘણું નકારાત્મક વાતાવરણ સર્જાયું. ઘરે આવીને માતાને પૂછયું, પણ કોઈ જવાબ ન મળ્યો. સ્ત્રીઓને આવતા પીરિયડની વાત પણ ન કરી શકાય તે ઘટના તેમના મનમાં ઊંડે સુધી સ્પર્શી ગઈ હતી. તેથી પહેલું કામ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કર્યું. કુટુંબ, સ્કૂલના અધિકારીઓ સાથે તેમજ સરકારના વિરોધ વચ્ચે પણ પોતાની વાત પર મક્કમ રહ્યા. એક તો મધ્યમ વર્ગમાંથી આવવાને કારણે અને આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે પોતાની જાતને અને ફાઉન્ડેશનને સંભાળતા, તેમાંથી શીખતા તેઓ આગળ વધ્યા. સ્ત્રીઓને આવતા પીરિયડની વાત કરી જ ન શકાય એવા વાતાવરણ વચ્ચે તેમણે અનેક સ્કૂલોમાં જઈને આના વિશે સ્ત્રીઓને જાગૃત કરી. આ વિશે જાગૃતિનો અભાવ અને પૂરતી સગવડ નહીં મળવાથી સ્ત્રીઓ સેનેટરી પેડ કે કપડાં ખુલ્લી જગ્યામાં નાખતા હતા. આજે છવ્વીસ શહેરની બસો જેટલી ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓની માન્યતા બદલાઈ છે અને બે લાખ સ્ત્રીઓ કોટન પેડ જે ઈકો-ફ્રેન્ડલી છે તેનો ઉપયોગ કરે છે.

જાહેર આરોગ્યની સાથે બીજું ક્ષેત્ર છે પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ વિશે લોકોમાં જાગૃતિ આણવાનું તેમજ શિક્ષણનું. શિક્ષણ માટે તેમણે શહેરમાં ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકો માટે 'સ્લમ ટૂ સ્કૂલ' અભિયાન ચલાવ્યું. ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારનાં બાળકો નાનું-મોટું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતા હોય છે. તે ઉપરાંત એમની પાસે સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેના પૂરતા ડોક્યુમેન્ટ પણ હોતા નથી. આવા પડકારો વચ્ચે પણ ઘણાં બાળકોને શિક્ષણ આપીને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. આબોહવા પરિવર્તનની વાત શહેરમાં જેટલી ઝડપથી સમજાય છે તેટલી ગામલોકોને સમજાવવી મુશ્કેલ હોય છે, પરંતુ ગ્રીન પેન્સિલ ફાઉન્ડેશન તેનું કામ ગામડાંઓમાં કરે છે. તેને નામ આપ્યું 'ક્લાયમેટ ચોપાલ'. ગામડાંમાં સહુ ભેગા મળીને જે સમસ્યાઓ આવે છે તેની વાત કરે છે અને સરકારની નીતિનો ખ્યાલ આપવામાં આવે છે. ટકાઉ જીવનશૈલી માટે દરેક નાગરિકની ભાગીદારી હોવી જોઈએ અને આ માટે એમને પ્રત્યક્ષ રીતે સમજ મળે તેવો પ્રયત્ન કરે છે.

ફરીદાબાદમાં ઈકો-ફ્રેન્ડલી લાયબ્રેરીની શરૂઆત કરી છે. તેમણે જોયું કે સ્કૂલોમાં સૌથી શાંત અને અવગણના પામેલી કોઈ જગ્યા હોય તો તે લાયબ્રેરી છે. તેમણે ફરીદાબાદની ચાર સરકારી સ્કૂલોમાં આની પહેલ કરી. તેમણે ઘરેથી નકામી પ્લાસ્ટિક બોટલો મંગાવી તેની ઉપરથી કાપી, તેમાં માટી ભરીને વર્ટીકલ ગાર્ડન બનાવ્યું. બેસવા માટે બામ્બૂનું ફર્નીચર, કચરો નાખવા માટે ડસ્ટબીન, ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની સમજ આપી, ડિજીટલ રીડિંગ કોર્નર બનાવ્યું અને પેપરલેસ લર્નિંગ થઈ શકે તે સમજાવ્યું. વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મૂકાવ્યા. આ બધું વિદ્યાર્થી પ્રક્રિયા, પ્રોજેક્ટ અને ચર્ચા દ્વારા ઊંડાણમાં શીખે, જેથી ભવિષ્યમાં પર્યાવરણ સંરક્ષણ તેમના સંસ્કાર બની રહે એવો ઉદ્દેશ છે. ક્લાસરૂમમાં ઓછું અને કુદરત સાથે વધુ રહીને બાળકો શીખે અને ઘરમાં પણ તેઓ તેવું જીવન જીવે. તેઓ ટકાઉ જીવનશૈલી માટે વર્કશોપ પણ કરે છે અને સમજાવે છે કે છોડ કાર્બનને કેવી રીતે શોષે છે, ભીના અને સૂકા કચરાને શા માટે છૂટો પાડવો જોઈએ, પાણી શા માટે બચાવવું જોઈએ, રોજિંદા જીવનમાં હવા, પાણી, વૃક્ષો અને પ્રાણીઓ જીવનને કેવી રીતે અસર કરે છે. આ બધી બાબતોને પ્રવૃત્તિ દ્વારા શીખવે છે. આ બધામાં વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે છે અને તેઓ સમજ્યા કે કુદરતને માત્ર પાઠયપુસ્તક દ્વારા સમજી શકાય નહીં. વૃક્ષો માત્ર શોભા માટે નથી, પણ આપણા સ્વસ્થ જીવન માટે અનિવાર્ય છે. આજે આ ફાઉન્ડેશન ત્રણ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું છે. તેમણે 'વન હોમ, વન ટ્રી'નું અભિયાન ચલાવ્યું છે. તેઓ માને છે કે સફળતા ઍવૉર્ડ કે પ્રશંસાથી નહીં, પરંતુ કેટલા લોકોએ આ જીવનશૈલી અપનાવી અને કેટલા બાળકોને સ્વચ્છ હવા અને સારું શિક્ષણ મળ્યું તેનાથી માપવી જોઈએ. આપણું અસ્તિત્વ કુદરતને, પ્રકૃતિને આધારિત છે, આપણે ઘણી વસ્તુ ખરીદી શકીએ, પરંતુ કુદરત જે રીતે ઑક્સિજન કે ભોજન આપે છે તેવું આપણે કરી શકીશું નહીં.

અસંભવને સંભવ કર્યું!

વર્ષે ચાળીસ લાખ રૂપિયાની કમાણી કરતી અને અનેક ઍવૉર્ડ મેળવી ચૂકેલા સંતોષ દેવી મહિલા સામર્થ્ય અને સશક્તીકરણનું પ્રતીક છે

ઠંડા પ્રદેશમાં થનારું સફરજન રાજસ્થાનની ગરમીમાં કેવી રીતે ઊગી શકે તે પ્રશ્ન થાય, પણ આ અશક્ય વાતને શક્ય બનાવી છે સંતોષ દેવી ખેદડે! સંતોષ દેવી રાજસ્થાનના સીકર જિલ્લાના બેરી ગામમાં રહે છે. ફળોની ખેતી કરીને તે શેખાવટી કૃષિ ફાર્મ અને નર્સરી ચલાવે છે. રાજસ્થાનના ઝૂંઝનૂંમાં જન્મેલી સંતોષ દેવીએ બાર વર્ષની ઉંમરે ખેતીની પદ્ધતિ શીખીને કુશળતા પ્રાપ્ત કરી. ૧૯૮૯માં પંદર વર્ષની ઉંમરે તેના લગ્ન રામકરણ ખેદડ સાથે થયા. પતિ રામકરણ હોમગાર્ડની નોકરી કરતા હતા. ૨૦૦૮માં હોમગાર્ડની નોકરીમાં ત્રણ હજાર પગાર હતો, પરંતુ ત્રણ બાળકો સાથે પરિવારનું ગુજરાન કરવું અને બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડવા લાગી.

રામકરણના પિતા પાસે વીસ વીઘા જમીન હતી. તેમાં ત્રણ પુત્રો અને એક પોતાનો એમ ચાર ભાગ પાડતા રામકરણને પાંચ વીઘા જમીન મળી હતી, પરંતુ તેના પર ખેતી કરવાનો વિચાર ક્યારેય નહોતો આવ્યો. હોમગાર્ડની નોકરી દરમિયાન એક અધિકારી રામકરણને પોતાનો બગીચો જોવા લઈ ગયા જ્યાં દાડમના ઝાડ હતા. ઘરે આવીને રામકરણે સંતોષને વાત કરી. ત્યારે સંતોષ દેવીએ પતિને નોકરી છોડીને ખેતી કરવાનું કહ્યું. સંતોષે વિચાર્યું કે બંને સાથે મળીને મહેનત કરીશું અને દાડમની ખેતી કરીશું. બેરી ગામની શુષ્ક વિસ્તારોમાં ગણતરી થાય છે. ભૂગર્ભ જળનું સ્તર ઘણું નીચું અને જમીન રેતીવાળી. ન ટયૂબવેલ કે ન વીજળી. આવી જમીન પર ખેતી કરવાનું વિચારવું તે મૂર્ખતાભરેલું લાગતું, પરંતુ સંતોષે શુષ્ક અને દુર્ગમ જમીનમાં સફળતાપૂર્વક ફળોની ખેતી કરી.

૨૦૦૮-૦૯માં રાષ્ટ્રીય બાગબાની વિકાસ યોજના અંતર્ગત સીકરમાં દાડમના બગીચા વિકસાવવા માટે 'સિંદૂરી' દાડમનાં છોડ વિતરણ કરવામાં આવતા હતા. એક છોડની કિંમત પચીસ રૂપિયા હતી. રામકરણ અને સંતોષ દેવીએ સાડા પાંચ હજારમાં બસો વીસ છોડ ખરીદ્યા. એ છોડ વાવવા અને ડ્રિપ સિંચાઈ કરવા માટે પિસ્તાળીસ હજારનો ખર્ચ થતો હતો, પરંતુ આટલા પૈસા ન હોવાથી પોતાની ભેંસ પચીસ હજારમાં વેચી દીધી અને વીસ હજાર સગાંવહાલાં પાસેથી ઉછીના લીધા. આ રીતે દાડમની ખેતી શરૂ કરી. તેના માટેનું હર્બલ ખાતર, પંચામૃત તેમજ જીવામૃત ખેતર પર જ તૈયાર કરતા. અઢી વીઘા જમીનમાં આ ખાતર નાખીને જમીનને તૈયાર કરી. ફેબ્રુઆરી મહિનામાં પંદર બાય પંદર ફૂટના અંતરે એક-એક ફૂટનો ખાડો કર્યો, તેમાં જૈવિક ખાતર નાખીને છોડ વાવ્યા. ત્રણ વર્ષ સુધી સખત પરિશ્રમ કરીને છોડને બાળકોની જેમ સાચવ્યા. તેમણે પેસ્ટિસાઇડ કે કેમિકલનો ઉપયોગ કર્યો નહોતો. ૨૦૧૧માં ત્રણસો ટન દાડમનું ઉત્પાદન થયું અને પચીસ લાખની આવક થઈ હતી અને એક દાડમ આઠસો ગ્રામના થયા હતા. દાડમને તોડવા, પેક કરવા અને બજાર સુધી પહોંચાડવામાં પંદર હજારનો ખર્ચ થયો, તેથી ઘણો નફો મળ્યો.

હવે સંતોષ દેવીની હિંમત વધી. તેમણે લીમડો, ધતૂરો, દેશી ગાયનું ગોમૂત્રથી જૈવિક કીટનાશક બનાવ્યું તો ગોમૂત્ર, અડદનો લોટ, ગોળ જેવી વસ્તુઓથી જીવામૃત બનાવ્યું. આજે તેમની નર્સરીમાં વીસ હજારથી વધારે દાડમના છોડ છે અને રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં તેમના દાડમ વેચાય છે. ૨૦૧૫થી તેમણે સફરજનની ખેતી શરૂ કરી છે અને આજે તેના એકસો વૃક્ષ છે. પ્રત્યેક વૃક્ષ સરેરાશ એંશી કિલો સફરજન આપે છે અને એક સફરજનનું વજન આશરે બસો ગ્રામ હોય છે. હિમાચલ પ્રદેશના ખેડૂતે વધુ તાપમાનમાં પણ સફરજન થઈ શકે તેવી એચ.આર.એમ.એન.એન. ૯૯ની જાત વિકસાવી છે, તેની ખેતી સંતોષ દેવી કરે છે. તેમના ફાર્મ પર સફરજન ખરીદવા ઘણા આવે છે, કારણ કે અન્ય સફરજન કરતા આ સફરજનમાં મીઠાશ વધુ છે. તેઓ ચીકુ, સફરજન, દાડમ, લીંબુ, કિન્નૂ, થાઈબેર, જામફળ અને અન્ય ફળો ઊગાડે છે તેમજ નર્સરીમાં છોડ વેચે પણ છે. તેઓ અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે જાગ્રત કરીને તાલીમ પણ આપે છે.સંતોષ દેવીએ તેની એક માત્ર ભેંસ વેચીને ખેતીની શરૂઆત કરી હતી. તમે એને પૂછો કે ભેંસ વેચવાનો અફસોસ છે? ત્યારે હસતાં હસતાં તેના આંગણામાં બે ભેંસ, બે ગાય અને બે બકરીને બતાવશે. સંતોષ દેવીની એક પુત્રી અને પુત્ર કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક થયા છે. તેમની મોટી પુત્રીના લગ્ન વખતે કન્યાદાનમાં પાંચસો છોડ ભેટમાં આપ્યા હતા. લગ્નમાં જાનમાં આવેલા જાનૈયાઓને બે બે છોડ આપેલા. લગ્નમંડપની સજાવટ લીંબુ અને અન્ય છોડથી કરીને પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. દર વર્ષે અન્ય ખેડૂતો સાથે મળીને એંશી હજાર છોડ લગાવીને પર્યાવરણ સંરક્ષણનું કામ પણ કરે છે. પાંચ ધોરણ સુધી અભ્યાસ કરનાર સંતોષ દેવી માને છે કે હિંમત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. રેગિસ્તાની જમીન પર અસંભવ ગણાતી ખેતીને સંભવ કરી બતાવનાર સંતોષ દેવી આજે ખેડૂતો માટે પ્રેરણા બની ચૂક્યા છે. વર્ષે ચાળીસ લાખ રૂપિયાની કમાણી કરતી અને અનેક ઍવૉર્ડ મેળવી ચૂકેલા સંતોષ દેવી મહિલા સામર્થ્ય અને સશક્તીકરણનું પ્રતીક છે.