Get The App

આંખોના અંધાપા કરતાં ભીતરનો અંધાપો વધુ અંધકારઘેરો હોય છે!

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
આંખોના અંધાપા કરતાં ભીતરનો અંધાપો વધુ અંધકારઘેરો હોય છે! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- ભીતર બે પ્રકારનું હોય છે. એક ભીતર સ્વપ્નમાં ડૂબેલું હોય છે અને બીજું ભીતર સત્યમાં વસેલું હોય છે

સં ત કબીરે અગિયારમી દિશાની વાત કરી છે. આ અગિયારમી દિશાના દ્વાર ખૂલે કઈ રીતે ? બાહ્ય જગતની દશે દિશાઓની દોડમાં એ પદાર્થને શોધે છે, જ્યારે અગિયારમી દિશાની શોધમાં એ પરમાત્માને શોધે છે. બાહ્ય માયા ત્યજીને એ મોહની ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈને ભીતર ભણી જાય છે, ત્યારે એની સુષુપ્તિ ચાલી જાય છે અને સહજતાથી આત્મબોધ જાગે છે. 

આને સચોટ દ્રષ્ટાંતથી દર્શાવતાં સંત કબીર કહે છે કે જેમ જળની વચ્ચે કમળ હોય છે અને કમળની વચ્ચે કળીઓ હોય છે અને કળીઓની વચ્ચે ભમરો નિવાસ કરે છે, એ જ રીતે આપણા દેહમાં હૃદય છે, એ હૃદયમાં વૃત્તિઓના વાસ છે અને વૃત્તિઓમાં આત્મા નિવાસ કરે છે. આ આત્મા આમ તો બાદશાહ જેવો છે. સ્વામી જેવો અતિ સમર્થ છે. માત્ર અફસોસ એ વાતનો છે કે એ પોતાના મનનો ગુલામ થઈને અન્યત્ર ભટકે છે. 

સંત કબીરની વિચારધારાનો સાર એટલો જ કે બહાર સુખબોધ છે અને ભીતર આત્મબોધ છે. સંત કબીરે આત્મબોધને શ્રેષ્ઠ માને છે. સર્વ સાધનાનો હેતુ એટલો જ છે કે માનવીની ભીતરમાં રહેલા એ આત્મબોધને જાગ્રત કરવો. 

આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધ એ ત્રણ ઘટક છે. આત્મખોજ સાથે એક શોધ જોડાયેલી છે. બહારની દુનિયામાંથી નીકળીને સાધક ભીતરમાં દુનિયામાં એની ખોજ શરૂ કરે છે. એને જે શોધે છે, તે એને પામે છે. બીજું આત્મજ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન. આમાં સાધકને જ્ઞાનપ્રાપ્તિ થાય છે, જ્યારે સંત કબીર જેને બોધ કહે છે એ તો પ૨મ જાગૃતિ છે. આવો આત્મબોધ હોય નહીં, તો ભીતર કદી જાગે નહીં. 

ભીતરના સ્વરૂપની ઓળખ આપતાં સંત કબીર કહે છે કે ભીતર બે પ્રકારનું હોય છે. એક ભીતર સ્વપ્નમાં ડૂબેલું હોય છે અને બીજું ભીતર સત્યમાં વસેલું હોય છે. એક ભીતરમાં તમે સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નદર્શનમાં સમગ્ર જિંદગી પસાર કરી શકો છો, તો એ જ ભીતરમાં તમે જાગૃતિ આણીને આત્મબોધ પ્રાપ્ત કરો છો. ભીતરમાં બંને પ્રકારની ક્ષમતા છે. એક તમને જીવનભર બાહરી માયામાં ડૂબેલા રાખે અને બીજી તમારા જીવનમાં જાગૃતિ પ્રગટ કરે. બાહ્ય દોટ આત્મરોગી બનાવે છે, અંતરની યાત્રા આત્મબોધિ સર્જે છે. 

સ્વામી રામતીર્થે કહ્યું છે, 'જ્યારે તમે બહારની વસ્તુઓને પકડવા કે પોતાની કરવા ઇચ્છો છો, ત્યારે તે ઠગારી બની તમારા હાથમાંથી ચાલી જાય છે, પણ જો એ અંગે ઉપેક્ષા રાખશો અને પ્રકાશસ્વરૂપ પોતાના આત્મા તરફ મુખ કરશો, તો એ જ ક્ષણથી પરમ કલ્યાણકા૨ક અવસ્થા તમારી શોધ કરશે.'

આ રીતે જો આત્મબોધના અભાવે સાધક તો ઠીક, કિંતુ યતિ, સતી અને સંન્યાસી પણ ખોટા માર્ગે દોડે છે. ખરી જરૂ૨ ભીતરની જાગૃતિની છે, કારણ કે પરમાત્મા ભીતરમાં વસે છે. જો એને બહાર શોધવા જશો, તો પરમાત્મા તો પ્રાપ્ત થશે નહીં, બલ્કે તમે સ્વયં ખોવાઈ જશો. આ ભીતરની શોધ છે. 'માંહ્યલા'ના જાગરણની આ વાત છે. સંત કબીર સાત ગાંઠની વાત કરે છે. 

પાંચો ઇન્દ્રિય છઠાં મન, સત સંગત સૂચંત, 

કહૈ કબીર જમ ક્યા કરે, સાતો ગાંઠિ નિચિંત. 

આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને આમ આ છને જેણે સાતમા સત્યચેતન સ્વરૂપમાં જોડી દીધાં છે, એવા સ્વરૂપરત વિવેકીને મન-વાસના રૂપી યમરાજ શું ક૨શે ? અર્થાત્ તેઓ મનોજયી હોય છે અને તેથી એ યથાર્થ આત્મબોધ પામી શકે છે. 

સાધકને સ્વ-રૂપની ઓળખ નહીં હોય, તો અજ્ઞાનને કારણે પરોક્ષ અને પ્રત્યક્ષ બાબતોમાં એ એની શોધ કરતો રહેશે. આ પરોક્ષ બાબતો એટલે સંત કબીરના મતે કલ્પિત ઇશ્વરાદિ બાબતો. એમણે બતાવ્યું કે માણસે કેવી કેવી કલ્પનાઓથી ઈશ્વરને મઢી દીધો છે. ઈશ્વર વિશેની પૌરાણિક કથાઓમાં આલેખાયેલાં એમનાં આચરણને જોઈએ તો આપણને આઘાત લાગે ! તો શું એને ઈશ્વર માની શકીએ ? આપણા અંતરમાં સ્થાન આપી શકીએ ? આથી જ સ્વ-રૂપના જ્ઞાનના અભાવે આપણે પરોક્ષ બાબતોમાં પરમાત્માની નિષ્ફળ શોધ કરીએ છીએ, જ્યારે કેટલાક જડમાં એની શોધ કરે છે અર્થાત્ મૂર્તિપૂજા કરે છે. 

સંત કબીર આ બંને બાબતોનો છેદ ઉડાડે છે અને કહે છે કે, સાધકને યથાર્થ સ્વ-રૂપજ્ઞાન નહીં હોવાને કારણે એ મથુરા, કાશી, કાબામાં ભટકે છે. જેમ મૃગની નાભિમાં કસ્તૂરી છે, એમાંથી જ સુગંધ આવતી હોય છે, પરંતુ એ આ સુગંધની શોધ માટે વન-વનમાં ઉદાસ બનીને ફરે છે. પૂર્ણકામ, પૂર્ણતૃપ્ત અને પૂર્ણસંતુષ્ટ સ્વરૂપ આત્મા હું જ છું એવી સમજના અભાવે માણસ સંસારસુખ પામવા માટે આમતેમ ભટકે છે.

સંત કબીર એ વાત પર મહત્ત્વ આપે છે કે માત્ર ત્યાગ કરવો તે પૂરતું નથી, પરંતુ આત્મબોધ જરૂરી છે. આત્મબોધ એટલે દેહમાં વસતા ૫૨મધન એવા ચેતનઆત્માની જાણ. સંત કબીર ઉલ્લાસભેર કહે છે કે તમારાં સુખની સર્વ સામગ્રી તમારી પાસે છે. જો તમારી જાતને તમે વશ કરી શકો, તો તમારા શરીરની ભીતરમાં જ પુષ્પો અને વૃક્ષોથી મધમધતો અને ફૂલેલો-ફાલેલો બાગ-બગીચો છે અને એ બાગબગીચામાં એનો સર્જનહાર વસે છે. એમાં જ સાત સમુદ્ર અને અસંખ્ય તારાઓ છે. એમાં જ હીરા અને મોતી છે અને એમાં જ એનો પારખુ વસે છે. આ આત્મદેવને માનવી ભૂલી જાય છે. જે પોતાની ભીતરમાં છે એને ભૂલીને બહાર પ્રાપ્તિ માટે ઉધમાત કરે છે. જ્યારે ભીતરમાં રહેલા આત્મબોધના ગુરુસિંહાસને વિવેક બેઠો છે, આથી શરીર નષ્ટ થાય છે, પણ આત્મદેવ નષ્ટ થતો નથી. એ હકીકતમાં તો હાજરાહજૂર છે. 

આત્મદેવની ઓળખ આપતી વખતે સંત કબીર બાહ્યાચારો પર પ્રહાર કરે છે. એ કહે છે કે આમ ભક્તિનાં ગીતો ગાવાથી, ધર્મકથાઓનું શ્રવણ કરવાથી, શાસ્ત્રગ્રંથો વાંચવાથી અથવા તો સંધ્યા કે તર્પણ જેવી ક્રિયાઓ કરવાથી તમને કશું મળશે નહીં. ગમે તેટલું તીર્થાટન કરો, તો પણ કશું વળવાનું નથી. આ સઘળાં ક્રિયાકાંડો, બાહ્યાચારો કે બાહ્ય પ્રવૃત્તિઓ કરવાથી કશું નહીં વળે, લાંબી લાંબી જટા વધારવી, આખા શરીરે રાખ ચોળવી, માથે મુંડન કરાવવું, માટી-પથ્થરના પિંડને પૂજવો કે માત્ર ફળાહાર કરવો - એ બધી તો બાહ્ય બાબતો છે. ભીતર સાથે એને કોઈ લેવાદેવા નથી. આમ કરવા જનાર આત્મદેવને ઓળખી શકતો નથી અને આત્મલીનતા પામી શકતો નથી. 

સંત કબીર પાસે સાંપ્રદાયિકતા જ નષ્ટ થઈ જાય છે એવું નથી, બલ્કે ધર્મો-ધર્મો વચ્ચેના ભેદ પણ ઓગળી જાય છે. એમણે સાંપ્રદાયિકતાની સંકીર્ણતાનો તો ત્યાગ કર્યો જ હતો, પણ એથીય વિશેષ જુદા જુદા ધર્મના ભેદની દીવાલો તોડી નાખી હતી. 

બાલ્યાવસ્થાથી જ એ રામભક્તિમાં લીન હતા. એ વાત સાચી છે કે સંત કબીરના રામ એ વાલ્મીકિ કે તુલસીદાસના રામ નથી. નાની વયથી જ રામભક્તિના નશામાં ડૂબેલા હતા. ક્યારેક તો કાંતણ-વણાટ કામ કરતા કબીર રામમાં એટલા લીન બની જતાં કે કામ કરવાનું ભૂલી જતા હતા. એમણે પદોમાં હિંદુ દેવતાઓનાં નામ લીધા હોવાથી મુસલમાન લોકો એના પર ગુસ્સે ભરાયેલા હતા, તો બીજી બાજુ હિંદુઓ પણ મૂર્તિપૂજા, અસ્પૃશ્યતા જેવી બાબતો અંગે આકરા સવાલો પૂછતા કબીર ૫૨ કોપાયમાન હતા. વળી મુસ્લિમ કુળમાં જન્મેલા કબીરસાહેબ મોટે ભાગે હિંદુ વૈષ્ણવ ભક્તની જેમ રહેતા હતા. આ રીતે સંત કબીરે ધર્મમાં પેસી ગયેલા અનિષ્ટો દર્શાવવાની સાથોસાથ ધર્મો-ધર્મો વચ્ચેની દીવાલ ભાંગી નાખી અને આ એમનું સૌથી વિરલ કાર્ય કહેવાય.

સંત કબીર એ વાત પર મહત્ત્વ આપે છે કે માત્ર ત્યાગ કરવો તે પૂરતું નથી, પરંતુ આત્મબોધ જરૂરી છે. આત્મબોધ એટલે દેહમાં વસતા ૫૨મધન એવા ચેતનઆત્માની જાણ...