- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- જીવનના આનંદને આ અ-સીમ રમતો સાથે ઊંડો સંબંધ છે. કારણ કે તેમાં હારજીત નહીં પણ રમ્યા કરવું જ મુલ્યવાન છે
આપણું અજ્ઞાન જાણી લેવું એ પણ આપણા જ્ઞાનનો જ હિસ્સો છે. આપણી શક્યતાઓ માપી લીધા બાદ જ આપણી અશક્યતાઓ નજરમાં આવે છે. જીવનનો ખરો અર્થ અને આનંદ શક્યને પામીને બેસી જવામાં નથી પણ અશક્યને સાધવા, આરાધવા અને ઉપાસવામાં પણ છે. આપણી ક્ષમતાની સીમાઓ અને કલ્પનાની મર્યાદાઓ લાંઘવામાં છે. જીવનની ખરી કસોટી શક્યને પામી લેવામાં નથી પણ અશક્ય માટે ઝૂરવા અને ઝુઝવામાં છે. ક્યારેક પ્રાપ્તિ જ પર્યાપ્તિ નથી હોતી. આપણી સબળતાથી સંતોષ નથી લેવાનો પણ નિર્બળતાને સંબોધવાની છે.
આલ્બર્ટ સ્કાવઝનેગારે વેઈટ લીફટીંગ સમયે પોતાના નબળા સ્નાયુ પર પ્રથમ ધ્યાન આપેલું. આપણી નિમ્નતમ અવસ્થામાં પણ શ્રેષ્ઠતમ માટે મથવાનું છે. ભાગવાની ઈચ્છા અને તક હોય ત્યારે અડગ થઈને લડવાનું છે. જીવન હંમેશા આપણા નકશાને અનુસરતું નથી. ક્યારેક આપણી અપેક્ષાઓને આંબવાને બદલે આપણે પટકાઈએ છીએ અને પસ્તાઈએ છીએ. આવી સ્થિતિમાં જાત પ્રત્યે ઉદાર બનવાનું છે અને મૈત્રી નિભાવવાની છે.
જેમ્સ કાર્સ કહે છે જીવનને એક રમત તરીકે જોનાર તત્વજ્ઞાની છે; તે જીવનને બે પ્રકારની રમતોમાં વહેંચે છે : સીમીત રમતો અને અસીમ રમતો. આવો, સમજીએ. સીમીત રમતો એટલે એવી રમતો જેમાં ખેલાડી, સ્પર્ધકોની સંખ્યા અને હારજીતના નિયમો સ્પષ્ટ હોય છે. તેમાં બધું વ્યાખ્યાબધ્ધ હોય છે. ક્રિકેટ, વોલીબોલ, હોકી વગેરે આવી સિમિત રમતો છે. જયારે અસીમીત રમતોમાં બધું અનિશ્ચિત, અવ્યાખ્ય અને નિયમોની બહાર હોય છે. આમાં નિયમો સતત બદલાયા કરે છે. અને હા, સ્પર્ધકો અને સંખ્યા પણ બદલાયા કરે છે. ખરબચડી રીતે કહીએ તો સીમીત રમતોમાં જોનારને મજા આવે છે જયારે અસીમીત રમતોમાં રમનારને આનંદ આવે છે, સીમીત રમતોના અંતે સફળતા છે જયારે અસીમીતના અંતે સાર્થકતા છે. જીવનના આનંદને આ અ-સીમ રમતો સાથે ઊંડો સંબંધ છે. કારણ કે તેમાં હારજીત નહીં પણ રમ્યા કરવું જ મુલ્યવાન છે. અનન્ય જીવનમાં આપણે ક્ષમતા જેટલું નહીં પણ સંભાવના જેટલું રમવાનું છે. મુલ્યવાન જીવન એટલે પરિણામ નહીં પ્રક્રિયા મુલ્યવાન હોય છે. આ કેવું છે, જેની માટે મરવાની તૈયારી હોય તેના માટે જીવવાનું છે એન્ની દિલાર્દ એમ કહે છે કે આપણે જે રીતે દિવસ વિતાવ્યો હોય છે તે રીતે જ જીવન વિતાવતા હોઈએ છીએ. અર્થાત, આપણા દિવસોનો હિસાબ જ આપણા જીવનનું સરવૈયું બની જતા હોય છે. અસીમ રમતો એટલે જીવનને દાવ પર લગાડવાની રમતો. આ રમતો સ્ટેડિયમના તાળીઓના ગડગડાટ વચ્ચે નહીં પણ આપણા ચિત્તના એકાંતમાં રમાતી હોય છે. આપણે ક્યારેક ક્યાંક પહોચતા નથી કારણ કે આપણે ક્યારેય નીકળી પડતા નથી. તો ક્યારેક આપણે જીતતા નથી કારણ કે આપણે રમતા જ નથી. જીવનની અ-સીમ અને અ-શક્ય રમતોમાં જીતવાનું એક સૂત્ર સ્ટીવન કોટલર આપે છે; બી કમ્ફર્ટેબલ વિથ બીઈંગ અનકમ્ફર્ટેબલ.


