- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- પરંપરાગત દવાઓ માટે પણ પ્રાણીઓ પર માનવી અત્યાચાર ગુજારે છે. વાઘનાં હાડકાં કે રીંછનાં પિત્ત ધરાવતી પરંપરાગત દવાઓ માટે પ્રાણીઓનો નિર્દયતાથી સંહાર કરવામાં આવે છે
આ કાશ, સાગર અને ધરતીનો ત્રિવેણીસંગમ જોઈને ધન્ય થઈ ગયો. જીવનમાં પ્રકૃતિ સૌંદર્યથી ભર્યું ભર્યું કોઈક એવું ૨મણીય દ્રશ્ય જોવા મળે છે કે એને પુન: પુન: ચિત્તમાં યાદ કરીને અતીતના એ આનંદનો અનુભવ કરીએ છીએ. હોંગકોંગના હવાઈમથક પર ધીરે ધીરે વિમાન ઉતરી રહ્યું હતું અને ત્યારે આકાશ, સાગર અને પૃથ્વીનો અનુપમ ત્રિવેણીસંગમ જોવા મળ્યો. વાયુ, જળ અને ધરતીના આ મેળાપને પામવા માટે વિમાનની બારીએથી વાદળોની વચ્ચે ગેલ કરતું વિમાન ધીરે ધીરે ધરતી પર ઉતરતું હતું.
એક બાજુ ગેલ કરતાં વાદળો જોવા મળે. નીચે હોંગકોંગના રસ્તા પર થતી ચહલપહલ જોવા મળે અને રસ્તાની બંને બાજુએ પથરાયેલા સાગરનો રોમાંચક અનુભવ થાય. ભગવાન વિષ્ણુના વામન અવતારની કથામાં બલીરાજા પાસેથી દાનમાં ત્રણ પગલાં જેટલી ભૂમિ માંગી હતી. એક પગલામાં પૃથ્વી, બીજામાં સ્વર્ગ અને ત્રીજામાં પાતાળ. આમ ત્યાં ત્રણ પગલાંની વાત હતી તો અહીં માત્ર એક સાથે ભૂમિ, આકાશ અને સાગર જોવા મળતા હતા.
આ એ સમયની વાત છે કે જ્યારે ૧૯૭૭માં હોંગકોંગ પર ચીનનું લોખંડી પ્રભુત્વ નહોતું, તેથી એક મુક્ત દેશ તરીકે એ વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે નિર્બંધપણે કાર્ય કરતું હતું. એનું હવાઈ મથક એક બાજુ પ્રવાસીઓથી ઊભરાતું હતું, તો બીજી બાજુ વિદેશથી આયાત- નિકાસ થનારા માલસામાનના ઢગલાઓથી ઉભરાતું હતું. સતત ચોવીસે કલાક ધમધમતા આ હવાઈ મથક પર હોંગકોંગના કોવલૂન શહે૨ ૫૨ અવાજપ્રદૂષણ ન થાય, તે માટે રાત્રીના સમયે વિમાનોના ઉડ્ડયન પર પ્રતિબંધ હતો !
અહીંથી જુદી જુદી એરલાઇન્સની ફ્લાઇટ ભિન્ન ભિન્ન દેશો ભણી જતી હતી, તો વળી કેટલીક એરલાઇન્સ 'સ્ટોપ ઓવર પોઇન્ટ' તરીકે આ હવાઈ મથકનો ઉપયોગ કરતી હતી. આમ ગતિશીલ દેશવાસીઓ, મોજીલા પ્રવાસીઓ અને માલસામાનથી ઊભરાતા આ એરપોર્ટની વિશેષતા એ છે કે એ હોંગકોંગના અર્થતંત્રમાં એ મહત્ત્વનું પ્રદાન કરતું હતું !
એ એરપોર્ટ પર ઊતર્યો, ત્યારે પેલું રમણીય કુદરતી દ્રશ્ય મનમાં માણતો હતો. બહાર નીકળતા પ્રવાસીઓના સામાનનું ચેકિંગ થતું હતું. એવામાં કસ્ટમ અધિકારીએ વિમાનમાં સહયાત્રી ફ્રેન્ક વૂલ્ફ નામના વિદેશી સજ્જનને અટકાવ્યા. એમની પાસે થાઇલેન્ડમાંથી ખરીદેલું એક હાથીદાંતનું બનાવેલું આભૂષણ હતું. કસ્ટમ અધિકારીએ એમને રોક્યા અને કહ્યું, 'અમારે ત્યાં હાથીદાંત કે એમાંથી બનેલી કોઈ પણ ચીજવસ્તુઓ દેશમાં લઈ જવા પર પ્રતિબંધ છે. માત્ર એ એકસો વર્ષ જૂની હોવાનું (એન્ટિક) પ્રમાણપત્ર હોય તો જ અમે આવી ચીજવસ્તુઓને તમને લઈ જવા દઈએ.'
ફ્રેન્ક વૂલ્ફ તો અકળાઈ ઊઠયો. એણે કહ્યું, 'અરે ! એના પર પ્રતિબંધ શા માટે ? હું તો થાઇલેન્ડથી નીકળતી વખતે મારા મિત્રને માટે આ સુંદર ગિફ્ટ લઈને આવ્યો છું. એને મારા પ્રવાસની યાદગીરી રૂપે આ ગિફ્ટ આપવા માગું છું. આવી નાનકડી ગિફ્ટ લઈ જવામાં તમને શો વાંધો ?' વળી હોંગકોંગમાં તો એનો કશો ઉપયોગ નથી. અહીં રાખવાનો પણ નથી. હું એને પાછી લઈ જઈશ, એની ખાતરી આપું છું.
અધિકારીએ એની ભાષામાં ઉત્તર આપ્યો, 'કાયદાની દ્રષ્ટિએ તમે અમારા દેશમાં હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુને તમે લઈ પ્રવેશી શકો નહીં.'
આમ છતાં ફ્રેન્ક વૂલ્ફે પોતાનો આગ્રહ જારી રાખ્યો. એટલે અધિકારીએ કહ્યું, 'આ દેશમાં વન્ય જીવોના વ્યાપાર અંગેના નિયમો છે. એ નિયમોનું તમે ઉલ્લંઘન કરી શકો નહીં.'
આખરે ફ્રેન્ક વૂલ્ફને એ મિત્ર માટે લીધેલી ભેટ કસ્ટમ અધિકારીને ધરી દીધી, કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરીને કારાવાસમાં જવાની એની તૈયારી નહોતી.
ફ્રંેન્ક વૂલ્ફે અકળાઈને કહ્યું, 'અરે! સખત કામ, રોજની પરેશાનીઓ અને અન્ય સહુ ચિંતાઓથી મુક્ત થઈ થોડા અઠવાડિયા માટે 'વેકેશન' લઈને ફરવા નીકળ્યો. ઓફિસની વ્યસ્તતાને ભૂલવા માટે આ જંગલોમાં ઘૂમવા નીકળ્યો છું. ખડકાળ તિરાડોમાં છુપાયેલા વન્યજીવનને નિહાળવા નીકળ્યો. સાચું કહું તો કુદરતની વચ્ચે રાત્રે સૂતો હોઉં, ત્યારે એમ લાગે કે આખીય પ્રકૃતિ મારા માટે મધુર કંઠે બાળગીત ગાઈ રહી છે. આવો અનુભવ કરનારને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, તેનાથી મનમાં કેટલો બધો વિષાદ જાગે તે તમે સમજી શકશો.'
વેકેશનમાં મોજ માણવા નીકળેલા ફ્રેન્ક વૂલ્ફનો સામાન કદાચ કસ્ટમ અધિકારી જપ્ત કરે, એને ભારે દંડ કરે અથવા તો ગેરકાયદેસરનું સંભારણું આયાત કરવા બદલ એની સામે કાર્યવાહી કરવાની ધમકી પણ આપી, તેથી આવી પરિસ્થિતિ સામે ફ્રેન્કે શરણાગતિ તો સ્વીકારી, પણ સાથોસાથ કહ્યું કે, 'પહેલા પ્રકૃતિમાં મોજ માણી. થાઇલેન્ડથી વિદાય લેવાના દિવસો આવ્યા, ત્યારે ખરીદી કરવાનો વિચાર કર્યો, છેલ્લા દિવસે બજા૨માં જઈને ઉતાવળે આ સ્મૃતિચિહ્નની ખરીદી કરી, થોડો ભાવ પણ વધારે આપ્યો હશે, પણ આ ખરીદી મને ભારે મોંઘી પડી ગઈ.'
ફ્રેન્ક વૂલ્ફને અત્યંત અફસોસ થયો કે એની લાગણી કસ્ટમ અધિકારી સમજી શક્યો નહીં, ત્યારે એને સમજાવવું પડયું કે આંતરરાષ્ટ્રીય આયાત અંગેના કાયદાઓનું ઉલ્લંઘન કરવા માટે કોઈ બહાનું ચાલી ન શકે, કોઈ ભલી લાગણી આમાં આપણને આશરો આપી શકે નહીં. હા, એટલું ખરું કે આમાં બધાને એક લાકડીએ હાંકવાની જરૂ૨ નથી.
આવા સંભારણા સાથે પકડાયેલા નિર્દોષ કે અનભિજ્ઞા પ્રવાસીઓ અને વન્યજીવનની ચીજવસ્તુઓનો વેપાર કે દાણચોરી કરતા લોકો વચ્ચે ભેદ હોવો જોઈએ. કેટલાક કસ્ટમ અધિકારીઓ આવો ભેદ કરતા પણ હોય છે. એક ઇટાલિયન દંપતીએ મલેશિયાના ટિઓમન ટાપુ પર ઘણા દિવસો સુધી ડાઇવિંગની મજા માણી. એમણે એક સંભારણા રૂપે પોતાની બેગમાં સ્મૃતિચિહ્ન રૂપે એ સાગરની મૃત માછલી લીધી હતી. આ સ્થાનિક કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન થતું હોવા છતાં કસ્ટમ અધિકારીએ એમને કોઈ દંડ કર્યો નહોતો, માત્ર ચેતવણી આપી.
જ્યારે બીજા એક અમેરિકન પ્રવાસી સિમોન કાર્ટરને બે સૂટકેસ સાથે રોકવામાં આવ્યો. એના સામાનમાં ઓર્કિડ પ્રજાતિઓની શ્રેણી મળી. આશ્ચર્ય તો થયું કે આ શા માટે ? કારણ કે આ વિચિત્ર આકારવાળાં રંગોનાં ફૂલોનો છોડ મૂલ્યવાન ગણાય છે. એ અત્યંત સુવાસિત હોય છે. એને વેચીને સારી એવી ૨કમ મેળવી શકાય છે. ઓર્કિડના દરેક ફૂલ દીઠ ગુનેગારને ચારસો ડોલરનો દંડ કરવામાં આવ્યો અને બીજી સૂટકેસમાં પણ આ જ હોવાથી એને સારી એવી રકમનો દંડ કરી એનો માલ જપ્ત કરવામાં આવ્યો.
'તમે ખરીદશો નહીં, તો તેની હત્યા બંધ થઈ જશે,' એ સૂત્ર દ્વારા ઉપભોક્તાની માંગ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હાથી, વાઘ, ગેંડો, રીંછ, દરિયાઈ કાચબો અને શાર્ક પર ઘણું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એને બચાવવાના પ્રયત્નો રૂપે જેકી ચેન અને રાલ્ફ ફિનેસ જેવી જાણીતી વ્યક્તિઓ એના અંમ્બેસડર તરીકે કામ કરે છે.
પરંપરાગત દવાઓ માટે પણ પ્રાણીઓ પર માનવી અત્યાચાર ગુજારે છે. વાઘનાં હાડકાં કે રીંછનાં પિત્ત ધરાવતી પરંપરાગત દવાઓ માટે પ્રાણીઓનો નિર્દયતાથી સંહાર કરવામાં આવે છે. આમાં કેટલાક ગંભીર કિસ્સાઓ પણ જાણવા મળ્યા. તાઈવાનમાં એક વાર લાકડાનાં ક્રેટમાંથી બે ટનથી વધુ વજનના ત્રણ હાથીના દાંત જપ્ત થયા હતા. બેલ્જિયમના સત્તાવાળાઓએ અજગરની ચામડીનાં બનાવેલા બેલ્ટ અને પાકીટ પકડયાં હતાં, તો હોંગકોંગમાં ૨૦૦૦થી વધુ પેંગોલિનનાં ભીંગડાં પકડાયાં હતાં, જે ૩૯૦૦ પ્રાણીઓમાંથી કાઢયાં હોવાનો અંદાજ છે. ચીનમાં મોટા પ્રમાણમાં દરિયાઈ કાચબાની ચામડી મોકલવામાં આવતી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પાછા જતા બે જર્મન નાગરિકો એમની સૂટકેસ અને એમની હેન્ડબેગમાં દેશી સાપ અને ગરોળી લઈ જતા હતા. તો એક ફ્રેંચ મહિલા પાસેથી ૧૦૦૦થી વધુ ટારાન્ટુલા(રુવાંટીવાળા કરોળિયા) મળ્યા હતા.
આવી માનવસર્જિત નિર્દયી પરિસ્થિતિ વિશે ઊંડો વિષાદ અનુભવતા વિચાર્યું ક્યારે આ સઘળું અટકશે ? કોણ સમજાવશે આ માનવજાતને ? અને એકાએક કવિ ઉમાશંકર જોષીની એ પંક્તિઓનું સ્મરણ થયું.
'વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ.'
મનઝરૂખો
ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. ૩૩૭, અ. ઈ. ૪૨૨) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ- વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડયો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો.
ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું? રાજાએ બીજા ખેડૂતને પૂછયું, 'તમે તમારી વાત કરો.'
એણે કહ્યું, 'અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.'
ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.


