- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- વીઆઈપીઝ અને વીવીઆઈપીઝને પ્રાઈવેટ જેટની સર્વિસ આપતી કંપનીઓ વર્ષ દર વર્ષ વધતી જાય છે. દર વર્ષે એક હજાર નવા લાઈટવેટ વિમાનો આ બિઝનેસમાં ઉમેરાય છે...
વિ લિયમ પોવેલ લીયર. અમેરિકન બિઝનેસમેન અને ઈન્વેન્ટર. ૪૬ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન આ સંશોધકના નામે બે-પાંચ કે દસ-વીસ નહી, પૂરી ૧૪૦ પેટન્ટ રજિસ્ટર થઈ હતી. એમાં કાર રેડિયોની ટેકનિકથી લઈને ઈલેક્ટ્રિક બેટરી સહિતની પ્રોડક્ટ હતી, પરંતુ તે જાણીતા થયા લાઈટવેટ વિમાનોનું પ્રોડક્શન કરીને. તેમણે દુનિયામાં સૌપ્રથમ પ્રાઈવેટ જેટની સર્વિસ આપવા લાઈટવેટ યાને હળવા વિમાનો બનાવીને જે કંપની શરૂ કરી એનું નામ હતું - લીયરજેટ.
જી હા. એ જ પ્રાઈવેટ જેટ પ્રોડક્શન કંપની જેનું વિમાન લીયરજેટ-૪૫ બારામતીમાં ક્રેશ થયું અને એમાં સવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું મૃત્યુ થયું. આ વિમાનો પ્રાઈવેટ જેટની સર્વિસ આપતી કંપનીઓમાં ખૂબ પોપ્યુલર છે. કમર્શિયલ એવિએશનમાં જે સ્થાન બોઈંગ અને એરબસનું છે, એ સ્થાન પ્રાઈવેટ જેટ એવિએશનમાં લીયરજેટનું છે. લીયરજેટ કંપની ૧૯૯૦થી કેનેડાની બોમ્બાર્ડિયર એરોસ્પેસની માલિકીની છે. લીયરજેટના બ્રાન્ડનેઈમ સાથે હળવા વજનના વિમાનોનું ઉત્પાદન થતું હતું એ ૨૦૨૧ પછી બંધ કરવામાં આવ્યું છે, પરંતુ બોમ્બાર્ડિંયર કંપનીનો હજુય આ બિઝનેસમાં સૌથી વધુ ૨૩ ટકા હિસ્સો છે.
દુનિયામાં ટોચના ધનવાન ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટાર્સ, રાજનેતાઓ, ખેલાડીઓ સહિતના વીવીઆઈપીઝ ખૂબ મોંઘા અને સલામત એરક્રાફ્ટ ખરીદે છે. પ્રાઈવેટ જેટના બિઝનેસનો જ ભાગ હોવા છતાં એનું અલગ માર્કેટ છે. તેની સામે જે કંપનીઓ વીઆઈપીને ભાડેથી એરક્રાફ્ટ આપે છે તેમને લીયરજેટ, બોમ્બાર્ડિયર, ટેક્સ્ટ્રોન, દસૌલ્ટ જેવી કંપનીના એરક્રાફ્ટ વધારે પરવડે છે. દિવસમાં કરોડો કમાતા વીઆઈપી સમય બચાવવા માટે લાખો રૂપિયા ચૂકવીને પ્રાઈવેટ જેટ ભાડે લઈ જાય છે. પેસેન્જર્સની સંખ્યા અને વિમાનની સાઈઝ પ્રમાણે ભાડું ચૂકવાતું હોય છે. અલગ અલગ ફીલ્ડના લોકોની કમાણી વધી હોવાથી હવે મધ્યમ રેન્જના ઉદ્યોગપતિઓથી માંડીને નેતાઓ પણ નિયમિત રીતે પ્રાઈવેટ જેટ બુક કરાવે છે. એમાંના ઘણાં પોતાનું પ્રાઈવેટ જેટ ખરીદી લેવાનું પસંદ કરે છે. ધનવાનોમાં પ્રાઈવેટ જેટનો ક્રેઝ વધ્યો હોવાથી હવે આ બિઝનેસનો ગ્રાફ પણ સતત ઊંચો ચડી રહ્યો છે.
***
પ્રાઈવેટ જેટનો ઈતિહાસ આમ તો કમર્શિયલ એવિએશન જેટલો જ જૂનો છે, પરંતુ ૧૯૬૩માં વિલિયમ લીયરે લીયરજેટ કંપની સ્થાપીને ત્રણ જ વર્ષમાં જુદી જુદી સર્વિસ કંપનીઓને ૧૦૦ લાઈટવેટ એરક્રાફ્ટની ડિલિવરી કરી એ પછી આ બિઝનેસ ખૂબ ખીલ્યો. ૧૯૬૪માં પ્રાઈવેટ જેટની પ્રથમ કમર્શિયલ સર્વિસ કંપની નેટજેટ્સ શરૂ થઈ. તેના પગલે દસોલ્ટ, લોકહીડ સ્ટારજેટ, બ્રિટિશ એરોસ્પેસ સહિત કંપનીઓ પણ આ બિઝનેસમાં આવી. ૧૯૮૦ સુધીમાં પ્રાઈવેટ જેટનું માર્કેટ ઠીક-ઠીક વિકસી ચૂક્યું હતું, પરંતુ અમેરિકા-યુરોપ સિવાય પ્રાઈવેટ જેટની સર્વિસનો એટલો ફેલાવો ન હતો. અમેરિકા-યુરોપના ઉદ્યોગપતિઓ, નેતાઓમાં ૧૯૯૦ પછી પ્રાઈવેટ જેટનો ક્રેઝ વધ્યો હતો.
૧૯૯૦-૨૦૦૦ના દશકામાં એવિએશન ઈન્ડસ્ટ્રીનો ઝડપભેર વિકાસ થયો. ઘણાં દેશોના કાયદામાં ફેરફાર થયા અને ખાનગી કંપનીના નાના તેમ જ મધ્યમકદના એરક્રાફ્ટને ઉડ્ડયનની, ઓપરેશનની પરવાનગી મળી. તેના પરિણામે અમેરિકા-યુરોપની બહારના આકાશમાં પણ છૂટા-છવાયા ખાનગી એરક્રાફ્ટ દેખાતા થયા. મિડલ ઈસ્ટમાં બેહદ ધનવાન શેખો અને રોયલ પરિવારોના સભ્યોએ પ્રાઈવેટ જેટ્સની સર્વિસ મેળવવાનું શરૂ કર્યું.
૨૦મી સદીના સેકન્ડ હાફમાં શરૂ થયેલા આ બિઝનેસનો સુવર્ણકાળ ૨૧મી સદીના ફર્સ્ટ ક્વાર્ટરમાં આવ્યો. એશિયામાં ધનવાનો વધ્યા એમ ધનવાનોના જાત-ભાતના શોખમાં પ્રાઈવેટ જેટનો ઉમેરો થયો. કરોડો-અબજો રૂપિયા ખર્ચીને ધનપતિઓ પ્રાઈવેટ જેટ ખરીદતા થયા. જેમને પોતાનું પ્રાઈવેટ જેટ ખરીદવું ન હોય તેમણે પ્રાઈવેટ જેટની સર્વિસ આપતી કંપનીઓ પાસેથી ભાડેથી લેવાનું શરૂ કર્યું. પરિણામે અનેક કંપનીઓ આ ફીલ્ડમાં આવી. ૨૦૧૭માં ગ્લોબલી ૨૨ હજારથી વધુ પ્રાઈવેટ જેટ્સની ફ્લાઈટ ઉડી હતી. છેલ્લાં સાત-આઠ વર્ષમાં પ્રાઈવેટ જેટ્સની ફ્લાઈટમાં એકધારો વધારો થઈ રહ્યો છે. ૨૦૨૨માં ૭૦૦થી વધારે લાઈટવેટ વિમાનો વેચાયા હતા. ૨૦૨૫માં આ આંકડો ૧૦૦૦ને પાર થયો છે. પાંચ વર્ષ કે એનાથી જૂના એરક્રાફ્ટનું માર્કેટ પણ છેલ્લાં દશકામાં વધ્યું છે. એવરેજ એક એરક્રાફ્ટની કિંમત ૯થી ૧૦ અબજ રૂપિયા જેટલી હોય છે. જૂનું એરક્રાફ્ટ અડધી કિંમતે મળી રહે છે.
***
પ્રાઈવેટ જેટનો બિઝનેસ ત્રણ પ્રકારે ચાલે છે. કંપનીઓ પ્રાઈવેટ જેટ્સ ખરીદીને સ્વયં સંચાલન કરે છે. ધનપતિઓ પોતાનું એરક્રાફ્ટ ખરીદી લે છે. અમુક કંપનીઓ અન્ય કંપનીઓના પ્રાઈવેટ જેટ્સને ઓપરેટ કરે છે. એનું કામ માત્ર સંચાલન કરવાનું હોય છે. સંચાલન કરતી કંપની ઘણા કિસ્સામાં વિમાનોની માલિકી ધરાવતી એકથી વધુ કંપનીઓના વિમાનોનું સંચાલન કરે છે. આ બિઝનેસમાં માલિક કંપની અને ઓપરેટર કંપનીને પોત-પોતાનો નક્કી કરેલો હિસ્સો મળે છે. ક્લાયન્ટ્સને હવાઈ અંતર, પેસેન્જર્સની સંખ્યા કે વિમાનની સાઈઝના આધારે ભાડેથી વિમાનો મળે છે. આ બિઝનેસ ગ્લોબલી ૮ ટકાના દરે વિકસી રહ્યો છે. ૨૦૨૫ના અંતે ૧૭ અબજ ડોલરે પહોંચેલો આ બિઝનેસ ૨૦૩૧માં ૨૫.૮૦ અબજ ડોલરે પહોંચશે અને ૧૦ વર્ષમાં ડબલ થઈને ૩૫ અબજ ડોલરને પાર થઈ જશે.
બિઝનેસ વધ્યો છે તેની સામે પ્રાઈવેટ જેટના અકસ્માતો પણ ખૂબ વધ્યા છે. એવરેજ એક લાખ કલાકના ઉડ્ડયનમાં ૧.૧ પ્રાઈવેટ જેટનો અકસ્માત થાય છે. વર્ષે ૨૪થી ૨૫ હજાર પ્રાઈવેટ જેટની ફ્લાઈટ ઓપરેટ થાય છે. એમાંથી એક હજારને અકસ્માતો નડે છે. ૭૫થી ૮૦ ટકા અકસ્માતો પાછળ હ્યુમન એરર જવાબદાર હોય છે. દર વર્ષે ખાનગી વિમાનોના અકસ્માતમાં દુનિયામાં ૧૦૦૦ લોકોનાં મોત થાય છે. લેટેસ્ટ ટેકનોલોજી છતાં પ્રાઈવેટ જેટના સર્વાધિક અકસ્માતો અમેરિકામાં થાય છે અને એકલા અમેરિકામાં જ ૩૦૦થી વધુ લોકો માર્યા જાય છે. મૃતકોમાં વીઆઈપી પેસેન્જર્સ ઉપરાંત પાયલટ અને ક્રૂ મેમ્બર્સ પણ ભોગ બને છે.
વેલ, પ્રાઈવેટ વિમાનો વીઆઈપીનો સમય બચાવે છે. તેમના મોભામાં વધારો કરે છે, પણ એ જ વિમાનો અનેક વીઆઈપીઝનું આયખું પણ ટૂંકું કરી નાખે છે. દરેક સુવિધાની સાઈડ ઈફેક્ટ હોય છે. માર્ગ અકસ્માતો, રેલવે એકસ્માતોની જેમ સૌથી ઝડપી અને સલામત ગણાતી હવાઈ મુસાફરી પણ અકસ્માતોથી બાકાત નથી.
દેશમાં 2029 સુધીમાં 700 પ્રાઈવેટ જેટ ઉડતાં હશે
ભારતમાં ૨૦૧૯માં ૧૦૮ કંપનીઓ પ્રાઈવેટ જેટની સર્વિસ આપતી હતી. ૨૦૨૬ સુધીમાં એ વધીને ૧૨૫ થઈ છે. પાંચ-છ વર્ષમાં કંપનીઓ ભલે ૨૦-૨૨ જ વધી હોય, પરંતુ પ્રાઈવેટ જેટની સંખ્યા નોંધપાત્ર વધી છે. દેશમાં ૨૦૨૦માં ૧૪૦થી વધારે પ્રાઈવેટ એરક્રાફ્ટ ન હતાં. ૨૦૨૪ના અંતે આ આંકડો ૨૫૦ થયાનો અંદાજ છે. આ વર્ષના અંતે ૩૦૦ પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર્સ ઓપરેશનમાં હશે. અંદાજ એવો બાંધવામાં આવી રહ્યો છે કે ૨૦૨૯ સુધીમાં ૭૦૦ પ્રાઈવેટ જેટ્સ અને હેલિકોપ્ટર્સ ઉડતાં થઈ જશે. ભારતમાં પ્રાઈવેટ જેટનો ક્રેઝ સતત વધતો જાય છે. તેનો અંદાજ એના પરથી આવી શકે છે કે દુનિયામાં આ સેક્ટરનો ગ્રોથ આઠ ટકાના દરે થઈ રહ્યો છે, ભારતમાં એ ગ્રોથ રેટ ૧૮ ટકા જેટલો ઊંચો રહેવાનો છે. ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, નેતાઓ ખાનગી રીતે બુકિંગ કરે છે એ ઉપરાંત રાજ્ય સરકારો અને રાજકીય પક્ષો નેતાઓ-અધિકારીઓ માટે થર્ડ પાર્ટી બુકિંગ કરે છે તેના કારણેય દેશમાં આ બિઝનેસ વધ્યો છે. રાજ્યો અને કેન્દ્રની ચૂંટણીઓ વખતે દેશના પ્રાઈવેટ જેટના બિઝનેસમાં ૩૦થી ૪૦ ટકાનો ઉછાળો આવે છે.
લાઈટવેટ એરક્રાફ્ટ પર અકસ્માતનું જોખમ
નાના કદના એરક્રાફ્ટમાં પાયલટ પાસે સમય ખૂબ ઓછો બચે છે. ટેકઓફ કે લેન્ડિંગ વખતે જરા સરખી ક્ષતિ રહી જાય તો લાઈટવેટ એરક્રાફ્ટ પર કંટ્રોલ રહેતો નથી. તેના પર બદલાતા વાતાવરણની ઝડપથી અને તીવ્ર અસર થાય છે. જેમ સ્મોલ કાર અને સુપર એસયુવીમાં ડ્રાઈવિંગનો અનુભવ જુદો જુદો હોય છે, કંટ્રોલની ટેકનિક જુદી જુદી હોય એ જ વાત પ્રાઈવેટ જેટના લાઈટવેટ એરક્રાફ્ટ અને વજનદાર કમર્શિયલ એરક્રાફ્ટને લાગુ પડે છે. ટેકઓફ અને લેન્ડિંગ વખતે સ્પીડ, એંગલ, હાઈટનું બેલેન્સ બંનેમાં જુદું જુદું હોય છે. સ્મોલ એરક્રાફ્ટમાં સ્થિતિ તુરંત હાથમાંથી સરકી જાય છે, જે અકસ્માતનું જોખમ વધારે છે. બિઝનેસ જેટને નાના એરપોર્ટમાં ઉતરતી વખતે જોખમ વધી જાય છે. મોટા એરપોર્ટની સરખામણીએ નાના એરપોર્ટની બનાવટ અને સુવિધા અલગ હોય છે. નાના એરપોર્ટનો રન-વે ટેકઓફ અને લેન્ડિંગ વખતે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. હવાની અસર હળવા વજનના આવા એરક્રાફ્ટ પર વધારે થાય છે એટલે સંતુલન પર તેની સીધી અસર થાય છે. આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને દુનિયાભરના એવિએશન એક્સપર્ટ્સ માને છે કે નાના એરક્રાફ્ટ વલ્નરેબલ છે અને તેના પર અકસ્માતોનું જોખમ વધારે છે.


