- ધર્મેન્દ્રસિંહ રાઠોડ
- ''શ્રીકાંત ઘરમાં રહે કે બહાર શોભના ભાભીને કશો ફરક પડતો નથી, અને હું કુટુંબનો બોજારૂપ સભ્ય ! પુત્રવધૂએ તો મને 'બેસ્ટ લક' કહી મારો માર્ગ મોકળો કરી આપ્યો.''
'વૃ દ્ધાશ્રમ' તો સાંભળ્યું છે, પણ આ 'મિત્રાશ્રમ' ! એ વળી શું !'' વૃદાવન સોસાયટીમાં નવી ભરતી થયેલ સિક્યુરિટી ગાર્ડ રણજીતે બુઝુર્ગ સિક્યુરિટી ગાર્ડ રહીમ ચાચાને પૂછ્યું.
''વૃધ્ધાશ્રમ શબ્દ પણ આપણાં વડવાઓએ સાંભળ્યો નહોતો આ શબ્દ બદલાયેલા સમયનો આવિષ્કાર છે. આજના યુવાનોએ કલ્પનામાં પણ ન આવે તેવાં ઘણાં આવિષ્કારો કર્યા છે. કેટલાંક સમજાય એવા કેટલાક ન સમજાય એવા ! કેટલાક આશીર્વાદ સમાન તો કેટલાક શ્રાપ સમાન.'' દુ:ખી સ્વરે રહીમ ચાચાએ કહ્યું.
રહીમ ચાચાના ચહેરા પરની તંગ મુદ્રાને રણજીત નીરખી રહ્યો.
રાત્રીના એક થવા આવ્યો હતો. ''વૃદાવન સોસાયટીનો ચૌદ નંબરનો બંગલો એટલે 'મિત્રાશ્રમ.' આજે વેરાન દેખાતા એ બંગલામાં એકાદ વર્ષ પહેલાં... મોજમસ્તી અને કોલાહલ હતો. ક્યારેક મિત્રોનું અટ્ટહાસ્ય, તો ક્યારેક જૂના હિન્દી ફિલ્મી ગીતોની મહેફિલ જામતી. મિત્રાશ્રમમાં રહેતા લંગોટિયા મિત્રોનું જાણે એક કુટુંબ ! જેમાં લોહીની નહીં, દોસ્તીની સગાઈ હતી.'' રહીમ ચાચાએ મિત્રાશ્રમનો પહેલો અધ્યાય છેડયો હતો.
''ચોસઠ-પાંસઠ આસપાસની ઉંમરના નિત્યાનંદજી ચૌદ નંબરના બંગલાના માલિક હતાં. પત્ની સુહાસિની તો વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. પુત્ર ભાર્ગવ કેનેડામાં પત્ની સાથે રહેતો હતો. નિત્યાનંદજી શહેરની જાણીતી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત થયાં હતાં. શિક્ષણ જગતમાં તેમનું નામ આદરથી લેવાતું. નિત્યાનંદજી પાછલી અવસ્થામાં એકલવાયું જીવન જીવતા. સોસાયટીમાં લોકો સાથે ઓછા ભળતાં.''
''પરંતુ મિત્રાશ્રમમાં પેલો કોલાહલ, મસ્તી, મહેફિલ, અટ્ટહાસ્ય ! એ બધું શું હતું ?'' નવ યુવાન રણજીતે હસીને પૂછ્યું.
''લંગોટિયા મિત્રોના જીવનની એ સેકન્ડ ઈનિંગ હતી.''
***
એક દિવસ સાંજે નિત્યાનંદજી પુસ્તકાલયમાંથી ઘરે પાછા ફરી રહ્યા હતાં. રસ્તામાં બચપણનો મિત્ર જગમોહન મળી ગયો. વર્ષો પછીના મિલનને કારણે બંને ભેટી પડયાં. નજીકના પાર્કમાં જઈ બંને મિત્રો બાંકડા પર બેઠા.
''કેટલા વર્ષે મળ્યા ?'' જગમોહને પૂછ્યું.
''હું કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે તું આવેલો. તારી નાની બહેનના લગ્નપ્રસંગે આપણે સૌ મિત્રો એકઠાં થયેલા. સુહાસિની પણ આવેલી. ભાર્ગવ તો ત્યારે નાનો હતો. ત્યાર બાદ તારો કોઈ પતો જ નહોતો.'' નિત્યાનંદજીએ કહ્યું.
''પિતાની પેઢી નબળી પડી. એક સમયની જાહોજલાલી ભૂતકાળ બની. ભાઈઓ જુદા થયાં અને મારા કપરા દિવસો શરૂ થયા. અનુસ્નાતકની ફર્સ્ટ કલાસની ડિગ્રી હતી પરંતુ સરકારી નોકરી મેળવવાની ઉંમર રહી નહોતી. ટૂંકા પગારની પ્રાઇવેટ જોબ સ્વીકારી. કપરા દિવસોમાં નંદાનો સહકાર મળ્યો ન હોત તો આજે આપણે મળી શક્યા નહોત. બે પુત્રો... તેમને ઉચ્ચ શિક્ષણ આપવામાં અને તેમની ગાડી પાટે ચડાવવામાં જિંદગી ખર્ચી નાખી.'' નિત્યાનંદ જગમોહનને સાંભળી રહ્યાં.
''દોસ્ત, બહારની ચા પીવે છે ને ?''
''હા.'' ટૂંકો જવાબ આપી જગમોહને પોતાની દાસ્તાન આગળ ચલાવી.
''મોટો પુત્ર મુંબઈમાં રહે છે, અને નાનો અહીં અમદાવાદમાં.'' એકાદ દશકો મોટા પુત્ર સાથે મુંબઈમાં અમે માંડ પસાર કર્યો. તેના સંતાનો મોટા થવા લાગ્યા. અમે ભારે પડવા લાગ્યા. અમદાવાદ પાછા ફર્યા. નાનો પુત્ર ડાહ્યો છે, પરંતુ પુત્રવધૂ તામસી સ્વભાવની છે. મુંબઈમાં મોટાની પત્ની ડાહી છે, પરંતુ મારો જ રૂપિયો ખોટો છે.
''અને નંદા ભાભી ?''
''એ છૂટી ગઈ.'' જીવનની કડવી સચ્ચાઈ જગમોહને સિમ્પલી બયાન કરી હતી. પરંતુ એ વેઠવામાં જે સહન કર્યું હતું તેનો પુરાવો તેનું નંખાઈ ગયેલું શરીર આપતું હતું. ગુજરાત યુનિવર્સિટીનો એક સમયનો બેસ્ટ સ્પોર્ટસમેન આજે હાડપિંજર જેવું શરીર લઈને ફરતો હતો.
સાંજ ઢળી ચૂકી હતી. બાંકડા પરથી ઊભાં થઈ જગમોહન ખભે હાથ મૂકી નિત્યાનંદે પૂછ્યું.
''અરે ! આપણો જીગરી પેલો શ્રીકાંત ! સરકારી નોકરી છોડી રાજકારણમાં ઘૂસેલો એ ક્યાં છે ?''
''આર્થિક રીતે તેને કોઈ તકલીફ નથી. પરંતુ પત્ની સાથે મનમેળ નથી. કહે છે કે પત્ની ઝઘડાળું સ્વભાવની છે. ઘરમાં સુખેથી રહેવા દેતી નથી. બાળકો પણ પત્નીના કહ્યામાં છે.''
''લગ્નના શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે ઝઘડા થતાં એ સાંભળ્યું હતું. પરંતુ હજુ... ! ખેર, શ્રીકાંતને પણ હું વર્ષોથી મળ્યો નથી. તેને લઈને રવિવારે તમે બંને મારા ઘરે આવો. સાથે જમીશું અને પેટભરીને બચપણના સ્મરણો વાગોળીશું.''
રવિવારે સવારે નવના ટકોરે જગમોહન અને શ્રીકાંતને નિત્યાનંદજીના બંગલા પર દસ્તક દીધી. ઉતાવળે નિત્યાનંદજીએ બારણું ખોલ્યું. દુબળા પાતળા શરીર પર ભગવા વસ્ત્રો, લાંબી દાઢી, ગળામાં માળા અને દબાયેલા ચહેરા પર જાડી ફ્રેમના ચશ્મા પહેરેલ શ્રીકાંત તેમની સામે ઊભો હતો.
''દોસ્ત, તું તો બદલાયેલો દેખાશ,'' શ્રીકાંતને ગળે લગાડી નિત્યાનંદે કહ્યું. વિશાળ ડ્રોઇંગરૂમના સોફા પર આવી ત્રણે ગોઠવાયા. મહારાજ આવીને પાણી આપી ગયાં.
''જગમોહને મને કહ્યું, નિત્યાનંદ મળ્યા હતાં તે તને યાદ કરે છે. મેં કહ્યું એ પ્રોફેસર હજુ જીવે છે ?'' અને સૌ હસી પડયા.
''શોભના ભાભી અને બાળકો ?'' નિત્યાનંદે પૂછ્યું.
''પોપટ તરસ્યો નથી ને પોપટ ભૂખ્યો પણ નથી.'' શ્રીકાંતે ટૂંકો જવાબ આપ્યો. પરંતુ તેના ચહેરા પરની તરડાયેલી રેખાઓ ઘણું બોલતી હતી !
''અને તારી તબિયત ?''
''હા, શરીર થોડું નબળું પડયું છે, પરંતુ શારીરિક કોઈ પ્રોબ્લેમ નથી. શરીર દૂબળું ખરૂ પણ કસાયેલું છે.'' શ્રીકાંતે કહ્યું.
''ભાભીની કચકચને કારણે શરીર કસાયું છે !'' જગમોહને ટીખળ કરી અને ફરી સૌ ખડખડાટ, અને શ્રીકાંત પણ ખડખડાટ.
''અરે યાર તું હવે મહારાજને ચા બનાવવાનું કહે. ચા પીવાની ઈચ્છા છે.'' શ્રીકાંતે નિત્યાનંદને કહ્યું.
''તમારા બંને માટે ચા હું જાતે બનાવીશ. સુહાસિની રસોઈ સ્વાદિષ્ટ બનાવતી અને ચા પણ ઘાટી બનાવતી. તેની પાસેથી હું રસોઈ બનાવવાનું તો ન શીખ્યો પણ ચા બનાવતા શીખ્યો છું !''
મહારાજ ટેબલ પર હળવો નાસ્તો મૂકી ગયા. થોડીવારે નિત્યાનંદ ચા લઈને આવ્યાં. ત્રણે મિત્રોએ નાસ્તો કર્યો અને ચાના ઘૂંટ ભર્યા.
શ્રીકાંત તરફ નજર સ્થિર કરી નિત્યાનંદે કહ્યું, ''થોડા વર્ષો પહેલા અખબારોમાં તારા ફોટા જોવા મળતા. એક રાજકીય પક્ષના પ્રમુખની જવાબદારી પણ તે નિભાવી હતી. પછી રાજકારણમાંથી પણ તે સન્યાસ લઈ લીધો. તારી પાસે તૈયાર થયેલા, તારા જુનિયરો પછી છેક પ્રધાનપદ સુધી પહોંચેલા.''
''પ્રધાનપદ સુધી પહોંચવા મેં રાજકારણમાં પ્રવેશ કર્યો નહતો. પક્ષના સિધ્ધાંતોથી પ્રેરાઈને રાજકારણમાં જોડાયો હતો. પરંતુ તકવાદી નેતાઓ પક્ષના સિધ્ધાંતોને માત્ર કાગળ પર જ રાખતા. ઘરમાં શોભના સાથે કંકાસભર્યા વાતાવરણમાં જીવવાની ટેવ તો લગ્નના શરૂઆતનાં વર્ષોથી પાડી દીધેલી. તેમાંથી છૂટકારો મળે તેમ નહોતો. પરંતુ રાજકારણમાં તો હું સ્વેચ્છાએ જોડાયો હતો અને સ્વેચ્છાએ ધીમે ધીમે તેમાંથી દૂર થઈ ગયો.''
મિત્રો વચ્ચે વાતચીત થતી રહી. સૂર્ય મધ્યાહને પહોંચ્યો હતો. મહારાજે જમવાનું ડાઇનીંગ ટેબલ પર ગોઠવ્યું. ભરપેટ જમીને ત્રણે મિત્રોએ લંબાવ્યું. બહાર હજુ ગરમી હતી. બચપણના મિત્રો સાથે દિલ હળવું કરવાનો દિવસ હતો. શ્રીકાંતે પોતાની દાસ્તાન આગળ ધપાવી.
''સંતાનમાં એક દીકરો. એ પણ ત્રીસનો થયો, લગ્ન કરવાની ઘસીને ના પાડે છે. શોભનાના મારી સાથેના લાગણીવિહીન સંબંધોની અસર તેના માનસ પર બચપણથી થઈ છે.''
''દોસ્ત, શોભના ભાભીનું વ્યક્તિત્વ ન સમજાયે તેવું છે.''
''કેટલાંક વ્યક્તિત્વ જીવનભર સમજી શકાતા નથી. ઊંડાણ કોતરવા બેસીએ તો દુ:ખી થઈએ.'' નિત્યાનંદ અને જગમોહન શ્રીકાંત તરફ અનિમેષ જોઈ રહ્યાં. થોડીવાર કોઈ કશું બોલ્યું નહીં. ગંભીર બનેલા વાતાવરણને શ્રીકાંતે જ હળવું કર્યું.
''મિત્રો, તમને ખબર છે, આપણા શહેરમાં પત્નીગ્રસ્ત પુરુષોનું એક મંડળ ચાલે છે. વર્ષમાં એક વખત તેઓ રેલી પણ કાઢે છે. મને ત્યાં જવાની ઈચ્છા થયેલી. પરંતુ પછી માંડી વાળ્યું.''
''જવું જોઈએ. કેમ માંડી વાળ્યું ?'' નિત્યાનંદે પૂછ્યું.
''એ લોકો મને તેમનો પ્રમુખ બનાવી દે તો ?'' શ્રીકાંતે પ્રત્યુત્તર આપ્યો અને મિત્રોનું ખડખડાટ હાસ્ય બહાર સુધી સંભળાયું.
સૂર્ય પશ્ચિમ દિશામાં સાવ નીચે સરકી રહ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
''દોસ્ત, હવે અમે નીકળીએ. આજે ખૂબ મજા આવી.''
નિત્યાનંદજી લંગાટિયા મિત્રોને કમ્પાઉન્ડના દરવાજા સુધી મૂકવા બહાર આવ્યા. કમ્પાઉન્ડના દરવાજા પાસે ઊભા રહી, જગમોહને નિત્યાનંદના ત્રણ માળના મકાન તરફ દ્રષ્ટિ કરી કહ્યું. ''બહું મોટું મકાન છે, દોસ્ત તારું.''
''મોટું તો છે જ. મને એકલાને ખાવા દોડે છે. તમે બંને અહીં રહેવા આવી જાવ.'' નિત્યાનંદજીએ હસીને કહ્યું.
''જો જે હો... મજાકમાં પણ ન કહેતો. અમે બંને તો ઘરેથી દાઝેલા છીએ. ખરેખર ધામા નાખીશું.'' મજાકમાં ચાલતી વાત સીરિયસ બની ગઈ.
''તમે બંને અહીં રહેવા આવો તો સૌથી વધારે આનંદ મને થાશે અને મારું હવે પછીનું આયુષ્ય બેવડાશે.'' નિત્યાનંદે શ્રીકાંતના ખભે હાથ મૂકી કહ્યું. જગમોહન અને શ્રીકાંત એકબીજા તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોઈ રહ્યા.
આજે થોડું મોડું થયું હતું. બંને મિત્રોએ ઘરની વાટ પકડી. એવા ઘરની જેના તેઓ મુખીયા હતા. પરંતુ તેમને હૃદયથી આવકારવા કોઈ તેમની રાહ જોઈને બેઠું નહોતું.
જગમોહન અને શ્રીકાંતે નિત્યાનંદજીના ઘરની મહેમાનગતિ માણ્યાને હજુ બે દિવસ પણ પૂરા થયા ન હતા ને ઢળતી સાંજે નિત્યાનંદજીનો મોબાઈલ રણકી ઊઠયો.
''હા, હું જગમોહન. મેં અને શ્રીકાંતે તારે ત્યાં રહેવા આવવાનું ફાઇનલ કર્યું છે. કાલે સવારથી જ આવીએ છીએ.''
''હા, જરૂર આવો. તમે ઘરેથી સહમતી તો લીધી છે ને.''
''શ્રીકાંત ઘરમાં રહે કે બહાર શોભના ભાભીને કશો ફરક પડતો નથી, અને હું કુટુંબનો બોજારૂપ સભ્ય ! પુત્રવધૂએ તો મને 'બેસ્ટ લક' કહી મારો માર્ગ મોકળો કરી આપ્યો.''
''યુ બોથ આર વેલ કમ, સવારે હું તમારી રાહ જોઈશ.''
બીજા દિવસે બંને કમનસીબ મિત્રોએ સુખદુ:ખની મિશ્ર લાગણી સાથે ઘર છોડયું. જીવનસંધ્યાના છેલ્લા વર્ષો પસાર કરવા પોતાના નિવાસસ્થાન છોડવા પડયા હતાં. સવારે નવેક વાગ્યે બંને મિત્રો નિત્યાનંદજીના ઘરે પહોંચ્યા. નિત્યાનંદે બંનેને આવકારી ડ્રોઈંગરૂમમાં લઈ આવ્યા. મહારાજને બોલાવી બંનેનો સામાન ઉપરના રૂમમાં ગોઠવાવી દીધો.
''અરે હા, તમને બંનેને પ્રો. અવિનાશનો પરિચય આપું. અવિનાશ મારી જ કોલેજનો પ્રોફેસર. છેલ્લા એકાદ વર્ષથી રિટાયર્ડ થયો છે. મૂળ સૌરાષ્ટ્રનો પણ કર્મભૂમિ અમદાવાદ. બે દીકરાઓ નાના હતા ત્યારે જ તેની પત્ની અવસાન પામેલી. બાળકોને નવી મમ્મીનો પ્રેમ મળશે કે નહીં એ બીકે બીજા લગ્ન કર્યા નહીં. અત્યારે બંને યુવાન સંતાનો ઓસ્ટ્રેલિયામાં અને દુ:ખી આત્મા અહીં. અમદાવાદમાં એ ભાડાના મકાન બદલતો રહે છે. તમે બંનેએ અહીં રહેવા આવવાનું નક્કી કર્યું એટલે મેં તેને પણ અહીં બોલાવી લીધો. તીન સે ભલે ચાર.''
''એ તમે સારું કર્યું. પ્રો. અવિનાશ પણ વિધુરના કેશમાં આપણી જ પંગતનો કહેવાય ને !'' જગમોહને હળવાશથી કહ્યું.
''હા, આપણી જ પંગતનો અને મોસ્ટ સિનિયર પણ ખરો !'' નિત્યાનંદે હસીને કહ્યું.
''આશ્રમ રોડ પર એક થિએટરમાં ''મોગલે આઝમ'' કલર પ્રિન્ટમાં લાગ્યું છે. આજે બધા મિત્રો સાથે જઈએ.'' પ્રો. અવિનાશે કહ્યું.
''ગુડ આઈડિયા, ઘણાં વર્ષોથી થિએટરમાં પગ પણ મૂક્યો નથી. આજે જઈએ, અને એ પણ મોગલે આઝમ ! વાહ.'' નિત્યાનંદે કહ્યું.
''સાંજે અવિનાશની કારમાં બેસી ચારે મિત્રો થિએટરે પહોંચ્યાં અને ફિલ્મ જોઈ, અને સારા રેસ્ટોરન્ટમાં જમી પાછા ફર્યા.''
હતાશાના દિવસો આનંદમાં અને વૃધ્ધત્વને સ્થાને યુવાની જાણે પાછી ફરી હતી ! નિત્યાનંદજી સાથે મિત્રોના સહવાસથી ચૌદ નંબરના બંગલાની સકલ જ બદલાઈ ગઈ. ખંઢેર જેવા દેખાતા બંગલામાં રંગરોગાન થયું. ઉપરના રૂમમાં જૂના પંખાની જગ્યાએ નવા પંખા લાગ્યા. બંગલાના વેરાન જેવા કમ્પાઉન્ડે બગીચાનું સ્વરૂપ ધારણ કર્યું. પરિસરમાં સાંજના સમયે હીંચકા પર નિત્યાનંદજી બેઠા હોય. સામે ખુરશી ઢાળી લંગોટિયા મિત્રો બેઠા હોય. સોસાયટીના સિનિયર સિટીજનો પણ અહીં જોવા મળતાં. પરિસરમાં સાંજે બુઝર્ગોની મહેફિલ જામતી. દિવાળીની રાતે અહીં ફટાકડા ફૂટતા, ધૂળેટીના દિવસે રંગ
ઉડતો અને ઉતરાયણના દિવસે અગાસી પર પતંગ ચગતી.
વાતવાતમાં એક બુદ્ધિજીવી સિનિયર સિટીજનના મુખેથી નિત્યાનંદના બંગલા માટે 'મિત્રાશ્રમ' શબ્દ સરી પડયો. બસ ત્યારથી ચૌદ નંબરનો બંગલો 'મિત્રાશ્રમ'ના નામે ઓળખાવા લાગ્યો.
પાંચેક વર્ષ સુધી 'મિત્રાશ્રમ' ધબકતું રહ્યું. ચારે મિત્રોના વજનમાં વધારો થયો હતો. તરડાયેલા ચહેરાઓ ખીલ્યા હતાં. જીવવાની ચાહત વધી હતી. પણ... !
''પણ શું ?'' રણજીતે અધીરાઈથી રહીમ ચાચાને પૂછ્યું.
''રવિવારની એક સાંજે ત્રણે મિત્રો અવિનાશની કારમાં બેસી હાઈવે પરની એક હોટલમાં જમવા ગયા. રાત્રે નવેક વાગ્યે પાછા ફર્યા ત્યારે ઇન્દ્રનિલ નિત્યાનંદજીની રાહ જોઈને ઊભાં હતાં.''
''ઈન્દ્રનીલ પહેલા આ સોસાયટીમાં રહેતા હતા. હવે દૂરની સોસાયટીમાં રહેવા ગયા છે.'' નિત્યાનંદે મિત્રોને ઈન્દ્રનીલનો પરિચય આપ્યો.
''તમે તમારા જૂના પાડોશી સાથે બેસો, અમે થોડું વોકિંગ કરી આવીએ.'' શ્રીકાંતે નિત્યાનંદજીને કહ્યું.
''એક કોન્ફરન્સમાં લંડન ગયેલા બે દિવસ પહેલા જ પાછો ફર્યો.'' ઈન્દ્રનીલે વાતની શરૂઆત કરી.
''લંડનમાં તમારા ભાર્ગવની મુલાકાત થઈ. લંડનની એક જાણીતી હોટલમાં ભાર્ગવ કુટુંબ સાથે ડીનર માટે આવેલો. તેની સાથે ઘણી વાતો થઈ.'' થોડી વારે ઈન્દ્રનીલે વિદાય લીધી.
''ભાર્ગવ લંડનમાં સેટલ થયો છે ! મને ખબર નથી. તેને ત્યાં પુત્રનો જન્મ થયો છે ! મને ખબર નથી. તેનું નામ અર્જુન છે ! મને ખબર નથી !'' નિત્યાનંદ સ્વગત જ બળાપો કાઢ્યો.
ડ્રોઈંગરૂમમાં ફરતા પંખાની ઝડપ તેમણે વધારી. સોફા પર ધડામ દઈને બેઠા, થોડીવાર બેઠા રહ્યા અને પછી ધુ્રસકે ધુ્રસકે રડી પડયા ક્યાંય સુધી રડતા રહ્યાં.
''પુત્રવધૂની જીદને કારણે ભાર્ગવ અમદાવાદ છોડી હૈદરાબાદ શીફટ થયો હતો. વર્ષમાં બે ત્રણ ફોન માંડ આવતાં. નિત્યાનંદજીના ફોનની ખાસ નોંધ લેવાતી નહીં. છેલ્લે એ કેનેડા હતો ત્યારે એકાદ ફોન આવેલો. પછી એ ક્યારે લંડન ગયો ?'' કોઈ સમાચાર નિત્યાનંદજી પાસે નહોતા.
રાતભર ઊંડા જખમોને એ ખંજવાળતા રહ્યા ! સવારે જગમોહને નિત્યાનંદજીને ઢંઢોળ્યા છતાં ઊઠયા નહીં. વહેલી સવારે ઊંઘમાં જ તેમનું હૃદય બેસી ગયું હતું. સોસાયટીમાં સોપો પડી ગયો. નિત્યાનંદજીની અચાનક વિદાયથી મિત્રો ભાંગી પડયા. 'મિત્રાશ્રમ' અનાથ બન્યું.
***
રણજીત સ્તબ્ધ બની 'મિત્રાશ્રમ'નો છેલ્લો અધ્યાય સાંભળી રહ્યો. રાત ઝડપથી પસાર થઈ હતી. ગાઢ ધુમ્મસ આરપારનો સૂર્ય ધૂંધળો ભાસતો હતો. રહીમ ચાચા ઊભાં થઈ ઘર તરફ જવા ડગ ભરી રહ્યાં. સાથે ગળતું જામ હતું અને નિસ્તેજ રાહ હતી.


