- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- કાર્લિસ ઓસિસે જણાવ્યું કે દેહાતીત અનુભૂતિ વખતે ચૈતસિકનો આત્મા, ચેતના કે મન દૂરના સ્થળે ગતિ કરીને ત્યાં પણ થોડો સમય હાજર રહે છે અને ત્યાંની માહિતી ગ્રહણ કરી પાછું ફરે છે
‘If science ignores inner experience, it ignores a huge part of reality.
જો વિજ્ઞાન આંતરિક અનુભવોને નજર અંદાજ કરે છે તો તે વાસ્તવિક્તાના બહુ મોટા ભાગની ઉપેક્ષા કરે છે.'
‘The brain may be a transmitter, not a producer of consciusness.
મસ્તિષ્ક ચેતનાનું સંપ્રેષક હોઈ શકે છે પણ એનું નિર્માતા નહીં.
-Charles Tart, American Psychologist and conciousness researcher
‘The evidence from out of Body Experiences Supports the hypothesis of consciousness beyond the body.
દેહાતીત અનુભૂતિથી પ્રાપ્ત પ્રમાણ શરીરથી અલગ ચેતાની પરિકલ્પનાનું સમર્થન કરે છે.
‘Out of Body Experiences suggest the perception can occur without the Physical body.
દેહાતીત અનુભૂતિઓ એવું સૂચવે છે કે અનુભવો ભૌતિક શરીર વિના પણ થઇ શકે છે.
- Karlis Osis,
- Latvian American Parapsychologist, best known for his reasearch on Death bed visions, out of Body Experiences and survival of consciousness after death.
અમેરિકન મનોવિજ્ઞાની, લેખક અને સંશોધક ચાર્લ્સ ટાર્ટે ટ્રાન્સપર્સનલ સાઇકોલોજી, ચેતનાની પરિવર્તિત અવસ્થા, સહમતિ સંમોહન અને વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું છે. તેમણે ૨૫૦થી વધુ લેખો અને અનેક પુસ્તકો લખ્યા છે જે ચેતના અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાર્લ્સ ટાટ (૨૯ એપ્રિલ ૧૯૩૭ - ૫ માર્ચ ૨૦૨૫) દ્વારા વિશિષ્ટ સાઇકોફિઝિયોલોજિકલ લેબોરેટરીમાં દેહાતીત અનુભૂતિ અને મરણાસન્ન અનુભૂતિ (Near Death Experiences) કરનારા પર પ્રયોગો કરાયા હતા. ચાર્લ્સ ટાર્ટે એકવાર દેહાતીત અનુભૂતિ કરવાની ક્ષમતાથળી એક ચૈતસિક છોકરી પર પ્રયોગ કર્યો ત્યારે તેણે તેના પલંગ પર સૂતા સૂતા માથા પરની છાજલીની ઉપરના ભાગ પરની ભીંત પર લખવામાં આવેલો પાંચ આંકડાનો નંબર ૨૫૧૩૨ સહેજ પણ ભૂલ વગર કહી બતાવ્યો હતો.
આ તબક્કે મનોવિજ્ઞાનીઓ સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જ્યારે કોઈ ચૈતસિક ક્ષમતાવાળી વ્યક્તિ દૂર રહેલી કોઈ માહિતી જાણવા દેહાતીત અનુભૂતિ કરે ત્યારે શું બનતું હશે ? શું તેનું મન તે માહિતી પ્રાપ્ત કરવા તે જગ્યાએ પહોંચી જતું હશે કે પછી તેનું મન કે ચેતના દૂર રહેલી વસ્તુના ગુણધર્મો સાથે તત્કાળ જોડાઈને, તેની સાથે પરસ્પર ક્રિયા કરી તે માહિતી જાણી લેતું હશે ? આ બાબત જાણવા ચાર્લ્સ ટાર્ટ અને અન્ય વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સાધનો ગોઠવી તે માટેના પ્રયોગો પણ કર્યા.
કાર્લિસ ઓસિસ (૧૯૧૭-૧૯૯૭) એક પ્રસિધ્ધ પરામનોવિજ્ઞાની હતા જેમણે મૃત્યુ નિકટ હોય તેવા સમયે થતા અનુભવો, દેહાતીત અનુભૂતિઓ અને મૃત્યુ પછી ચેતનાના અસ્તિત્વ પર સંશોધનો કર્યા હતા. At the hour of Death (એટ ધ અવર ઑફ ડેથ) નામના પુસ્તકમાં તેમણે આ વિશે વિસ્તૃત માહિતી આપી છે.
કાર્લિસ ઓસિસે ઇન્ગો સ્વાન (Ingo swann) નામના ચૈતસિક પર દેહાતીત અનુભૂતિના પ્રયોગો કર્યા હતા. તેમણે લેબોરેટરીની છત પાસે ખૂબ ઊંચે એક ખોખું મૂકાવ્યું હતું. તેને ઉપરથી થોડું ખુલ્લું રાખવામાં આવ્યું હતું. કાર્લિસ ઓસિસ તે ખોખામાં કોઈ વસ્તુ મુકે તે પછી ઇન્ગો સ્વાનને લેબોરેટરીમાં બોલાવી તેની પથારી પર સુવડાવવામાં આવતો અને તે ખોખામાં શું છે તે પૂછવામાં આવતું. ઇન્ગો સ્વાન દેહાતીત અનુભૂતિ કહી દરેક વખતે તે ખોખામાં કઇ વસ્તુ મૂકાયેલી છે તે સહેજ પણ ભૂલ વગર કહી દેતો હતો.
ચાર્લ્સ ટાર્ટની જેમ કાર્લિસ ઓસિસની સમક્ષ પણ એ સમસ્યા હતી કે દેહાતીત અનુભૂતિ વખતે તે વ્યક્તિનું મન કે ચેતના દૂરના સ્થળે ગતિ કરી, ત્યાં ઉપસ્થિત થઇ તે જગ્યાની માહિતી મેળવે છે. કે પછી પોતાની જગ્યાએ જ રહી દૂરની માહિતી મેળવી લે છે ? આ જાણવા તેમણે ખાસ પ્રકારનું માઇન્ડ ડિટેક્ટર કે સોલ ટ્રેપ (soul Trap) નામ આપવામાં આવ્યું છે તેનું સાધન બનાવ્યું. તે પછી દેહાતીત અનુભૂતિની અસાધારણ ક્ષમતા ધરાવતા, દૂરદ્રષ્ટા તરીકે પ્રસિધ્ધ અમેરિકાના પોર્ટલેન્ડના એલેક્ષ (એલક્ઝાન્ડર) ટેનસ (Alex Calexander Tanous) નામના ચૈતસિક પર પ્રયોગો કર્યા. ખાસ પ્રકારથી બનાવાયેલા આ મશીનથી ઘણે દૂર બેસી એલેક્ષ ટેનસ તેમાં જોવાના છિદ્રની સામે વર્તુળનો કયો ભાગ, તેની પાછળ કયા રંગનો ભાગ અને તેની પાછળ કયું ચિત્ર વેગથી રિવોલ્વ થયા બાદ બટકીને સ્થિર થયા છે તે કહી દેતો. સામાન્ય વ્યક્તિ મશીન બોક્ષના એકદમ નાના છિદ્ર પર આંખ મૂકીને જુએ તો જ અંદરની આ બધી સ્થિતિ જાણી શકે એવી એની રચના હતી. પણ એલેક્ષ કેટલાય ફૂટ દૂરથી તે ત્રણેય વિગતો આપી દેતો હતો. કાર્લિસ ઓસિસે તે માઇન્ડ ડિરેકટર કે સોલ ટ્રેપ મશીનમાં સ્ટ્રેઇન ગોજ (Strain Gauge) લગાવેલું મેટલ પ્લેટવાળું એક બીજું નાનું બોક્ષ પણ ગોઠવ્યું હતું જે મન કે ચેતનાની હાજરીને નોંધી લેનારું હતું. એલેક ટેનસને મશીનની અંદરની વર્તમાન સ્થિતિ કઇ છે તે કહેવા પ્રશ્ન પૂછાતો અને તે દેહાતીત અનુભૂતિ કરી તે જાણવા પ્રયત્ન કરતો ત્યારે સ્ટ્રેઇન ગોજમાં તેના મન કે ચેતનાનો પ્રવેશ થયો છે તે નોંધાઈ જતું. તેનાથી સાબિત થતું હતું કે તે સમયે મશીનની અંદરની સ્થિતિ જાણવા એલેક્ષનું મન કે ચેતના તેમાં પ્રવિષ્ટ થયા છે. આમ, સોલ ટ્રેપ મશીનમાં ચેતના કે આત્મા ઝડપાઈ જતા. સ્ટ્રેઇન ગોજ તેની હાજરીને દર્શાવી દેતું હતું. આ પ્રાયોગિક પુરાવાને આધારે કાર્લિસ ઓસિસે જણાવ્યું કે દેહાતીત અનુભૂતિ વખતે ચૈતસિકનો આત્મા, ચેતના કે મન દૂરના સ્થળે ગતિ કરીને ત્યાં પણ થોડો સમય હાજર રહે છે અને ત્યાંની માહિતી ગ્રહણ કરી પાછું ફરે છે. દેહાતીત, અનુભૂતિ વખતે તે ચૈતસિક કે અનુભૂતિ કરનાર વ્યક્તિનું સૂક્ષ્મ શરીર (Astral Body) તેના સ્થૂળ શરીરને છોડીને બીજે સ્થળે જાય છે ત્યારે તેની સાથે તેના આત્મા, ચેતના કે મનનો અંશ પણ તેની સાથે સંલગ્ન હોય છે.


