- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- એક ઉત્તમ લેખક જ્યારે બાહોશ સિનેમેટોગ્રાફર પણ હોય ત્યારે શું થાય? આનો જવાબ મલયાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેજીલા તોખાર એવા બાહુલ રમેશ પાસેથી સાંભળવા જેવો છે...
તો, બાહુલ રમેશ આજકાલ ખાસ્સા ચર્ચામાં છે. બાહુલ રમેશ એટલે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેજીલા તોખાર, જે ફિલ્મો બે રીતે 'લખે' છે - કલમથી અને કેમેરાથી. ૩૨ વર્ષીય બાહુલ અફલાતૂન લેખક પણ છે અને સજ્જ સિનેમેટાગ્રાફર પણ છે. રાઇટર-સિનેમેટોગ્રાફર કોમ્બો તરીકે એમણે બે મલયાલી ફિલ્મો આપી છે - 'કિષ્કિંધા કાંડમ્' અને 'ઇકો'. દિમાગ ચકરાવી નાખતી અને બોક્સ ઓફિસ પર સફળતા પામેલી આ બે જ ફિલ્મોના જોરે તેઓ કેરળની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'હોટ પ્રોપર્ટી' બની ગયા છે. એમનો પ્રભાવ તમે જુઓ. આપણે ગુજરાતીભાષી છીએ તો પણ એમના વિશે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ!
ગયા રવિવારે આપણે એમની રાઇટિંગ પ્રોસેસ વિશે વાત કરી હતી. ફિક્શન લખતા લેખકો બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારના લેખક પાસે કૃતિ શરુ કરતાં પહેલાં આખો નક્શો તેૈયાર હોય. પ્રારંભ-મધ્ય-અંત વિશે પાક્કી સ્પષ્ટતા થાય પછી જ એ લખવાનું શરૂ કરે. બીજા પ્રકારના લેખક પાસે વાર્તાના પ્લોટને બદલે માત્ર કોઈ આછોપાતળો વિચાર, કોઈ પાત્ર, એકાદું વાક્ય કે કોઈ દ્રશ્ય હોય. બસ, એના આધારે લેખક લખવાનું શરૂ કરી દે. પછી અંત: સ્ફૂરણાના આધારે એ આગળ-આગળ લખતો જાય ને ક્રમશ: એની આખી કૃતિનો ઘાટ ઘડાતો જાય. આપણને થાય કે કેવળ અંત:સ્ફૂરણાના આધારે નવલિકા કે નવલકથા લખી શકાય, પણ ફિલ્મની સ્ક્રિપ્ટ થોડી લખી શકાય? બાહુલ રમેશના કિસ્સા પરથી સમજાય છે કે, કેવળ અંત: સ્ફૂરણાના આધારે અત્યંત મૌલિક, અણધાર્યા અંતવાળી, જરાય બીબાઢાળ ન હોય એવી મસ્તમજાની ફિલ્મ પણ લખી શકાય.
'જુઓ, આખી સ્ક્રિપ્ટ લખાઈ ન જાય ત્યાં સુધી હું કોઈ પ્રોડયુસર કે ડિરેક્ટરનો અપ્રોચ કરતો નથી,' બાહુલ રમેશ કહે છે, 'એટલે મારા પર ડેડલાઈનનું સહેજ પણ પ્રેશર હોતું નથી. લખવાનું શરૂ કરતાં પહેલાં હું કોઈની સાથે ચર્ચા કરતો નથી. વન-લાઇન (આખી ફિલ્મનું કથાવસ્તુ), સીન ડિવિઝન એવું કશું જ કર્યા વિના હું સીન નંબર વનથી લખવાનું શરૂ કરી દઉં છું. ફિલ્મ અડધી પૂરી થાય એટલે એટલું લખાણ હું મારા ફાધરને વાંચવા આપું છું. મારા ફાધર એમના નાનપણથી ફિલ્મોના જબરા રસિયા રહ્યા છે. તેઓ કોઈ ફિલ્મ-ક્રિટિકની જેમ નહીં, પણ એક સિનેમાપ્રેમીની જેમ ટૂંકમાં મંતવ્ય આપે કે મેં સારું લખ્યું છે કે ઠીકઠીક લખ્યું છે, વાંચવાની મજા આવી કે નહીં, આગળ શું થશે તે જાણવાની ઉત્કંઠા થાય છે કે નહીં, વગેરે. હું એમને પૂછું કે તમને શું લાગે છે, હવે આગળ સેકન્ડ હાફમાં શું થશે? તેઓ ત્રણ-ચાર સંભાવના વ્યક્ત કરે - કાં તો આમ થશે, અથવા તો આમ થશે, નહીં તો પછી તેમ થશે. જુઓ, મારા ફાધરે એમની જિંદગીમાં ચિક્કાર મેઇનસ્ટ્રીમ ફિલ્મો જોઈ છે, એટલે એમનો મહાવરો, દ્રષ્ટિ અથવા કહો કે 'આલ્ગોરિધમ' તે પ્રમાણે સેટ થયાં છે. હું એક વાતે બિલકુલ સ્પષ્ટ થઈ જાઉં કે પપ્પા ફિલ્મના સેકન્ડ હાફમાં જે 'એ', 'બી' કે 'સી' ઘટનાક્રમ બનવાની સંભાવનાઓ જુએ છે તે તો હું નહીં જ લખું! હું તે રસ્તે જઈશ જ નહીં. હું 'ડી' કે 'ઈ'નો રસ્તો પકડીશ. મેં અગાઉ કહ્યું તમે, ફિલ્મના એન્ડમાં શું બનવાનું છે તે મને પોતાનેય ખબર હોતી નથી, ફિલ્મનો અંત મને લખતી વખતે જ સૂઝે છે.'
આ રીતે આખી ફિલ્મ લખાઈ જાય પછી બાહુલ ફુલ સ્ક્રિપ્ટ પોતાની પત્ની, ભાઈ અને એક આસિસ્ટન્ટ ડિરેક્ટર દોસ્તારને વાંચવા આપે, ને તેમનો ફીડબેક લે. પપ્પાની પ્રતિક્રિયા સ્વાભાવિકપણે એવી જ આવે કે ઓહ, આવું તો મેં વિચાર્યું જ નહોતું! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેને ફીડ કરવામાં આવેલી દુનિયાભરની સામગ્રીના આધારે પોતાની કૃત્રિમ બુદ્ધિ દોડાવે છે. જો એઆઈથી આગળ રહેવું હોય તો એવું કશુંક
સર્જવું પડે જે સાચા અર્થમાં આઉટ-ઓફ-ધ-બોક્સ હોય, મૌલિક હોય... અને બાહુલનો એ જ પ્રયાસ હોય છે! બાહુલ કહે છે, 'મને ઓડિયન્સને સ્પૂન ફીડિંગ કરતો નથી, એમને ઝીણી ઝીણી તમામ વસ્તુઓ સમજાવવા બેસતો નથી. માત્ર ઝટકો આપવા માટે ટ્વિસ્ટ લાવવામાં હું માનતો નથી. મારાં પાત્રો ઓડિયન્સને જાણકારી આપવા માટે ડાયલોગ્ઝ બોલતા નથી. મને એટલે જ 'ટેમ્પલેટ' (ચોક્કસ બીબાં) ધરાવતી ફિલ્મો ગમતી નથી. હીરોની એન્ટ્રી અમુક રીતે જ થાય, હિરોઇન આવી જ હોય, અમુક ઘટના પછી તમુક ઘટના બને જ બને, સ્ટેજિંગ-ડાયલોગ્ઝ-સીન પ્લેસમેન્ટ અમુક રીતે જ થાય... આ બધું બહુ બોરિંગ હોય છે. ઘસાઈ ગયેલી ને પ્રેડિક્ટેબલ થઈ ગયેલી વાતોમાંથી મારો રસ તરત ઉડી જાય છે. બાકી ટેમ્પલેટ વગરની ફિલ્મ અત્યંત ધીમી હોય તો પણ હું બોર થતો નથી.'
ફિલ્મોમાં અને નાટકોમાં એક સાદો નિયમ છે કે કશીક વસ્તુ કે ઘટના કે પાત્ર જો શરુઆતમાં દેખાડો તો આગળ તેનો કશોક ઉપયોગ થવો જોઈએ. જેમ કે તમે કોઈ સીનમાં બંદૂક દેખાડો તો તે આગળ જતાં વહેલી-મોડી ફૂટવી જોઈએ. અમથેઅમથી બંદૂક ન દેખાડાય. બાહુલ રમેશ જોકે એવું નથી માનતા. એમની ફિલ્મમાં બંદૂક ન પણ ફૂટે! તેઓ કહે છે, 'અમુક વિગતોને હું માત્ર એક લેયર (સ્તર) તરીકે મૂકતો હોઉં છું. પાત્રને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા, પાત્રાલેખનમાં નવા રંગ ભરવા મને અમુક વિગતો દેખાડવી ગમે છે. જેમ કે, 'ઇકો' ફિલ્મમાં એક પાત્રને શૃંગારિક વાર્તાઓ વાંચવાનો અને લખવાનો શોખ છે. આ પાત્રની તે એક લાક્ષાણિકતા માત્ર છે. મેં બે સીનમાં આ ડિટેલ મૂકી છે. કામુક વાર્તાઓ લખવા-વાંચવાના શોખનો ફિલ્મની વાર્તા સાથે કશો સંબંધ નથી.'
ક્રિયેટિવ રાઇટિંગમાં રી-રાઇટિંગ એટલે કે પુનર્લેખનનો બહુ મહિમા હોય છે. સ્ક્રિપ્ટ ફાયનલ થાય તે પહેલાં કોણ જાણે એના કેટલાય ડ્રાફ્ટ લખાય. 'પણ હું બહુ રિવાઇઝ કરતો નથી,' બાહુલ કહે છે, 'હું મોટે ભાગે મારા ફર્સ્ટ ડ્રાફ્ટને જ વળગી રહું છું. મારી સ્ટોરી ક્રમે ક્રમે, બહુ જ ઓર્ગેનિક રીતે લખાઈ હોય છે. પુનર્લેખનને કારણે લખાણની સહજતા પર માઠી અસર થાય છે.'
બાહુલ રમેશને, ટૂંકમાં, સ્ક્રિપ્ટરાઇટિંગનાં ટેમ્પેલ્ટ્સ અથવા ધારાધોરણોમાં પણ રસ નથી! વાર્તાઓ લખવાનો શોખ એમને જોકે આઠમા-નવમા ધોરણથી હતો. તેઓ વાર્તાસ્પર્ધાઓમાં ભાગ લેતા અને નિર્ણાયકોને ઇમ્પ્રેસ કરવા મેચ્યોર પાત્રો ધરાવતી વાર્તાઓ લખતા. આ ઉંમરે જ એમણે નક્કી કરી નાખ્યું હતું કે મોટા થઈને મારે ફિલ્મલાઇનમાં જવું છે. આટલી કાચી ઉંમરે આ પ્રકારની માનસિક સ્પષ્ટતા બહુ ઓછાં બચ્ચાઓને આવતી હોય છે. બાહુલનાં મમ્મી-પપ્પા એમને એક જ વાત કરતા: તને જેમાં રસ પડે તે જ કરવાનું. સફળતા મળે - ન મળે એની ચિંતા નહીં કરવાની. બાહુલ કહે છે, 'મમ્મી-પપ્પાએ મને નિષ્ફળ જવાની આઝાદી આપી હતી. તેને કારણે મારો ડર નીકળી ગયો.'
બાહુલે ચેન્નાઈમાં વિઝ્યુઅલ કમ્યુનિકેશન વિષય સાથે બીએસસી કર્યું છે. પછી ચેન્નાઈની જ એલ.વી. પ્રસાદ ફિલ્મ એન્ડ ટીવી એકેડેમીમાંથી સિનેમેટોગ્રાફીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. શરુઆતમાં કેટલીક શોર્ટ ફિલ્મ્સ બનાવી. ૨૦૧૮માં 'મંધરમ્' નામની ફિલ્મથી ઇન્ડિપેન્ડન્ટ સિનેમેટોગ્રાફર તરીકે શરૂઆત કરી. ધીમે ધીમે લેખન તરફ વળ્યા. કોવિડકાળમાં એમણે પોતાની પહેલી ફિલ્મ 'કિષ્કિંધાકાંડમ્' લખી... એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી!
બાહુલ કહે છે, 'હું સિનેમેટોગ્રાફર છું એટલે લખતી વખતે મારા દિમાગમાં કાયમ 'ફ્રેમ્સ' રમતી હોય છે. હું શેડયુલિંગ પણ ધ્યાનમાં રાખું. જેમ કે, 'ઇકો'માં મેં પોલીસ સ્ટેશનનો એક સીન લખ્યો હતો. પોલીસ સ્ટેશનનો સેટ ઊભો કર્યો હોય અને ફક્ત ત્રણ-ચાર કલાકમાં કામ પૂરું થઈ જવાનું હોય તો સેટ બનાવવાનું મોંઘું પડે. એટલે મેં પોલીસ સ્ટેશનમાં આકાર લેતો બીજો સીન પણ લખ્યો, કે જેથી આખો દિવસ કામ ચાલે ને સેટ બનાવવાનો ખર્ચ વસૂલ થાય,' આટલું કહીને બાહુલ ઉમેરે છે, 'સિનેમેટોગ્રાફર તરીકે હું આર્ટિસ્ટોને ખૂબ મોકળાશ આપું છું. હું ક્યારેય ફિક્સ્ડ માર્કિંગ કરતો નથી. કલાકારોને જે કરવું તે કરવા દઉં છું અને એમની મૂવમેન્ટ્સને કેપ્ચર કરું છું. આ રીતે દ્રશ્ય વધારે જીવંત લાગે છે. આ કારણથી જ મને બોલિવુડની 'કપૂર એન્ડ સન્સ' અને ક્રિસ્ટોફર નોલનની 'પ્રેસ્ટિજ' ફિલ્મ ખૂબ ગમે છે. અહીં કશું સ્ટેજ્ડ લાગતું નથી. આખું દ્રશ્ય જાણે આપણી આંખ સામે લાઇવ ભજવાતું હોય એવું ફીલ થાય છે. 'પ્રેસ્ટિજ' તો મારી ઓલ-ટાઇમ-ફેવરિટ ફિલ્મ છે. મને જરાક પણ ફ્રી ટાઇમ મળે કે હું 'પ્રેસ્ટિજ' જોવા બેસી જાઉં છું. દર વખતે મને કશુંક નવું નવું શીખવા મળે છે.'
બાહુલને આખરે તો ફિલ્મ ડિરેક્ટર બનવું છે. જે રીતે એમની કરીઅર આગળ ધપી રહી છે તે જોતાં બાહુલ રમેશે લેખેલી, શૂટ કરેલી અને ડિરેક્ટ કરેલી ફિલ્મ જોવા માટે આપણે ઝાઝી રાહ જોવી નહીં પડે!
શો-સ્ટોપર
મને એ કહેતા આનંદ થાય છે કે હવે હું ગાયક તરીકે કોઈ નવાં અસાઇન્મેન્ટ નહીં લઉં. હું હવે વિદાય લઈ રહ્યો છું. ઇટ વોઝ અ વંડરફુલ જર્ની...
- અરિજિત સિંહ
(બોલિવુડના નંબર વન પ્લેબેક સિંગર)


