- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'તમારું દિમાગ ઠેકાણે છે ? ન્યાસના મામા હમણાં જ ગયા. ન્યાસ ભણવામાં ઠોઠ અને રખડુ છે એના મામાએ આજે તેને સારી એવી પ્રસાદી આપી છે.'
અ નુષ્ઠાન પ્રામાણિક અને નેકનિયત ઇન્સાન. બધા ઓફિસરને ત્યાં અવાર-નવાર ભેટ સોગાદો, અને મીઠાઈઓના ઢગલા ખડકાય, પણ અનુષ્ઠાનનો ઉંબરો ઓળંગવાની કોઈ હિંમત ન કરે પરિણામે એમની સામે ઇર્ષ્યાળુ લોકો અને ઓફિસરો અરજીઓ કરાવ્યા કરે અને એમનો કાંટો કાઢવા માટે મોટા ઓફિસરો તેમની ટ્રાન્સફર કર્યા જ કરતા. હજી નવા ઠેકાણે ઘર માંડ ગોઠવાયું હોય ત્યાં ટ્રાન્સફરનો બીજો ઓર્ડર તૈયાર જ હોય. અનુષ્ઠાનના પત્ની ગરિમાદેવી વારંવાર થતી બદલીઓથી કંટાળીને કહેતા : 'તમે સત્યનું પૂછડું પકડી રાખ્યું છે પણ અમારો વિચાર કર્યો છે ખરો ? હું અને ન્યાસ ક્યાંય ઠરીને ઠામ થઇ શક્તાં નથી. બેઇમાનો અમૃતનો પ્યાલો ગટગટાવે અને ઇમાનદારોએ વિષનો પ્યાલો પીવો પડે એવા જગત માટે મરી ફીટવાનો અર્થ ખરો ?'
પણ અનુષ્ઠાન તરત જ કહેતા : 'ગરિમા, આપણે ધરતીને લૂંટવા નથી જન્મ્યાં, પોષવા જન્મ્યાં છીએ. આઝાદીનો અર્થ એ નથી કે દેશના નાગરિકો અને અધિકારીઓ મન ફાવે તેમ વર્તે. દેશ આપણી પાસે માગે છે, તેની ઇજ્જત હેમખેમ રાખવાની પ્રતિજ્ઞા. માણસ રડવા કે દેશને રડાવવા નથી જન્મ્યો. હસવા, દેશવાસીઓને ખુશ રાખવા અને દેશને પ્રસન્ન રાખવા જન્મ્યો છે. હું તપસ્વી બનું તો તારે પણ એ તપમાં મને સહયોગ આપવો જોઇએ.
પતિનો નિર્દોષ સ્વભાવ અને પ્રસન્ન ચહેરો જોઈ ગરિમાદેવી નિરુત્તર બની જતાં. તેમને લાગતું કે 'ગાંધીજીની ભસ્મ લગાવીને જીવનારા માણસો આજે પણ છે. મારે મારા પતિ અનુષ્ઠાનની સાચા અર્થમાં અર્ધાંગીની બનીને જીવવું જોઇએ. અધિકારી અનુષ્ઠાન માફીઆઓ, ભ્રષ્ટાચારીઓ અને અસામાજિક તત્ત્વોની જેમ આંખના કણાની જેમ ખૂંચતા હતા.'
અંતે આ બધાએ ભેગા થઇ કાવતરું રચ્યું. અમુક કામ માટે મિ. અનુષ્ઠાન પાંચ લાખ રૂપિયા માગે છે અને ટોકન તરીકે એક લાખ સ્વીકારવાના છે, એવી એફિડેવિટ કરી લાંચરુશ્વત વિરોધી ખાતામાં અરજી કરી અને નિશ્ચિત દિવસે અને સમયે રેડ પડાવવાનું નક્કી કર્યું. તે મુજબ કાવતરાખોર એક લાખ રૂપિયાની બનાવટી નોટો લઇને અનુષ્ઠાનની ઓફિસે ગયો. બહાર ગુપ્ત રીતે એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓ ઊભા હતા. પેલા કાવતરાખોરે અનુષ્ઠાનને કહ્યું : 'સાહેબ, આપ ગરીબોને મદદ કરો છો, પુણ્યનાં કામ કરો છો એટલે મેં વિચાર્યું છે કે જમીન મારે નામે કરવાનો એક કેસ પેન્ડીંગ પડેલો છે, પણ બીજી એક જમીન વેચાઈ, એમાં મને સારી એવી મોટી રકમ મળી છે. એટલે આ એક લાખ રૂપિયા હું દાનમાં વાપરવા આપવા આવ્યો છું... ના કહો તો તમને પ્યારા ગાંધીબાપુના સોગંદ!'
અને એણે નોટોની એક થોકડી અનુષ્ઠાનના હાથમાં મૂકી કે તરત જ એન્ટી કરપ્શન ઓફિસના અધિકારીઓ દોડી આવ્યા. અને અનુષ્ઠાનને રેડ હેન્ડેડ પકડી લીધા. અનુષ્ઠાને ઘણી દલીલો કરી પણ અસત્યના પ્રયોગ સામે તેમનું સત્ય તેમની મદદ ન કરી શક્યું. અને અંતે અનુષ્ઠાનની ધરપકડ થઇ. મિ. અનુષ્ઠાન આકાશભણી ટગર-ટગર જોતા વિચારી રહ્યા હતા.
ગરિમાદેવી પર આભ તૂટી પડયું. ત્રણ દિવસના રિમાન્ડ પછી અનુષ્ઠાનને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. વકીલની ફી અને બીજા ખર્ચામાં ગરિમાદેવીના ઘરેણાં પણ વેચાઈ ગયા. વકીલના કહેવા મુજબ મિ. અનુષ્ઠાનને નિર્દોષ છોડાવવાનું કામ અઘરું હતું.
અનુષ્ઠાન પગાર પર નિર્ભર ઓફિસર હતા. એટલે ઝાઝી બચત પણ નહોતી. એ સંજોગોમાં ગરિમાદેવી અને પુત્ર ન્યાસનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. અનુષ્ઠાનના ભાઈએ ગરિમાદેવીના ભાઈ સાથે મીટિંગ કરી અને ગરિમાદેવીને પોતાને ઘેર લઇ જવાની તૈયારી દર્શાવી. અને ગરિમાદેવીના ભાઈએ ન્યાસને લઇ જવાની તૈયારી દર્શાવી.
ન્યાસ કેમે કરી માતાથી વિખૂટો પડવા તૈયાર નહોતો. પણ ન્યાસના મામાએ એક ઝાટકે તેને માતાથી અળગો કરી પોતાની સાથે રિક્ષામાં બેસાડી દીધો. ગરિમાદેવીએ ધુ્રસકે ધુ્રસકે રડતાં તેના કપડાંલત્તાની બેગ રિક્ષામાં મૂકી અને રિક્ષા અદ્રશ્ય થઇ ત્યાં સુધી સડક પર ઊભા રહ્યાં.
અને એ પછી ઘર બંધ કરી ગરિમાદેવી પોતાના જેઠ સાથે તેમના ઘરે પહોંચ્યા. રિક્ષામાંથી તેઓ ઉતરે તે પહેલાં જ તેમના જેઠાણીની કામવાળી સાથેની વાતચીતના શબ્દો તેમના કાને પડયા : 'પહેલી તારીખે આવી તારો પગાર લઇ જજો. મારી દેરાણી હવે આજથી મારે માથે પડવાની છે, એટલે કામકાજનો બોજ હવે તે સંભાળી લેશે.'
ગરિમાદેવી આવનાર દિવસોનો પડછાયો પારખી ગયાં. ઘડીભર તો મનમાં વિચાર આવ્યો કે પોતે અહીંથી જ પાછાં ફરે. જો 'કામવાળી' તરીકે રહેવાનું હોય તો પોતાના જ ઘેર રહી કામ શોધી કાઢવું શું ખોટું ? પણ થોડો સમય સુખે દુ:ખે પસાર કરી પોતાને ઘેર પાછા ફરવાનું એમને તાત્કાલિક યોગ્ય લાગ્યું. કામ શોધી કાઢ્યા પછી ન્યાસને પણ પાછો બોલાવી શકાશે.
અને ભારે હૈયે ગરિમાદેવીએ જેઠના ઘરમાં પગ મૂક્યો. જેઠાણીએ કહ્યું : 'આવો તમે તો સાંજે આવવાના હતાં ને ? એકાએક ખરા બપોરે...'
'હા, ભાભી મેં વિચાર્યું કે થોડી વહેલી જાઉં તો ભાભીને કામકાજમાં મદદરૂપ થાઉં. હવે કામવાળી રાખી હોય તો છૂટી કરી દેજો. મેં માજેલા વાસણ એકવાર જોજો... દર્પણની જરૂર નહીં પડે.'
ભાભીને તો ભાવતું'તું ને વૈદ્યે કહ્યું : 'લો ત્યારે હજી હમણાં જ જમીને ઊભા થયાં છીએ, એંઠા વાસણ માંજી નાખો.'
કોર્ટ કેસ ચાલતો હતો. વકીલની ફી ચૂકવવાની હતી. દરેક મુદતે જેઠ પોતાને કોર્ટમાં સાથે લઇ જાય એવો ગરિમાદેવીનો આગ્રહ પણ જેઠ રોકડું પરખાવી દેતા. 'આજ ને આજ તો કાંઈ તમારા વરને ફાંસીની સજા નથી ફરમાવી દેવાની. નૈતિક મૂલ્યોની વાત કરતાં, ભારતમાં ખૂનીઓ કરતાં પણ ભ્રષ્ટાચારીઓની સંખ્યા ઘણી વધારે છે.'
'મોટાભાઈ, ગમે તે કરો પણ એમને તમે ભ્રષ્ટાચારીઓની યાદીમાં ન મૂકશો' ગરિમાદેવી કહેતાં.
'તમારાં જેવી પતિવ્રતા નારીઓને કદીયે પતિનો દોષ દેખાતો જ નથી.'- કહીને અનુષ્ઠાનના મોટાભાઈ અટ્ટહાસ્ય વેરતા.
એ વાતને બે-ત્રણ વર્ષ નીકળી ગયા હજી કોર્ટ કેસનો ચુકાદો આવ્યો નહોતો.
ન્યાસ મામાને ત્યાં રહેતો હતો, પણ એની દશા અનાથાશ્રમના બાળક જેવી હતી. મામાનો દીકરો પ્રયાસ બધી જ સગવડો ભોગવતો હતો. સવારમાં ગરમ ગરમ નાસ્તો, દૂધ વૈવિધ્યપૂર્ણ નાસ્તાવાળું લંચબોક્સ અને સ્કૂલબસમાં સ્કૂલે જવાની સગવડ ! વધ્યો-ઘટયો નાસ્તો અને ભાખરીને અથાણું ભરેલું લંચબોક્સ લઇ ન્યાસ ચાલતો ચાલતો સ્કૂલો જતો. સ્કૂલમાં તેનું મન અભ્યાસમાં ચોટતું નહીં. મામીએ ચીંધેલા પરચૂરણ કામોને લીધે તેને લેસન કરવાનો પણ સમય નહોતો રહેતો.
રિસેસમાં પણ અડધો કલાક મોડો વર્ગમાં હાજર થતો. વાસ્તવમાં ન્યાસ પોતાની મમ્મી વગર રહી શક્તો નહોતો. એટલે એ રિસેસમાં પોતાને ઘેર જતો. બારણે લટકતા તાળાને ચૂમીઓ કરતો અને મમ્મીને યાદ કરતો કરતો રડતો શાળાએ પાછો ફરતો. પાછો ફરે એટલે શિક્ષક દ્વારા ફરમાવાતી સજાનો ભય !
છમાસિક પરીક્ષામાં ન્યાસ બધા જ વિષયોમાં નાપાસ થયો. બપોરે રિસેસમાં 'ભટકવા' જવાની ફરિયાદ ! વર્ગ શિક્ષકે ફોન કરી તેના મામાને મળવા બોલાવ્યા. ન્યાસના મામાએ પોતાનો વટ પાડવા વર્ગશિક્ષકના દેખતાં જ ન્યાસને ઝૂડી નાખ્યો અને બપોરે ક્યાં ભટકવા જાય છે તે જણાવવાનું દબાણ કર્યું. પણ ન્યાસ ચૂપચાપ માર ખાતો રહ્યો અને મોં પણ ન ખોલ્યું.
'સાંજે ઘરે આવ... તારી ચામડી ઉધેડી નાખું'ની ધમકી આપી મામા વટવાવટો ફરકાવતાં પાછા ફર્યાં.
આ વાતને અડધો કલાક થયો હશે ત્યાં, થાકેલી, નિસ્તેજ ચહેરાવાળી વ્યક્તિ ન્યાસનું નામ લેતી શાળાના આચાર્ય સમક્ષ હાજર થઈ. આચાર્યએ કહ્યું : 'બોલો શું કામ છે ?'
'મારા પુત્ર ન્યાસનું' પેલી વ્યક્તિએ કહ્યું. 'તમારું દિમાગ ઠેકાણે છે ? ન્યાસના મામા હમણાં જ ગયા. ન્યાસ ભણવામાં ઠોઠ અને રખડુ છે એના મામાએ આજે તેને સારી એવી પ્રસાદી આપી છે.' આચાર્યએ કહ્યું.
અને અનુષ્ઠાને નમ્ર શબ્દોમાં પોતાનો પરિચય આપ્યો. આચાર્યને અનુષ્ઠાન વિષે ખૂબ જ માન હતું. એમની પર ખોટો કેસ થયાની પણ તેમને ખબર હતી. એટલે પોતાના એક મિત્ર દ્વારા અનુષ્ઠાનને જામીન પર છોડાવવા માટે અરજી કરાવી હતી. જજને પણ અનુષ્ઠાનને જોતાં તેમને ખોટા કેસમાં ફસાવ્યા હોવાની વાત સમજાતાં તેમની જામીન અરજી મંજૂર રાખી હતી.
અને બીજે જ દિવસ જામીન મુક્ત થઇ અનુષ્ઠાન ઘેર જવાના બદલે ન્યાસની શાળાએ ગયા હતા. આચાર્યને એ વાતનો આનંદ હતો કે એક ઇમાનદાર માણસને જામીન આપવાનું તેઓ નિમિત્ત બન્યા હતા.
એમણે ન્યાસને બોલાવ્યો હતો. પપ્પાને જોઇને ન્યાસ આચાર્યની ચેમ્બરમાં જ પપ્પાને કોટે વળગી પડયો હતો. આચાર્યએ ડ્રાઈવરને અનુષ્ઠાન અને ન્યાસને તેમને ઘેર પહોંચાડવાની સૂચના આપી હતી. પણ અનુષ્ઠાને પોતાના ઘરને બદલે પોતાના મોટાભાઈના ઘરે કાર લઇ જવાની ડ્રાઈવરને સૂચના આપી હતી.
ગાડી મોટાભાઈના ફ્લેટ પાસે ઊભી રહી. ગરિમાદેવી બહારની ચોકડીમાં કપડાં ધોઈ રહ્યા હતાં. પતિ અને પુત્રના વિરહમાં એમનું શરીર અડધું થઇ ગયું હતું. એકાએક પતિ અને પુત્રને સાથે જોઈ તેઓ સ્તબ્ધ થઇ ગયાં. એમને લાગ્યું કે પોતે સ્વપ્ન તો નથી જોઈ રહ્યાં ને ! પણ અનુષ્ઠાને કહ્યું : 'એક કેદી જામીન પર છૂટીને આવ્યો છે અને એ બીજા કેદીને વૈતરાની જેલમાંથી મુક્ત કરાવીને પોતાને ઘેર લઇ જશે. ચાલો, પહેર્યે કપડે. અહીંનું આપણને કશું જ ન ખપે.'
અને પુત્ર ન્યાસને તેડી ગરિમાદેવી આચાર્યએ મોકલેલી કારમાં પતિ સાથે ગોઠવાયાં હતાં. વાતાવરણમાં શબ્દો પડઘાતાં હતા : સત્યવ્રતીઓની ઇશ્વર આકરી કસોટી કરે છે, પણ તેમને ત્યજતો નથી.


