Get The App

સરાફીના નાન્સ: શૂન્ય માર્કને સીડી બનાવી વિશ્વની ટોચની વિજ્ઞાની બની

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
સરાફીના નાન્સ: શૂન્ય માર્કને સીડી બનાવી વિશ્વની ટોચની વિજ્ઞાની બની 1 - image

- પરીક્ષાની મોસમ શરુ થવાની તૈયારી છે ત્યારે સરાફીનાની પ્રેરણા સાથે રાખીને વર્ગ ખંડમાં બેસશો : માર્ક મહત્ત્વનાં નથી વિષય પ્રત્યેનો અથાગ લગાવ અનિવાર્ય છે 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- વિશ્વની મોટાભાગની શોધ અને પ્રોડક્ટને બજારનાં નિષ્ણાતોએ હાંસી ઉડાવી જાકારો આપ્યો હતો પણ વિજ્ઞાનીઓએ આત્મવિશ્વાસ જારી રાખ્યો અને આજે વિશ્વને એકવીસમી સદીમાં આ જ શોધ સંશોધન લઇ ગયા છે 

સ રાફીના નાન્સ અમેરિકાની ટોચની એસ્ટ્રોફિઝિક્સ  વિષયની વિજ્ઞાની છે. પણ તે માસ્ટર ડીગ્રી માટેની વિદ્યાર્થીની હતી ત્યારે તેણે તેના  મક્કમ મનોબળની પ્રતીતિ કરાવતી પ્રેરણા  પૂરી પાડી હતી. રાજ્યમાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે સરાફીનાના જીવનનો પ્રસંગ જાણવા જેવો છે. તેનું ઉદાહરણ આજે પણ અમેરિકાની યુનિવર્સિટીમાં અપાય છે. સરાફીનાએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયામાં  એક પોસ્ટ મૂકી હતી જેમાં જણાવેલું કે ''4 years ago I got 0 on a quantum physics exam. i met with professor fearing i needed to change my major & quit physics. today, i'm in a top tier astrophysics Ph.D program & published 2 papers. STEM is hard for everyone-grades don't mean you're not good enough to do it.  (ચાર વર્ષ પહેલા ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર વિષયમાં મારા શૂન્ય માર્ક આવ્યા હતા.

હું એ ડર સાથે પ્રાધ્યાપકને મળી હતી કે મારે  માસ્ટરનો  અને ભૌતિકશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરવાનો વિચાર પડતો મુકવો જોઈએ. આજે હું  એડવાન્સ એસ્ટ્રોફિઝીક્સમાં પીએચ.ડી કરું છું અને મારા બે પેપર પણ પ્રકાશિત થઇ ચૂકયા છે. વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને ગણિતની કોઈ પણ શાખા પ્રત્યેક વિદ્યાર્થી માટે અઘરી હોય છે -પણ તમને સારા ગ્રેડ ન આવતા હોય તેનો અર્થ એવો નથી કે તમે  તેના પર પ્રભુત્વ મેળવવા સક્ષમ નથી.)

૨૬ વર્ષીય સરાફીના જેવી તેવી નહીં પણ જગવિખ્યાત યુનિવર્સિટી ઓફ કેલીફોર્નોયા, બર્કલીમાંથી એસ્ટ્રોફિઝીક્સ કરવા માટે લાયક ઠરી  અને તેના બે પેપર્સ પબ્લિશ  થયા છે. આજે તો તેના હાથ નીચે વિદ્યાર્થીઓ પી.એચડી.થાય છે. તે સુપરનોવા પર  સંશોધન કરી રહેલ વિશ્વની ટોચની વિજ્ઞાનીમાં ગણના પામે છે.  માની લો કે તેણે  શૂન્ય માર્કની જગાએ ટોપર રહેવામાં સફળતા મેળવી  હોત તો પણ આ યુનિવર્સિટીમાંથી  આંગળીના વેઢે ગણી શકાય તેટલી જૂજ બેઠકો અને વૈશ્વિક જીનીયસ જેવા વિદ્યાર્થીઓની હરીફાઈમાંથી પસંદ થવું તે પણ મોટી ઉપલબ્ધિ મનાતી. જ્યારે અહીં તો સરાફીનાને માસ્ટરના પ્રારંભે જ મુખ્ય વિષયમાં શૂન્ય માર્ક આવ્યા હતા. શૂન્ય માર્કમાંથી બર્કલીમાં આ વિષયમાં પીએચ.ડી. કરવું  તે કઈ હદે મનોબળ માંગી લે તે પીએચ.ડી કરતા વિશ્વના કોઈપણ  વિદ્યાર્થીઓ સમજી શકે તેમ છે.

આપણે ત્યાં શાળા કે બોર્ડની પરીક્ષામાં નાપાસ તો ઠીક ધાર્યા કરતા ઓછા માર્ક મળે તો પણ વિદ્યાર્થી હતાશ થઈને આત્મહત્યા કરતા હોય તેવા કિસ્સા  વધતા જ જાય છે . સરાફીના તેની ટિવટથી બડાશ મારવા નહોતી માંગતી પણ તે વિશ્વભરના વિદ્યાર્થીઓને મેસેજ આપવા માંગે છે કે જીવનના કોઈ પણ તબક્કે તમે શૂન્ય માર્ક કે તે પ્રકારની દુનિયાની નજરની નામોશી મેળવો તો પણ આત્મવિશ્વાસ અને મજબુત મિજાજ જાળવી રાખજો.જે તે વિષયમાં તમારો રસ અને ધગશ હોવી જોઈએ. ખેલાડી પણ સદંતર નિષ્ફળ ગયા પછી આગળ જતા લેજેન્ડ બનવા સુધીની મજલ કાપે જ છે.

જો તમને તે વિષયમાં રસ હોય અને શૂન્ય માર્ક મળે તો પણ તેમાં અભ્યાસ જારી રાખજો. તમારે હંમેશા એ યાદ રાખવાનું છે કે વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજી બધાને પડકારજનક જ લાગે તમે જ તેમાં નબળા છો તેમ ન માનો. આમ છતાં તમને પુરતા ગ્રેડ કે બેન્ડ ન મળે તેથી એ રીતે તમે તમારી જાતને ન મૂલવતા કે તમે તે વિષયમાં હવે આગળ વધી જ નહિ શકો કે પછી તમને સારી કંપનીમાં જોબ નહીં મળે. તમે કુટુંબ, સમાજ કે દુનિયાના પરંપરાગત માપદંડ કે દ્રષ્ટિથી લઘુતાગ્રંથી ન અનુભવતા.

તમને જે જોબ માટે લેવાના છે તેમાં ઝળકી ઉઠો અને વિષયના જ્ઞાનને કંપનીના કામમાં એપ્લાઇ કરી શકો છો કે કેમ તે જ જોવામાં આવે છે. આ તો નોકરીની વાત થઇ પણ તમારા ડીગ્રીમાં ઓછા ગુણ આવ્યા હોય અને તમને તે વિષયનું એટલું જ્ઞાન હોય કે તમે તેને સફળ બિઝનેસ કે સ્ટાર્ટ અપમા રૂપાંતરિત કરી શકો તો ગ્રાહક થોડો તમને તમારા માર્ક પૂછવાનો છે?તમે ધારો તો તમારી સ્ટાર્ટ અપ કંપનીમાં ટોપરને તમારા હાથ નીચે જોબમાં લઇ શકો.  આ દ્રષ્ટિકોણ હવે તમામ શાખાઓની જોબ અને ધંધામાં લાગુ પડે છે. ટેકનીકલ જ્ઞાન સાથે તમે સામી વ્યક્તિ સમુહને  તમારા જ્ઞાન કે મંતવ્યને સમજાવી શકો (કન્વીન્સ) તેવી સોફ્ટ સ્કીલ પણ હવે વિકસાવવી રહી.

સરાફીનાના શરૂમાં શૂન્ય માર્ક હોઈ માસ્ટરના અભ્યાસનાં અંતે તેના ઓવરઓલ ગ્રેડને સરેરાશની રીતે ફટકો પહોંચ્યો જ હોય. પણ વિષય પરની પકડને તે પરીક્ષા ખંડમાં એ હદે ઉતારી ના શકી જેટલું વધુ તે પ્રાયોગિક ઉપયોગિતાની રીતે જાણતી હતી.. પણ પીએચ.ડી ના ઇન્ટરવ્યુ વખતે તેના કરતા વધુ ગ્રેડ ધરાવતા ઉમેદવારો કરતા તે સારી છાપ પાડી શકી હતી. તેનામાં એવો આત્મવિશ્વાસ હતો કે ભલે એક વખત તેના ઝીરો માર્ક આવ્યા પણ તે પછી તે જ અન્ય વિદ્યાર્થીઓ કરતા ખરા અર્થમાં આ વિષયને હસ્તગત કરી શકી છે તેવું પુરવાર કરી બતાવશે.

તમને જાણીને નવાઈ લાગશે કે  કંપનીઓના પ્લેસમેન્ટ કે ઈન્ટરવ્યુ કોલ આખરી બે સેમેસ્ટર દરમ્યાન શરુ થાય છે અને ડીગ્રી મળે તે પહેલા તો જોબ પાક્કી થતી હોય છે. જોબ મળ્યા પછી  ડીગ્રી કે અનુસ્નાતકની ડિગ્રીનું ફાઈનલ પરિણામ (ટ્રાન્સસ્ક્રીપ્ટ) ઔપચારિકતા પુરતું સબમિટ થતું હોય છે જે જોવાની કંપની તસ્દી નથી લેતી કેમ કે કંપનીએ ઉમેદવારનું એપ્લાઈડ નોલેજ ચકાસી લીધું હોય છે.

ભારતમાં પણ હવે જોબ મેળવવા આ જ માપદંડ અને પદ્ધતિ કંપનીઓ અપનાવતી થઇ છે. જે તે ક્ષેત્રનું પ્રેકટીકલ કાર્ય કરવા તમે સજ્જ છો તે ખાતરી આપી શકો તે માટે  જાણીતી કંપનીઓની પ્રોફેશનલ સર્ટીફીકેટ પરીક્ષા પાસ કરવી વધુ ઉપયોગી નીવડી શકે તેમ છે. વાલીઓએ અને શાળા -કોલેજના વર્તુળે વિદ્યાર્થીઓને માર્ક કરતા તે તેના વિષય કે ક્ષેત્રમાં કંપની માટે જોબમાં સીધો જ ઉપયોગી થાય તેવું જ્ઞાન કેળવે તેના પર ભાર મુકવાની જરૂર છે.

જો ધંધો કે કોઈ ક્ષેત્રમાં પ્રદાન આપતા હો ત્યારે તો કોઈ માર્ક તો શું ડીગ્રી અંગે પણ નથી પૂછતું તે તો બધા અનુભવીએ જ છીએ. વૈકલ્પિક ઊર્જા કે પર્યાવરણ જાળવતી પ્રોડક્ટ, ઓર્ગેનિક ફાર્મિંગ , ચેક ડેમ, કૃષિ, ફાર્મસી, કેમિકલ, નાના-મોટા ઉદ્યોગ કે ધંધો કરનારા કોમર્સ કે આર્ટસનો અભ્યાસ કરીને પછીથી આવા વિષયમાં રસ લઈને ઊંડાણમાં જઈ આ વિષયના માસ્ટર કે પીએચ.ડી કરતા વધુ એપ્લાઈડ જ્ઞાન ધરાવતા હોય તેવા મહત્તમ કિસ્સાઓ છે. સર્જનાત્મક ક્ષેત્રની માસ્ટર ડીગ્રી કરતા માત્ર તેના શોખથી આગળ આવેલ નામ કાઢી ચુક્યા છે. 

સરાફીનાની ટિવટ પછી અમેરિકા સહીત વિશ્વની  ટોચની કંપનીઓના સી.ઈ.ઓ.થી માંડી એવા  એકિઝક્યુટીવ્સ દ્વારા ટિવટસની વણઝાર જામી હતી કે  જેઓએ સરાફીનાની પ્રેરણા લઈને નીડરતાથી કબુલ્યું છે કે 'અમે પણ કઈ હદે અભ્યાસ દરમ્યાન દુનિયાની નજરે મોં છુપાવવું પડે તે હદે શાળા, ગ્રેજ્યુએટ કે માસ્ટર કરવા દરમ્યાન નાપાસ પડયા હતા કે કોપી કરતા પકડાયા હતા. આમ છતાં તે ભૂલ પછી તનતોડ મહેનત અને વિષયમાં ડેપ્થસભર જ્ઞાન મેળવી આ સ્તરે પહોચ્યા છીએ. કેટલાયે વર્તમાનમાં સફળ મનાતી હસ્તીઓએ તો એ હદે કબુલ્યું કે અમે સ્કુલ સુધીનું શિક્ષણ પૂર્ણ કરી નહોતા શક્યા અને ડ્રોપ આઉટ છીએ.આવી સેંકડો પ્રેરણાત્મક પોસ્ટ સરાફીનાની પોસ્ટના પગલે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ અને વિદ્યાર્થીઓમાં  જોમ અને જુસ્સો ફરી વળ્યો. સરાફીનાની પોસ્ટને ૬૦,૦૦૦ વધુ વિદ્યાર્થીઓએ લાઈક કરી હતી.એટલે સુધી કે આ પોસ્ટ પછી વિશ્વની જુદી જુદી શોધ વખતે બજારના ટોચના નિષ્ણાતો પણ તે શોધની મજાક ઉડાવી નકારતા હતા કે તમારી આવી પ્રોડક્ટને ખરીદનારા કેટલા.આખી દુનિયાના શોધ સંશોધન અને ટેકનોલોજી જાકારાનાં પાયા પર જ ઈમારતની બુલંદીએ પહોંચી છે.જુદા જુદા ક્ષેત્રોની સર્જનાત્મક પ્રતિભાઓ, કલાકારોને પણ શરૂમાં મજાક કરીને રીજેક્ટ કરવામાં આવેલા. 

શૂન્યથી સર્જન કરનારાઓની જીવન પ્રેરણા ગાથા સરાફીનાની ટિવટ પછી સોશિયલ મીડિયામાં ,અખબારો અને ટીવીમાં છવાઈ ગઈ હતી.ગુગલના સુંદર પીચાઈએ પણ સરાફીનાની પોસ્ટને બિરદાવીને તેને બદલાતા સમયની માંગ અને પ્રેરણા તરીકે મુલવી હતી. પ્રત્યેક શાળાના બોર્ડ પર આવો લેખ મૂકી શકાય જે વિદ્યાર્થીને માર્ક માટે નહીં વિષયના જ્ઞાનમાં છવાઈ જવા પ્રેરિત કરે. વિદ્યાર્થીએ પણ શૂન્ય માર્ક મળે તો ગર્વથી કહેવું જોઈએ કે હું પણ સરાફીનાની જેમ ભવિષ્યમાં સફળ થઇ ટિવટ કરીશ.

...બાય ધ વે સરાફીનાએ માસ્ટર સુધીનો  અભ્યાસક્રમ તેની માતાને  બ્રેસ્ટ કેન્સરની બીમારી હોઈ તેની સેવા સુશ્રુષા કરવા સાથે કર્યો હતો અને હવે પીએચ.ડીના પ્રારંભ દરમ્યાન તેને પણ બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હોવા છતાં બુલંદ હોંસલા સાથે આગળ ધપી અને . તેણે બે પેપર્સ પણ પબ્લીશ કરી દીધા છે. આપણા વિદ્યાર્થી આત્મઘાતી વિચારોને તેમની નજીક ફરકવા જ ન દે તે જ  સરાફીનાને સલામ કરી કહેવાશે.  

જ્ઞાન પોસ્ટ

 સફળ જીવનનું રહસ્ય એટલે સાત વખત પડો અને આઠ વખત ઉઠો - પાઉલો કોહેલો 

('The secret of life is to fall seven times and to get up eight times)