- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ભારતના સાત પૂર્વોત્તરના રાજ્યો બાંગ્લાદેશ સાથે લગભગ ૧,૬૦૦ કિ.મી.ની બોર્ડર ધરાવે છે. આ રાજ્યો લેન્ડલોક્ડ ચારેબાજુ જમીનથી ઘેરાયેલો છે
સં રક્ષણની દ્રષ્ટિએ ભારતનો સૌથી નાજુક, સંવેદનશીલ અને ચિંતાજનક વિસ્તાર કયો એવો પ્રશ્ન કોઇ પૂછે તો તમે શું કહેશો ? કાશ્મીર સરહદ, કચ્છ-સરક્રીક વિસ્તાર, ચીન સાથેની સીમા કે ઉત્તર-પૂર્વી વિસ્તાર. ખરું પૂછો તો આમાંથી એક પણ નહીં. આજે આપણે માટે સૌથી ચિંતાકારક અને પડકાર સમો વિસ્તાર છે ચિકનનેક. હા, નામ સાંભળીને મરઘીની ડોક કહીને હસી ન કાઢશો. વર્તમાન સમયમાં ભારતીય સેના માટે આ વિસ્તારની સુરક્ષા સૌથી વધુ પ્રાધાન્ય ધરાવે છે.
હવે આપણે ભારત માટે નવું સરદર્દ બનેલા આ વિસ્તાર વિશે વાત કરીએ. ચિકનનેકની લંબાઈ ૬૦ કિ.મી. અને પહોળાઈ ૨૨ કિ.મી. છે. એમ કહી શકાય કે ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા સાત રાજ્યો અને બાકીના સમગ્ર ભારતને જોડતી જમીનનો પટ્ટો એટલે ચિકનનેક. જો પૂર્વ-પશ્ચિમ વચ્ચેના આ પટ્ટાને (ચિકનનેક)ને કોઈ તોડી નાખે, અવરોધો ઊભા કરે તો ભારતના ઇત્તર રાજ્યોમાંથી આસામ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ વગેરે રાજ્યો તરફની જમીન રસ્તે આવન-જાવન સાવ થંભી જાય. એમ કહો કે ઇશાન ભારતના આ રાજ્યો ભારતથી વિખુટા પડી જાય.
આ 'સાંકડી ગલી' (જે સિલીગુડી કોરિડોર તરીકે પણ ઓળખાય છે) જેવો રસ્તો નેપાલ, બાંગ્લાદેશ અને ભૂતાનનીવચ્ચે ઘેરાયેલો છે. ચીનની સરહદ પણ નજીકમાં જ છે. છેલ્લા ૧૨ મહિનામાં ચીન અને પાકિસ્તાને આ વિસ્તારમાં તેમની મિલીટરી હિલચાલ વધારી દીધી છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ આર્મી અધિકારી અને કેરટેકર મોહમ્મદ યુનુસના મુખ્ય સલાહકાર મેજર જનરલ (રિટાયર્ડ) એએલએમ ફઝલુર રહેમાને સૂચવ્યું કે, જો ભારત ઓપરેશન સિંદુર પાર્ટ-ટુના નામે પાકિસ્તાન પર ફરી હુમલો કરે તો બાંગ્લાદેશે ચીન સાથે મળીને ભારતના પૂર્વોત્તરના રાજ્યો પર કબજો કરવો જોઈએ.
ભારતના સાત પૂર્વોત્તરના રાજ્યો બાંગ્લાદેશ સાથે લગભગ ૧,૬૦૦ કિ.મી.ની બોર્ડર ધરાવે છે. આ રાજ્યો લેન્ડલોક્ડ (ચારેબાજુ જમીનથી ઘેરાયેલો) છે અને તેમની પાસે બાંગ્લાદેશ સિવાય સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં ભારતીય મહાસાગરનો એકમાત્ર રખેવાળ છે. આ સાથે જ તેમણે ચીનને વિશ્વભરમાં એક્સપોર્ટ માટે બાંગ્લાદેશના રુટનો ઉપયોગ કરવા કહ્યું છે.
યુનુસની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ગયા એપ્રિલમાં ભારતે નેપાલ અને ભુતાન સિવાય મધ્ય પૂર્વે, યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ માટે બાંગ્લાદેશને આપેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પરત ખેંચી લીધી હતી. બાંગ્લાદેશ પશ્ચિમ એશિયા, યુરોપ અને અન્ય દેશોમાં નિકાસ માટે ભારતના ઘણા પોર્ટ અને એરપોર્ટનો ઉપયોગ કરી રહ્યું હતું.
અહીં મુખ્ય મુદ્દો એ છે કે બાંગ્લાદેશ, જેને ભારત દ્વારા પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું અને નવા રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, તે હવે ભારતને તોડવાના સપનાં જોઈ રહ્યું છે અને એવી ઘોષણાઓ કરી રહ્યું છે. ભ્રષ્ટાચારના આરોપો અને અન્ય બાબતોથી કલંકિત, નિવૃત્ત બ્રિગેડીયર જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમી વારંવાર કહી રહ્યા છે કે બાંગ્લાદેશમાં શાંતિ ત્યારે જ આવશે, જ્યારે ભારતના ટુકડા થઈ જશે. નેશનલ સી રીજન્સ પાર્ટીના મુખ્ય આયોજક હસનત અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે, બાંગ્લાદેશ ભારતના 'સેવન સિસ્ટર્સ' (અરુણાચલ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ અને ત્રિપુરા)ને ભારતથી અલગ કરશે.
આવા બેફામ નિવેદનો સામે મોહમ્મદ યુનુસ ચૂપ છે? ના, તેઓ ચૂપ નથી બેઠા. તેઓ પણ (ભારતના વિભાજનની) આગ ભડકાવનારાઓમાં સામેલ છે .
થોડા સમય પૂર્વે ચીનની મુલાકાત વખતે મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતનાં સાત રાજ્યોનું રક્ષક છે કારણ કે તેઓ જમીનથી ઘેરાયેલાં છે અને ચીને બાંગ્લાદેશ મારફતે તેનો વેપાર વધારવો જોઇએ. તેમને કોણ યાદ કરાવશે કે, બાંગ્લાદેશ તેની ૯૪ ટકા સરહદ ભારત સાથે ધરાવે છે અને તે ભારતને ધમકી આપી રહ્યું છે?
આ સિવાય ભારત સરકારે પણ ચિકનનેક વિસ્તારની નાજુક સ્થિતિ અને આ વિસ્તારમાં પ્રવર્તતી તંગદિલી જોઈને સૈન્યને જરૂરી આદેશો આપી દીધા છે. સિલીગુડી કોરિડોર તરીકે પણ ઓળખાતા આ વિસ્તારની આસપાસ સેનાની ત્રણ ગેરિસન (કાયમી ધોરણે સ્થપાયેલું લશ્કરી થાણું)ની સ્થાપના કરી છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે ભારતનો કોઈ શત્રુ આ કોરિડોરને અવરોધવાની કોશિશ કરે તો તરત જ તેને નાકામિયાબ બનાવી શકાય.
સૌથી મહત્ત્વનું ભારતીય થાણું લચિત બોટ ફુસકાન મિલિટરી સ્ટેશન છે. આસામના દુબરીની નજીક બમુની ખાતે આ મથક ૬૫ એકર જમીન પર પથરાયેલું છે. આ સ્થળેથી બાંગ્લાદેશની સરહદ એકદમ નજીક છે. પારા સ્પેશિયલ ફોર્સના ૧૫૦૦ ખડતલ અને બાહોશ જવાન આ લશ્કરી મથકે કાયમી વસવાટ કરે છે. બીજા બે લશ્કરી થાણા બિહારના કિશનગંજ અને પ. બંગાળના ચોપરા ખાતે સ્થપાયા છે. તેમાંય ચોપરા મથક બાંગ્લાદેશની સરહદથી એક કિલોમીટર કરતાંય ઓછા અંતરે છે. જ્યાંથી બાંગ્લાદેશની ભીતર ચાલતી લશ્કરી ગતિવિધીઓ પર નજર રાખી શકાય છે. આ તમામ ભારતીય થાણામાં હજારથી વધુ સૈનિકો ઉપરાંત ૧૭ માઉન્ટન સ્ટ્રાઇક કોર્પ્સ (બ્રહ્માસ્ત્ર કોર્પ્સ)ની ટુકડી પણ સામેલ છે.
આમ સિલીગુડી કોરિડોરની સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત થયો છે. સિલીગુડી નજીકના સુખના ખાતે ત્રિશક્તિ કોર્પ્સ દ્વારા પણ ભારી જમાવટ થઈ છે. અહીં ટી-૯૦ બેટલ ટેન્ક્સ, મિકેનાઇઝ્ડ ઇન્ફ્રન્ટી, એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન આકાશ મિસાઇલ અને બ્રહ્મોસ મિસાલઇનો પણ બંદોબસ્ત છે. નજીકમાં (પં. બંગાળ) હાસીમારા ખાતે રફેલ ફાઇટર જેટ એવરરેડી પોઝિશનમાં છે. અત્રે એક વાત સમજવા જેવી છે કે ચિકનનેક વિસ્તારમાંથી કંઈપણ છમકલું થાય તો સૌ પ્રથમ પરિસ્થિતિ કાબુમાં લેવાની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ની છે.
થોડા દિવસ પૂર્વે ભારતીય લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાહેરમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જે રીતે પાકિસ્તાની સૈન્ય અને ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના એજન્ટો ચિકનનેક નજીકના વિસ્તારની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે તે ભારત માટે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે.
આ સિવાય ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતા ચિકન નેકની નજીક બાંગ્લાદેશ વિશાળ હેંગરનું નિર્માણ કરી રહ્યું છે. આ હેંગરનો ઉપયોગ બાંગ્લાદેશ પોતાના યુદ્ધ વિમાનોને પાર્ક કરવા માટે કરી રહ્યું છે. જોકે ભવિષ્યમાં આ હેંગર ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત અહીંયા બાંગ્લાદેશ પાક. અને ચીન પાસેથી મળેલા યુદ્ધ વિમાનો પણ પાર્ક કરી શકે છે.
તાજેતરમાં જ બાંગ્લાદેશ સૈન્યના પ્રમુખ જનરલ વકાર ઉઝઝમાંએ ભારત નજીક નિર્માણ પામી રહેલા આ એરબેઝની મુલાકાત લીધી હતી. આ એરબેઝ ભારતની ચિકન નેક એટલે કે સિલીગુડી કોરિડોરની એકદમ નજીક છે. લાલમોનિરહાટ એરબેઝના નિર્માણાધીન હેંગરની આસપાસના વિસ્તારને બાંગ્લાદેશ એરફોર્સે પોતાના કબજામાં લઇ લીધો છે. હેંગરનું નિર્માણ હરિભંગા ગામમાં થઇ રહ્યું છે જે ભારત અને બાંગ્લાદેશ સરહદેથી માત્ર ૨૦ કિમી દૂર આવેલો છે. જે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર નજીક આવેલો છે. આ એરબેઝ કુલ ૧૧૬૬ એકરમાં ફેલાયેલો છે. બ્રિટિશ કાળમાં ૧૯૩૧માં સ્થાપિત આ એરબેઝનો ઉપયોગ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તાની સૈન્યએ કર્યો હતો.
ત્યારબાદ આ વિસ્તાર લાંબા સમયથી ખંડેર હાલતમાં પડયો હતો.
ગયા માર્ચ-એપ્રિલ ૨૦૨૫માં બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઇરાદો બદલાતા એકાએક આ એરબેઝમાં સુધારવધારા શરૂ કર્યા. કહે છે કે પાકિસ્તાન તથા ચીનના લશ્કરી અમલદારો તથા ઇજનેરોએ આ સ્થળની મુલાકાત લીધા પછી આખો પ્લાન મંજૂર કર્યો હતો. હવે ત્યાં રડાર સિસ્ટમ, અદ્યતન સર્વિલન્સ સિસ્ટમ, ફ્લડ લાઇટ્સ વગેરે ગોઠવાઈ ગયા છે. અહીં મોટી સંખ્યામાં ફાઇટર જેટ અને ડ્રોન્સ માટે વિશાળ હેંગર બનાવાયા છે. આ સમસ્ત એરબેઝનું માળખું નવેસરથી એવી રીતે તૈયાર કરાયું છે કે આસપાસના ભારતીય મિલીટરી મથકોનો સહેલાઈથી એરિયલ સર્વે થઈ શકે. પાકિસ્તાનની હેવી ઇન્ડસ્ટ્રીઝમાં નામચીન તક્ષીલા (જે પાકિસ્તાનનો મહત્ત્વનો મિલિટરી સપ્લાયર છે) દ્વારા બાંગ્લાદેશી ટેન્કોની મરમ્મત થઈ રહી છે.
આ સિવાય ચીન દ્વારા અપાનારા એફ-૧૭ ફાઇટર જેટ માટે બાંગ્લાદેશી પાયલટોને તાલીમ આપવાની સુવિધા ખડી કરાઈ છે.
૧૯૭૧ પછી પહેલીવાર પાકિસ્તાની નૌકાદળના યુદ્ધ જહાજો બાંગ્લાદેશના બંદરે આવ-જા કરી રહ્યા છે. ગયા નવેમ્બરમાં જ ત્યાંના ચટ્ટોગ્રામ બંદરે પાકિસ્તાનનું જહાજ પીએનએસ સૈફ લાંર્ગ્યું હતું. પાકિસ્તાને તાજેતરમાં અમન-૨૦૨૫ નામે નૌકાદળની કવાયત યોજી ત્યારે બાંગ્લાદેશના યુદ્ધ જહાજ બીએનએસ સમુદ્ર જોય તેમાં ભાગ લીધો હતો. પાકિસ્તાન આર્મી તથા બાંગ્લાદેશના મિલિટરી જનરલો અવારનવાર એકબીજાને મળતા રહે છે. તેમની ઉપરાછપરી મીટિંગો એ દર્શાવે છે કે તેઓ કોઈ મોટું કાવતરું પ્લાન કરી રહ્યા છે.
આ બધામાં પીઠ પાછળથી દોરીસંચાર કરનાર છે ભારતનો સૌથી મોટો શત્રુ ચીન. સવા બે અબજ ડોલરના સોદા હેઠળ ચીન બાંગ્લાદેશને ૨૦ જે-૧૦ ફાઇટર જેટ આપવાનું છે. આ સિવાય બેઉ દેશો સંયુક્ત રીતે બાંગ્લાદેશમાં ડ્રોન ફેક્ટરી સ્થાપી રહ્યા છે. તેના બે બંદર ચટ્ટોગ્રામ પોર્ટ તથા મોંગલા બંદરને ચીન નવેસરથી અપગ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડન ફ્રેન્ડશિપ હેઠળ બાંગ્લાદેશ અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે કાઉન્ટર ટેરર ડ્રિલ્સ પણ યોજાઈ હતી. આ સિવાય ચીન સલાહ સૂચન આપવાના બહાને વારંવાર પાક.બાંગ્લા અફસરો સાથે બેઠકો યોજી રહ્યું છે.
અહીં ૨૦૧૭માં ૭૩ દિવસ માટે ડોકલામ ખાતે જે સંઘર્ષ થયો તે કિસ્સો પણ યાદ કરી લઈએ. એ સમયે તિબેટની દક્ષિણે ચુમ્બી વેલી ખાતેના ડોકલામ પહાડી ઘાટીમાં ભારતીય લશ્કરી ટુકડી અને ચાઈનીઝ આર્મીના સૈનિકો વચ્ચે સામ-સામી અથડામણ થઈ હતી. એ સમયે આપણા સૈન્ય અધિકારીઓને પહેલીવાર સમજાયું કે ચિકનનેક આપણા માટે કેટલો નાજુક, સંવેદનશીલ વિસ્તાર છે. એ સમયે ચીન કેટલાક વિવાદાસ્પદ સરહદી વિસ્તારમાં રેલવેલાઇન નાખી રહ્યું હતું જ.
ચીન આ કામ પાર પાડતા ભૂતાનની કેટલીક જમીન દબાવી દેવાની વેતરણમાં હતું. ભારતીય આર્મી ઓફિસરોને સમજાઈ ગયું કે ચીન તેના ચુમ્બીવેલી ખાતેના સૈન્ય સરંજામનો સહારો લઈને ધારે તો ડોકલામથી સીલીગુડી કોરિડોરમાં અવરોધ ઊભા કરી શકે. જો કે ભારતીય સૈન્યએ ઉગ્ર પગલાં લેવાનું શરૂ કર્યું જ્યારે ચીની સૈનિકોએ ચુમ્બીથી દક્ષિણ તરફ રસ્તો બનાવીને જોમ્ફીરી રિજ તરફ માર્ગ કાઢવાનો વિચાર અમલમાં મૂક્યો. જો આ કામમાં તેઓ સફળ થયા હોત તો તેઓ ચિકનનેક પર કોઈ પણ ઘડીએ તરાપ મારવામાં સફળ થાત.
ચીનની બીજી એક રાજરમત પણ સમજવા જેવી છે. બાંગ્લાદેશની તિસ્તા નદી પર બંધ બાંધવા, તેના તળિયેથી કાંપ દૂર કરવા તથા બીજી જમીન રિક્લેમ કરવાના બહાને ચીનાઓએ ઘૂસપેઠ શરૂ કરી. આ યોજનાના બહાને ચીન સિલીગુડી કોરિડોરની ખૂબ જ નજીક સુધી પગપેસારો કરી શકે. આમપણ અત્યારે ચીકનનેકના આ રસ્તે ઉલ્ફા, બોડો લિબરેશન ટાઇગર્સ ફોર્સ અને કામટાપુર લિબરેશન ઓર્ગેનાઇઝેશન જેવા ત્રાસવાદી દળો આવ-જા કરે છે. હવે ચીન અને આઇએસઆઇની સહિયારી સહાયથી આ ખૂંખાર ત્રાસવાદીઓના ઉધામા વધી જાય એમ છે. ભારત માટે આ રીતે જોખમ વધતું જાય છે.
બીજી તરફ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના આ મામલામાં દૂર બેઠેલા અમેરિકાનો ચંચુપાત પણ શરૂ થયો છે. પૂર્વ હિંદ મહાસાગરમાં આવેલા જ્હોન્સ આઈલેન્ડ પર કબ્જો મેળવવા એ બાંગ્લાદેશ સરકારને પંપાળી રહ્યું છે. જો ટ્રમ્પની આ મહેચ્છા પૂરી થાય તો દક્ષિણ ચીની સમુદ્ર નજીક યુ.એસ.એ.ની હાજરી વર્તાય. જેથી ચીન થોડું દાબમાં રહે.
એટલું સારું છે કે ચિકનનેક વિસ્તારમાં નદી-નાળા, નાના-મોટા ડુંગરો-કોતરો, ખીણો વગેરેને કારણે આપણા માટે કુદરતે થોડીક રક્ષણાત્મક દીવાલ રચી છે.
જો કે સીલીગુડી કોરિડોરમાં દીમાહસાવ પાસે ભૂપ્રપાત બહુ થાય છે. જેને કારણે અહીંની ભારતીય રેલલાઈનમાં વારંવાર અવરોધ સર્જાય છે. બીજું કે લમ્બડીંગ-સિલ્ચર લાઈન વિસ્તારમાં પૂરની સમસ્યા પણ આ જગ્યાની સુરક્ષામાં સેંધ મારે છે. આ સમસ્યાનો સામનો કરવા ભારત સરકાર આ કોરિડોરમાંથી પસાર થાય તેવો શિલોંગ-સિલ્ચર ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવેનો પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. આ સિવાય અહીં ટનલ બનાવવાની પણ વાત થઈ રહી છે. તદુપરાંત ભૂતાન અને નેપાળમાંથી પસાર થતી રેલ નેટવર્ક રચીને એક વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ શકે.
આમ છતાં ભારતના મિલિટરી હાકેમોએ સૌથી ગંભીર સ્થિતિ સર્જાતા (જેમ કે દુશ્મનો હવાઇ હુમલો) શું પગલાં લઈ શકાય એ વિચારી રાખ્યું છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા આર્મીએ પૂરી તૈયારી કરી રાખી છે એટલું જ નહીં, યોજના પ્રમાણે નિયમિત કવાયત ચાલુ રાખી છે. આપણે એ વાતની ધરપત રાખી શકીએ કે શત્રુ અચાનક ચિકનનેકમાં અવરોધ પેદા (બ્લોકેડ) કરે તો તરત હવાઈ હુમલો કરી શત્રુને ખદેડી શકાય. જોકે એ વાત પણ સાચી છે કે હવે પછીના સમયમાં ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સાથે ભારતને ભીંસમાં લે કે હુમલો કરે તેવી શક્યતા નકારી શકાય નહીં.
- ભાલચંદ્રજાની


