Get The App

દોરી, દોરડાની અર્થસમૃદ્ધિ .

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
દોરી, દોરડાની અર્થસમૃદ્ધિ                          . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- કૃષ્ણ ભગવાનનું એક નામ દામોદર છે તે ક્યાંથી આવ્યું? દામ એટલે દોરડું, જેનાથી યશોદાએ કૃષ્ણને ઊખળા એડે બાંધેલા તેમાંથી દામોદર થયા...

કૃ ષ્ણ ભગવાનનું એક નામ દામોદર છે તે ક્યાંથી આવ્યું? દામ એટલે દોરડું, જેનાથી યશોદાએ કૃષ્ણને ઊખળા એડે બાંધેલા તેમાંથી દામોદર થયા. દોર (સંસ્કૃત) શબ્દમાંથી દોર, દોરો, દોરી અને દોરડું દોરડી જેવા શબ્દો ગુજરાતીમાં ચલણી બન્યા છે. એ દોરી, દોરડું, બંનેના અર્થો જુદા છે. એમ એક જ કુળમાંથી જન્મેલાં વિવિધ શબ્દો અને તેમના અર્થો વિશે જાણવાનું રસપ્રદ બની રહેશે. સાધુ લોકો ગળામાં કાળી દોરડી પહેરે તે 'સેલી' કહે છે.

કુંતા માતા અભિમન્યુને કાંડે બાંધે તે રક્ષા દોરી છે, તો 'કાનુડાને બાંધ્યો છે' 'હીરના દોરે' જેવી કાવ્ય પંક્તિમાં તેનો મૂલ્યવાન અર્થ લઈ શકાય. આપણી 'જીવાદોરી' ઈશ્વરના હાથમાં છે. તેનો અર્થ 'જીવન' કરી શકાય. ડામણ અને દામણું શબ્દ ઘોડા ગધેડાને ભાગી જતાં રોકવા માટે બે પગે બંધાતું દોરડું હોય તેને કહે છે. ગાડામાં ભોર ભરવા માટે દોરડાથી જે બંધ બંધાય છે. તે જરૂર જેટલા ખેંચવા તેને 'સતાણ' કહે છે. ખાટલો ભરવા માટેની દોરીને વાણ કહે છે. પૂજામાં વપરાતી દોરી (કલરવાળી) નાડા છડી કહે છે. ઘોડાના નાકમાં ભેરવેલી દોરીને લગામ કહે છે. બળદ, આખલાનાં નાક વીંધી ભરાવેલી. દોરીને 'નાથ' કહે છે. કૂવામાંથી પાણી ખેંચવા માટેની દોરીને રોંઢવું કે વરાળું કહે છે. કોસ ખેંચવાના દોરડાને વરત કહે છે. 'શીકું' - ગૂંથેલું હોય અને તે ઊંચે ટિંગાડાય તે પણ દોરીનું બને છે. ખળામાં પગર કરતી વખતે બળદોને મોંઢે જે ભરાવામાં આવે તેને 'છીંકલું' કહે છે. દોરીની ગૂંથેલી જાળ પણ હોય છે. સોયમાં પરોવવા દોરી વપરાય અને સોયામાં પરોવવા સુતળી વપરાય જે શણમાંથી બનતી હોય છે. નજર ન લાગે એટલા માટે બંધાતો કાળો દોરો નજરિયું કહેવાય છે. બળદને બાંધવા માટેની 'રાશ' હોય છે. ગાંડાના ઊંટડે બાંધવાનું દોરડું રોઢવું કહેવાય છે. લાકડાના ટુકડાને બાંધવા માટેની ચામડાની દોરીને વાધરી/વાધેડી કહે છે. કોશને લાકડાના ચોકઠા સાથે બાંધવા માટે વપરાતી ચામડાની દોરીને 'બુયર' કહે છે. કોશને કૂવામાં લટકતો રાખવા જાડા દોરડાને અટકાવી રાખવા માટે જે દોરડાનો ટુકડો વપરાય તે 'ટેરણિયું' કહે છે. ચાર્વાર બાંધવાની દોરીને 'બંધણી' કહે છે. બ્રાહ્મણો ખભે પહેરે છે તે સૂતરના દોરાને જનોઈ કહે છે. એરણી બાંધવાના દોરડાને બંધણું કહે છે. ગોફણની નાકાવાળી જે દોરી હોય છે તેને પોંજરો-પોગરૂં કહે છે. જોતરની સૂતરની દોરી હોય તેને નાડી કહે છે. ગોફણની નાક વગરની દોરીને 'સેડ' કહે છે. ધનુષ્યની દોરીને પણછ કહે છે. મુંજની દોરી પવિત્ર ગણાય છે ઇંઢોણી સૂંથણું વગેરે એ દોરીમાંથી પણ બને છે. રેંટિયામાંથી ઝીણા દોરી રૂપે જે નીકળે તેને 'તાર' કહે છે. પાકમાં ઘી-દૂધ છાંટવાની ક્રિયાને 'દોરો દેવો' કહે છે ત્યાં દોરાની જેમ પ્રસારવાની વાત છે. કઠપૂતળી દોરીથી જ ખેલ ખેલે છે. નટ પણ દોરી ઉપર જ પેટિયું રળે છે.

શણમાંથી રેસા કાઢી એ રેસામાંથી વણેલી દોરીને સૂતળી કહે છે. ઘેટાંના વાળમાંથી બનેલી દોરીને ઊન કહે છે. પીંજણની દોરીને તાંત કહેવામાં આવે છે. લેંઘા, ઘાઘરાને નેફામાં પરોવી જે દોરી પસાર કરાય છે. તેને 'નાડું' કહે છે. કમરે વીંટાળેલી સૂતર કે રેશમની દોરીને કંદોરો કહે છે. ભમરડો ફેરવવા માટે વપરાતી દોરીને જાળ કે જાળી કહે છે. નાળિયેરના છોડાંમાંથી બનાવેલી-વણેલી દોરીને કાથી કહે છે - જેના ખાટલા ભરાય છે. ગાયને દોહતી વખતે પાછલે પગે બાંધવાની દોરીને નોંજણુ કે શેલાખુ કહે છે. બૂટમાં બાંધવા માટેની દોરીને લેસ અને ફીત કહે છે. ઘોડાને મારવાની દોરીને 'ચાબુક' કહે છે. બકરાના ઊનમાંથી જાડો બને તેને કામળા કહે છે. ગોફણની દોરીને 'પાંગરું' કહે છે. જે ઢોલ બાંધવામાં વપરાય છે ધનુષની દોરીને 'પ્રત્યંચા' પણ કહે છે. કપડાં સૂકવવાની દોરીને વળગણી કે ઓરવણી કહે છે. બળદની નાથે બાંધેલી દોરીને-તણી કહે છે. (કૂંડાળામાં બળદ ફરે ત્યારે) ઘોડા ઉપરથી સાજ ખસી ન જાય તે માટે ઘોડાની પૂંછડીમાં ભરાવવાની દોરીને 'ડૂમચી' કહે છે. અંગાખું બાંધવાની દોરીને 'કસ' કહે છે. ઘોડાની લગામની એક બાજુની દોરીને વાધિયો, કહે છે. ત્રાજવાં લટકાવવાની દોરીને 'નાથણું' કહે છે. કડિયો દીવાલનું સમતલ માપ કાઢવા માટે જે વાપરે તે દોરીને 'ઓળંબો' કહે છે. રેંટિયાના ચેડાના પાંખિયાં બાંધવાની દોરીને 'ડામણ' કહે છે. ગોદડી બનાવવા માટે વપરાય તે દોરો અને બટન ટાંકવા અથવા સાંધવા-કપડા બનાવવા વપરાય તે દોરી-સોનાનો દોરો વધારે કિંમતી હોય છે. તોફાની ઢોરને ગળે દોરડું બાંધી પગમાં લાકડું રખાય તે 'ડેરો' કહેવાય છે.

ભૂતપ્રેત કાઢવા માટે, નજર ઉતારવા માટે 'દોરા' કરાવાતાં હોય છે. દોરવણી શબ્દ અરબી 'દૌર' શબ્દમાંથી આવ્યો લાગે છે. દોરવું એટલે ચિત્ર બનાવવું તેમાં પણ મૂળ આકૃતિ પ્રમાણે કરવું તે છે. 'દોરાધાગા' શબ્દમાં પણ દોરાનો અર્થ મંત્રોચ્ચારથી સિદ્ધ કરેલો દોરો એવો થાય છે. 'દોરી જવું'માં આગળ દોરનાર અને પાછળ જનાવરને લઈ જવાની ક્રિયાને કહે છે. આપણે બધાં જ માપ દોરીની મદદથી કાઢીએ છીએ. જેનાથી બાંધવાનું અને સાંધવાનું કામ થાય તે દોરી એ રીતે કર્મોથી આપણે બંધાઈએ છીએ, આપણો આત્મા પરમાત્મા સાથે સંધાય છે. તે પણ વિશિષ્ટ દોરી જ છે!