Get The App

પ્રેમપત્રો .

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમપત્રો                                                . 1 - image

- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર

- એક વાર ફોઈનો પત્ર લઈ જવાનું કામ લેખક પર આવેલું. થયું એમ કે ફોઈએ પત્ર પર અત્તર છાંટેલું. એ સૂંઘવા લેખકે બે ત્રણ વાર ચડ્ડીના ખિસ્સામાંથી પત્ર બહાર કાઢયો. સુગંધ પ્રસરી ગઈ અને મોટાકાકાએ પત્ર પકડી પાડયો. 

બકુલ ત્રિપાઠીના પુસ્તક 'લગ્નમંગલ હાસ્યમંગલ'માં 'પ્રેમી, પ્રેમિકા અને પ્રેમપત્રો' નામે નિબંધ છે.

લેખક ચેતવે છે કે પ્રેમપત્રો જાતે જ લખવા પડે, બીજા પાસે ન લખાવાય. તેમના મિત્ર દલપતને સારું લખતાં આવડે નહિ અને પ્રેયસી હીનાને સંબોધીને પત્રો લખાવે મિત્ર ચંદ્રકાંત પાસે. થોડા જ સમયમાં પરણી ગયાં... હીના અને ચંદ્રકાંત! લેખક માને છે કે ગ્રેજ્યુએટને પ્રેમપત્ર લખતાં ન આવડે તે આપણી કેળવણીનો અક્ષમ્ય દોષ છે. શાળા-કોલેજમાં આવા વિષયો પર નિબંધો લખાવાય છેઃ વર્ષાતુ, શિયાળાની એક સાંજે, સંતોષ પરમ સુખ, હું વડો પ્રધાન હોઉં તો, ફૂટપાથ પર સૂતેલા ભિખારીનું સ્વપ્ન, ચૂંટણીમાં હારેલા નેતાની આત્મકથા, પાળેલી બિલાડીની આત્મકથા... પણ પ્રેમપત્રો લખતાં શિખવાડાતું નથી. ખરેખર તો પરીક્ષામાં આવું પ્રશ્નપત્ર હોવું જોઈએઃ

પ્રશ્ન (૧) : પ્રેમપત્રની વ્યાખ્યા બાંધી તેના મુખ્ય પ્રકારો વર્ણવો.

પ્રશ્ન (૨) : પ્રેમપત્રમાં કયું સંબોધન કયા તબક્કે કરવું જોઈએ? નમૂનાનો પ્રેમપત્ર લખો. (૪૦ લીટીમાં)

પ્રશ્ન (૩) : નીચે આપેલા ત્રણ પ્રેમપત્રોમાંથી ગમે તે બેનું ભાષાની દ્રષ્ટિએ, વિષયવસ્તુની દ્રષ્ટિએ, તથા વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિશ્લેષણ કરો.

પ્રશ્ન (૪) : તમે બાર પાનાંનો પ્રેમપત્ર દર ત્રણ દિવસે બે રૂપિયાની ટિકિટ લગાવીને મોકલો એને બદલે ચાર-ચાર પાનાંના પ્રેમપત્રો દરરોજ એક રૂપિયાની ટિકિટ લગાવીને મોકલો (જાહેર રજાના દિવસો સિવાય), તો (અ) આર્થિક દ્રષ્ટિએ કેટલો ફાયદો કે ગેરફાયદો થાય? (બ) પ્રેમની દ્રષ્ટિએ કેટલો ફાયદો કે ગેરફાયદો થાય?

નોંધઃ દરેક પ્રશ્નના ગુણ સરખા છે. (સારા અક્ષરના પાંચ માર્ક.)

લેખકની ફરિયાદ છે કે કોમર્સમાં કોરસપોન્ડન્સનો વિષય શિખવાડાય છે પણ તેની ભાષા લાગણીપ્રધાન નહિ, હકીકતપ્રેધાન હોય છે. બી. કોમ. થયેલો યુવાન બહુ બહુ તો આવો પ્રેમપત્ર લખે, 'આથી જણાવતાં આનંદ થાય છે કે અમને તમારા તરફ પ્રેમ છે અને અત્રે આગળ વધવાની અમારી તમને આગ્રહભરી ઓફર છે. ઓફરની શરતો નીચે મુજબ છે. (ભૂલચૂક લેવીદેવી). આવી ફાયદાકારક શરતો તમને બજારમાં ક્યાંય નહિ મળે. સ્વીકારપત્ર સાત દિવસમાં નહિ મળે તો ઓફર રદ ગણાશે.'

કોમર્સનો યુવાન બીજી કઈ ભાષામાં પત્ર લખે? હિંદી ફિલ્મની ભાષામાં? અગાઉની ફિલ્મોમાં પ્રેમના ડાયલોગ ૯૦% હતા અને ગાળાગાળી મારામારી ૧૦%. હવે ગાળાગાળી મારામારી ૯૦% થઈ ગયાં છે. 'કમીને! તેરી યે મજાલ! યે તેરા બાપ...' આવી ભાષા પ્રેમપત્રમાં ન ચાલે.

પ્રેમપત્રો મોકલવા શી રીતે? ટપાલમાં મોકલીએ તો મધરો ને ફાધરો સેન્સરશિપ કરે. પ્રેમીજનોનાં નાનાં ભાઈબેન કામ આવે ખરાં. એક વાર ફોઈનો પત્ર લઈ જવાનું કામ લેખક પર આવેલું. થયું એમ કે ફોઈએ પત્ર પર અત્તર છાંટેલું. એ સૂંઘવા લેખકે બે ત્રણ વાર ચડ્ડીના ખિસ્સામાંથી પત્ર બહાર કાઢયો. સુગંધ પ્રસરી ગઈ અને મોટાકાકાએ પત્ર પકડી પાડયો. આવી મુશ્કેલીઓ નિવારવા લેખક સૂચવે છે કે પ્રેમપત્રો સીક્રેટલી પહોંચાડતી આંગડિયા સર્વિસ સત્વરે શરૂ કરવી જોઈએ.

બકુલ ત્રિપાઠીના નિબંધો જ્યોતીન્દ્ર દવે પછીનું નવપ્રસ્થાન-ડિપાર્ચર- છે. હસિત મહેતા બે વચ્ચેનો તફાવત આમ બતાવે છેઃ જ્યોતીન્દ્ર એટલે પ્રાસાદિક હાસ્ય- જેન્ટલ હ્યુમર. તેમણે પોતાના સમયનાં આદર્શો અને વાચકની કક્ષાને ધ્યાનમાં રાખીને લખ્યું. બકુલ ત્રિપાઠીના સમયમાં વાસ્તવિકતાઓ વિકરાળ બની હતી. તેમની 'નિર્બંધિકા' રૂઢ રૂપથી બહાર નીકળી ગઈ. ક્યારેક પ્રશ્નોત્તરી હોય તો ક્યારેક ટેલિફોન ટોક, કદી પત્ર તો કદી અપદ્યાગદ્ય, અથવા તો પ્રવાસલેખન, અખબારી અહેવાલ, નોંધપોથી, જ્યોતિષના વરતારા... અપાર સ્વરૂપ વૈવિધ્ય. ઉપરના નિબંધમાં પણ શાળાના પ્રશ્નપત્રની અને ધંધાકીય પત્રોની રચનારીતિ કામે લગાડાઈ છે. લેખક કલ્પના કરે છે કે કોમર્સનો સ્નાતક કેવો પ્રેમપત્ર લખે, આવા પત્રોની સીક્રટ આંગડિયા સર્વિસ હોવી ઘટે- આવી છદ્મગંભીર દલીલોને હસિત મહેતા 'આભાસી તર્ક' ગણાવે છે. આ નિબંધમાં વિધવિધ ગદ્યછટાઓ હોવાથી શૈલી કંટાળાજનક નથી બનતી- ફિલ્મી ડાયલોગ/ શાળાનું કસોટીપત્ર/ ધંધાકીય પત્રાચાર. જુવાનિયા બા-બાપુ ન કહે, મધર-ફાધર પણ ન કહે, એટલે લેખકે 'મધરો-ફાધરો' એવો વરવો પણ વાસ્તવિક શબ્દપ્રયોગ કર્યો છે.

બકુલ ત્રિપાઠીએ પ્રેમ વિશે પ્રશ્નપત્ર બનાવ્યું. આપણે પણ કોશિષ કરી જોઈએઃ

પ્રશ્નપત્ર

૧. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

 ૨. અને આમ તો તમેય મારી વાટ જુઓ છો, કેમ, ખરુંને...

'હા' કે 'ના'માં જવાબ આપો.

 ૩. (આવ, હવે તો આષાઢી વરસાદ થઈને આવ, મને પલળાવ!)

કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

 ૪. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો'તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું ઃ

રસ આસ્વાદ કરાવો.

 ૫. શ્વાસોચ્છ્વાસો કોને માટે? કારણ પૂરાં પાડો.

 ૬. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.(સાફસૂતરો કોરોકટ બસ તને મળ્યો છું.)

 ૭. 'તમને હું ચાહું છું, ચાહીશ,'

કોણે, ક્યારે, કોને, આવી પંક્તિ (નથી) કહી?

 ૮. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઇઝ નોટ એપ્લીકેબલ.