- શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી
- વિમાન પ્રવાસમાં સંશોધકોના મતે ૧૫ ટકા બનાવો શારીરિક મારફાડને કારણે, ૪૬ ટકા મૌખિક બોલાચાલી, અને ૩૯ ટકા એરસ્ટાફના સૂચનોનું પાલન નહિ કરવાથી ઉદભવે છે
'એ ક્સેસ લગેજ'ની બાબતે એક ઉચ્ચ ઓફિસર એરલાઇન સ્ટાફના હાડકાં તોડી નાંખે એ શિસ્ત કહેવાય ?
તમે ઊંચા ઊડો ત્યારે તમારા ઇગો ને કે અભિમાનને જરા નીચા રાખો. ૩૫૦૦૦ ફિટ ઊંચે ૮૦૦/૯૦૦ કિ.મી.ની સ્પીડે ઊડતા વિમાનમાં શિસ્ત અને સહકારની જરૂરીઆત ઊચ્ચ કક્ષાની હોય છે. ચાર હોસ્ટેસ ૧૫૦ પેસેન્જરોની સગવડ સાચવવા મથામણ કરતી હોય ત્યારે એક પેસેન્જર કોઇને લાફો મારી દે ત્યારે જે સ્થિતી સર્જાય તેની કલ્પના તમે કરી શકો છો.
કેટલાક પ્રવાસીઓ નિયમનો ભંગ કરી જાતે જ ઘર્ષણ ઊભુ કરે છે. કેબિનમાં એક 'પીસ' લઈ જવાનો નિયમ છે તો સાથે 'બેગપેક' પણ શું કામ લઈ જાવ છો ? તમને અટકાવશે ત્યારે? એરપોર્ટ પર પહોંચતા જ ફલાઇટ મોડી છે એ જાણીને પ્રવાસીનું મગજ છટકે છે. લેન્ડ થયા પછી 'બેગેજ' ના મળતાં ઉધામા શરૂ થાય છે.
ટેકસાસ યુનિવર્સિટીના સંશોધકોના તારણ પ્રમાણે દારૂ પીધેલી હાલતવાળો પ્રવાસી આવુ વર્તન કરતો વિશેષ જણાય છે.
સોશ્યોલોજીના પ્રોફેસર શેરીલ અને ગુનાશાસ્ત્રના પ્રોફેસર લીનેના સર્વેક્ષણ મુજબ પ્રવાસીઓની ગેરવર્તણુક દારૂના સેવનને કારણે હોય છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે ૧૫ ટકા બનાવો શારીરિક મારફાડ, ૪૬ ટકા મૌખિક બોલાચાલી, અને ૩૯ ટકા સ્ટાફની સૂચનાઓનું પાલન ના કરવાથી બન્યા હતા. આ સૂચનાઓમાં લગેજ મુકવાની, ટોઇલેટમાં સિગરેટ ન પીવાની અને ઇલેકટ્રોનિક સાધનો ન વાપરવાની બાબતે હતા. કોવિડ-૧૯ દરમ્યાન માસ્ક ન પહેરવાની બાબતે પણ વિમાનમાં હાથસફાઈના પ્રયોગ અજમાવવામાં આવ્યા હતા.
નબળી કસ્ટમર સર્વિસ, ફલાઇટ મોડી ઉપડવી, વગેરે બાબતો પેસેન્જરોને ગેરવર્તણુક તરફ દોરી જાય છે. પેસેન્જરને જરૂરી 'સ્પેસ' મળતી નથી અને કાયદાનું ચૂસ્ત પાલન થતું નથી. ત્યારે તેઓ ગુસ્સે થાય છે. ભરચક જતી ફલાઇટોમાં ઓછી 'લેગ સ્પેસ' અને સાંકડી સીટો ગુસ્સો જન્માવનારી હોય છે.
મોટા ભાગની ફલાઇટોનો પ્રવાસ શાંતિજનક રહે છે છતાં આવી પેસેન્જરોની અણછાજતી વર્તણુકનો માનસિક ત્રાસ, સ્ટાફે કે જેમાં ૮૦ ટકા મહિલાઓ હોય છે તેમણે સહન કરવાનો આવે છે !
આજના અદ્યતન એરપોર્ટ આપણી ખૂટતી ધીરજ, અસહિષ્ણુતા, અસંવેદનશીલતા અને છેડાયેલા મગજનું પ્રતિબિંબ રજુ કરે છે. બીજી તરફ મોંઘીદાટ ટિકિટો સામે પ્રવાસીઓ ઉત્કૃષ્ટ અને સલામત સેવાઓની અપેક્ષા રાખે એ વાત પણ એરલાઇન્સે ગંભીરતાથી સમજવી જરૂરી છે.


