Get The App

સ્કવેર કટ - અધીર અમદાવાદી .

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
સ્કવેર કટ - અધીર અમદાવાદી                          . 1 - image

= છાપામાં ક્યાંક વાંચ્યું 'રાજીખુશીથી છુટાછેડા' આમાં રાજી કોણ અને ખુશી કોણ ?

- હીરાચંદ આર. નાગડા, મુંબઈ

- ખુશી સાથે છૂટાછેડા, રાજી થનાર ગુજ્જેશ.

= જાગ્યા ત્યારથી સવાર અને ઊંઘ્યા ત્યારથી ?

- માયા ધવલ સોની, ગોધરા

- નસકોરાં.

= ગબ્બર સાંભાને બદલે તમને પૂછે કે દિવાળી ક્યારે છે, તો શું જવાબ આપશો ?

- રસેશ એન. શ્રોફ, મુંબઈ

- જવાબ ક્યાં આપવાનો છે ? હેમા નાચવાનું શરૂ કરે એની રાહ જોવાની છે.

= દિવાળી અને નવા વર્ષની વચ્ચે ધોકો શા માટે આવે છે ?

- શિવમ્ યાજ્ઞિાક, રાજકોટ

- દિવાળીના મેસેજ મોબાઈલમાંથી ડિલીટ કરવા.

= આ જે લોકો ખાંડતા હોય છે એ પત્તર શુ છે ?

- રોહિત દરજી 'કર્મ', હિંમતનગર

- દિમાગના પાતળા ચોસલાં.

= મારા મિત્રને વારંવાર 'હદ હોતી હૈ, હદ હોતી હૈ યાર !' બોલવાની ટેવ  છે. આ ટેવ છોડાવવા શું કરવું ?

- હરેશ લાલવાણી, અમદાવાદ

- હદ છે બોસ, તમને એ શું નડયો?

= અઘરા પ્રશ્નના જવાબ આપવા તમે કોઈની મદદ લો છો ?

- હસમુખ શાહ, અમદાવાદ

- હા, ક્યારેક દિમાગની.

= 'ચશ્મીશ ચચ્ચુ' બિલાડીનું જ કેમ બચ્ચું ? સિંહનું કે વાઘનું કેમ નહીં ?

- દર્શન કોઠારી, અમદાવાદ

- વાઘ-સિંહને ખિજાવતા બીક લાગે.

= શેરબજારનો આખલો અને ગીરનો આખલો સામસામે આવી જાય તો ?

- અમરત સોલંકી, બોટાદ

- શેરબજારવાળો આખલામાંથી અડધિયો થઈ જાય.

= તમે આ વખતે દિવાળીમાં કયો નવો સંકલ્પ કર્યો ?

- ઉમંગ કેવલરામાની, ઉના

- કોઈના ચડાવ્યા ચઢશું નહીં, આડાઅવળા સંકલ્પ કરશું નહીં.

= ઘર્ષણમુક્ત જીવન કેવી રીતે જીવાય ?

- વિપુલાબેન મકવાણા, રાજકોટ

- એક્ટિવા ચલાવતી વખતે બેઉ પગ ઉપર રાખીને.

= નવા નાકે દિવાળી એવી કહેવત કોણે પાડી ?

- જ્યોતિષ પાઠક, વડોદરા

- કોક પ્લાસ્ટિક સર્જને.

= વાળમાં લગાવવાની ડાઈને ડાઈ કે'વી કે ગાંડી ?

- હર્ષદ માધુ, વાવ

- ડા'યાભઈ એને કલપ કે'વાય.

= સીધી આંગળીએ ઘી ન નીકળે તો વાંકી કરવી, અને વાંકી આંગળીએ ન નીકળે તો ?

- મુકેશ ચંદારાણા, મીઠાપુર

- ગરમ કરવું.

= પ્રેમિકાના પ્રેમ અને પત્નીના પ્રેમને શું કહેવાય ?

- મહાસુખ દરજી, અમદાવાદ

- દૂધ અને દહીં, પણ બેઉમાં ન રખાય.

= પતિ ક્યારે દેવાળિયો બને છે?

- હંસાબેન જી. ભરૂચા, વિરાર

- બેકાર સાળાને ધંધો કરવા રૂપિયા આપે ત્યારે.

= ભૂતને આવકારવાનું બહુ મન થાય છે શું કરાય ?

- નરેશભાઈ બી. પરમાર, ભરૂચ

- રાતે બાર વાગે 'લે ભૂત ભૂત ભૂત...' કરી પીપળા પાસે જાવ.

= તમને સવાલ પૂછવા શું અમે સાવ નવરા છીએ ?

- જયસુખ પનાની, મુંબઈ

- ના ઉત્સુક છો, આતુર છો.

= જીતવા છતાં સન્માન કરવા હાર કેમ પહેરાવાય છે ?

- રોહિત ઠાકોર, ગુજરાત

- એ વર્તન અને વ્યવ'હાર' સારો કરે એટલે

= ઓનલાઈનવાળા કેમ કોઈની ઓળખાણ રાખતા નથી ?

- કનૈયાલાલ હરીલાલ ભાવસાર, વડનગર

- આધાર કાર્ડ લિન્ક ના હોય એટલે.