- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ
- 'સર હું પણ આ વાર્તાની સાક્ષી છું. દિપ્તી જે છોકરીને ચાવી આપીને ગઈ હતી તે હું જ છું કામિની દિક્ષિત. દેવયાની બહેનની દીકરી...'
'સ ર, આજે પ્લીઝ અમને એવી કોઈ વાર્તા કહો જે ખરેખર વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવતી હોય. તેને કાલ્પનિક પાત્રો સાથે નહીં પણ વાસ્તવિક પાત્રો સાથે સંબંધ હોય.' - જયશ્રીએ આગવા લહેકા સાથે પુરોહિત સાહેબને કહ્યું.
'સારું તમે કહો છો તો એક એવી વાર્તા કહું છું જેનો સાક્ષી હું પોતે રહ્યો છું.' - પુરોહિત સાહેબે કહ્યું અને ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓએ આનંદની કિલકારીઓ રેલાવી.
'દિવ્યાંગ અને દિપ્તીનું દાંપત્ય ખૂબ જ સામાન્ય ચાલતું હતું. દિવ્યાંગ નોકરિયાત માણસ હતો. તેની આવકની મર્યાદા હતી અને તેના સપનાઓની અને જરૂરિયાતોની પણ મર્યાદા હતી. બીજી તરફ દિપ્તીને તો ઉંચા આકાશમાં ઉડવું હતું, તેને બધું જ મેળવવું હતું, બધું જ માણવું હતું અને અવનવું જાણવું હતું. ઘણી વખત દિપ્તી અને દિવ્યાંગ વચ્ચે આ મુદ્દે બોલચાલ થતી પણ ક્યારેય ઘરનું વાતાવરણ ઉગ્ર થતું નહીં.'
'એક દિવસ દિવ્યાંગે તેની પત્ની દિપ્તીને બોલાવીને કહ્યું કે, જે દિવસે તને એમ લાગે કે મારે દિવ્યાંગ સાથે નથી રહેવું તે દિવસે સ્ટડી ટેબલ ઉપર છૂટછેડાના કાગળ સહી કરીને મૂકીને જતી રહેજે. મને જે દિવસે લાગશે કે મારે તારી સાથે નથી રહેવું તે દિવસે હું તે ટેબલ ઉપર છૂટાછેડાના કાગળ મુકીને જતો રહીશ. દિપ્તી આ વાતમાં સહમત પણ થઈ ગઈ.'
'આ વાતને લગભગ બે વર્ષ થયા હશે. એક દિવસ સવારે દિવ્યાંગ નોકરી ગયો અને તરત જ દિપ્તીએ પોતાના કપડાં, દાગીના, જરૂરી વસ્તુઓ બધું જ લઈ લીધું અને સુટકેસ ભરી લીધી. નક્કી કર્યા પ્રમાણે સહી કરીને છુટાછેડાના કાગળો પણ તેણે સ્ટડી ટેબલ ઉપર મુકી દીધા. તેને થયું કે જતા પહેલાં છેલ્લો પત્ર દિવ્યાંગના નામે લખી જાઉં. તે સ્ટડી ટેબલ પાસે આવેલી ખુરશી ઉપર ગોઠવાઈ.'
'દિવ્યાંગ... મારી જિંદગીમાં પ્રિય કહી શકાય તેવા પાત્રનો પ્રવેશ થઈ ગયો છે. હું અને સુબોધ છેલ્લાં બે વર્ષથી એકબીજાના પરિચયમાં છીએ, પ્રેમમાં છીએ. હું તેની સાથે કાયમ માટે મુંબઈમાં સેટલ થવા જઈ રહી છું. તારા કહ્યા પ્રમાણે ડાયવોર્સના પેપર્સ મેં સાઈન કરીને અહીંયા મુકી દીધા છે. આપણે નક્કી કર્યા પ્રમાણે જે ઘર છોડીને જશે તે બાકીના તમામ અધિકાર છોડીને જશે તે વાતનો પણ ઉલ્લેખ તેમાં કરી દીધો છે. મારે કશું જ જોઈતું નથી અને હું તને કશું આપી શકું તેમ નથી. તું આવીશ ત્યારે હું મુંબઈ પહોંચી ગઈ હોઈશ. મને લાગે છે કે, આપણે બંને એકબીજાથી આ રીતે જ મુક્ત થઈ શકીએ તેમ છીએ. મને ખ્યાલ છે કે, મારા પગલાંથી તને થોડી પીડા થશે પણ તું ઝડપથી ટેવાઈ જઈશ. અત્યાર સુધી આપણે જે જિંદગી જીવ્યા તે બદલ હું સદાય તારી આભારી રહીશ.'
દિપ્તીએ આ પત્ર લખ્યો અને ત્યાં જ મુકીને ઊભી થઈ ગઈ. તે તૈયાર થઈને સુટકેસ લઈને નીચે ઉતરી. ઘર બંધ કરીને ફ્લેટમાંથી નીચે આવી ત્યારે પાડોશીની દીકરી ત્યાં રમતી હતી. દિપ્તીએ તેના હાથમાં ચાવી આપી. તેને સુચના આપી કે દિવ્યાંગ કાકા આવે તો નિત્ય ક્રમ પ્રમાણે તેમને ચાવી આપી દેજે. તે પહેલાં કદાચ ગેસના બાટલાવાળો ભાઈ આવશે ગેસ મુકવા અને જૂનો બાટલો લેવા. જૂનો ગેસ કાઢીને રસોડાની બહાર મુક્યો છે અને તેના ઉપર જ એજન્સીની ડાયરી છે જેમાં પૈસા મુક્યા છે. મમ્મીને કહીને બદલાવી કાઢજે. દિપ્તી આટલી સુચના આપીને રીક્ષામાં નીકળી પડી.
દિપ્તી નવી જિંદગી, નવો જીવનસાથી, ગમતી જિંદગી અને ગમતી વ્યક્તિના ગુલાબી સપના જોતી જોતી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગઈ. એરપોર્ટ ઉપર સામાન ચેક કરાવીને દિપ્તી આવીને વેઈટિંગ લોન્જમાં ગોઠવાઈ ગઈ. તેણે એક નજર ઘડિયાળ તરફ કરી હજી તો પ્લેન ઉપડવાને ચાર કલાકની વાર હતી. તેને ખબર હતી કે સુબોધ છેલ્લી ઘડીએ જ દોડતો દોડતો આવશે. તેને આવી આદત હતી. તેની અવ્યવસ્થિત રહેવાની આદત જ દિપ્તીને સૌથી વધારે પસંદ હતી. તે ટોટલી અનપ્રિડિક્ટેબલ હતો. તે ગમે ત્યારે ગમે તે કરી શકે તેવો હતો. દિપ્તી મનમાં ને મનમાં સ્મિત કરીને બેસી રહી.
સુબોધ એક બિઝનેસમેન પિતાનો દીકરો હતો. લંડનમાં અભ્યાસ કરીને અમદાવાદ પરત આવ્યો હતો. તે પિતાના બિઝનેસમાં જોડાયો નહોતો છતાં તેમાં કામ કરતો હતો. તેના સપનાં, તેના વિચારો કંઈક અલગ જ હતા. સાવ દિલફેંક યુવાન હતો અને છતાં રોમેન્ટિક હીરો જેવો હતો. તેનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો, તેની પાસે વિશેષ આયોજનો હતા, તેના સપના બહુ મોટા હતા. તેમાં ચંચળતા પણ ભારોભાર ભરેલી હતી. તેના ગમા-અણગમા પણ ગમે ત્યારે બદલાઈ જતા હતા. આ બધી જ બાબતો દિપ્તીને ખૂબ જ ગમી ગઈ હતી.
એક વખત એક કાર્યક્રમમાં સુબોધ સાથે મુલાકાત થઈ હતી અને ત્યારબાદ મિત્રતા ક્યારે કેળવાઈ અને બધું પ્રેમ સુધી પહોંચી ગયું અને હવે લગ્ન કરીને મુંબઈમાં સેટલ થવા સુધી બંને પહોંચી ગયા હતા. મુંબઈમાં સુબોધ કયો બિઝનેસ કરશે, દિપ્તીએ તેમાં શું મદદ કરવાની છે, કયા વિસ્તારમાં તેઓ રહેશે, કઈ ગાડી રાખશે અને બીજા ઘણા આયોજનો તેમણે કરી લીધા હતા. હવે માત્ર રાહ સુબોધની જોવાતી હતી. એક વખત તે એરપોર્ટ આવે અને દિપ્તી તેની સાથે મુંબઈની માયામાં ખોવાઈ જાય.
'અમદાવાદ-મુંબઈ જતા પેસેન્જર્સ બોર્ડિંગ ગેટ સુધી પહોંચી જાય. ગેટ નંબર ૩ પાસે ચેક ઈન પ્રોસિજર કરવા લાગે.' - એરપોર્ટ ઉપર થયેલી જાહેરાતે દિપ્તીના વિચારોની હારમાળાને અટકાવી દીધી. તેણે જોયું તો, સુબોધ હજી આવ્યો નહોતો. તેને ચિંતા થઈ. તેણે સુબોધના ઘરે ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડતું નહોતું, સતત રિંગ વાગતી હતી. તે પાછી આવીને બેન્ચ ઉપર ગોઠવાઈ પણ હવે મન બેસી શકે તેમ નહોતું. તેણે ઉછળકુદ શરૂ કરી હતી.'
'ચેક ઈન માટે છેલ્લો કોલ આવ્યો. તે ઊભી થઈને ગેટ પાસે ગઈ. તેણે પોતાની ટિકિટ ત્યાં ઊભેલી અટેન્ડન્ટને આપી અને પેલી છોકરીએ તેને એક ચિઠ્ઠી આપી.'
'પ્રિય દિપ્તી, હું તારી સાથે લગ્ન કરીને બંધનમાં બંધાવા માગતો નથી. તારી સાથે પસાર કરેલો સમય મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો. હું મારા સપનાઓ સાકાર કરવા માગું છું. હું એકલો ઉડવા માગું છું અને તેથી જ હું તારા આવતા પહેલાં જ મારા સપનાની દુનિયામાં ઉડી ગયો છું. તારી ટિકિટ કન્ફર્મ છે. તું મુંબઈ ફરતી આવ. તારા રહેવા અને ફરવાની વ્યવસ્થા મેં કરી છે. તું બોર્ડિંગ માટે પહોંચીશ ત્યારે હું અમદાવાદથી દૂર જતો રહ્યો હોઈશ. શક્ય હોય તો મને માફ કરજે. આઈ લવ યુ. તારો સુબોધ.'
'દિપ્તીની લાગણીઓનું પ્લેન ક્રેશ થઈ ગયું. તે પોતાની લાગણીઓનો કાટમાળ ભરીને એરપોર્ટની બહાર નીકળી. રીક્ષામાં ગોઠવાઈ અને ઘર તરફ રીક્ષા જવા દીધી. તે ઘરે પહોંચી ત્યારે તેણે ઉપર જોયું તો ઘરના ડ્રોઈંગરૂમની લાઈટ ચાલુ હતી. તેને સમજાઈ ગયું કે, દિવ્યાંગે ચિઠ્ઠી વાંચી લીધી હશે. હવે ત્યાં પણ જવાય તેમ નથી. તેણે રીક્ષા આગળ લઈ જવા કહ્યું અને ત્યાંથી નીકળી ગઈ. દિપ્તીને દિવ્યાંગ મળ્યો નહીં અને સુબોધને તે મેળવી ન શકી.' - પુરોહિત સાહેબે વાત પૂરી કરી. ક્લાસમાં સાવ નિરવ શાંતિ પ્રસરી ગઈ હતી.
'સર, તે દિવસે દિપ્તીએ નીચેથી જોયું કે ઘરમાં લાઈટ ચાલુ છે પણ તે લાઈટ તો સરોજીની બહેને કરી હતી. ગેસના બાટલાવાળો સાંજે બાટલો આપવા આવ્યો હતો. દિવ્યાંગ તો ઘરે આવ્યો જ નહોતો. તે પોતાની નોકરીમાં અટવાયેલો હતો અને તેને આવતા તો રાત્રે બહુ મોડું થયું હતું. દિપ્તી પોતાની ધારણાઓમાં અટવાઈને જતી રહી અને દિવ્યાંગે
પોતાની ધારણાઓ કરીને ક્યારેય દિપ્તીને શોધવાનો પ્રયાસ નહોતો કર્યો. બંને આજીવન એકલા જ રહ્યા.' - એક છોકરીએ ઊભા થઈને કહ્યું.
'આ વાતની તને કેવી રીતે ખબર.' - પુરોહિત સાહેબે કહ્યું.
'સર હું પણ આ વાર્તાની સાક્ષી છું. દિપ્તી જે છોકરીને ચાવી આપીને ગઈ હતી તે હું જ છું કામિની દિક્ષિત. દેવયાની બહેનની દીકરી. તે સાંજે હું નીચે જ રમતી હતી જ્યારે દિપ્તી, રીક્ષા લઈને પાછી આવી પણ હું કશું કહું તે પહેલાં જ ઘરની સામે જોઈને રીક્ષામાં બેસીને પાછી જતી રહી. બીજા દિવસે સવારે હું તમને મળવા આવી તો દિવ્યાંગ પણ ઘરે નહોતા. અઠવાડિયામાં તેઓ ઘર ખાલી કરીને જતા રહ્યા. તમે ધારી માની લીધું અને એણે ધારી લીધું હતું. આજે તમે અહીંયા મારી સામે છો, પ્રોફેસર દિવ્યાંગ પુરોહિત.' - કામિની બોલી અને બધા અવાચક ચહેરે તેની સામે જોઈ રહ્યા.


