Get The App

દીપ્તિ, જેમિમા અને શેફાલી : ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની આત્મશ્રદ્ધાના તેજપૂંજ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
દીપ્તિ, જેમિમા અને શેફાલી : ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની આત્મશ્રદ્ધાના તેજપૂંજ 1 - image


- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત

- સુપરસ્ટાર્સની હાજરીના કારણે આગવી ઓળખ ન ઉભી કરી શકેલી ખેલાડીઓએ કટોકટીની પળોમાં વિરાટ પ્રતિભા દર્શાવતા રેકોર્ડબુકની સાથે ચાહકોના હૃદયમાં ચિરકાલીન છાપ છોડી

શ્રધ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ ઉપર, રસ્તો ભુલી ગયો તો દિશાઓ ફરી ગઈ

ગ મે તેવી પરિસ્થિતિ છતાં આત્મશ્રદ્ધાના દીપકને પ્રજ્જવલ્લિત રાખનાર જ આગળ વધવાના માર્ગને જોઈ શકે છે અને તેના જ સહારે સોનેરી સવાર સુધી પહોંચી શકાય છે, તેવી પ્રેરણા પૂરી પાડતી ગની દહિવાલાની પંક્તિઓનું  જ એક પ્રતિબિંબ જાણે કે ભારતની મહિલા ક્રિકેટ ટીમના વિશ્વવિજયમાં જોવા મળ્યું છે.  પરિસ્થિતિની વિકટતાને તાબે થયા બાદ હૃદયમાં પ્રગટેેલા ઉજાસને સહારે જ્યારે છેવટ સુધી લડી લેવાનો જુસ્સો જન્મે છે અને ધીમી ગતિએ પણ મક્કમતાથી માંડવામાં આવતું પ્રત્યેક ડગલુ સફળતાને વધુ નિકટ લઈને આવે છે અને તેના થકી જ આખી દુનિયાને ચકિત કરી દે તેવી સિદ્ધિને હાંસલ કરી શકાય છે. 

ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઘરઆંગણે યોજાયેલા મહિલા વન ડે વિશ્વકપ જીતી લેવાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે ભારતીય રમત જગતમાં વધુ એક નવા સ્વર્ણિમ અધ્યાયને આલેખી દીધો છે. જે માઈલસ્ટોન બનીને વરસોવરસ સુધી લડાયક મિજાજ અને સંઘર્ષમય સફળતાની ગાથા બનીને પેઢીઓને પ્રેરણા પુરી પાડતી રહેશે. છેક છેલ્લી ટીમ તરીકે અંતિમ ચારમાં પ્રવેશનારી ટીમથી લઈને ચેમ્પિયન બનવા સુધીની ભારતની મહિલા ક્રિકેટ ટીમની સફર ભારે ચડાવ-ઉતારથી ભરેલી રહી. દરેક વેળાએ મુકાબલામાં એક તબક્કો એવો પણ આવ્યો, જ્યારે આશાનું કિરણ સાવ ધુંધળુ બનીને ઓઝલ થવાના આરે લાગવા માંડયું હતુ, પણ તેવી કપરી સ્થિતિમાંથી આશાના ટમટમતા ઝાંખા દીવાના અજવાળાને સહારે સંઘર્ષ જારી રાખવાનું ઐતિહાસિક ફળ ભારતીય ટીમને મળ્યું. 

વર્લ્ડ ચેમ્પિયન તરીકે પ્રસ્થાપિત થયેલી ભારતીય મહિલા ટીમની સફળતામાં પ્રત્યેક ખેલાડીએ પોતાનાથી બનતું શ્રેષ્ઠ યોગદાન આપીને ટીમ વર્કનું જબરજસ્ત ઉદાહરણ તો પુરું પાડયું. જોકે આ બધાની સાથે સાથે ખરાખરીના મુકાબલામાં જ્યારે ટીમ સંઘર્ષ કરી રહી હતી, ત્યારે એવી વિરાટ પ્રતિભાઓએ તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું કે, જેની કલ્પના ભાગ્યે જ કોઈને હતી. ભારતની મહિલા ટીમની આ સફળતાની સાથે સાથે અત્યાર સુધી માત્ર સ્ટાર તરીકેની ઓળખ ધરાવતી દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સે પોતાની પ્રતિભા સુપરસ્ટારની ઊંચાઈ સુધી વિસ્તારી દેખાડી છે. 

કોઈ પણ ટીમ ગેમમાં દરેક ખેલાડીનું પોતાનું આગવું મહત્વ હોય છે, પણ મુકાબલા દરમિયાન ઘણી વેળાએ કટોકટીની એવી પળો આવે છે કે, જેમાં કોઈ એકાદ-બે ખેલાડીઓ એવો દેખાવ કરી બતાવે છે કે, જેનાથી સાથીઓમાં અલગ જ જુસ્સો જન્મે છે અને હરિફ ટીમને હાંસિયામાં ધકેલાઈ જાય છે. મહિલા વર્લ્ડ કપમાં ખરાખરીના મુકાબલામાં આવી જ રીતે દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સે મક્કમ મનોબળ અને અડગ ઈરાદાનો પરચો દેખાડતાં ભારતને મુશ્કેલીમાંથી ઉગારતાં સફળતાના શિખરે પહોંચાડયું.

ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં ભારતે ૩૩૯ રનનો વિશ્વવિક્રમી ટાર્ગેટ ચેઝ કરીને સાત વખતના ચેમ્પિયનને મહાત આપી હતી. તેમાં જેમિમાએ અણનમ ૧૨૭ રનની મેચ વિનંગ ઈનિંગ રમી હતી. માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ ભારતની અંડર-૧૯ ટીમમાં સ્થાન મેળવનારી જેમિમાની કારકિર્દી છેલ્લા કેેટલાક વર્ષોમાં રોલર-કોસ્ટર રાઈડ જેવી રહી હતી. ૨૦૨૨માં કંગાળ ફોર્મને કારણે તેને વર્લ્ડ કપમાં તક મળી શકી નહતી. ૨૦૨૫ના વર્લ્ડ કપમાં પણ શરુઆતની ચાર મેચમાં ૦, ૩૨, ૦, ૩૩નો સ્કોર નોંધાવી શકવાના કારણે તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં બહાર બેસાડવામાં આવી હતી. પોતાની પ્રતિભાની સામે જ શંકા જન્મે તેવી મનોસ્થિતિનો સામનો કરી રહેલી જેમિમાએ ધમાકેદાર પુનરાગમન કરતાં ન્યુઝીલેન્ડ સામેની નિર્ણાયક મેચમાં ૭૬ રન અણનમ રહીને ફટકાર્યા અને ઓસ્ટ્રેેલિયા જેવી ધરખમ ટીમ સામે અવિશ્વસનીય મેચ વિનિંગ ઈનિંગ રમી બતાવી. 

જેમિમાની સફળતામાં ઈશ્વર પરની શ્રધ્ધાની ભૂમિકા પણ મહત્વની રહી હતી. જેમીમાની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં જન્મેલી દીપ્તિ શર્માને પણ જાણે કે તેની વરસોની મહેનત અને સંઘર્ષનું ફળ એક સાથે જ મળી ગયું હતુ. ભારતીય મહિલા ટીમમાં છેલ્લા ૧૧ વર્ષથી નોંધપાત્ર દેખાવ કરી રહેલી દીપ્તિ શર્માને તેના પ્રદર્શન અને સફળતા અનુસારની પ્રસિદ્ધિ મળી શકી નહતી, પણ ટીમને પ્રાથમિકતા આપીને તેણે સતત પોતાની ભૂમિકાને અસરકારક રીતે અદા કરી બતાવી છે. મોટાભાઈને ક્રિકેટની પ્રેક્ટિસ સુધી પહોંચવામાં સાથ આપતી દીપ્તિને એક વખત થ્રો કરવાની તક મળી અને તેના પર બોલ સીધો જ સ્ટમ્પ સાથે ટકરાયો અને આ સાથે તેની ક્રિકેેટની સફર શરુ થઈ હતી. 

ઓફ સ્પિનર હોવાની સાથે મીડલ ઓર્ડરની ઉપયોગી બેટર તરીકે આગવો પ્રભાવ પાડનારી દીપ્તિએ ગૂ્રપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ૫૦ રનની યાદગાર ઈનિંગ પણ રમી હતી. જોકે ભારતને માત્ર ૨૦ બોલમાં ૨૭ રનની જરુર હતી, ત્યારે જ દીપ્તિ કેચઆઉટ થઈ ગઈ અને આખરે ભારત માત્ર ચાર રન માટે હારી ગયું. દીપ્તિ આ હાર માટે ખુદને જ જવાબદારી માનતી હતી. જોકે જિંદગી દરેકને બીજી તક આપે છે. દીપ્તિને આ તક ત્રણ મેચ બાદ વર્લ્ડ કપની ફાઈનલમાં મળી. સાઉથ આફ્રિકા સામે મળી. ભારત ૧૭૧-૩ પર ફસડાયું ત્યારે દીપ્તિ ક્રિઝ પર પહોંચી, તેણે ૫૮ બોલમાં ૫૮ રન ફટકારતાં ભારતને ૨૯૮ રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં પાયાની ભૂમિકા ભજવી. આ પછી સાઉથ આફ્રિકાની ઈનિંગને વોલ્વાર્ડ્ટ અને ડેર્કસેનની જોડી ધીરે-ધીરે જીત તરફ આગળ ધપાવી રહી, ત્યારે દીપ્તિએ તબક્કાવાર બંનેને પેવેલિયન ભેગી કરતાં ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. દીપ્તિએ આ દરમિયાન જ પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરતાં વર્લ્ડ કપની ફાઈનલમાં અડધી સદી અને પાંચ વિકેટ ઝડપનારી સૌપ્રથમ ભારતીય મહિલા તરીકેનું ગૌરવ મેળવતા રમત ઈતિહાસમાં પોતાની અમીટ છાપ છોડી દીધી છે. 

એક સમયે મહિલા ક્રિકેટની સેહવાગ તરીકેની ઓળખ ધરાવતા શેફાલી વર્માની નિર્ભિક ફટકાબાજીએ આગવું આકર્ષણ જમાવ્યું હતુ. ભારતીય ટીમમાં નિયમિત ઓપનર તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ અચાનક તેણે લય ગુમાવી હતી અને તેને તો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન પણ મળી શક્યું નહતુ. જોકે ઓપનર પ્રતીકા રાવલનો પગ મચકોડાઈ જતા શેફાલીને લોટરી લાગી હતી અને ખરાખરીના મુકાબલા માટે તેને ટીમમાં તક મળી હતી. એક વર્ષના ઈંતજાર બાદ આખરે વન ડે ટીમમાં તેનું ભાગ્યના બળે પુનરાગમન થયું હતુ. ઓસ્ટ્રેેલિયા સામેની સેમિ ફાઈનલમાં તે માત્ર ૧૦ રને આઉટ થઈ, ત્યારે જ ટીકાકારોએ તેની કટિબદ્ધતા સામે પ્રશ્નાર્થ  સર્જયો હતો. તેની સાથે સાથે કેટલાકે તો તેને ટીમમાં સમાવવાના નિર્ણય અંગે પસંદગીકારો અને ટીમ મેનેેજમેન્ટની ઝાટકણી કાઢી હતી. 

શેફાલીએ પણ દીપ્તિની જેમ મળેલી બીજી તકને ઝડપી લેવામાં જરાપણ ચૂક કરી નહતી. સાઉથ આફ્રિકા સામેની ફાઈનલમાં શેફાલી વર્માએ તેના આગવા અંદાજમાં બેટિંગ કરતાં કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર 

કરતાં ૮૭ રન ફટકારતા ભારતના જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. તેની જ આ જ ઈનિંગના આધારે ભારતીય ટીમ પડકારજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જોકે ફાઈનલમાં તેનું ખરુ પ્રદાન તો ઓફ સ્પિનર તરીકેનું હતુ. તેને બોલ સોંપવાનો હરમનપ્રીતનો નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થયો અને સાઉથ આફ્રિકાની બેટર્સ તેની સામે ટકી જ શકતી નહતી. તેણે લુસ્સ અને કાપ્પની બે મહત્વની વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકાને જીતનો પીછો કરવાને બદલે વિકેટ બચાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરતાં મજબૂર કર્યું હતુ અને આખરે ભારતના વિશ્વવિજયમાં તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી. તેની સાથે સાથે તેણે ભારતના મહિલા ક્રિકેટના ઈતિહાસના સ્વણમ ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરાવી દીધું.

ભારતની મહિલા ટીમના વિશ્વવિજયમાં હરમનપ્રીત બેટિંગ અને વિનિંગ મોમેન્ટનો યાદગાર કેચ, ઓપનર સ્મૃતિ મંધાનાનું પ્રદર્શન, રિચા ઘોષ-શ્રી ચરણીનો નિર્ણાયક દેખાવ, અમનજોત કૌરનો ઓલરાઉન્ડર શા વગેરે પણ ઈતિહાસમાં અમર બની ગયા છે. ભારતીય મહિલા ક્રિકેટને આ વિશ્વવિજયે નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો છે.

Tags :