Get The App

બાળકોમાં છૂપાયેલું ભવિષ્ય

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
બાળકોમાં છૂપાયેલું ભવિષ્ય 1 - image

- આજકાલ - પ્રીતિ શાહ

- ભવિષ્યમાં વિશ્વના દરેક ખૂણામાં આફ્રિકાના વૈજ્ઞાનિકો, એન્જિનીયરો અને આંત્રપ્રેન્યોર જોવા મળશે અને તેમાં છોકરીઓનો ફાળો વિશેષ હશે

એ ક શિક્ષક જ્ઞાનનો દીવો પ્રગટાવીને જે અજવાળું પાથરે છે, તે વિદ્યાર્થી પાસે અને સાથે આજીવન રહે છે. તેને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવે છે, એટલે જ આપણા સમાજસુધારકો અને શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે સામાજિક બદીઓ, વહેમો, કોઈ રૂઢિચૂસ્તતા અને ગરીબી સામે લડવાનું કોઈ શક્તિશાળી સાધન હોય, તો તે શિક્ષણ છે, જે  એ પોતાના શિક્ષક પાસેથી સાંપડે છે. આવા એક શિક્ષક છે પીટર મોકાયા તબીચી. આફ્રિકામાં કેન્યાની ન્યામિરા કાઉન્ટીમાં ૧૯૮૨માં તેમનો જન્મ થયો હતો. પિતા લોરેન્સ તબીચી પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને હંમેશા પોતાની આસપાસના લોકોને અને જનસમુદાયને મદદ કરવા તત્પર રહેતા. નાનપણથી જ પોતાના પિતાને અન્યના દુઃખમાં ભાગીદાર થતા જોયા હતા. તેમના કાકા અને અન્ય કુટુંબીજનો પણ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. પિતા નાના પીટરને હંમેશા કહેતા કે શિક્ષણ જ તને સુપાત્ર બનાવશે. 

 પીટરને પોતાની સ્કૂલે પહોંચવા માટે ઘણા કિમી. ચાલીને જવું પડતું, પરંતુ પિતા પોતાનાં સંતાનોને શિક્ષણ અપાવવા માટે દ્રઢ નિશ્ચયી હતા. પીટર જ્યારે અગિયાર વર્ષનો હતો ત્યારે તેમની માતાનું અવસાન થયું, તેમ છતાં પિતાએ સંતાનોના અભ્યાસમાં અવરોધ આવવા દીધો નહીં. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થતાં એગર્ટન યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પીટર તબીચી શિક્ષકની કારકિર્દી શરૂ કરતાં પહેલાં ફ્રાંસિસ્કન બ્રધરહુડ સંસ્થા ગયા અને ત્યાં રહીને તેમણે ત્યાંનું શિક્ષણ મેળવ્યું. ૨૦૧૧-૧૨માં તેમને શિક્ષક તરીકે કામ કરવા માટે યુગાન્ડા મોકલવામાં આવ્યા. અહીં એક વર્ષ કામ કર્યા બાદ તેમને કેન્યાના નકુરુમાં આવેલી સેન્ટ ફ્રાંસિસ સેકન્ડરી સ્કૂલમાં ડીન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાં તેઓ બાળકોને ગણિત અને વિજ્ઞાન શીખવવા લાગ્યા, પરંતુ ૨૦૧૫માં તેમને જે જવાબદારી સોંપવામાં આવી, તેનાથી તેમના જીવનમાં વળાંક આવ્યો.

પીટર તબીચીને રિફ્ટવેલીના પવાની ગામમાં આવેલી કેરિકો મિકસ્ડ ડે સેકન્ડરી સ્કૂલમાં મોકલવામાં આવ્યા. તેમણે જોયું કે સ્કૂલમાં ખાસ કોઈ સુવિધા નહોતી. મોટાભાગનાં બાળકો સાત કિમી. ચાલીને સ્કૂલે પહોંચતા હતા. બીજી બાજુ આ જગ્યાની ભૌગોલિક સ્થિતિ પણ એવી હતી કે દર ત્રણ-ચાર વર્ષે દુષ્કાળ પડતો. ગરીબી અને ભૂખમરો કાયમી બની ચૂક્યા હતા. પંચાણું ટકા બાળકો અત્યંત ગરીબીની હાલતમાં જીવતા હતા. તેમાં ત્રીજા ભાગના બાળકો અનાથ હતા અથવા માતા કે પિતા એમને સંભાળતા હતા. સવારે નાસ્તો કરીને આવતાં બાળકોને આખા દિવસમાં ભોજન મળતું નહીં. મોટાભાગના બાળકો આવી પરિસ્થિતિને કારણે અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હતા. ગરીબીની સાથે સાથે નશાખોરી, બાળવિવાહ, નાની ઉંમરમાં માતા બનવાનું કે આત્મહત્યા કરવાનું પ્રમાણ પણ ઘણું મોટું જોવા મળ્યું.

બાળકોની આવી પરિસ્થિતિ જોઈને પીટરે તેમને સ્કૂલમાં ભોજન આપવાનું શરૂ કર્યું, કારણ કે પેટમાં ભૂખ હોય, ત્યાં અભ્યાસમાં ધ્યાન કેવી રીતે રહે ? પાયાની સગવડો ઊભી કરી. પોતાના પગારની એંશી ટકા રકમ તેઓ બાળકો માટે ખર્ચતા હતા. પીટર અને તેના સાથેનાં ચાર સહયોગીઓ સ્કૂલ પૂરી થયા પછી એક-એક અનાથ અને ગરીબ બાળકોને ગણિત અને વિજ્ઞાનનું ટયૂશન આપવા લાગ્યા. તેમાં તેઓ ટૅક્નૉલૉજીનો પણ ઉપયોગ કરતા. રજાઓના દિવસોમાં તેઓ બાળકોને ઘરે જતા, તેમના પરિવારજનોને મળતા, તેમની સમસ્યાઓને સમજતા અને વાતચીત દ્વારા શિક્ષણનું મહત્ત્વ અને તેનાથી સાંપડતા આત્મસન્માનની વાત કરતા. આનાથી ત્રણ વર્ષમાં સ્કૂલમાં બાળકોની સંખ્યા બમણી થઈ ગઈ. તેમણે સ્કૂલમાં વિજ્ઞાન ક્લબ શરૂ કરી અને અહીંનાં બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માંડયા. સ્થાનિક છોડના અર્કમાંથી પાવર જનરેટ કરતાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને ધ રોયલ સોસાયટી ઑફ કેમેસ્ટ્રીમાં રજૂ કરતાં સંસ્થાને ઍવૉર્ડ મળ્યો.

તેમણે સ્થાનિક લોકોને દુષ્કાળ સામે ટકી શકે તેવા પાક ઊગાડવાનું શીખવ્યું અને ઓછા પાણીથી ખેતી કેવી રીતે થાય તે પણ શીખવ્યું. ૨૦૦૭માં નુકુરુમાં જનજાતીયવાદનો સંઘર્ષ થયો અને મોટા પ્રમાણમાં હિંસા થઈ. તેમણે પીસ ક્લબની સ્થાપના કરી. આજે સાત જાતની જનજાતિ સાથે કામ કરે છે. તેઓ ચર્ચાનું આયોજન કરે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનાં ઉપકરણો બનાવતા શીખવે છે. તેઓ માને છે કે શિક્ષક ક્યારેય ચાર દીવાલોમાં અને થોડીક બેન્ચોમાં સીમિત હોતો નથી. તે પોતાના વિદ્યાર્થીઓને અને કોમ્યુનિટીને પોતાનો પરિવાર માને છે. તેમના આ કાર્ય માટે તેમને ઘણા ઍવૉર્ડ મળ્યા છે, પરંતુ ૨૦૧૯માં વિશ્વના દસ હજાર શિક્ષકોમાંથી પીટરને ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવ્યા હતા. એમાં મળેલા દસ લાખ ડૉલર તેમણે જુદી જુદી લેબોરેટરી અને ટૅક્નૉલૉજીના વિકાસ માટે વાપર્યા. તેમને શ્રદ્ધા છે કે ભવિષ્યમાં વિશ્વના દરેક ખૂણામાં આફ્રિકાના વૈજ્ઞાનિકો, એન્જિનીયરો અને આંત્રપ્રેન્યોર જોવા મળશે અને તેમાં છોકરીઓનો ફાળો વિશેષ હશે.

બાળકોમાં છૂપાયેલું ભવિષ્ય 2 - image

- પર્યાવરણ કાજે પડકાર

- દેશમાં ઔદ્યોગિક વિકાસની સરખામણીમાં પર્યાવરણને મહત્ત્વ આપવામાં આવતું નથી. તે પોતાના કામ દ્વારા દર્શાવવા માગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પર્યાવરણને જાળવી શકાય છે

ભા રતમાં દર વર્ષે યુપીએસસીમાં ફાઈનલ પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં આશરે એક હજાર વ્યક્તિઓ સફળ થાય છે અને તેઓ આઈ.એ.એસ., આઈ.પી.એસ. તેમજ આઈ.એફ.એસ. અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરે છે, પરંતુ કેટલાક અધિકારી આગવી કામગીરીથી પોતાની એક વિશેષ ઓળખ ઊભી કરે છે. સુપ્રિયા સાહૂ આવા જ એક અધિકારી છે, જેમણે પોતાના કામથી આગવું સ્થાન મેળવ્યું છે. ૧૯૬૮માં ઉત્તરપ્રદેશમાં જન્મેલાં સુપ્રિયાએ યુનિવર્સિટી ઑફ લખનઉમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ ૧૯૮૯માં યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી. બે વર્ષ મસૂરીમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ લઈને ૧૯૯૧માં તમિળનાડુ કેડરમાં જોડાયા. સાડા ત્રણ દાયકાની તેમની કારકિર્દીમાં અનેક મહત્ત્વના ક્ષેત્રમાં કામ કર્યું છે. પર્યાવરણપ્રેમી સુપ્રિયા સાહૂ તમિલનાડુ સરકારમાં પર્યાવરણ, જલવાયુ પરિવર્તન અને વનવિભાગમાં સક્રિય રીતે કાર્યરત છે.

તેમણે મુદુમલાઈ નેશનલ પાર્ક પાસે એક જંગલી હાથીને પ્લાસ્ટિકનો કચરો ખાતા જોયો અને તરત જ જિલ્લામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો. તે પછી તેમણે 'ઓપરેશન બ્લુ માઉન્ટેન' નામનું અભિયાન ચલાવ્યું, તેમાં સ્થાનિક લોકોની મદદ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કર્યું. તેના પ્રયત્નોને કારણે નદી અને ઝરણાંઓને સ્વચ્છ કરવામાં મદદ મળી. ૨૦૦૨માં આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ અંતર્ગત તેમણે અભિયાન ચલાવ્યું હતું અને ૨૦૦૩ની ૨૪મી જૂને એક જ દિવસમાં બેંતાળીસ હજારથી વધુ વૃક્ષો વાવીને રેકોર્ડ સર્જ્યો, જેની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડબૂકમાં લેવામાં આવી. ૨૦૧૬માં દૂરદર્શનના મહાનિદેશક તરીકે નિમાયા. દૂરદર્શનમાં તેમણે મહત્ત્વના ફેરફાર કર્યા અને તેની રેવન્યૂમાં બહુ મોટો વધારો થયો. સવા ત્રણસો કરોડમાંથી ત્રણ વર્ષમાં તે આંકડો સાડા નવસો કરોડ સુધી પહોંચ્યો. તેમણે નીતિવિષયક ફેરફારો કર્યા. તેમણે ડીડી સાયન્સ અને ઇન્ડિયા સાયન્સ ચેનલ પણ શરૂ કરી. એ ઉપરાંત બૃહદ બઁગાલુરુ મહાનગરપાલિકા અને માઇક્રોસોફ્ટની સાથે ડીડી રોશની નામથી શૈક્ષણિક ચેનલ શરૂ કરી. ભારતમાં કૃષિક્ષેત્રે મહત્ત્વનું કામ કરનારી સ્ત્રીઓ માટે દૂરદર્શન દ્વારા 'મહિલા કિસાન ઍવૉર્ડ્સ' નામનો શો શરૂ કર્યો.  તમિળનાડુ સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે એચ.આઈ.વી. અને ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી. તેની ચકાસણી અને કાઉન્સેલિંગની સાથે સાથે અનાથ બાળકોનો પણ ખ્યાલ રાખ્યો. તેમણે આરોગ્ય અને કુટુંબ કલ્યાણખાતા સાથે કામ કર્યું. તો કૂનૂરમાં ધ તમિલનાડુ સ્મોલ ટી ગ્રોઅર ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ ટી ફેક્ટરીઝ ફેડરેશન લિમિટેડ જેને ઈન્ડકોસર્વ કહે છે તેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, ત્યારે ચાના નાના ઉત્પાદકોની આવક કેવી રીતે વધે તેનો વિચાર કરીને ઇન્ડકો ટી હાઉસની સ્થાપના કરી. તેમણે નીલગિરિ કાહવા ટી, હની હિલ ટી, માર્લીમુન્ડ ટી, બેડફોર્ડ ટી, માઉન્ટેન રોઝ ગોલ્ડ ટી અને ઊટી ગોલ્ડ ટી એમ છ પ્રકારની ચા બજારમાં મૂકી. જે આજે ઑનલાઇન પણ વેચાય છે. ઉત્પાદનોનું અસરકારક રીતે માર્કેટિંગ કરીને ત્રીસ હજાર જેટલા ચાના નાના ઉત્પાદકોની આવકમાં વધારો થયો છે. તેમને ઓર્ગેનિક ફાર્મિંગ શીખવ્યું અને ત્રણ વર્ષ સુધી ઓર્ગેનિક ફાર્મિંગ કરનાર ખેડૂતને ઓર્ગેનિકનું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

તેમણે તમિલનાડુ ગ્રીન ક્લાયમેટ કંપનીની સ્થાપના કરી છે. તેના દ્વારા સરકારના ચાર મુખ્ય ઉદ્દેશ છે - ક્લાયમેટ ચેન્જ મિશન, ધ ગ્રીન તમિલનાડુ મિશન, કોસ્ટલ રીસ્ટોરેશન મિશન અને વેટલેન્ડ મિશન. આ કંપની સરકારના જુદા જુદા વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. તેમણે ચીફ મિનિસ્ટર્સ ગ્રીન ફેલોશિપ અંતર્ગત તમિલનાડુના જુદા જુદા જિલ્લામાંથી ચાળીસ યુવાનોને પસંદ કર્યા છે, જે પર્યાવરણને લગતા પ્રોજેક્ટમાં મદદ કરે અને દેખરેખ રાખે છે. ક્લાયમેટ-સ્માર્ટ ગામડાંઓ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં ગ્રામજનોને સોલર એનર્જી, વરસાદી પાણીનો સંગ્રહ અને ઓર્ગેનિક ખેતી શીખવે છે. સુપ્રિયાએ ૨૦૨૨માં 'મીનડમ મંજપ્પાઈ' અભિયાન શરૂ કર્યું. અર્થાત્ 'યલો બેગ વન્સ મોર'. સુતરાઉ પીળા કપડાંની થેલી હોય છે અને તેનો પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા માટે ઉપયોગ કરવા સમજાવવામાં આવે છે. સ્ત્રીઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપ બનાવ્યા અને તેમને આના દ્વારા રોજગારી મળી. આ થેલીના વેન્ડિંગ મશીન બનાવીને જાહેર જગ્યાએ મૂકવામાં આવ્યા. ૨૦૨૪ સુધીમાં પ્લાસ્ટિકના વપરાશમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. તમિલનાડુ વનવિભાગે ૨૩૦ હેક્ટર જમીનમાં ડઝન જેટલા ચાર મીટર ઊંડા તળાવ બનાવ્યા. ડિપાર્ટમેન્ટે દોઢ લાખ જેટલા મેન્ગ્રોવનાં છોડ વાવ્યા. નવ ગામમાં રીસ્ટોરેશન કરીને પાણી તથા જમીનની ચકાસણી કરી. આ બધા કામ પાછળ સુપ્રિયા સાહૂનો એક જ મકસદ છે કે દેશમાં ઔદ્યોગિક વિકાસની સરખામણીમાં પર્યાવરણને મહત્ત્વ આપવામાં આવતું નથી. તે પોતાના કામ દ્વારા દર્શાવવા માગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પર્યાવરણને જાળવી શકાય છે.