Get The App

ખાંડવવનનાં માંસભક્ષી જીવોનું ભક્ષણ એ જ એકમાત્ર ઉપાય!

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
ખાંડવવનનાં માંસભક્ષી જીવોનું ભક્ષણ એ જ એકમાત્ર ઉપાય! 1 - image

- સનાતન તંત્ર - બ્રહ્મચારી પરખ ઓમ

સતત 112 વર્ષ સુધી ઘી અને હવનસામગ્રી વડે રાજા શ્વેતકિએ અર્પણ કરેલી આહુતિઓનો સ્વીકાર કર્યા પછી અગ્નિદેવ હવે એકપણ યજ્ઞામાં ભોજન તરીકે આહુતિ ગ્રહણ કરી શકે એવી સ્થિતિમાં નહોતાં રહ્યાં. લાંબા સમય સુધી એમના અપચાની સમસ્યા ન સુધરવાને કારણે હવે તેઓ અત્યંત કૃષકાય થઈ ચૂક્યાં હતાં અને સંપૂર્ણપણે નિસ્તેજ થઈને પોતાની અંતિમ ક્ષણો ગણી રહ્યાં હતાં. અહીંયા સુધીની વાચનયાત્રા ગતાંક સુધી જોઈ, હવે આગળ.

ત્રિદેવ દ્વારા એમને ઉપાય દર્શાવવામાં આવ્યો કે જો ખાંડવવનમાં રહેતાં ખૂંખાર-માંસભક્ષી જીવોનું ભક્ષણ કરવામાં આવે, તો એમના હાડમાંસથી બનેલાં શરીરનો માંસાહાર કરવાથી અગ્નિદેવના સ્વાસ્થ્યમાં સુધાર આવી શકે એમ છે.

ઘણી વખત જુદા જુદા પ્રકારની ગંભીર બિમારીઓમાં દાક્તર દ્વારા દર્દીને મર્યાદિત માત્રામાં માંસાહાર કરવાની સલાહ આજની તારીખે આપવામાં આવે છે. કેટલાંક લોકો પ્રાટિનની ખપ પૂરી કરવા માટે પણ નૉન-વેજ ફૂડનો આગ્રહ રાખે છે. ફિશ-ઑઈલને આજે એક મહત્ત્વપૂર્ણ સપ્લિમેન્ટ માનવામાં આવે છે, જેનું સેવન ઑમેગા-૩ જેવી દવાઓ થકી રોજિંદા જીવનમાં ઘણાં લોકો કરતાં હોય છે. આ શ્રેણીમાં શાકાહારી લોકોનો પણ સમાવેશ થાય છે. કેટલાંક કિસ્સામાં ચિકિત્સક દ્વારા મર્યાદિત માત્રામાં આલ્કૉહાલનું સેવન કરવાની સલાહ પણ હવે તો સામાન્ય થઈ ગઈ છે. કફ-સીરપથી માંડીને કેટલીક મહત્ત્વપૂર્ણ દવાઓમાં પણ એનું પ્રમાણ જોવા મળે છે. આથી જ, મોટાભાગની એલૉપથી દવાઓના રેપર પર શાકાહારી (ગ્રીન ટેગ) અથવા માંસાહારી (રેડ ટેગ) તત્ત્વોનાં ચિહ્નો જોવા નથી મળતાં. એનું એક કારણ એ છે કે દવા લેતી વખતે દર્દીના મનમાં દવા પરત્વે જો ઘૃણા અથવા નકારાત્મક ભાવ જન્મે, તો કદાચ એનો ધ્યેય પૂર્ણ ન થાય. રૂઢિગત માનસિકતા અથવા માંસાહાર ગ્રહણ ન કરવાના સંકલ્પને કારણે દર્દી સ્વસ્થ ન થઈ શકે, તો એ સ્વાસ્થ્ય માટે વધુ નુકશાનકારક પૂરવાર થાય અને સમય સાથે શરીર વધારે ને વધારે કથળતું જાય.

બસ, આવો જ એક ઉપાય અગ્નિદેવને પણ આપવામાં આવ્યો હતો. અહીં સારા-નરસાની વાત નહોતી, ભલા-બૂરાની પણ વાત નહોતી. નૈતિકતા-અનૈતિકતાનાં માપદંડને સ્વાસ્થ્ય માટે નેવે મૂકીને અગ્નિદેવને બને એટલી જલ્દી સ્વસ્થ કેમ કરી શકાય, એના માટેનો આ એક માર્ગ હતો. એથી વિશેષ કશું નહીં.

અગ્નિદેવ પણ પોતાના સ્વાસ્થ્યને કારણે એટલી તકલીફ અને પીડામાં હતાં કે એમણે બીજું કશું વિચાર્યા વિના દેવતાઓની સલાહને શિરોધાર્ય માની ખાંડવવનનું ભક્ષણ કરવાનું નક્કી કર્યુ. જેવા તેઓ ખાંડવવન પહોંચ્યા કે તરત એમણે પોતાનું કાર્ય આરંભ્યું, પરંતુ સમસ્યા એ થઈ કે ખાંડવવનનાં રાજા તરીકે નાગરાજ તક્ષક ત્યાં બિરાજમાન હતાં. અત્યંત ઝેરીલાં સર્પોમાં નાગશિરોમણિ તરીકે એમની ગણના થતી હતી. એમનો સમસ્ત પરિવાર પણ ખાંડવવનમાં જ નિવાસ કરતો હતો.

દેવરાજ ઈન્દ્ર (કે જેઓ વર્ષાનાં દેવ મનાય છે તેઓ) નાગરાજ તક્ષકનાં ખાસ મિત્ર હતાં. આથી, જેવું અગ્નિદેવે ખાંડવવનનું ભક્ષણ કરવા માટે ત્યાં દાવાનળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, કે તરત નાગરાજ તક્ષકે દેવરાજ ઈન્દ્રનું સ્મરણ કર્યુ. હજુ તો વડવાનલ સમસ્ત જંગલમાં બરાબર રીતે પ્રસરે અને અગ્નિદેવ માંસભક્ષી પ્રાણીઓનું ભક્ષણ શરૂ કરે, એ પહેલાં જ દેવરાજ ઈન્દ્રએ સમસ્ત અરણ્ય ઉપર ધોધમાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી દીધી. એક તો અગ્નિદેવ પહેલેથી શક્તિહીન, ને ઉપરથી દેવરાજ ઈન્દ્ર સામે ઝીંક ઝીલવાની વાત! આખરે કેટલો સમય તેઓ ટકી શકે? અંતે, ખાંડવવનની આગ બૂઝી ગઈ અને નાગરાજ તક્ષકની જીત થઈ.

આમ છતાં, અગ્નિદેવ પણ એમ કંઈ સરળતાપૂર્વક પરાજય સ્વીકારી લે એમાંના નહોતાં. એમણે બીજી વખત ખાંડવવનમાં દાવાનળ ફેલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીજી વખત પણ દેવરાજ ઈન્દ્રએ વચ્ચે કૂદીને નાગરાજ તક્ષકની સહાય કરી અને વરસાદને કારણે ફરી આગ બૂઝી ગઈ.

... ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠી વખત!

છ-છ વખત પ્રયાસો કર્યા પછી પણ અગ્નિદેવ ફાવ્યા નહીં અને દર વખતે નાગરાજ તક્ષક અને દેવરાજ ઈન્દ્રની મિત્રતા જીતી જતી હતી. હવે અગ્નિદેવમાં ઊર્જા ન રહી. તેઓ સંપૂર્ણપણે મૃતપાય થઈ ગયાં અને ખાંડવવનનાં એક શાંત ખૂણે પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરવા માંડયા.

... અને એ સમયે દ્વાપરયુગમાં એમને સર્વપ્રથમ વાર દર્શન થયાં, સાક્ષાત્ શ્રીકૃષ્ણનાં! આગળની કથા આગામી અંકે.