Get The App

જેકબ બેહમનો આત્મા દેહના બંધનમાંથી છૂટી શકતો નહોતો!

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
જેકબ બેહમનો આત્મા દેહના બંધનમાંથી છૂટી શકતો નહોતો! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- પ્રભાસ ક્ષેત્રનાં વનમાં તદ્દન એકાંત અવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું બાણ વાગતા એમણે દેહ છોડયો. એથી એ ય સિદ્ધ થયું કે અવતાર પણ દેહનાં મૃત્યુથી પર નથી

મા નવજીવન સમક્ષ મૃત્યુ એ એક પડકાર છે. એક એવો પડકાર છે કે જેની ખોજ વીરથી માંડીને વિદ્વાન સુધી, ચિંતકથી માંડીને વિજ્ઞાની સુધી, સંપત્તિવાનથી સરમુખત્યાર સુધી સહુ કોઈ કરી રહ્યા છે અને એક યા બીજા પ્રકારે એનાથી બચવાનો ઉપાય અજમાવે છે. મૃત્યુ શું છે ? શરીરની ક્ષણભંગુરતા શું ? મૃત્યુ પછીની સ્થિતિ કઈ ? આત્માની દશા કેવી ? એ વિશે ઘણી વ્યક્તિઓએ જુદી જુદી વિચારણા આપી છે.

એક અર્થમાં કહીએ તો મૃત્યુ એ આ જગતનું પરમ સત્ય હોય, છતાં આ સત્યનું હાર્દ આપણે પામી શક્યા નથી. માનવી દરિયાનાં વિશાળ જલરાશિની અંદર પેટાળમાં ઉતરીને એમાં ઊગતી વનસ્પતિ જુએ છે અને એ જ માનવી ચંદ્ર કે મંગળની ધરતીનો તાગ મેળવે છે. આ માનવીએ અંતરિક્ષમાં આરોહણ કર્યું છે, તો પૃથ્વીના દુર્ગમ પ્રદેશોમાં એણે યાત્રા કરી છે. વિજ્ઞાન દ્વારા એણે જીવન અને જગતનાં ઘણાં રહસ્યો ઉકેલ્યાં છે, છતાં એમ કહેવું જોઈએ કે, મૃત્યુ એક એવી બાબત છે કે જેના રહસ્યને આજ સુધી એ ઉકેલી શક્યો નથી, એનું સ્વરૂપ કેવું છે તે તે જાણતો નથી, કઈ ક્ષણે અને કઈ ઘડીએ મૃત્યુ આવશે એની એને ખબર નથી અને એ ગમે તેટલું ઇચ્છે તો પણ એ મૃત્યુને એક ક્ષણ પણ અટકાવી શકતો નથી.

આપણે જાણીએ છીએ કે સોમનાથ નજીક પ્રભાસ ક્ષેત્રનાં વનમાં તદ્દન એકાંત અવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું બાણ વાગતા એમણે દેહ છોડયો. એથી એ ય સિદ્ધ થયું કે અવતાર પણ દેહનાં મૃત્યુથી પર નથી. બીજા અર્થમાં કહીએ તો કાળ કોઈને છોડતો નથી અને જેમ જન્મની ઘડી અજ્ઞાત છે તેમ મૃત્યુની ક્ષણ પણ અજ્ઞાત છે. કેટલાક એને અનિવાર્ય ઘટના ગણીને એ મૃત્યુને મંગલમય બનાવવાનું કહે છે. કોઈ એને 'કલ્યાણમિત્ર' અર્થાત્ કલ્યાણ કરનાર મિત્ર તરીકે ઓળખે છે, તો કોઈ મૃત્યુને મહાભિનિષ્ક્રમણ તરીકે ઉજવવાનો આગ્રહ રાખે છે.

આ મૃત્યુ પછીની સ્થિતિ અને ગતિ કેવી હશે ? તો સંત તુકારામ કહે છે કે, 'મેં મારી આંખથી મૃત્યુ જોયું. એ એક અનુપમ ક્રિયા હતી. ત્રિભુવનમાં આનંદ ફેલાયો. જીવનમાં એક જ આત્મા પ્રસરી રહ્યો, હું સાંકડી જગામાં રહેતો હતો હવે શરીરનાં ત્યાગ કર્યા પછી ઇશ્વરી વૈશ્વિક નિવાસમાં વસું છું.'

જર્મન તત્ત્વચિંતક શોપનહોવર મૃત્યુને 'તત્ત્વજ્ઞાનની દેવી' તરીકે ઓળખાવે છે. જિંદગીના અંતને આશીર્વાદ માને છે, કારણ કે એને કારણે જ એટલે કે મૃત્યુને કારણે જ માનવી તત્ત્વચિંતન તરફ વળ્યો છે. એના કહેવા મુજબ ધર્મ અને તત્ત્વચિંતન મૃત્યુની નિશ્ચિતતા સમજવાનું કાર્ય કરે છે, જેથી આપણે જરા પણ ગભરાયા વિના બિહામણા લાગતા મૃત્યુનું મુખ જોઈ શકીએ.'

ફાયરબાર્ક નામના જર્મન ચિંતકે મૃત્યુનું અસ્તિત્ત્વ હોવા છતાં જિંદગીને ભરપૂર જીવવી જોઈએ અને મૃત્યુને તેઓ પ્રેમનાં સાતત્યને વ્યક્ત કરનાર આત્મબલિદાન તરીકે ઓળખાવે છે. તો બીજી બાજુ એને સંધ્યાકાળનો તારક અર્થાત્ આત્મપ્રકાશના પ્રાતઃકાળ તરીકે ઓળખાવે છે.

આમ મૃત્યુ વિશે અનેક વિરલ અનુભવો જોવા મળે છે. અહીં આપણે મૃત્યુ બાદનાં જર્મનીમાં જન્મેલા આધ્યાત્મિક પુરુષ જેકબ બેહમના અનુભવને જોઈએ. પોતાના સાહિત્ય દ્વારા બૌદ્ધિક વિચારણાની દુનિયામાં પરિવર્તન આણનાર એવો આ રહસ્યવાદી સર્જક એક વિરલ આધ્યાત્મિક અનુભવ પામ્યો હતો.

એણે વર્ષો સુધી પોતાની આંતરપ્રેરણા મુજબ પોતાના વિચારો લખ્યા અને ત્યારબાદ સમય જતાં એને પ્રગટ કર્યાં. માત્ર પચીસ વર્ષની વયે જેકબને આંતરિક પ્રકાશનો અનુભવ થયો. શ્રી માર્ટેન્સન તેનું વર્ણન આપતાં કહે છે કે ઃ

એક દિવસ ઘરના એક ખંડમાં બેઠા હતા, ત્યારે તેમની દ્રષ્ટિ એમની સામે પડેલી એક રકાબી પર ગઈ. એ રકાબી ઉપર સૂર્યનો અદ્ભૂત જ્યોતિર્મય પ્રકાશ પડતો હતો અને ત્યાંથી પાછો ઠેલતો હતો, તે દ્રશ્યની ચમત્કારિક અસરથી જેકબનું અંતર અપૂર્વ આનંદ અનુભવવા લાગ્યું.

તેમને લાગ્યું કે તેઓ વસ્તુઓના મૂળના ઊંડા જ્ઞાનમાં જઈ શકશે. તેઓ જે વિચારતાં તે એક કલ્પના હતી એમ તેમણે માન્યું. પછી જ્યારે તેઓ લીલીછમ વનસ્પતિથી દીપતી જગ્યા પર ગયા અને છોડ તથા ઘાસની ભીતરમાં દ્રષ્ટિને એકાગ્રતાથી સ્થિર કરી, ત્યારે તેમણે જે અંદરમાં જોયું હતું તેની સાથે વાસ્તવિકતાને કુદરતની સ્થિતિની એકરૂપતા હતી.

આ અનુભવ પ્રસાદની વાત તેમણે કોઈને જણાવી ન હોતી, પરંતુ મનમાં જ મૌનપણે તેમણે ઈશ્વરની ગુણપ્રશંસા કરી અને તેમનો અતિ ઉપકાર માન્યો.

એ જ અનુભવ સંબંધમાં શ્રી હાર્ટમેન જણાવે છે કે ઃ

લગભગ ૧૬૦૦ની સાલમાં જેકબ ફરીને દિવ્ય તેજથી ઘેરાઈ ગયા અને તેમને ઊંડા ગુપ્ત જ્ઞાનના ઉઘાડનો લાભ સંપ્રાપ્ત થયો. બહાર લીલા ખેતરમાં જતાં તેમના આંતરપ્રકાશમાં છોડ અને ઘાસની અંતરંગ સ્થિતિ પ્રતિબિંબિત થતી એટલું જ નહીં, પણ તેમના જ્ઞાનમાં તે વનસ્પતિના ગુણધર્મ અને ઉપયોગ આવી જતા. એ જ પ્રમાણે તેઓ આ પૃથ્વી પરના સર્જનને સૂક્ષ્મતાએ નિહાળતા અને ગુપ્ત રહસ્યોના ઉઘાડથી તેમની સમજમાં જે વૃદ્ધિ થતી તે જોઈ તેમના આનંદની કોઈ અવધિ રહેતી નહીં. તેઓ ખૂબ શાંતિમાં અને મૌનપણે રહેતા.

આમ ઈ.સ. ૧૬૧૦ સુધી ચાલ્યું અને ત્યાં સુધી થયેલા અનુભવો ગુપ્ત રહ્યા હતા. એ સમયે તેમણે તેમનું પ્રથમ પુસ્તક 'અરોરા' લખ્યું. ૧૬૧૦માં આત્મપ્રકાશનો બીજો વિશેષ ઊંડાણવાળો અનુભવ થયો, જેમાં તેઓને કુદરતના દૈવી ક્રમની જાણ થતી, ઝાડના થડમાંથી ભિન્ન ભિન્ન ડાળીઓ, પાંદડાં, ફૂલો અને ફળો કેવી રીતે પ્રગટ થાય છે તેમનું સૂક્ષ્મ જ્ઞાન તેમને થતું.

તેઓ પોતે જ તેમને થયેલા પૂર્ણ જ્યોતિનાં દર્શન સંબંધે જણાવે છે, 'મારા માટે દરવાજો ખુલી ગયો, યુનિવર્સિટીનાં ઘણાં વર્ષોના અભ્યાસ દ્વારા જે મળે, તેના કરતાં ઘણું અધિક જ્ઞાન અનુભવની માત્ર પંદર મિનિટમાં મેં જોયું છે અને જાણ્યું છે, તે માટે પ્રભુનો અત્યંત ઉપકાર માનું છું.'

આ પ્રભુના સેવક અને અધ્યાત્મ અનુભવની મીઠાશના વારંવારના ઇચ્છુક શ્રી જેકબના જીવનના અંતકાળની વાત પર આવીએ.

રાત્રિના એક વાગ્યા પહેલાં જેકબે પોતાના પુત્ર ટોબીયસને પોતાની પથારી પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તેણે મધુર સ્વરથી ગવાયેલ સુંદર સંગીત સાંભળ્યું કે નહીં ? અને ત્યાર પછી એ દિવ્ય સંગીત સારી રીતે સાંભળી શકાય તેટલા માટે ખંડનું બારણું ખોલી નાખવા કહ્યું.

થોડી વારે 'અત્યારે કેટલા વાગ્યા છે ?' એ તેમના પ્રશ્નના ઉત્તરમાં 'ઘડિયાળમાં બે વાગ્યા છે' એમ જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, 'હજુ મારા માટેનો સમય આવ્યો નથી. મારા સમય માટે હજુ ત્રણ કલાક બાકી છે.'

થોડી વારની વિશ્રાંતિ બાદ તેઓ સહજ જ બોલ્યા, 'તું સર્વશક્તિમાન પ્રભુ છે. તારી ઇચ્છા મુજબ મારું રક્ષણ કરજે.' તે જ પ્રમાણે થોડો સમય વીત્યા બાદ ફરી કહ્યું,

'હે નાથ ! હે પ્રભુ, મારા પર દયા કરજે અને મને તારી પાસે તારા સ્થાનમાં લઈ જજે.'

પ્રભુમાં પરમ પ્રેમ લાવી પ્રભુના સેવકના મુખમાંથી કેવાં અવસરને યોગ્ય વચનો નીકળે છે ! દેહ અને ભોગના સંસારી ભાવો કેવી અદ્ભુત રીતે વિરામ પામી જાય છે. પ્રભુ પ્રેમનો મહિમા જ કોઈ અપરંપરા હોય છે ! તે તો માત્ર અનુભવથી જ જાણે છે અને 

માણે છે.

ત્યાર પછી તેમણે તેમની પત્નીને પોતાનાં પુસ્તકો તથા બીજી કેટલીક વ્યવાહરિક બાબતો સંબંધી સૂચનાઓ આપી અને વધુમાં જણાવ્યું કે તે પોતાના મૃત્યુ બાદ લાંબું જીવશે નહીં. (અને ખરેખર તેમ જ બન્યું હતું.) પોતાના પુત્રોની આખરી રજા લેતાં તેમણે આખરના શબ્દો ઉચ્ચાર્યા ઃ

'હવે હું સ્વર્ગમાં જઈશ.'

સૌથી મોટા પુત્રની પ્રેમાળ દ્રષ્ટિથી પોતાનો આત્મા દેહના બંધનમાંથી છૂટી શકતો નથી એમ જણાતા તેમણે તે પુત્રને પોતાનું પડખું ફેરવવા ઈશારાથી જણાવ્યું અને તેમ થતાં જ તેમણે એક ઊંડો શ્વાસ છોડયો. તેમનો આત્મા દેહમુક્ત થયો અને જેઓએ અનુભવથી જાણી છે તે ઉચ્ચ ગતિમાં તે આત્માએ સ્થાન લીધું. જુઓ, તેમના અંતિમ વચનો કેવાં સૂચક અને સચોટ છે ! પોતાને મૃત્યુ બાદ ક્યાં જવાનું છે અને જશે તે કેવી હિંમતથી ચોક્કપણે જણાવે છે ! ત્યાં નથી કોઈ વિકલ્પ, નથી કોઈ ભય કે અન્ય કોઈ અન્યથા ભાવ ! જે છે તે નિશ્ચિયરૂપ ભાવ છે. સંતોષનો ભાવ છે.